- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પ્રેમના ચમત્કારો – અનુ. સુનીતા નિમાવત

[ થોડાક વર્ષો પહેલા અમેરિકાના ‘એડમ્સ મિડિયા કૉર્પોરેશન’ દ્વારા પ્રકાશિત અને બે લેખિકાઓ યિટ્ટા હલ્બરસ્ટામ અને જુડિથ લેવેન્થેલ દ્વારા લિખિત ‘સ્મોલ મિરેકલ્સ’ નામના પુસ્તકે ખાસ્સી ધૂમ મચાવી હતી. આ પુસ્તકમાં લોકોના જિવાતા જીવનમાં બનેલી બિલકુલ સાચુકલા ચમત્કારોની વાત છે. આવા નાના નાના ચમત્કારો જગતના અસ્તિત્વના ગૂઢ અર્થને પ્રકટ કરે છે. આ પુસ્તકની પ્રસ્તાવના ડૉ. બર્ની સીગલે લખી છે. તેઓ લખે છે કે વાસ્તવમાં કોઈ ઘટના અમસ્તી નથી બનતી, તે તો પ્રભુના સર્જન અને આપણા પ્રતિભાવનો હિસ્સો જ હોય છે. આ પુસ્તકની લેખિકાઓ કહે છે કે ‘જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણને પ્રભુની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. પ્રભુનો ન દેખાતો હાથ સતત આપણને દોરે છે.’ ‘સ્મૉલ મિરેકલ્સ’ ના તો એ પછી બે ભાગો પણ પ્રકાશિત થયા. અત્રે એ પુસ્તકમાંથી પ્રેમના ચમત્કારને પ્રતિપાદન કરતો એક પ્રસંગ પ્રસ્તુત છે. આ પ્રસંગ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અને શ્રી ડંકેશ ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘વાંચન વિશેષ-2001’ માંથી લેવામાં આવ્યો છે.’ ]

આ વાર્તા છે બીજા વિશ્વયુદ્ધના સમયની. હિટલરના નાઝીવાદે યુરોપ પર ભરડો લીધો હતો. હિટલરના પાગલ અને ઝનૂની દિમાગે ચોમેર હિંસાનું તાંડવ ખેલ્યું હતું. તેણે લાખો યહૂદીઓની કતલ કરી હતી. લાખો યુદ્ધકેદીઓ જર્મન કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મોતની જિંદગી જીવી રહ્યા હતા. ઘણી વાર હિટલર યુદ્ધ કેદીઓને ગૅસ ચેમ્બરમાં કેદ કરીને ગૂંગળાવીને મારી નાખતો. આવી યાતનાઓનું વર્ણન વાંચતાં આજે પણ આપણે કમકમાટી અનુભવીએ છીએ. આવી યાતનાઓ વચ્ચે પાંગરેલા પ્રેમની આ સત્યકથા છે. મુશ્કેલીઓ, દર્દો અને યાતનાઓની વચ્ચે પણ ખીલે તે પ્રેમ. દુ:ખના ડુંગરાઓ તૂટી પડ્યા હોય ત્યારે પણ પ્રેમ જીવનને પોષે છે, જીવવા પ્રેરે છે તે સંદેશ આ નાનકડી કથા આપણને આપે છે.

1942નો એ ઠંડોગાર દિવસ હતો. હિટલરના એ નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં એકલોઅટૂતો છોકરો શૂન્ય નજરે બેઠો હતો ને અચાનક એ છોકરાએ કાંટાળા તારની વાડને પેલે પાર પસાર થઈ રહેલી છોકરીને જોઈ. પેલી છોકરીને પણ આ છોકરાની હાજરીની ગજબની અસર થઈ. કશીય વાતચીત નહીં, કોઈ શાબ્દિક આપ-લે નહીં, કોઈ સંબંધ નહીં ને તોય કોણ જાણે કેમ એ છોકરીને પોતાની અંદર હિલ્લોળાતી લાગણીની નદી અનુભવાઈ. એ છોકરીએ લાલચટ્ટક સફરજન વાડ પરથી પેલા છોકરા તરફ ફેંક્યું. સફરજન એટલે જિંદગીની નિશાની, આશા અને પ્રેમની નિશાની. છોકરાએ નમીને સફરજન ઉપાડી લીધું. – જાણે કે એની અંધકારમય જિંદગીમાં પ્રકાશનું એક કિરણ પ્રવેશ્યું.

પછી છોકરાનેય કોણ જાણે શું થયું કે દરરોજ એ એની રાહ જોવા માંડ્યો. છોકરીના મનમાં પ્રેમની નદી તો છોકરાના હૃદયમાં પ્રેમનો દરિયો ઘૂઘવવા લાગ્યો. છોકરાને પેલી છોકરીને ફરી ફરી જોવાની ઈચ્છા થવા લાગી. તેને જોવાની પ્રબળ ઝંખના સાથે વળી વળીને તેની આંખો વાડની પેલે પાર તાકી રહેતી. તેની નજર વિશ્વાસસભર આશા અને વાડની પેલે પાર મંડાયેલી રહેતી ને પેલી બાજુ પેલી છોકરી પણ એ દુ:ખી ને એકલવાયા છોકરાને જોવા ઝંખતી રહેતી. ખબર નહીં શું સંબંધ હતો એ બન્ને વચ્ચે કે એ છોકરાનાં દુ:ખ અને એકલતા એને અંદર સુધી સ્પર્શીને હલબલાવી મૂકતાં. સમય પસાર થતાં બન્ને વચ્ચેનું ખેંચાણ એટલું વધ્યું કે શિયાળુ પવન સાથેની બરફવર્ષામાં કે તીરની જેમ ભોંકાતી ઠંડીમાં પણ બે મન (હૃદયો) તો હૂંફાળાં જ રહેતાં. ને ફરી પાછું એક સફરજન કાંટાળી વાડ પરથી પસાર થતું ને બીજી બાજુ પ્રેમનો સંદેશ બની અકબંધ પહોંચી જતું. આ દશ્ય ફરી ફરી દરરોજ ભજવાતું ને આમ ને આમ દિવસો વીતી ગયા. અલગ અલગ બાજુઓ પર રહેતાં બે યુવાન હૃદયને એકબીજાને જોવાની સતત તડપ, રાહ રહેતી. ભલેને પછી એ એકાદ ક્ષણ માટેનું જ દર્શન કેમ ન હોય ? પરસ્પરના પ્રેમ કે સંબંધમાં હંમેશાં અવર્ણનીય પ્રોત્સાહન અને શક્તિની આપ-લે થતી હોય છે. કંઈક એવું જ એ બન્ને વચ્ચે થયું.

ને એવા જ અલપઝલપ અંતિમ મિલન વખતે, એ યુવાને પેલી યુવતીને કહ્યું, ‘કાલથી મારા માટે સફરજન ન લાવીશ. હું અહીં નહીં હોઉં. આ લોકો મને બીજા કૅમ્પ પર મોકલી દેવાના છે.’ ને ભગ્નહૃદયી છોકરો એકપણ વાર પાછળ જોયા વિના ચાલ્યો ગયો.

ત્યાર પછી દુ:ખની પળોમાં હંમેશાં એની આંખો, એના શબ્દો, એની ગંભીરતા અને એનું લાલચટ્ટક સફરજન – આ બધું જ રાત્રે સ્વપ્નોમાં આવીને મધરાતે એને પરસેવે રેબઝેબ કરી મૂકતાં. તેનો સમગ્ર પરિવાર યુદ્ધમાં મૃત્યુ પામ્યો. એનું આખું જીવન બદલાઈ ગયું ને પહેલાંનું સુખી, પ્રેમસભર જીવન તો જાણે કે અદશ્ય જ થઈ ગયું, પરંતુ પેલી મીઠડી છોકરી અને એની મૂક લાગણી તેની યાદમાં જીવંત આશા બનીને વહેતાં રહ્યાં.

પરંતુ સમયને વહેતાં તો વાર જ ક્યાં લાગે છે ? 1957માં અમેરિકામાં બહારથી આવીને વસેલાં પુખ્ત વયનો યુવક અને યુવતી એકબીજાને અવારનવાર મળતાં હતાં. આ પરિચય પરિણયમાં પલટાવાની શક્યતા હતી. એક દિવસે સ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, ‘તમે યુદ્ધ વખતે ક્યાં હતા ?’
‘હું જર્મનીમાં કોન્સન્ટ્રેશન કૅમ્પમાં હતો.’ પુરુષ બોલ્યો.
‘મને યાદ છે કે હું કાંટાળી વાડની પેલે પાર કોન્સન્ટ્રેશન કૅમ્પના બંદી છોકરાની તરફ રોજ સફરજન ફેંકતી.’ એ સ્ત્રીએ યાદોમાં ખોવાતાં કહ્યું.
અદમ્ય આશ્ચાર્યાઘાતની લાગણી સાથે પુરુષ બોલ્યો : ‘તમને એ છોકરાએ એક દિવસ કહેલું કે હવે તું સફરજન નહિ લાવતી, કારણકે હવે મને બીજા કૅમ્પમાં મોકલવાના છે ?’
‘હા કેમ ?’ એ બોલી, ‘પણ તમને એ વાતની કેવી રીતે ખબર ?’
એણે એની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘હું જ એ છોકરો છું.’ થોડી વારના મૌન પછી એણે વાત ચાલુ રાખી. ‘હું ત્યારે તારાથી અલગ પડી ગયો પણ હવે પછી હું તારાથી ક્યારેય અલગ નહીં થાઉં. શું તું મને પરણીશ ?’ યુવતીએ મૌન સંમતિ આપી અને બન્ને પ્રેમભર્યા આલિંગનમાં જકડાઈ ગયાં.

1996ના વેલેન્ટાઈન્સ ડે ના રોજ ‘ઓપ્રાહ વિન્ફ્રે શૉ’ નામના અમેરિકન ટેલિવિઝન શૉમાં એ માણસે રૂબરૂ મુલાકાતમાં પોતાની પત્ની અને એના 40 વર્ષના સતત, પ્રબળ પ્રેમની સાબિતી આપેલી. ‘તેં મને કોન્સન્ટ્રેશન કૅમ્પમાં સફરજનથી પોષેલો અને આટલાં વર્ષોથી તું સતત અન્નપૂર્ણા બનીને મને પોષે છે પણ હજુય હું ભૂખ્યો છું – માત્ર મારા પ્રેમનો.’ જીવનની વિષમ ક્ષણોમાં પણ સુખદ ભવિષ્યનાં બીજ રોપાયેલાં હોય છે.