જીવનની બેલેન્સશીટ – મૃગેશ શાહ

વ્યક્તિ જીવનભર સતત એ પ્રયાસ કરતો રહે છે કે આવનારા સમયમાં પોતે વધારે ને વધારે સારી રીતે જીવે. બાળકોને શિક્ષણ શા માટે આપવામાં આવે છે ? કારણકે આવનારા ભવિષ્યમાં તેઓ વધારે સારી રીતે જીવનને માણી શકે. નોકરી-ધંધો, તમામ પ્રકારના ઉચ્ચ હોદ્દાઓ, તમામ સિદ્ધિઓ અને સમાજના વિવિધ પ્રકારના ઉચ્ચ પદો – એ બધું ક્યાં જઈને અટકે છે ? જીવનને ઉત્તમ રીતે માણવામાં. ઑફિસનો એક કારકૂન છે એના કરતા તેમના ઉપરી ઑફિસર વધારે સારી રીતે રહી શકતા હશે એમ આપણે માનીએ છીએ. વળી, એથી ઉપર મેનેજર હશે, એ ઑફિસરથી પણ વિશેષ પ્રકારની સુખસગવડ ભોગવતા હશે એમ લાગે છે.

સમાજના તમામ પ્રકારના હોદ્દા, વિવિધ પદો અને ઉચ્ચ સ્થાનો આપણને બહારથી રૂપાળા દેખાય છે પરંતુ એ સ્થાનની જેમ જેમ નજીક જઈએ તેમ વાસ્તવિક દ્રશ્ય તો કંઈક જુદુ જ દેખાય છે ! દાખલા તરીકે આપણે ત્યાં માતા-પિતાની બાળપણથી ઈચ્છા બાળકોને ડૉક્ટર કે એ પ્રકારના કોઈ ઉચ્ચ શિક્ષણ અપાવવાની હોય છે. આ વાત સાંભળવામાં સારી લાગે છે પરંતુ જ્યારે વાસ્તવિકતાનો સામનો કરવામાં આવે છે ત્યારે તેમાંથી અનેક પ્રકારની તાણ ઊભી થતી હોય છે. ડૉક્ટર બનવા માટે મેરીટ-લીસ્ટમાં સ્થાન મેળવવા આકરી મહેનત, અનેક રાતોના ઉજાગરા અને એ પછી પણ જો એડમિશનમાં રહી જવાય તો ડિપ્રેશન ! કદાચ ડૉકટર બની જવાય તો પણ પ્રેકટિસ ચલાવવા માટેની મહેનત, આખો દિવસ કલીનીકમાં ગાળવાને લીધે કૌટુંમ્બીક સાન્નિધ્યનો અભાવ વગેરે વગેરે.

તો મૂળભૂત સવાલ એ ઊભો થાય છે કે વ્યક્તિ જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને એ માટેના ઉપાયો શોધીને અભ્યાસ, વ્યવસાય, નોકરી વગેરેમાં પુષ્કળ મહેનત કરે છે તો એ સુખ આપનારા સાધનો જીવનમાં આપણને ક્યાંક અમુકવાર દુ:ખ, તાણ, બોજ અને નિરાશા કેમ આપે છે ? હકીકતમાં તો વ્યક્તિ સુખના સાધનો પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવવાના પ્રયાસો કરતો હોય તો એના જીવનમાં ધીમે ધીમે સુખની/આનંદની માત્રા વધતી જવી જોઈએ. જેમકે, મારે ડૉક્ટર બનવું હોય તો ક્રમશ: જેમ જેમ હું આગળ અભ્યાસ કરતો જઉં તેમ મારો આનંદ વધતો જવો જોઈએ અને એકવાર ડૉક્ટર બન્યા પછી મને સુખની અનુભૂતિ થવી જ જોઈએ. પરંતુ હકીકતમાં તેમ થતું હોય એવું જણાતું નથી.

હવે કદાચ કોઈ એમ માને કે ‘જીવનમાં માણસે કંઈક પ્રાપ્ત કરવું હોય તો મહેનત તો કરવી જ જોઈએ. મહેનત કર્યા વગર ક્શું પ્રાપ્ત થતું નથી.’ પરંતુ આ સત્ય નથી. ‘મહેનત’ અને ‘સંધર્ષ’ એ બંને શબ્દોમાં ઘણો ફરક છે. સખત મહેનતનો અંત શાંતિમાં આવે છે જ્યારે સંધર્ષનો અંત તાણ અને અશાંતિમાં આવે છે. એક સર્જનકાર કોઈ શિલ્પનું નિર્માણ કરવામાં 12 કલાક પોતાના કાર્યમાં મગ્ન થઈ જાય તો એ તેની મહેનત છે અને એ મહેનતના અંતે જ્યારે શિલ્પ નિમાર્ણ થાય છે અને તેને જોઈને તેને જે પ્રસન્નતા થાય છે તે તેનો બધો જ થાક ઉતારી નાખે છે, એ સાચી રીતે શાંતિ પામે છે. ‘મારે ડૉક્ટર બનવાનું છે, જો હું નહિ વાંચુ તો મને મેરીટમાં સ્થાન નહીં મળે એટલે મારે રાત્રે જાગીને પણ આટલું તો વાંચવું જ પડશે’ – આ વસ્તુ ‘મહેનત’ નથી, ‘સંધર્ષ’ છે. એનાથી કોઈ દિવસ શાંતિ ના મળે, હા કદાચ સફળતા મળે – પણ તેનોય આનંદ તો મહેસૂસ ના થાય, કારણકે આગળ બીજો સંધર્ષ આવીને ઊભો હોય !

ટૂંકમાં આ તમામ પ્રકારના સંધર્ષ, તાણ, અશાંતિ, અસ્વસ્થતા એ બધાનું મૂળ કારણ ‘અસાહજિકતા’ જણાય છે. દેખાદેખી કરવાની રીત આપણે ખૂબ ભારે પડી રહી છે. સ્પર્ધાત્મક જીવન શું શાંતિ આપી શકે ? આપણું જીવન સહજ હોવું જોઈએ. સહજ કર્મ સ્વાભાવિક શાંતિ અને પ્રસન્નતાને લઈને જ આવે છે. એ કર્મ કર્યા પછી બીજા કોઈ કાર્ય દ્વારા શાંતિ મેળવવાની જરૂર નથી પડતી. વ્યક્તિ પોતાની ક્ષમતા, પોતાની રૂચીને ધ્યાનમાં લઈને એ દિશા તરફ ગતિ કરે તો અસ્વસ્થતા જરૂરથી ઓછી થાય. કર્મ કરવાની કુશળતાથી જ કર્મનો આનંદ પ્રાપ્ત થાય છે.

મારો મિત્ર 6 કલાક સુધી આરામથી વાંચી શકે છે, તે ચોપડી હાથમાં લઈને તેમાં રીતસર એકાગ્ર થઈ જાય છે, ડૂબી જાય છે – એ તેને માટે સ્વાભાવિક છે કારણકે એમાં તેની રૂચિ છે અને રસ પણ છે. 6 કલાક વાંચ્યા પછી પણ એ ફ્રેશ દેખાય છે અને આરામથી બીજા અન્ય કાર્યો કરી શકે છે. ‘હવે મારે પણ એની જેમ વાંચવું છે, મારે પણ ઉચ્ચ ડિગ્રીઓ મેળવવી છે, મારે પણ રેપ્યુટેશન જોઈએ છે તો હું પણ એની જેમ 6 કલાક વાંચીશ.’ – જો આ ધ્યેય રાખીને હું વાંચું તો મારે 6 કલાક વાંચ્યા પછી ફ્રેશ થવા માટે 3 કલાક ફિલ્મ જોવા જવું પડશે. આ બહુ જ નક્કર વાસ્તવિકતા છે. અત્યારે આપણને મનોરંજન માટે ફિલ્મ, ટીવી, ડિસ્કોથેક અને જાતજાતના સાધનોની જે જરૂર પડે છે એ ચોખ્ખું બતાવે છે કે આપણે આપણા કર્મથી થાકી ગયેલા છે. આપણું રોજનું નિત્યકામ આપણા રસની વિરુદ્ધનું છે. બાકી, મનોરંજનના સાધનોની આટલી વિપુલમાત્રામાં જરૂર શાથી પડે ? હદ તો ત્યાં થઈ છે કે તાણ એટલી બધી વધી ગઈ છે કે મનોરંજનના સાધનો પણ એને દૂર નથી કરી શક્તા ત્યારે આપણે યોગા, ધ્યાનનો આશરો લેવો પડે છે. શું આ સ્વાભાવિક જીવન છે ?

‘ફ્રેશ થવું પડે’ અને ‘ફ્રેશ જ રહીએ’ એ બંનેમાં ઘણો ફરક છે. આટલું બધું શિક્ષણ વિકસિત થયું, લોકોમાં જાગૃતિ આવી, ગામેગામ લોકો ભણતા થયા, ખોટા રિવાજો ગયા તેમ છતાં હજી પ્રસન્નતા, તાજગી અને સ્વસ્થ જીવન કેમ જણાતું નથી ? આપણે ભણીએ ગણીએ, ગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ થઈએ, ઉચ્ચ હોદ્દાની નોકરી મેળવીએ એ બધું બરાબર, અને દેશ-કાળ પ્રમાણે એ કરવું જ જોઈએ – પરંતુ મૂળ હેતુ તો આપણો સ્વસ્થ, ઉત્તમ અને સુખી જીવન જીવવાનો છે, એ આપણે કેમ ભૂલી શકીએ ? ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને લોકો સ્વસ્થ બનવા જોઈએ એની જગ્યાએ લોકોની હાડમારી વધે છે, નોકરી 12 કલાકની થઈ જાય છે, અનિયમિત ખાવાની આદત બને છે. કામનો બોજ વધે છે, સ્ટ્રેસ વધે છે અને આ બધાને અંતે સરવાળે આપણું શરીર નાની ઉંમરમાં રોગોનું ઘર બને છે….. અત્યારનો યુગ મોંઘવારીનો યુગ છે, વ્યક્તિને કમાવવાની અનેક તકલીફો છે, તીવ્ર સ્પર્ધા છે, બધાને આગળ વધવાની જલ્દી છે – આ બધું જ સાચું. પરંતુ એનો અર્થ એ નથી કે એ માટે આપણે શરીરનો ભોગ આપી દઈએ. ઉચ્ચ શિક્ષણ જો આપણને ભવિષ્યમાં રોગી બનાવતું હોય તો એવા ઉચ્ચ શિક્ષણનો શો ફાયદો ? દુનિયામાં લેટેસ્ટ પ્રકારની હૉસ્પિટલો બને એ પ્રગતિની નિશાની નથી, પ્રગતિની નિશાની તો એ છે કે વ્યક્તિનું સ્વાસ્થ એટલું સુધરે કે તેને હૉસ્પિટલની બહુ જરૂર જ ના પડે.

જીવનને બદલવાનું પ્રથમ પગલું છે અસાહજિતા ટાળવી. જે આપણા સ્વભાવમાં નથી અને બળજબરીથી કરવી પડે એવી વસ્તુ, એવા કામ – કે જેથી આપણા મન પર દબાણ રહે, બોજ રહે અને શારીરિક રીતે આપણે અસ્વસ્થ બનીએ, તેવી તમામ વસ્તુઓથી દૂર રહેવું. સ્પર્ધાથી જ અસાહિજતા આવે છે માટે સ્પર્ધાથી દૂર રહેવું.

હવે વાત રહે છે પૈસા કમાવવાની. લોકો એમ માને કે આજનું ‘સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ’ એટલું ઊંચું છે કે એની માટે અમુક રૂપિયા કે અમુક ડૉલર કમાવવા જ જોઈએ. એના વગર તો ઘર જ ના ચાલે !’ વાત બિલકૂલ સાચી છે. વ્યક્તિએ મહેનત કરવી જ જોઈએ, કમાવવું જ જોઈએ અને એ માટેના પ્રમાણિક પ્રયાસો કરવા જોઈએ. પણ એમ છતાં જો શક્ય ના થાય તો આપણને જે કાર્યક્ષેત્ર મળ્યું હોય અથવા તો આપણને જેમાં રૂચિ હોય એમાં નિષ્ઠાથી કામ કરવાથી આપમેળે તેમાંથી એટલાજ પૈસા મેળવી શકાય છે.

આપણે ઘણીવાર જોઈએ છીએ કે એક ડૉક્ટરનું દવાખાનું હોય અને એની બહાર ચા ની લારી હોય. હવે એ લારી પર ચા બનાવનાર વ્યક્તિની કુશળતા હોય, શુદ્ધતા હોય, પ્રમાણિકતા હોય અને એ પૂરી નિષ્ઠાથી કાર્ય કરે તો બે-ચાર વર્ષમાં એની દુકાન બની જાય છે, પછી ભલે ને ડૉક્ટર હોવા છતાં પેલાનું દવાખાનું ના ચાલતું હોય ! શિક્ષણ ખૂબ જરૂરી છે, પણ સંજોગોવશાત કદાચ કોઈ ઉચ્ચ ડિગ્રીઓ ના લઈ શકે તો એના જીવનના દરવાજા કંઈ બંધ નથી થઈ જતા. નિષ્ઠાપૂર્વક કરેલા કામનો બદલો ચારગણો આપવો જ પડે એવો કુદરતનો નિયમ છે. આથી, ભણવા, કમાવવા એ બધી બાબતને લઈને આપણું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય બગડે એટલી હદે તાણ ના વેઠવી. એને ‘મહેનત’ – એવું ખોટું નામ ના આપવું. હા, વ્યક્તિની પ્રકૃતિમાં એ વસ્તુ સહજ હોય તો ચોક્કસ કરવી. પણ સ્પર્ધા અને દેખાદેખી કરીને ખોટા અટવાઈએ અને છેલ્લે નિરાશ થઈને એ લાઈનમાંથી પાછા ફરવું પડે એના કરતા પોતાના કાર્યને જ સર્જનાત્મક વિચારો કરીને સતત દીપાવતા રહેવું – એ જ જીવન બદલવાનું શું પ્રથમ પગથિયું નથી ?

ઘણો સંધર્ષ કરીને મેળવેલી ઊંચી ઊંચી ઉપલબ્ધીઓ, પબ્લીસીટી, હજારો લાખોના પગારો આપણે પોતે ભોગવી શકતા નથી. ‘પહેલા કમાઈ લઈએ અને પછી સુખી થઈશું’ એવો દિવસ જીવનમાં ક્યારેય આવતો નથી, અને આવે તો પણ એ માણવા માટે આપણે સક્ષમ હોતા નથી. રોગો વધતા જાય છે, માનસિક તકલીફો વધતી જાય છે, મન નબળા પડતા જાય છે, સહનશક્તિ-ધીરજ આદિ ગુણો માનવીમાંથી ધીમે ધીમે ઓછા થતા જાય છે, પરિણામે આયુષ્ય ક્ષીણ થતું જાય છે. શું આપ્યું આપણને આ શિક્ષણે ?

આપણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું – એની બેલેન્સશીટ કોઈ વાર કોઈ ઝાડ નીચે એકાંતમાં શાંતિથી બેસીને બનાવવા જેવી ખરી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમના ચમત્કારો – અનુ. સુનીતા નિમાવત
પાંચ ગઝલ – મનીષ પરમાર Next »   

23 પ્રતિભાવો : જીવનની બેલેન્સશીટ – મૃગેશ શાહ

 1. Jayvant V Sindhav says:

  Aa tale Shri Sahbuddin Rathore kaheli ek vaat yaad aave che ke “Vyakti sampati kamava swasthya no bhog aape che ane pachi swasthya melavva sampati no bhog aape che”.

  Kharekahar aavno vyakti aadhunik jivanni bhagdod ma potana jivan vise khub ochu vichare che.

 2. બેલેન્સસીટમા મિલકતનાં મથાળા માહેની રકમ મોટી કરવા માણસ બહુ તનતોડ મહેનત અને સંઘર્ષ કરે છે.
  પણ જીવનની અમુક અમૂલ્ય ક્ષણો ગુમાવે છે.
  ચિંતનાત્મક સરસ લેખ.
  અભિનંદન.

 3. Uday Trivedi says:

  Basically, we will struggle in everything that is not our “Sahaj Marg”. As you pointed out, whatever is our own path, can never make you stressed. The point is, we need to find our own path. imitating others or following short cuts for wide believed happyness routes like money, power and fame , does not work in long run. Sooner or later we realise that true happyness is being Ourself, being content with self.

 4. Vikram Bhatt says:

  Thought provoking & very innovative. Most of the so called successful exeutives must have passed thru such crossways.
  Good points for churning.

 5. dhara bharvi shukla/swadia says:

  hello mrugeshbhai,
  u have written the truth of life.
  i have become ur great fan now.
  u write so well,ur site is so well maintained with good articles,layout is also good-i am addicted to read this site. really u r master of all.
  dhara

 6. Keyur Patel says:

  What ever you said is scorching truth of modern lifestyle. Very through and watchful interspection of today’s life. Thanks a million for writing such a wonderful “Chintanika”.

 7. tatvchinkak says:

  very good and exrllent

 8. Ami says:

  Good. we should follow Gita’s principles : Do your work without expectation. You will be fine. No stress, no unhappiness…

 9. સાચ્ચી વાત છે. મહેનત અને સંઘર્ષની વ્યાખ્યા અને હકીકતમાં ઘણો તફાવત છે. અને જ્યારે બંન્ને સાથે હોય છે તો નસીબ બે ડગલાં આગળ દોડતું હોય છે
  Neela
  http://shivshiva.wordpress.com/

 10. ashalata says:

  Mrugeshbhai,
  sachi vat kahi, Ariso to badhaj jue che
  passbook pun badhaj rakhe che jue
  che parinam——–O
  niceone

 11. કૃણાલ says:

  પોતાના વિચારોને સુંદર રીતે અભિવ્યકતિ આપવા બદલ મૃગેશભાઇને અભિનંદન.
  કદાચ આજના જમાનામાં દરેક માણસ આવું જ કાંઇક વિચારતો હશે પણ છતાં “વહી રફતાર”ની જેમ દરેકની જીંદગી વહેતી હોય છે.

 12. anonymous says:

  I was thinking of what I want in the recent past. This is exactly the problem, if u have money then u want time with faimily and if u have time with faimily then u will run after money..

 13. Medha Patel says:

  Mrugeshbhai, very practical life environment you have given us in your article.

 14. smita kamdar says:

  Mrugeshbhai
  sanghrsh ane mahenat na tafavat ne schot rite vykt karva mate.. Abhinandan.
  aajna aadhunik yug ma ichhit vastu melvya pachhi pan vykati ante to khalipo j anubhvato hoy chhe.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.