આકાશગંગા – પુરુરાજ જોષી

એનું નામ ગરિમા.
નામ સાંભળીને લાગેલું કે એનામાં કંઈક ગાંભીર્ય હશે, થોડું ઠાવકાપણું હશે, પરંતુ જેમ જેમ તેનો પરિચય થતો ગયો તેમ તેમ પ્રતીતિ થઈ ગઈ કે ગરિમા તો આનન્દના વાવાઝોડાનો પર્યાય છે.

એક દિવસ એ આવી ચઢી.
મેં કહ્યું : ‘અત્યારે આવવાનું સૂઝ્યું તને ? છેક સાંજ પડે ?’
પ્રતિપ્રશ્ન કરતાં એણે કહ્યું, ‘સાંજ પછી શું સમયચક્ર ખોટકાઈ જાય છે તમારા દેશમાં ?’
‘એટલે શું તું રાત રોકાવાની છે ?’ મેં પૂછ્યું.
એણે કહ્યું, ‘હાજી. ચોક્કસ રોકાવાની છું.’
હું એને કંઈક કહેવા જતો હતો પણ પછી થયું કે ગરિમા જો રોકાવાનો નિર્ણય કરીને આવી હશે તો એને ભગવાન પણ સમજાવી નહીં શકે. એટલે મેં કહ્યું, ‘ભલે ત્યારે. તું આવી તે એક રીતે સારું જ થયું.’
‘કઈ રીતે ?’
‘એકથી ભલા દો !’
એણે કહ્યું, ‘ઘેર આવેલાને ચ્હા પીવડાવશો કે બસ વાતોનાં વડાં જ કર્યા કરશો ?’
ગરિમાને મારા હાથની ચ્હા અને વઘારેલી ખીચડી ખૂબ ગમે છે. મેં ચ્હા બનાવી તે દરમિયાન તેણે રૂમની સાફ સફાઈ કરી દીધી.

ચ્હાના પ્યાલા લઈને અમે વરંડામાં ખુરશીઓ નાંખી બેઠાં. આંગણામાં જ એક ઘેઘૂર ગુલમ્હોર હતો. એની એક ડાળ વરંડા તરફ ઝૂકી આવી હતી. પવનમાં લીલાછમ વીંઝણાની જેમ ઝૂલ્યા કરતી હતી. પવનમાં પાવાના સૂર પણ ભળ્યા હતા. પશ્ચિમમાં કેસરી સૂર્ય ડૂબી રહ્યો હતો. સીમમાં ગયેલું ગોધણ પાછું ફરી રહ્યું હતું.
‘ગરિમા ! રાત્રે તું એકલી સૂઈ રહેશે ?’ મેં પૂછ્યું.
‘કેમ, તમે ક્યાંય બહાર જવાના છો ?’
‘હા. મારે એક મિટિંગમાં જવું પડે તેમ છે.’
‘તે જજો ને. હું અહીં નિરાંતે સૂઈ જઈશ. ઊંઘ નહીં આવે તો તમારી ડાયરી વાંચીશ.’
‘પણ તું જમીશ શું ?’
એણે કહ્યું, ‘તમારા હાથની અદ્દભૂત ખીચડી !’ પછી તરત ઉમેર્યુ, ‘પણ આજે તમારે મિટિંગમાં જવાનું છે એટલે રસોડું હું સંભાળીશ.’
‘બહુ સરસ !’ કહીને હું નીકળતો જ હતો ત્યાં વિચાર આવ્યો – આ છોકરી સૂઈ ક્યાં જશે ? પૂછ્યું, ‘ગરિમા ! હું તો રોજ આ ગુલમ્હોર નીચે ખાટલો ઢાળીને સૂઈ જતો હોઉં છું. તું ક્યાં સૂઈ જશે ? ઘરમાં ?’
એ તરત બોલી ઊઠી, ‘ના….આટલી ગરમીમાં હું શા માટે ઘરમાં ગોંધાઉં ?’
‘તો પછી….’ હું એને કંઈક કહેવા જતો હતો ત્યાં એ જ બોલી ઊઠી : ‘આપણે અગાસીમાં સૂઈ જઈએ તો ?’

મેં એને સમજાવ્યું કે અગાસીમાં સૂવાનું એટલા માટે શક્ય નથી કે મહિનાઓથી એમાં સફાઈ થઈ નથી. હા, એ ઈચ્છે તો વરંડામાં સૂઈ શકે. હું બહાર નીકળતો હતો એટલામાં એણે જરા મોટે અવાજે કહ્યું, ‘મિટિંગમાંથી છટકીને જમવા આવી જજો. હું રાહ જોઈશ તમારી.’
‘ભલે.’
અમારી વાત ચાલતી હતી તે દરમિયાન પાડોશમાં રહેતી બહેન ઓટલે આવીને ઊભી રહેલી. એણે મારી સામે સ્મિત વેરીને પૂછ્યું, ‘મહેમાન આવ્યાં છે કે શું ?’
મેં કહ્યું, ‘મહેમાન તો ન કહેવાય….પણ દોસ્ત છે.’ અને સાઈકલ મારી મૂકી પણ ક્યાંય સુધી મને લાગ્યું કે એ બહેનની વિસ્ફારિત નજર મારી પીઠ પર ચોંટી રહી છે.

મિટિંગમાંથી પાછા ફરતાં મોડું થયું જ. દૂરથી જોયું તો મારું ઘર, સામાન્ય રીતે જ્યારે પણ બહારથી આવું ત્યારે સાવ ઝાંખું, અંધારિયું અને ઉદાસ લાગતું મારું ઘર આજે ઝાકઝમાળ લાગી રહ્યું હતું. ક્ષણવાર લાગ્યું કે જાણે હું કોઈ બીજાને ઘેર આવી રહ્યો હતો. ઘરમાંથી અજાણી, મંદ સુગન્ધ આવી રહી હતી.
‘આવો’
રસોડામાંથી ગરિમાનો અવાજ સાંભળી મારી ભૂખ ઉત્તેજિત થઈ ગઈ. જાણે વર્ષો વીતી ગયાં હતાં ભોજન કર્યે. સીધો રસોડામાં પહોંચી ગયો. ગરિમાએ કહ્યું, ‘ભૂખ લાગી છે ને ? તો એક કામ કરો.’
મેં કહ્યું, ‘ફરમાવો.’
ઝરણાં જેવું હસીને એણે કહ્યું, ‘હાથપગ ધોઈને આવો જાઓ.’

બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે ગરિમાએ થાળીઓ સજાવી દીધી હતી. જમતાં જમતાં મને લાગ્યું કે હું એક સ્વપ્ન જોઈ રહ્યો છું. મારા અચેતન મનના કોઈ ખૂણે સંતાઈ રહેલી એષણાનું પ્રતિબિંબ…. બીજાં ઘણાં બધાં સ્વપ્નોની જેમ આ સ્વપ્ન પણ તૂટી જવાનું છે એક દિવસ. રહી જશે એની સ્મૃતિ….. આટલું સુખ પણ કાંઈ ઓછું ન કહેવાય. બાકી શો સમ્બન્ધ હતો અમારી વચ્ચે ?…….. હું વિચારતો રહ્યો. આ છોકરી ક્યા અધિકારથી, ક્યા વિશ્વાસથી મારે ઘેર આવી ચઢી હતી ? ક્યા અધિકારે એણે મારા ઝંખવાઈ ગયેલા ઘરને – અને મૂરઝાઈ ગયેલા મનને પણ – આલોકિત કરી દીધું હતું ?……
‘જમતી વખતે માત્ર જમવામાં જ ધ્યાન આપો, વિચારોમાં ખોવાઈ ન જાઓ. લો, થોડી ખીચડી….! શાક કેવું થયું છે ? છાશ આપું ? અથાણું ?…..’ ગરિમા બોલ્યા જ કરતી હતી. આગ્રહપૂર્વક પીરસતી જતી હતી.
મેં કહ્યું, ‘મારે હવે કાંઈ ન જોઈએ. ખીચડી શાક બધું જ સરસ થયું છે. પણ સાચું કહું તો તું અચાનક આવી ચઢી એના આનન્દથી જ હું ધરાઈ ગયો છું.’
જમ્યા પછી કહે, ‘ચોકડીની લાઈટ કરી આપો, વાસણ અજવાળી દઉં.’
મેં કહ્યું, ‘કશી જરૂર નથી. સવારે કામવાળી આવીને કરી જશે.’
‘અને નહીં આવે તો ?’
‘તો હું જાતે કરી દઈશ.’
‘એના કરતાં તો – ’ એ વાસણ અજવાળવા ઈચ્છતી હતી પણ મેં એના હોઠ પર હાથ મૂકી કહ્યું, ‘નહીં. આપણે થોડીવાર બહાર ચાંદનીમાં બેસીએ. થોડું ફરી આવીએ.’

આંગણામાં ગુલમ્હોરની ડાળીનો પડછાયો હળુહળુ હાલતો હતો. ગરિમાએ ઘરની લાઈટ બૂઝાવી દીધી. ઘરની સામે, થોડે દૂર પંચાયતના થાંભલા પર એક ઝાંખો બલ્બ સળગી રહ્યો હતો. ગરિમા કહે, ‘તમે એને બંધ કરી આવો.’
મેં કહ્યું, ‘એ શક્ય નથી.’
‘એમાં શું ? તાકીને એક પથ્થર મારો એટલે કામ પતી જશે !’
‘મારાથી એમ ન થાય.’
‘કેમ ન થાય ?’
‘કેમકે હું એક જવાબદાર નાગરિક છું, આ ગામનો.’
ગરિમા હસી પડી. બોલી : ‘ગામ, નાત-જાત, દેશ, ધરમ…ઓહોહો કેટકેટલા વળગણો ઊંચકીને ફરો છો તમે ? થાક નથી લાગતો ?’
મને કહેવાનું મન થયું – થાક તો ઘણો લાગે છે પણ શું કરું ? – પણ હું ચૂપ રહ્યો.
‘કેમ ચૂપ થઈ ગય ?’ ગરિમાએ પૂછ્યું.
‘અમસ્તો જ.’ કહીને મેં ચંપલ પહેર્યાં. બારણું બંધ કર્યું. અમે બહાર નીકળ્યા.

‘આ તરફ રોડ છે. આ તરફ ખેતરો છે. કઈ તરફ જઈશું ?’
ગરિમાએ કહ્યું, ‘ખેતરો તરફ જ જઈએ.’
સાંકડી ગાડાવાટ પર અમે ચાલતાં રહ્યાં. ચાંદનીને કારણે અને ખાસ તો ગરિમાની ઉપસ્થિતિને કારણે આખો માર્ગ પ્રત્યેક પગલે અવનવી રોમાંચક અનુભૂતિ કરાવી રહ્યો હતો. ગરિમા અવિરત વાતો કર્યે જતી હતી. એની બહેનપણીઓ વિશે, સહાધ્યાયી મિત્રો વિશે, અધ્યાપક સાહેબો વિશે. મમ્મી-પપ્પા અને ભાઈની વાતો પણ નીકળી.
‘કોઈએ કશો વાંધો લીધો નહીં, તારા આ રીતે અહીં આવવા માટે ?’ મારાથી પુછાઈ ગયું.
‘શા માટે વાંધો લે કોઈ ? તમને ખબર નથી કે અમારા ઘરમાં બધાંને તમારા માટે કેટલો પ્રેમ છે, કેટલું માન છે.’

હું કશું બોલી ન શક્યો. મૂગો મૂગો ભીંજાતો રહ્યો.
આકાશમાં અષ્ટમીનો ચન્દ્ર ઊગ્યો હતો. માર્ગમાં વચ્ચે વચ્ચે વૃક્ષઘટાઓના પડછાયા લહેરાતા હતા. અજવાસ અને અંધારની એક રમણીય ભાત રચાતી જતી હતી. ગરિમા એડીવાળાં સેન્ડલને કારણે બરાબર ચાલી શકતી ન હતી. વારંવાર મારો હાથ પકડી લેતી હતી.
‘ક્યાંક નિરાંતે બેસીએ.’ એણે કહ્યું.
‘થાકી ગઈ કે ?’
‘ના. તમારી સાથે સવાર સુધી ચાલવાનું હોય તો પણ થાક ન લાગે.’ ક્ષણાર્ધના વિરામ પછી બોલી, ‘પરંતુ તમે જાણો છો કે માર્ગ તો અનન્ત હોય છે. આપણે જ ક્યાંક અટકી જવું પડતું હોય છે, ખરું ને ? હવે તમે કહો કે આ સુવાક્ય કોનું છે ?’
‘હશે કોઈ મૂર્ખદત્તનું.’
મારો જવાબ સાંભળી ગરિમા ખડખડાટ હસી પડી. હસતાં હસતાં બોલતી રહી, ‘આ વાક્ય આપ સાહેબનું જ છે !’
‘હોઈ શકે. કોઈક વાર મને પણ મૂર્ખદત્ત બનવાનું ગમે છે.’

થોડું ચાલ્યા પછી અમે ચરામાં, સુકાઈ ગયેલા ઘાસવાળા વિસ્તારમાં બેઠા. મેં જમીન પર શરીર લંબાવ્યું. મારી ઉપર ગ્રહો-નક્ષત્રોના ઝુમ્મરોથી શોભતો આકાશી ચંદરવો ઝૂકી આવ્યો. ગરિમા મારી સંનિક્ટ જ બેઠી હતી. મેં એને ઉત્સાહથી કહ્યું, ‘ઉપર જો ગરિમા ! આજનું આકાશ કેટલું રમણીય લાગે છે…!’ ગરિમા પોતાના બે હાથ પાછળ ગોઠવી, એના આધારે ડોક ઊંચી કરી તારાખચિત આકાશ તરફ જોવા લાગી. હું ઘડીક આકાશને તો ઘડીક આકાશદર્શન કરી રહેલી ગરિમાને જોતો રહ્યો. અમારા બંનેના શ્વાસ-ઉચ્છવાસ ઝડપથી ચાલી રહ્યા હતા. થોડીવાર લગી ગરિમા ચૂપચાપ આકાશને જોતી રહી. આકાશમાં ધૂમતી રહી. પછી એકદમ ધરાતલ પર પાછી ફરી, પોતાની જાત સાથે વાત કરતી હોય તેમ મંદસ્વરે બોલી :
‘મમ્મી-પપ્પા મને પરણાવી દેવાની વાત કરતાં હતાં….’
હું કશું બોલ્યો નહીં. ક્ષણવાર અમારી વચ્ચે મૌન વિસ્તરતું રહ્યું. એકાએક મેદાનને સામે છેડેથી ટીંટોડીનો આર્તસ્વર ઊડ્યો.
ગરિમાએ પૂછ્યું, ‘આ કયું પંખી બોલ્યું ?’
‘ટીંટોડી છે. એ કદાચ એનું ઘર ખોળી રહી છે.’
થોડીવાર અમે મૂંગા રહી ટીંટોડીના આર્તસ્વરને સાંભળતાં રહ્યાં. પછી ગરિમાએ એના મનમાં ઘૂમતી મૂંઝવણ દોહરાવી, ‘મમ્મી-પપ્પા મને…..’
અંધારામાં જોતાં જોતાં મેં કહ્યું, ‘અત્યંત સ્વાભાવિક છે. મમ્મી-પપ્પાઓનું એ જ તો કર્તવ્ય હોય છે !’

‘સંદીપ….!’ ગરિમા જરા ખેંચાયેલા અવાજે બોલી ઊઠી, ‘સંદીપ….! હું ઈચ્છું કે મારી વાતને તમે એકદમ સિરિયસલી લો. મમ્મી-પપ્પા મને પરણાવી દેવા વિચારે એ સ્વાભાવિક હોવા છતાં હું એમની પસંદગીના છોકરા સાથે નથી પરણવા ઈચ્છતી.’
‘તો તને કેવોક છોકરો ગમે ?’
‘જે પરિચિત હોય, પ્રેમાળ હોય, ઉદાર હોય, જેના સહવાસમાં મારું વ્યક્તિત્વ પણ મ્હોરી ઊઠે, મારું જીવન એક આનન્દસભર યાત્રા બની રહે – એવો.’
‘એવો કોઈ છે ખરો તારા ધ્યાનમાં ?’
‘હા.’
‘તો પછી રાહ કોની જુએ છે ?’
ગરિમા કશો પ્રત્યુત્તર આપવાને બદલે આકાશ તરફ તાકી રહી હતી. આકાશમાં એક દીર્ધપટનો તેજપ્રવાહ વહી રહ્યો હતો, મધુરગતિએ. એ પટમાં તારાઓ પણ પડ્યા હતા, નદીનાં જલમાં તરતાં પુષ્પો જેવું દ્રશ્ય હતું. પણ ગરિમા ચૂપ થઈ ગઈ હતી. હું એનો ઉત્તર સાંભળવા અત્યંત ઉત્સુક બની ગયો હતો. અમારી વચ્ચેથી મંથરગતિથી બેચાર ક્ષણો પસાર થઈ ગઈ. પછી એક દીર્ધ નિ:શ્વાસ નાખીને એ બોલી :
‘મુશ્કેલી એ છે કે એ માણસને હજી સુધી ખબર નથી કે હું એમને મનોમન કેટલું –’

ગરિમાએ ઈરાદાપૂર્વક અધ્યાહાર રાખેલા ક્રિયાપદે મારા સમગ્ર અસ્તિત્વને રણઝણાવી દીધું. મેં ઊંચે જોયું, આકાશમાંના નક્ષત્રો જલતરંગના કટોરાની જેમ રણઝણી ઊઠ્યાં હતાં આપોઆપ. મેં ઊંડો શ્વાસ ભર્યો. શ્વાસમાં એક અપરિચિત, અલૌકિક સુગન્ધ છલકાઈ ઊઠી. મને થયું કે હું ગરિમાનો હાથ પકડીને ચૂમી લઉં. ઉત્કટતાથી કહી દઉં કે ‘ગરિમા ! હું તને –’ પરંતુ મેં એવું કશું કર્યું નહીં. એમ કરવાથી અમારી વચ્ચે ઘણા સમયથી ઝૂલતો પેલો નાજૂક, પારદર્શક પરદો અદ્રશ્ય થઈ જાય…. એવું બને તો અમારો સમ્બન્ધ એક સીમિત દાયરામાં સંકોડાઈ જાય – એવી દહેશતથી હું ગરિમાની તદ્દન સંનિકટ એમ જ સૂતો રહ્યો. અમારી વચ્ચેથી બે કાંઠે વહેતી આકાશગંગાનો મધુર ધ્વનિ સાંભળતો રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંચ ગઝલ – મનીષ પરમાર
મારું બાળપણ – સદરૂદીન ખીમાણી Next »   

15 પ્રતિભાવો : આકાશગંગા – પુરુરાજ જોષી

 1. Uday Trivedi says:

  Beautifully subtle emotions !! I remembered those words…

  Hamne dekhi he in aankho ki mahekati khushbu,
  Haath se chhuke ise rishto ka ilsaam na do ;
  Sirf ehsaas he ye rooh se mahesus karo,
  Pyar ko pyar hi rahene do koi naam na do ;

  It is not the fear of rejection from loved one, it is the fear of losing the relationship into pre-conceived notions and expectations. Let the relation take its own fly in the infinite sky. To bind Love is to encage the Soul.

 2. dharmesh says:

  story no ant dharva jevo na hato, chhata reality aa j chhe 90% cases ma avu j thay chhe ,kahena bahot kuchh hota hai aur kuchh kah nahi pate

  mari z saheb no ek share
  gano ucho prakar chhe prem no e mariz
  kahevanu ganu hoy ne kashu yad na ave

  , very nice story,

 3. ashalata says:

  nice story!

 4. Bhakti Eslavath says:

  its nice .. prem nu evu ja hoy .. ghanu kahine pan na kahyu hoy ane ghanu na khahine pan na kahevayu hoy ..

 5. ઋષિકેશ says:

  Ultimate..!! વાંચતાં વાંચતાં ધબકારા વધી ગયા..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.