સૌથી ક્રૂર હિંસા – સર્વેશ વોરા

એક વડીલ છે. ધર્મ, આપણો મહાન વારસો, તપશ્ચર્યા, અહિંસા અનેકાંત વગેરે પર જાણે ઓથોરિટી ! બાહ્ય ધાર્મિક નિયમો ભારે ચુસ્તીથી પાળે. દિવસના અમુક ભાગમાં એમને મળવું હોય તો અચૂક એમના સંપ્રદાયનાં ધર્મસ્થળમાં હોય. રૂબરૂ વાતો કરે ત્યારે આપણને થાય કે ‘આ મહાશય અનુકંપાના અવતાર છે.’ એમનાથી કીડીને ઈજા પહોંચે તો પણ એમને અપાર દુ:ખ થતું હશે.

પણ એમના ગાઢ પરિચયમાં આવો તો ખબર પડે કે એમની ગણતરીઓ અને પૂર્વગ્રહોનો પાર નથી. એમની ચામડી નીચે પોતાના સંપ્રદાય અંગેના બાલિશ ઝનૂનનું કાળું લોહી વહેતું હોય ! શાબ્દિક કટાક્ષોમાં ભારે પ્રવીણ. પત્નીને વાક્બાણોથી મારતાં, વ્યવસાયના પ્રતિસ્પર્ધીનાં ગંદા લૂગડાંની ફાઈલ સાચવતાં, પોતાના સમવયસ્ક પ્રત્યે ઈર્ષ્યાળુ વર્તન કરતાં – આ બધું કરતાં એમને ક્યાંય આતમરામ ડંખે નહીં !

તમે કોને મોટો હિંસક કહેશો ? પત્ની પર હાથ ઉપાડીને ગાળો બોલનાર પેલા ઝૂંપડપટ્ટીના જણને કે પત્ની પર ચાતુર્યપૂર્વક કટાક્ષ દ્વારા ચારિત્રય અંગે ઘાવ કરનાર જણને ? તમે કોને વ્યસની કહેશો ? ચા-કૉફીના ગુલામને કે દારૂના ગુલામને ? કોણે કહ્યું કે દારૂનો ગુલામી વ્યસની છે અને ચા-કૉફીનો ગુલામી વ્યસની નથી ? આપણે લુચ્ચાઈમાં પણ સામૂહિક સહોદરભાવ દાખવ્યો છે. આપણે બધાએ સહમતી દ્વારા ધાર્મિકતાના તૈયાર પોશાકોનો સ્વીકાર કર્યો છે. હિલ સ્ટેશનો પર ઠંડીમાં પહેરવાના કોટ ભાડે મળે એમ કહેવાતી ધાર્મિકતા ભાડે આપવા-લેવા આપણે સંપ્રદાયો, સંપ્રદાયિક અડ્ડાઓ, ધર્મગ્રંથો વાપરીએ છીએ.

ને પછી સરળ, ‘કોસ્મેટિક’ ધાર્મિકતા પસંદ કરીને ફુલાતા ફરીએ ! તમે મને ‘ધર્મચુસ્ત’ કહો, હું તમને ‘ધાર્મિક’ કહું ને આપણી જ કરામત વાપરનારા અન્ય આપણને ‘ધાર્મિક’ કહે ! મોસાળમાં જમણ ને મા પીરસનાર !

પોતાનો અતિ ‘ધર્મ’ ચુસ્ત માનનાર સાંપ્રદાયિક જણ એક વિરાટ ખૂનરેજીમાં સાથ દઈ રહ્યા હોય છે. અલબત્ત, આ ખૂનરેજીથી વહેતું લોહી નજરે દેખાય નહીં, પણ જાણ્યે-અજાણ્યે પોતાના સંપ્રદાય અંગેનો હઠાગ્રહ એમને અન્ય પ્રત્યે નફરતની નજર જોતા કરી દે. એક સામૂહિક હિસ્ટેરિયા ઊભો થાય. એમને કીડી-મંકોડા પ્રત્યે અનુકંપા કબૂલ, એમને હાથીઘોડા પ્રત્યે દયા કબૂલ, એમને મૂંગા પ્રાણી પ્રત્યે દયા કબૂલ, પણ જો અન્ય વિચારધારા ધરાવનાર, અન્ય સંપ્રદાયનો જણ હોય તો એના પ્રત્યે ભયાનક પૂર્વગ્રહ સાથેનો ‘અપના-પરાયા વાદ’ ! અન્ય સંપ્રદાયની વ્યકિત એક સરેરાશ જીવ જેટલું સન્માન પામવાને લાયક પણ નહીં ?

માણસ મધ્યવય સુધી સંપ્રદાયિક નશામાં ઝૂમતો ફરે, પણ પછી મૃત્યુ જ્યારે ડોળા ફાડીને સામે આંખો મેળવી રહ્યું હોય, જીવનસંધ્યાના ઓળા ઊતરી રહ્યા હોય, ત્યારે પણ અંતરરામ જાગે નહીં ? પૂર્વગ્રહો મંદ ના પડે ? ઝનૂન ઓછું ના થાય ? અપના-પરાયાવાદ દૂર ના થાય ? તમે દેહ છોડો પછી પણ તમારા સંપ્રદાયની બ્રાન્ડ સાથે લઈ જવાના છો ?

પરંતુ ના.
ઉંમર વધે તેમ સાંપ્રદાયિક અપના-પરાયાવાદ વધારે નઠોર બનતો દેખાય છે. આ અપના-પરાયાવાદમાં તેમને ઘોર હિંસા અને અતિજડ મિથ્યાત્વનાં દર્શન થતાં નથી, કારણ કે બાળપણથી એમને ઊંધા સાથિયા ઘૂંટતા શીખવાડયું હોય છે. આધ્યાત્મિકતા એટલે સાંપ્રદાયિક ઝનૂન નહીં, ધાર્મિકતા એટલે બાહ્ય શિસ્ત માત્ર નહીં, સાચી આધ્યાત્મિકતા વિક્સે તેમ માણસ અન્ય વિચારધારા પ્રત્યે વિશેષ ઉદાર બને, પણ આ બધાં સ્વયંપ્રકાશિત સત્યોના સંસ્કાર અપાય તો ઘેટાં ક્યાંથી લાવવાં ? અંધ અનુયાયીઓ ક્યાંથી લાવવા ?

બાહ્ય શિસ્તને ‘ધાર્મિકતા’નું, ‘સજ્જનતા’નું લેબલ આપવામાં ઉતાવળ કરવી નહીં. ઘણીયે વાર ‘ચોરોના હિસાબ ચોખ્ખા હોય છે’ ને પત્નીને ગાળ નહીં આપનાર, હાથ નહીં ઉપાડનાર ડાહ્યોડમરો જણ પત્નીની ઘોર માનસિક હિંસા કરતો હોય છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પહાડ છું, જીરવી લઉં પાષાણતા – જશવંત મહેતા
જાહેરખબરનો ઝંઝાવાત – વીણા શાહ Next »   

11 પ્રતિભાવો : સૌથી ક્રૂર હિંસા – સર્વેશ વોરા

 1. nilam.h doshi says:

  very very good article.congrtas to SARVESH VORA.liked it very much.such articles r todays need.and thanks mrugeshbhai for selecting such a nice article

 2. Dyuti says:

  You know what….. 100% agreed… I have seen these things so much that it has become a scarcrow to me … making me detached from everything…. really well wrote and well believed thing…

 3. shila m patel says:

  હદયસ્પશી ,મરમભેદી ,ચિન્તનાત્મક લેખ ખુબજ ગમ્યો . શ્રી સર્વેશ વોરા ને મારા નમસ્કાર .

 4. nayan panchal says:

  ધર્મો તો બધા સારા જ છે. પરંતુ ઘણા ધર્મોનુ સામાન્ય માનવી અને ઉપરવાળા વચ્ચેના મિડલમેન (પૂજારી, મૌલવી, પાદરી વગેરે) પોતાની સગવડ મુજબ અર્થઘટન કરીને લોકોને ભરમાવે છે.

  જો આપણે બીજા ધર્મને આદર આપીશું તો જ આપણને આદર મળશે. ઉપરવાળો થોડો નવજાત શિશુ પર લેબલ મારીને મોકલે છે કે આ શિશુ ફલાણા ધર્મનુ છે.

  ધાર્મિક કટ્ટરતાએ મનુષ્યજાતિને ખૂબ જ નુકસાન પહોંચાડ્યુ છે.

  ઉપરવાળો સૌને સદબુધ્ધિ આપે.

  નયન

 5. અતુલ જાની (આગંતુક) says:

  જેટલું કલ્યાણ ધર્મોએ માનવજાતીનું કર્યું છે તેનાથી અનેક ગણું નુકશાન ધાર્મિક કટ્ટરતાએ કર્યું છે. યુધ્ધોમાં જેટલા લોકો હણાયા છે તેના કરતા અનેક ગણા વધારે લોકો ધાર્મિક કટ્ટરપંથિઓના હાથે હણાયા છે. અને રોજીંદિ નાની નાની અપમાન, અવહેલના વગેરે હિંસાઓ તો જુદી.

  પધ્ધતિઓ ભલે અનેક હોય, રીત-રીવાજ ભલે જુદા જુદા હોય પણ માણસ – માણસ વચ્ચે સંવાદિતા ટકાવી રાખવા માટે તો મોટા મન અને ઉંડી સમજણ જોઈએ. પાડોશી સાથે કેવો વ્યવહાર કરવો તે પુસ્તકમાં નહીં પણ પોતાના મનમાં ઝાંખીને નક્કી થવું જોઈએ કે મને જેવો વ્યવહાર ગમે તેવો વ્યવહાર મારે બીજા સાથે કરવો જોઈઍ.

  અને જો ધર્મ પરસ્પર પ્રિતિ ન પ્રસરાવે, આ લોકમાં પણ સુખ ચેન છીનવી લે તો તે વળી પરલોક શું ઊજાળવાનો છે. ધાર્મિક અનુશીલન વ્યક્તિગત હોવું જોઈએ અને સહુંને પોતાનું કલ્યાણ કેમ કરવું તે માટેની પધ્ધતિઓ નક્કી કરવાની છુટ હોવી જોઈએ. બાકી ટોળાનો ધર્મ ક્યારેય ઉર્ધ્વગતી કરાવનારો ન બની શકે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.