ભૂલવા નહિ દે…. – વિભૂત શાહ

ખૂબ રાહ જોવડાવ્યા પછી, મનમાં ઘેરી હતાશા ઊભી કર્યા પછી, અષાઢ વદ બીજની આગલી મોડી રાતે અચાનક વરસાદ શરૂ થયો. હું સફાળો જાગી ગયો અને બારી પાસે જઈ, હાથ લંબાવી ઊભો રહી ગયો. ચંપો, બદામ, સપ્તપર્ણને ઊંચા ઊંચા પેન્ડુલા પર વરસાદની ધારાઓ ઝીંકાતી હતી ને પછી ધરતી પર ટપોટપ પડીને વહી જતી હતી. બારી પાસે ઊભા ઊભા જ મારા શરીરના અણુએ અણુ ભીની માટીના પોચા પોચા કણ જેવા થઈ ગયા હતા. આવી રીતે આખી રાત વરસાદ પડે તો આખી રાત જાગવાની મારી તૈયારી હતી…. પણ જેવી રીતે મોડી રાતે વરસાદ અચાનક શરૂ થયો હતો એવી જ રીતે વહેલી સવારે એ પાછો અચાનક થંભી ગયો.

મોડી સવારે આછા ઝાંખા ઉજાસમાં બધાં ઝાડ-પાનને પાણી પી-પીને ધરવ થઈ ગયો હોય એમ મારી સામે એ પ્રસન્ન નજરે જોઈ રહ્યાં હતાં. મને એમની તાજી, સુંવાળી કુમાશ ને એમના ચમકતા, લીલાછમ રંગને સ્પર્શવાનું, પંપાળવાનું મન થઈ આવ્યું, પણ એમ ઝાડની ટોચે એટલી ઊંચાઈએ ક્યાંથી પહોંચું ! ખાલી જૂઈ અને મધુમાલતીને પુચકારીને પસવારી આવ્યો.

સવારે ચા માટે હું ડાઈનિંગ ટેબલ પર અંબરની રાહ જોતો હતો. એ સમય સાચવવામાં ખૂબ જ આગ્રહી અને નિયમિત હતો, છતાં એને આવવામાં પાંચેક મિનિટ મોડું થઈ ગયું હતું, મને છાપું વાંચવાનું મન થયું નહોતું. મને થયું કે, ચાલ, રસોડામાં જઈને જોઉં તો ખરો કે, આ વરસાદી ભીનાશવાલા ટાઢોડિયામાં મહારાજ કઈ ડિશ બનાવવાના છે ? ત્યાં તો અંબર આવી પહોંચ્યો.
‘ગુડ મૉર્નિંગ પપ્પા, સોરી પપ્પા ફોર બિઈંગ લેઈટ.’ કહી નાસ્તો લીધા વગર સીધી ચા જ પીવાની શરૂ કરી દીધી.

બધાંની જેમ મને પણ એવું જ લાગતું હતું કે, મારા કરતાં અંબરમાં એની મમ્મીનો અણસાર, વધારે હતો, પણ એના જીવનની તરાહમાં એ માલવિકા કરતાંય જુદો પડતો હતો. માલવિકાને પશુ-પંખીઓ અને ફૂલ-છોડ બહુ ગમતાં હતાં. અમારા આંગણામાં વાવેલાં કોઈ પણ છોડમાં એક નવું નાનકડું પાંદડું ફૂટે કે કોઈ કળી ખીલે તો એ જોઈ ગાંડી ગાંડી, હરખઘેલી થઈ હતી હતી, એટલે મારી ઈચ્છા એવી હતી કે, અંબર મોટો થઈ બોટની કે ઝૂઓલોજીમાં આગળ અભ્યાસ કરી કોઈ મોટા બોટાનિકલ ગાર્ડન કે નેશનલ પાર્કમાં સુપ્રિટેન્ડન્ટ બને. મારી એવી પણ બહુ ઈચ્છા હતી કે, મારી માલવને બહુ ગમતાં સ્પાઈડર ઑર્ચિડનાં વૃક્ષો કંપાઉન્ડના બાગમાં ઊગાડવાં ને રંગમાં ઝબોળ્યા હોય એવા દક્ષિણ ઓસ્ટ્રેલિયાના રંગબેરંગી પોપટ આંગણામાં ઊડાઊડ કરતા હોય…..એની યાદમાં એટલું તો કરી શકાય.

મારી ફાર્મસ્યુટિકલ્સ કંપની સારી ચાલતી હતી. બધાં જ પ્રકારનાં સુખ-સગવડ મળી રહે એટલી અમારી આવક થતી હતી ને કામ ઘણું જ હળવું હતું, એટલે અંબરને માથે બહુ પૈસા કમાવવાની મોટી જવાબદારી હતી નહિ, પણ એ તો સી.એ કર્યા પછી એમ.કૉમ થઈ એમ.બી.એ અને કૉમ્પ્યુટરમાં એમ.સી.એ થવાની વાતો કરતો હતો ! મારા મનમાં એમ થતું હતું કે, પૈસા કમાવાની આ મોટા બોજાવાળી તનાવભરી સ્પર્ધામાં આપણે જોડાવાની શી જરૂર ! પણ અંબરનું ઉડ્ડયન ઊંચું હતું. એ મને ઘણીવાર કહેતો કે, એનું જુદાં પડવું એ ઘણું જરૂરી છે, એટલું જ નહિ પણે એ જુદાપણું એ જ એનું જીવન છે. હું એની એ વાત પણ સ્વીકારી લેતો કે, જીવન જીવવાની એની પોતાની જવાબદારી સ્વીકારવાની આ એની પ્રબળ-ઉત્કટ ઈચ્છા, એનો આગ્રહ-આતુરતા છે એમાંથી જ એનું સ્વમાન-ગૌરવ અને આત્મ-વિશ્વાસ જન્મે છે. એ મારા કરતાં ઘણો આગળ નીકળી જવા માગતો હતો, પણ સાથે સાથે મને ખૂબ જ માન આપતો હતો. પપ્પા પ્રત્યેનો એનો વિવેક-વિનય ક્યારેય ચૂકતો નહિ. છેવટે તો હું જે કહું એ જ કરતો. ક્યારેય એની મર્યાદાનું કે એની લક્ષમણ-રેખાનું એણે ઉલ્લંઘન કર્યું નહોતું. અભ્યાસ અને કેરિયર સિવાય એ લગભગ બધી બાબતોમાં મારું કહ્યું કરતો. એ પાંચ છ-વર્ષનો હતો ત્યારે માલવિકા અચાનક ફાલ્સિપેરમના ઝેરી તાવમાં અમને બંનેને એકલા છોડીને ચાલી ગઈ હતી, પછી મેં જ મમ્મી-પપ્પાની બંનેની ફરજ પૂરેપૂરી નિષ્ઠા અને કુનેહથી નિભાવી અંબરને બને એટલો ઉત્તમપણે ઉછેરવાનો નિર્ણય કર્યો હતો. તક હતી કે નહોતી એનો બહુ વિચાર કર્યા વિના બીજાં લગ્ન ના કર્યાં તે ના જ કર્યાં.

ઘરનાં નાનાં-મોટાં બધાં જ કામ હું પોતે શીખી ગયો હતો. હું કોઈના પર કશો આધાર રાખતો નહિ, સ્વયં-નિર્ભર હતો.. આમ, નોકર-ચાકર રાખ્યા હતા, પણે એનું નાનામાં નાનું કામ પણ મને આવડતું હતું. બલ્કે એમનાં એ કામ હું વધુ સારી રીતે કરી શકું એમ હું મનોમન માનતો હતો. રાંધવા માટે મહારાજ રાખ્યા હતા, પણ હું પોતે સારામાં સારી રસોઈ બનાવી શકતો હતો. પુરુષનું પરાયણપણું કે લાચારીનો ભાવ હું અનુભવતો નહોતો. મારે એવું કશું બિચારાપણું પણ નહોતું અનુભવવું.

સામાન્યપણે ચા પીને અંબર હંમેશા તરત જ જતો રહેતો. મારા કરતાં એ વધારે બીઝી હતો, પણ આજે પાંચ મિનિટ મોડું થયું હોવા છતાંય એ બેસી રહ્યો ને બારીની બહાર જોઈ રહ્યો. બહાર હવામાં વરસાદના છાંટાની સુંદર ઓકળી પડતી હતી. આકાશ ઘેરાયું હતું. છતાંય એના ચહેરા પર આછું ઉજરડું ચમકતું હતું. મને નવાઈ લાગી. બારી બહાર જે કાંઈ હતું એ જોવાની એને ભાગ્યે જ ફુરસદ હતી. એ મનોમન કશોક વિચાર કરતો હતો પછી અચાનક બોલ્યો, ‘પપ્પા, મેં અમારી શાહ એન્ડ શાહ એસોસિયેટ્સમાંથી છૂટા થઈ સી.એ તરીકે પરીખ એન્ડ કંપનીમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો છે. ત્યાં સેલેરી, પર્કસ તો વધારે છે જ ને સાથે સાથે કૉમ્પ્યુટરમાં એમ.સી.એ થવાની સગવડ-અનુકૂળતા પણ કરી આપશે. એમ.કે. અંકલને થોડું ખોટું લાગશે, પણ પરીખ એન્ડ પરીખ કંપની જોઈન કરવી એ મારા હિતમાં છે.’
મને થોડી નવાઈ લાગી, પણ મેં એને તરત જ કહ્યું, ‘તું તારે જે કરવું હોય તે ખુશીથી કર, આ તારો જ પ્રશ્ન છે, તારી કેરિયરનો પ્રશ્ન છે, એટલે તારે જ નિર્ણય લેવાનો છે અને એ તારો પોતાનો જ નિર્ણય હોવો જોઈએ. હું મધુકરને પછી ફૉન કરી દઈશ, તું એમની ચિંતા ના કરીશ.’ મધુકર મારો બહુ પહેલાનો આત્મીય મિત્ર હતો. અંબર સી.એ. થયો ત્યારે એને એની કંપનીમાં રાખવા માટે મેં એને કહ્યું હતું પણ એ માટે અંબરની પૂરેપૂરી યોગ્યતા હતી જ, એટલે ગમે કે ના ગમે, મેં મન મનાવી લીધું.

મને લાગ્યું કે, અંબરને હજુ પણ કશું વધારે કહેવું છે. એ થોડી થોડી વારે મારી સામે છાની, આડ-કતરાતી નજરે જોઈ લેતો હતો, પછી અચાનક હિંમત ભેગી કરીને બોલતો હોય એમ ઊંચા શ્વાસે, ઉતાવળે ઉતાવળે બોલ્યો, ‘પપ્પા, ઘણા વખતથી તમને એક વાત કહેવા માગતો હતો. અત્યારે અમારી કંપનીમાં બનિતા શ્રોફ કરીને એક છોકરી છે. એ પણ સી.એ નું કરે છે, ઘણી જ હોંશિયાર છે, દેખાવમાં પણ સારી છે. મને પસંદ છે. હું એની સાથે લગ્ન કરવા માગું છું. એની મમ્મીને પણ કશો વાંધો નથી. જો તમે હા કહેતા હો, તો તમારી સંમતિ માટે આ રવિવારે સાંજે આપણે ઘેર બોલાવું ?’

આ સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. આ સામે બેઠેલા મારા એકના એક પુત્ર અંબરે અજાણપણે મને એકાએક, એક જ ક્ષણમાં ઘણી જ દુ:ખદ અને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકી દીધો. ભારે હૈયે, મંદ અવાજે મેં એને જવાબ આપ્યો, ‘સૉરી અંબર, સંમતિની જ વાત હોય તો મારી સંમતિ નથી. એ માટે એને ઘેર બોલાવવાની જરૂર નથી.’

કશું સાચું ના માની શકતો હોય એમ અંબર મારી સામે વેદનાભરી નજરે એકીટશે જોઈ રહ્યો. એના ચહેરા પરથી હું જોઈ શક્તો હતો કે, ઓચિંતો વજરાઘાત થયો હોય એમ એ દિગ્મૂઢ થઈ ગયો હતો. મલપતો-ચમકતો એનો ચહેરો એકાએક કરમાઈ ગયો. એ ઢીલા-ઢીલા અવાજે પરાણે બોલ્યો, ‘પપ્પા તમે શા માટે ના પાડો છો ? અમારા સ્ટાફમાંથી કોઈને તમને બનિતા વિશે કશું કહ્યું છે ? કે પછી એમ.કે. અંકલે કશુંક-’
એ કશું આગલ બોલે એ પહેલાં મેં એને તરત જ કહ્યું, ‘ના, એવું કશું નથી. ગયા એપ્રિલમાં તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પાર્ટી હતી, ત્યારે દૂરથી મેં એને તારી સાથે જોઈ હતી. એના વિશે અને એની મમ્મી વિશે પણ મને પૂરેપૂરો ખ્યાલ છે. અંબર, આનાથી કશું વધારે હવે હું તને કહેવા માંગતો નથી. હું તને એની સાથે લગ્ન કરવા માટે સંમતિ આપી શકું તેમ નથી. બસ એટલું જ….’

બીજે દિવસે મેં ધાર્યું હતું એમ જ બન્યું. બનિતાની મમ્મીનો ફોન આવ્યો. મેં રિસીવર ઊપાડ્યું કે તરત જ એ ધીમા-ધડકતા અવાજે બોલી :
‘હું બનિતાની મમ્મી અનુરાધા શ્રોફ બોલું છું….. તમને વાંધો ના હોય તો હું અત્યારે તમારી સાથે વાત કરી શકું ?’ બહુ લાંબા સમય પછી પણ એનો અવાજ એવો ને એવો જ હતો, પણ મેં ખાસ કશા, પ્રતિભાવ બતાવ્યા સિવાય કહ્યું, ‘હા, બોલો.’
પછી અત્યંત ધીમા તૂટક-તૂટક અવાજે એ બોલી, ‘અત્યારે ફોન પર તમારી સાથે વાત કરતાં ખૂબ જ શરમ-સંકોચ થાય છે….પણ તમે મને ઓળખી તો ખરીને ?’
મેં તરત જ જવાબ આપ્યો : ‘સામસામે મળી જઈએ કે દૂરથી, પણ તમને જોઉં તો ઓળખી કાઢું એટલી તમારી યાદ-તમારી ઓળખાણ જરૂર છે જ.’ સહેજ અટકીને, ખચકાઈને, વિચાર કરીને એ આગળ બોલી :
‘કશુંક માન્યામાં ના આવે એવું બની ગયું છે. અંબરે તમને બનિતાની વાત કરી જ હશે. એ મને કાલે સાંજે મળ્યો હતો. બનિતા માટે તમારી સંમતિ નથી એવું કહેતો હતો અને…’
મેં તરત જ અધવચ્ચે ભારપૂર્વક કહ્યું, ‘હા બરાબર છે, મારી સંમતિ નથી, સાથે સાથે – ’ પછી હું બોલતાં બોલતાં અટકી ગયો. અમારી બે વચ્ચે ફોન પર જ તનાવભરી ચૂપકીદી છવાઈ ગઈ. હું રિસીવર મૂકી દઉં કે ના મૂકી દઉં એનો વિચાર કરતો હતો, ત્યાં એ નરમ અવાજે બોલી : ‘હું તમને આ વિશે કશુંક કહેવા માગું છું. તમને હું એકલી મળવા માંગું છું.’
મને નવાઈ લાગી. મને લાગ્યું કે, હવે મળવાનો કશો અર્થ નથી, એટલે મેં એને કહ્યું, ‘જે કહેવું હોય એ અત્યારે ફોન પર જ કહી દો ને !’
પાછી ચૂપકીદી છવાઈ ગઈ. તેણે રિસીવર મૂકી ના દીધું, પણ સંકોચથી ધીમા-થડકતા અવાજે બોલી, ‘મારે તમને જે કાંઈ કહેવું છે એ અત્યારે એકદમ જલ્દીથી ફોન પર નહિ કહી શકું, એ ઠીક પણ નહિ લાગે…. એવું તો નથી ને કે તમે મારું મોં પણ જોવા નથી માગતા ?’
‘ના, એવું નથી.’ મેં ટૂંકો જ જવાબ આપ્યો.
‘તો આવતા રવિવારે આવું ?’ એણે આતુરતાથી પૂછ્યું.
મેં કહ્યું, ‘સારું, આવો.’

રવિવારે સાંજે પણ આછો વરસાદ પડતો હતો. ક્યારેક ફકત ચહેરો અને હાથ જ ભીના થાય એવી પવનની જેમ ફરફર લહેરાતી હતી, તો ક્યારેક ગણી શકાય એવાં મોટાં મોટાં દસ-બાર ટીપાં એક સાથે પડતાં હતાં. મને વરસાદનાં બે રૂપ સૌથી વધારે ગમે છે. એક તો આવી ભીની ભીની ફરફરતી છાંટ કે પછી ધડાધડ કડડભૂસ ખાંગા થઈ તૂટી પડતા બારે મેધ.

શી ખબર, શાથી, પણ આટલાં વર્ષો પછી અનુરાધા સામેથી મને મળવા આવવાની હતી એની કશી ઉત્તેજના કે હવે એ કેવી દેખાતી હશે એની કશી આતુરતા પણ મારા મનમાં ઊભી થતી નહોતી. અનુરાધાએ ફોન પર સાચું કહ્યું હતું – કશું માન્યામાં ના આવે એવું બની ગયું હતું, છતાંય આ તે કેવો યોગાનુયોગ કે ઋણાનુબંધ કે કેવી લેણ-દેણ કે વિધિની વક્રતા-વિચિત્રતા… આવું કશું પણ મારે વિચારવું નહોતું. બસ આટલું જ – જે બન્યું એ મને ગમ્યું નથી, એ હું સ્વીકારતો નથી.

રવિવારે સાંજે અનુરાધા આવીને કશું બોલ્યા વિના ક્યાંય સુધી બેસી રહી. મને પહેલીવાર જોતી હોય એમ મારી સામે આતુરતાપૂર્વક તાકી તાકીને જોયા કરતી હતી. એના ચહેરા પર એની ઉંમરની ઝાઝી અસર વરતાતી નહોતી, છેવટે એની સાડીનો પાલવ આમળીને મંદ અવાજે બોલી, ‘તમારે મને કશું પણ નથી કહેવાનું ?’
મને નવાઈ લાગી. ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે જે કાંઈ કહેવાનું હતું એ એણે કહેવાનું હતું. અંબર-બનિતા વિશે એણે કશું કહેવું હતું. બિલકુલ વિચલિત થયા વિના, સ્વસ્થતાથી, શાંતિથી મેં જવાબ આપ્યો, ‘ના, મારે કશું નથી કહેવું.’
પછી મનોમન કશોક વિચાર કરી એ બોલી : ‘તમને મારા પ્રત્યે હજુ પણ રોષ છે ? તમારા મનનું દુ:ખ…’
મેં એને અધવચ્ચે જ અટકાવી કહ્યું, ‘જો અનુરાધા, મારે આ વાત નહોતી કરવી એટલે જ હું મળવા માગતો નહોતો. હું અત્યારે બિલકુલ સ્વસ્થ છું, શાંત છું, સુખી છું….. હા, તમે આજે હવે આટલાં વર્ષો પછી મળ્યાં છો અને તમે પૂછ્યું જ છે તો કહી દઉં કે હા, હું તમારે લીધે બેચન બની ગયો હતો, મારી લાગણીની સમતુલા ગુમાવી બેઠો હતો, મને ઊંડો આઘાત લાગ્યો હતો….હું તમને પ્રેમ કરતો હતો, પણ મને ખબર નહિ કે તમે મને પ્રેમ કરતાં નહોતા…..તમે એ તો કબૂલ કરશો જ કે આપણી બે વચ્ચે થોડો-ઘણો સંબંધ તો હતો જ, એટલે તમારી સાથે લગ્ન કરવાની મેં તમને વાત કરી હતી, પણ તમે મને કશો જવાબ ના આપ્યો, મારી ઑફરનો, મારો અસ્વીકાર કર્યો. મારી વાત, મારી લાગણી ઠુકરાવી દીધી…. હા, તમને એનો પૂરેપૂરો હક હતો, પણ તમે શા માટે ના પાડી હતી એનું કારણ તો કહેવું હતું. કશું બોલ્યા વિના, કશું કહ્યા વિના મને હડસેલો મારી દીધો ! મેં ખૂબ જ ભોંઠપ-લધુતા, હીણપત અનુભવી હતી, લજ્જા અને આત્મ-તિરસ્કારથી મારું મન બુઝાયેલા કોલસા જેવું કાળુંધબ્બ થઈ ગયું હતું… આ બધું તમને નહોતું કહેવું, કોઈને નહોતું કહેવું…. આજે ના પાડ્યા પર તમે આવ્યાં ને કહેવાઈ ગયું.’ આ બધું બોલતાં તો બોલી ગયો, પણ પછી મને લાગ્યું કે પાછું રહી રહીને આ કહેવાની જરૂર નહોતી.

અનુરાધા શાંતિથી છતાંય ગંભીરતાથી આતુરતાપૂર્વક મને સાંભળી રહી હતી. એ એકાએક ઊભી થઈ અને મારી પાસે આવી બોલી, ‘તમને શું કહું ! એ વખતે મારું મન એવું મૂંઝાઈ ગયું હતું, એવી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી કે –’
એ કશું આગળ બોલે એ પહેલાં જ મેં એને અધવચ્ચે ભારપૂર્વક અટકાવી કહ્યું, ‘બસ, હવે મારે કશું સાંભળવું નથી. મારે એ વિશે કશી વાત પણ નથી કરવી…..હા, આજે તક મળી છે તો મારા મનની એક વાત કહી દઉં…..તમે ખોટું ના લગાડતાં, પણ મારા માટે એ જે થયું એ સારું થયું. પછી માલવિકા સાથે મારાં લગ્ન થયાં. એ તો અનાયાસે મને આવી મળી, પણ એણે તો મને અઢળક-પારાવાર સુખ આપ્યું, ઋજુ-કોમળ મનની પત્ની તરીકે મારી માલવે એના હૃદયનો મને સંપૂર્ણ પ્રેમ આપ્યો, અનુરાધા, એટલું જ નહિ, પણ એક સ્ત્રી એના મનગમતા પુરુષને એની આખી જિંદગી દરમિયાન જે કાંઈ આપે, જે કાંઈ આપી શકે એ તમામ સુખ, પ્રેમ એણે ફકત દસ વર્ષના અમારા ટૂંકા દાંપત્યજીવનમાં મને આપ્યાં. મને માલવિકા પત્ની તરીકે મળી એ મારા જીવનનું મોટામાં મોટું સદભાગ્ય છે, તો ખૂબ જ નાની વયે એનું આકસ્મિક કરુણ મૃત્યુ થયું એ મારા જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે….પણ…. પણ અનુરાધા, એણે પ્રેમપૂર્વક મારો હાથ પકડ્યો ને મારા એકાકી જીવનમાં મારી સાથે સાત પગલાં ચાલી એમાં તો એ મારું જીવન ધન્ય કરતી ગઈ.’

અનુરાધા પણ નીચું જોઈ પોતાના મનમાં ક્યાંક ઊંડે ઊતરી ગઈ હતી. એ મંદ લાગણીભર્યા અવાજે બોલી, ‘એમનું એવું અચાનક મૃત્યુ થયું ત્યારે તમને મળવા આવવાની મારી ઈચ્છા હતી, પણ મારી હિંમત ચાલી નહિ, પગ ના ઉપડ્યા.’
મેં તરત જ કહ્યું, ‘પણ મારા વિશે કંઈક જુદું બન્યું હતું. તમારાં લગ્ન થઈ ગયાં એ મેં સાંભળ્યું હતું. તમારા પતિ પારાશર ઘણા જ સરળ, પ્રેમાળ અને વિદ્વાન એડવોકેટ હતા એ પણ મેં સાંભળ્યું હતું ને એ પણ ઓચિંતા કાર-ઍક્સિડન્ટમાં માર્યા ગયા એ મેં ન્યૂઝ-પેપરમાં વાંચ્યું ત્યારે મને ખૂબ દુ:ખ થયું, પણ શી ખબર શાથી એ વખતે પણ તમને મળવાની ઈચ્છા મનમાં થઈ નહોતી…. પણ અનુરાધા, આ તો એવું લાગે છે કે જાણે આપણે આપણી વાતો કરવા ભેગાં થયાં છીએ…. તમે અંબર-બનિતા વિશે ખાસ જે કાંઈ કહેવા આવ્યાં છો તે જ હવે કહો.’
‘હા, હવે હું તમને એ જ કહું છું, પણ એ પહેલાં મારા હૃદયની સચ્ચાઈથી તમને એક નમ્ર વિનંતી કરું છું. આ તમે મને ક્યારનાય ‘તમે ‘તમે’ ને અનુરાધા કહી માનથી સંબોધો છો તે મને અડવું-અડવું ને અજુગતું લાગે છે. હવે તમે પહેલાંની જેમ ‘તું’ કે અનુ કહી તુંકારે ના બોલાવી શકો ?……… મેં તમારી બધી વાત સાંભળી છતાંય આટલી આ વાત આર્જવતાથી કરું છું.’ અનુરાધા થોડી-ઘણી લાગણીવશ થઈ બોલી.
મેં તરત જ જવાબ આપ્યો, ‘અનુરાધા, એમ કરું તો તો અત્યાર સુધી હું જે કાંઈ બોલ્યો એ બધું ફોગટ થઈ જાય….. એટલે હવે તમે બનિતા વિશે જ કહેવું હોય એ કહો.’

બહાર ક્યાંકથી એક ચકલી આવીને મોટેથી ચીંચી કરી સ્ટીરિયોના ભીંત પર ગોઠવેલા સ્પિકરને ચાંચો મારી રહી હતી. એની સામે એ ભીરુ ચંચળ નજરે જોઈ રહી, પછી મારી સામે જોયા વિના જ ધીમેથી થડકાતા અવાજે બોલી, ‘અંબરે જ્યારે મને કહ્યું કે બનિતા માટે તમારી સંમતિ નથી ત્યારે મને બહુ દુ:ખ થયું….આજે હું તમારી પાસે બનિતાની મમ્મી તરીકે જ આવી છું….મને ખબર છે કે તમે મારે લીધે બનિતાને ના પાડો છો…..પણ બનિતામાં કશી એબ નથી, કશું કહેવાપણું નથી, તો પછી મારી બનિતાનો શો દોષ !’
મેં સહેજ આકરા થઈ અધીરાઈથી તરત જ કહ્યું, ‘મેં બનિતા વિશે કશો અભિપ્રાય આપ્યો નથી.’

અનુરાધા પણ તરત જ સહેજ ઉચાટ અને ઉત્તેજનાથી બોલી ઊઠી, ‘એ હું જાણું છું, એટલે તો હું આજે તમને મારા મનની વાત કહેવા આવી છું. જુઓ, જ્યારે મેં આ વાત જાણી ત્યારે તમારી જેમ શરૂઆતમાં મારી પણ સંમતિ નહોતી, પણ બનિતા માની નહિ, એ અંબરને ખૂબ પ્રેમ કરે છે….એના વગર એ રહી શક્તી નથી…. ને…ને… તમને તો પ્રેમની વેદના ખબર છે…. વધારે શું કહું ! અંબર પણ બનિતાને એટલો જ પ્રેમ કરે છે, એ પણ બનિતા વગર…’
મારાથી રહેવાયું નહિ, એટલે અશાંત-અસ્વસ્થ મને મેં કહ્યું, ‘પણ અંબરે એ મને નથી કહ્યું કે એ બનિતાને પ્રેમ કરે છે, એણે તો ફકત લગ્ન માટે મારી સંમતિ જ માંગી હતી.’
મારા આ જ શબ્દોની એ આતુરતાપૂર્વક, ઉત્કટપણે રાહ જોતી હોય એમ આર્જવતાથી બોલી ઊઠી, ‘તો અંબર પોતે તમને કહે કે, એ બનિતાને પ્રેમ કરે છે તો તમે ના નહિ પાડો ને ?’

અનુરાધાએ એના આ માર્મિક પ્રશ્નથી મને ખૂબ જ નાજૂક-મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી દીધો, પણ મારે પ્રેમની સચ્ચાઈનો, એની વેદનાનો અનાદર નહોતો કરવો. મનોમન થોડો-ઘણો વિચાર કરી, મેં એને જવાબ આપ્યો, ‘હા, જો અંબર પોતે મને કહશે કે એ બનિતાને પ્રેમ કરે છે તો હું એનાં ને બનિતાનાં લગ્ન માટે હા પાડીશ, એટલું જ નહિ પણ બનિતાને આ ઘરની વહુ તરીકે ઉમળકાથી આવકારીશ, એને સ્વીકારીશ, સન્માન આપીશ…… પણ સાથે સાથે મારી બીજી એક શરત છે.’
હજુ હું આગળ કશું કહું એ પહેલાં તો અનુરાધા હરખ-ઉમંગથી બોલી ઊઠી, ‘હા, હા, કહો તમારી શરત…. તમારી ગમે તે શરત હશે મને કબૂલ-મંજૂર છે.’
મેં એને આછા શાંત અવાજે કહ્યું, ‘પણ પછી હું તમારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહિ રાખું.’
અનુરાધાનો ચહેરો એકાએક કરમાઈ ગયો. એ ઊંચા શ્વાસે, કંપતા-રડમસ અવાજે પરાણે બોલી : ‘કેમ ?’
મેં જવાબ આપ્યો, ‘આપણો નવો સંબંધ જૂના સંબંધને ભૂલવા ના દે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એવા રે અમો…. – રતિલાલ બોરીસાગર
શૉ મસ્ટ ગો ઑન – શાહબુદ્દીન રાઠોડ Next »   

15 પ્રતિભાવો : ભૂલવા નહિ દે…. – વિભૂત શાહ

 1. Meera says:

  Very delicate issue! I would think it would be more
  relaxed atmosphere if both the kids are made aware of the situation prior to get them married.
  So later on the Banita would not feel confused by her father in law’s indifferent behaviour.

 2. Jitesh says:

  This End makes sense.

 3. ashalata says:

  shu lakhavu?

  abhinandan

 4. ashalata says:

  shu lakhvu?
  abhinandan

 5. hitu pandya says:

  khovai javay evi varta che,nava lakhnar ne inspiration aaavi jay teva milestone sami chhe..!!!!

  end is v.good+vastvikta ni ghani najik chhe..

  aakhi varta na lakhan ma etli takaat chhe ke ,e vachak ne eni duniya ma khechi le.e vatra no PLUS point chhe!!!!

 6. hitu pandya says:

  nava lakhnar ne inspiration aaavi jay teva milestone sami chhe..!!!!

  end is v.good+vastvikta ni ghani najik chhe..

  aakhi varta na lakhan ma etli takaat chhe ke ,e vachak ne eni duniya ma khechi le.e vatra no PLUS point chhe!!!!

 7. jigar says:

  really good one,
  specially good language and story line as well. keep it up.

 8. bhavna joshi says:

  Anuradha jv swarthi stree kayu mo laine Amber na pita pase aavee? chhokataone saachi vaat janavi feslo ae lokone karva devo joie. Amber jo ena pita ne sacho aadar aapto hoy to ene aa lagna naj karva joie.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.