- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નિયતિ – નિમેષ પટેલ

[‘ગુજરાત’ સામાયિકના અંક-2006 માં પ્રકાશિત થયેલી આ કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી નિમેષભાઈનો(પોરબંદર) ખૂબ ખૂબ આભાર. ]

સિદ્ધાર્થના ઘરમાં અત્યારે તોફાન પછીની શાંતિ હતી. હજુ થોડીવાર પહેલાં જ સિદ્ધાર્થના ઍરફૉર્સમાં જોડાવાના નિર્ણય બાબતે ઘરમાં ઘમાસાણ વાકયુદ્ધ મચી ગયું હતું. સૌથી વધારે ઉગ્ર વિરોધ વિદ્યાગૌરીનો હતો.
‘ગમે તે થાય. હું મારા છોકરાને ઍરફોર્સમાં નહીં જવા દઉં.’ વિદ્યાગૌરીએ પોતાનો આખરી નિર્ણય સંભળાવ્યો હતો.
‘કમ ઓન મમ્મી, હું હવે કંઈક છોકરો નથી રહ્યો, મને ખબર છે મારા માટે શું સારું છે, શું ખરાબ.’ સિદ્ધાર્થે સહેજ ચિડાઈને કહ્યું હતું. આ કહેતી વખતે જોક એને ખબર જ હતી કે એ વિદ્યાગૌરી માટે તો આજીવન ‘છોકરો’ જ રહેવાનો છે.
‘ભલે બધું ખબર હોય પણ તારે ઍરફૉર્સમાં જવાનું નથી. ભણીને નોકરી જ લેવી હોય તો ઘેર બેઠાં નોકરી ક્યાં ઓછી છે ? અને કંઈ નહીં તો તારા પપ્પાએ આટલી મહેનતથી જમાવેલો ધંધો તો છે જ.’

સિદ્ધાર્થે આશાભરી નજરે નવનીતરાય સામે જોયું, પણ તેમણે સલૂકાઈથી મ્હોં ફેરવી લીધું. નવનીતરાય પોતાના ધંધામાં સતત ખૂંપેલા રહેતા પણ પુત્રની ઍરફોર્સમાં જોડાવાની ઘેલછાથી અજાણ હોય એટલા અલિપ્ત પિતા પણ ન હતા. ભારતીય હવાઈદળના ઑફિસરના જીવનની ઝાંખી મળે એ માટે પોતે જ સિદ્ધાર્થને એકવાર પોતાના કૉલેજકાળના મિત્ર વિંગ કમાન્ડર ખોસલા પાસે લઈ ગયા હતા. પણ અત્યારે એમનાં પત્નીને સમજાવવાની એમની હિંમત ચાલતી ન હતી.

આમ તો યુવાન પુત્રના પોતાની કારકિર્દી માટેના નિર્ણયને પૂરો ટેકો આપે એટલા સમજદાર તો તેઓ હતા જ પણ અંદરખાનેથી તેઓ પણ એવું ઈચ્છતા હતા કે સિદ્ધાર્થ પોતાની નજર સામે જ રહે તો સારું… બે વર્ષ પહેલાં તેમના દૂરનાં સગાંનો પુત્ર કારગીલ સેક્ટરમાં શહીદ થયો હતો ત્યારે તેનાં માતાપિતાના ચહેરા પર આવેલ ભૂકંપ હજુ નવનીતરાયની આંખો સામેથી ખસતો ન હતો….
‘મોટો ભાઈ છે તો નાનાને સમજાવ…’ વિદ્યાગૌરીએ મોટા પુત્ર આલોક તરફ જોઈ વ્યુહ બદલ્યો. આલોક મોજપસંદ, સીધો અને આજ્ઞાંકિત પુત્ર હતો. મમ્મીને ગમે એટલો આજ્ઞાંકિત, પપ્પાને ના ગમે એટલો સીધો…. આલોક બૅંક ઑફ બરોડામાં પ્રોબેશનરી ઑફિસર હતો.
‘મમ્મી, સિદ્ધાર્થને ઍરફોર્સમાં જવાની ઈચ્છા છે તો તેને જવા દે…. અને તારી જેમ જ જો બધી મમ્મીઓ વિચારશે તો કોઈ પાઈલોટ થશે જ નહિ. સિદ્ધાર્થના ઍરફૉર્સમાં જોડાવાના સ્વપ્ન વિશે તું નથી જાણતી ? ઍરફૉર્સમાં બધા પાઈલોટનાં પ્લેન તૂટી જ પડે છે એવું કંઈ થોડું છે ? જો, આખરે તો ભાગ્યમાં જે થવાનું હોય છે તે થઈને જ રહે છે…’ નાના ભાઈને બદલે મમ્મીને સમજાવવાનું આલોકને વધુ ઉચિત લાગ્યું હતું. છેલ્લે થોડાક વજનથી આલોકે ઉમેર્યું પણ ખરું, ‘અવની પણ સિદ્ધાર્થના નિર્ણયમાં સંમત છે.’ અવની સાથે સિદ્ધાર્થની બે મહિના પહેલાં સગાઈ થઈ હતી.
‘તો તમને ઠીક લાગે તે કરો.’ વિદ્યાગૌરીએ આખરે કમને ઢીલું મૂકતાં કહ્યું હતું, ‘પણ અવનીને હું પૂછી જોઈશ, એના નામે જો વાતો બનાવી છે તો તમારા બંનેની ખેર નથી.’ સિદ્ધાર્થે ધરપતથી આલોક સામે જોયું. દર વખતની જેમ આજે પણ મોટાભાઈએ બાજી સંભાળી લીધી હતી.

સિદ્ધાર્થ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસની પરીક્ષામાં પાસ થયો ત્યારે ઘરમાં સૌ ખુશ થયા હતા – વિદ્યાગૌરી પણ. ભલે પોતાની ઈચ્છા વિરુદ્ધ સિદ્ધાર્થ ઍરફૉર્સમાં જોડાવા માટેની પરીક્ષાની તૈયારી કરતો હતો પણ પરીક્ષામાં દીકરો પાસ તો થયો જ હતો ને ? સ્ટાફ સિલેકશન બોર્ડના ઈન્ટવ્યૂ માટે હૈદ્રાબાદથી કોલ પણ આવી ગયો હતો. ઈન્ટરવ્યૂ માટે જતાં પહેલાં સિદ્ધાર્થ થોડો નર્વસ હતો. અવનીની આંખોમાં આંખ પરોવતાં એણે કહ્યું હતું : ‘આઈ એમ લીટલ નર્વસ, અવની.’
‘ડૉન્ટ બી.’ અવનીએ કંઈક ટીખળ સાથે ત્યારે કહેલું, ‘આઈ એમ સ્યોર યુ વીલ પર્ફોમ વેલ’ ‘પર્ફોર્મ વેલ’ શબ્દો પરનાં શ્લેષથી સિદ્ધાર્થ ખડખડાટ હસી પડેલો.
‘તું હસે છે ત્યારે કેવો અવાજ આવે છે, ખબર છે ?’ અવનીએ કૃત્રિમ મુગ્ધતા ધારણ કરી પૂછેલું.
‘કેવો ?’
‘ફાઈટર પ્લેનના ગડગડાટ જેવો.’ કહી અવની પોતે ખીલખીલ કરતી હસી પડેલી. સિદ્ધાર્થ પણ હસેલો. સગાઈ અને લગ્ન વચ્ચેનું હાસ્ય…..હસવાનો સિલસિલો ચાલુ રહ્યો.

એસ.એસ.બી ઈન્ટરવ્યૂમાં પણ સિદ્ધાર્થ પસંદ થયો હતો. ભારતીય હવાઈદળમાં જોડાવા ઈચ્છનાર યુવાનને ફરજિયાત આપવી પડતી ‘પાઈલોટ એપ્ટીટ્યુડ બેટરી ટેસ્ટ’, જેમાં નિષ્ફળ જવાથી ઍરફૉર્સના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય છે – એ પણ સિદ્ધાર્થે બહુ આસાનીથી પાસ કરી હતી.

અને એક દિવસ ભારતીય હવાઈદળમાં ફાઈટર પાયલોટ તરીકે પસંદ થયો હોવાની ખબર પણ આવી ગઈ. સિદ્ધાર્થના સમગ્ર જહનમાં જાણે કરંટની એક લહેર દોડી ગઈ. કિશોરકાળથી સાચવેલું, સેવેલું સ્વપ્ન સાકાર થતું હતું. તાલીમમાં જોડાવાનો પત્ર પણ આવી ગયો. ઘરમાં સૌ ખુશ હતા અને થોડા ઉદાસ પણ… નવનીતરાયે સિદ્ધાર્થને જતી વેળા બાથમાં લીધો. બન્ને વચ્ચે કંઈક સખ્ત તૂટી ગયું. પુત્રને પિતા જ્યારે બાથમાં લે છે ત્યારે બન્ને વચ્ચે કંઈક સખ્ત તૂટી જતું હોય છે. આલોક પણ સિદ્ધાર્થને ભેટ્યો હતો અને કહ્યું હતું, ‘નાનો હતો ત્યારે કાગળનાં વિમાન ઉડાવતો હતો, હવે સાચૂકલાં પ્લેન ઉડાવજે.’
પણ વિદ્યાગૌરીની આંખોમાં આંસુ સમાતાં નહોતાં. મોટો દીકરો તો જાણે પોતાની સામે જ રહેવાનો હતો પણ નાનો દીકરો જે આકાશને આંબવા નીકળ્યો હતો તે પાછો તો આવશે ને ? રહી રહીને આ ઉચાટ તેમને સંતાપ કરાવતો હતો.
‘મને કંઈ થવાનું નથી.’ સિદ્ધાર્થ માંડમાંડ બોલી શક્યો.
‘ટેક કેર…’ અવનીએ તરલ આંખો સાથે માત્ર આટલું જ કહ્યું.
‘તારા ગયા પછી જેટલી વાર વિમાનનો અવાજ આવશે એટલી વાર બહાર નીકળી જોઈશ…..’ ગઈકાલે જ અવનીએ કહેલું જે સિદ્ધાર્થને યાદ આવ્યું. અને બેગમાં સામાન તથા આંખોમાં આકાશ ભરી સિદ્ધાર્થ ફાઈટર પાઈલોટની તાલીમ માટે જવા માટે નીકળી ગયો.

હૈદ્રાબાદથી 43 કિ.મી દૂર આવેલ ડૂંડીગલની ઍરફૉર્સ એકેડમીમાં સ્વપ્નીલ દિવસો પસાર થવા માંડ્યા. તાલીમ શરીર અને મન બંને ને સમથળ કરી નાંખે તેવી હતી. તાલીમની સખ્તાઈને યોગ્ય ઠેરવતાં ઈન્સ્ટ્રકટર કહેતા : ‘ધ મોર યુ સ્વેટ ઈન પીસ, ધ લેસ યુ વીલ બ્લીડ ઈન વોર’ (શાંતિના સમયે જેટલો પરસેવો રેડશો એટલું ઓછું લોહી યુદ્ધમાં વહેશે.) લોજીસ્ટીક્સ, સોર્ટીઝ, એરોડાયનેમિક્સ, ફાઈટર પ્લેનની તકનીકી ખાસિયતો, સિમ્યુલેશન… બહુ માહિતીપ્રચૂર દિવસો હતા એ.

ભારતીય હવાઈદળના જાંબાજ શહીદોનાં કારનામાં સિદ્ધાર્થ સાંભળતો ત્યારે એની અને સાથના તમામ કેડેટ્સની આંખોમાં તાલીમ પૂરી કરી ફાઈટર પાયલોટ બનવાની અધીરાઈ ઉછળતી. 1971ના યુદ્ધમાં ફ્લાઈંગ ઑફિસર નિર્મલજીતસિંહ શેખોનના કૌશલ્યના કિસ્સા અને તેમણે જે રીતે દુશ્મન જેટ પ્લેનને ઉડાવી દીધેલું અને તેમાં શહીદ થયા હતા, ‘પરમવીર ચક્ર’ વિજેતા બન્યા હતા…. એ રોમાંચકારી વાતો તમામ જવાનો ઉત્સાહીત કરતી હતી. તાલીમ અનેરા જોમ અને ઉત્સાહથી આગળ વધી રહી હતી. પણ એક દિવસ સિદ્ધાર્થને વિમાન અકસ્માત નડ્યો.

વિમાનમાંથી નીચે પેરાશુટથી કૂદવાની તાલીમનું કૌશલ્ય સિદ્ધાર્થે બરાબર શીખી લીધું હતું. પણ ખરેખર પેરાડ્રોપ કરતી વખતે છેલ્લી ઘડીએ એની કમરમાં પેરાશૂટનો સ્ટ્રેપ અટવાઈ ગયો. લગભગ વીસેક ફૂટની ઉંચાઈએથી એ નીચે પડ્યો હતો. પડતાંવેંત જ તેની એડીનું હાડકું ભાંગી ગયું હતું. કમ્પાઉન્ડ ફેકચર થઈ ગયું. તાલીમ કેમ્પસમાં આવેલ હોસ્પિટલમાં તુરંત સારવાર તો મળી ગઈ પણ સિદ્ધાર્થને વધુ ચિંતા એની મમ્મીની હતી. જો એને ખબર પડશે તો એ ચિંતાથી અડધી થઈ જશે એ વિચારે એણે એના તાલીમ કમાન્ડરને પણ પોતાના અકસ્માતની ખબર એના ઘરે ન આપવા વિનંતી કરી હતી પણ તાલીમાર્થીને અકસ્માત નડે તો ઘરનાંને ખબર તો આપવી જ પડે એ નિયમને કારણે સિદ્ધાર્થના માતાપિતાને ખબર અપાઈ હતી.

અકસ્માતના સમાચાર સાંભળી પ્રથમ તો વિદ્યાગૌરીને એ જ ધ્રાસ્કો પડ્યો કે નક્કી કંઈક અજૂગતું બની ગયું છે પણ આઘાત ન લાગે એ માટે એને સાચી ખબર નથી અપાઈ…. જાણે હીસ્ટીરીયાનો હૂમલો આવ્યો હોય એવો એમનો પ્રતિભાવ હતો. સિદ્ધાર્થને કંઈક અમંગળ થશે એ ભીતિ જે મહિનાઓથી ધરબાઈને મનમાં બેઠી હતી એ જાણે એક ઉછાળા સાથે બહાર નીકળી આવી. સિદ્ધાર્થને ફક્ત અકસ્માત જ નડ્યો છે એ એમને સમજાવતાં આલોકને અને નવનીતરાયને નાકે દમ આવી ગયો, આલોકે કહ્યું કે તાલીમ કમાન્ડર સાથે તેણે પોતે વાત કરી હતી, સિદ્ધાર્થને ફક્ત ફેકચર જ થયું છે. નવનીતરાયે પણ વિદ્યાગૌરીને સમજાવતાં કહ્યું કે સિદ્ધાર્થને કંઈક અજૂગતુ થયુ હોત તો પોતે જ આટલા સ્વસ્થ રહી શકત ? તોય વિદ્યાગૌરીએ સિદ્ધાર્થને મળવા જવાની જીદ પકડી હતી જેમાં કોઈ સમજાવટને અવકાશ ન હતો. આલોકે સિદ્ધાર્થને મળવાની આગોતરી પરવાનગી લઈ લીધી, નવનીતરાય, વિદ્યાગૌરી અને અવની બે દિવસની ટ્રેનની મુસાફરી પછી તાલીમ કેમ્પસની હૉસ્પિટલ પર આવ્યા ત્યારે સિદ્ધાર્થ પથારીમાં હતો.

સિદ્ધાર્થને હેમખેમ જોઈ જાણે વિશ્વાસ ન બેસતો હોય એમ વિદ્યાગૌરીએ સિદ્ધાર્થના મોઢા પર ચિંતાતુર હાથ ફેરવ્યો હતો… ‘મારું ન માન્યુ ને…..?’ એવા શબ્દો સિદ્ધાર્થે એમના ચહેરા પર વાંચ્યા. અવની પણ ઓછી વ્યગ્ર ન હતી. પણ વાતાવરણ હળવું કરવા સિદ્ધાર્થે અવની તરફ જોઈ કહ્યું : ‘ફેકચર લગ્ન પછી થાય એ તો બરાબર છે, પણ આ તો…..’
બધાં હસી પડ્યાં.

સિદ્ધાર્થને મળી લીધા પછી જતા સમયે તાલીમ કમાન્ડરની ઑફિસમાં કમાન્ડરે કહ્યું, ‘ફોર એ ગુજરાતી, યોર સન ઈઝ ડુઈંગ એક્સેપ્શ્નલી વેલ ઈન ટ્રેનિંગ….’ નવનીતરાયે વિદ્યાગૌરીને સમજ પાડી. ‘એ એવું કહે છે કે એક ગુજરાતી છે એ જોતાં તમારો છોકરો તાલીમમાં ખૂબ સારો દેખાવ કરી રહ્યો છે.’
‘મારે તો ગુજરાતની બહાર ક્યાં એને મોકલવો જ હતો’ વિદ્યાગૌરી કંઈક એ મતલબનું બબડ્યા.

આખરે સિદ્ધાર્થને કોઈ ગંભીર ચોટ નથી આવી એવી ધરપત સાથે સૌ પાછાં ફર્યાં. નવનીતરાય અને વિદ્યાગૌરી ઘરે પહોંચે પછી પોતે એમને ફોન કરશે એવું પણ સિદ્ધાર્થે કહ્યું હતું. અવનીને એના ઘેર મૂકી નવનીતરાય અને વિદ્યાગૌરી એમના ઘરે આવ્યા. ‘આલોક બસ હવે આવવો જ જોઈએ.’ વિદ્યાગૌરીએ ઘરમાં પ્રવેશતાં જ કહ્યું, પણ એમનું મન હજુ સિદ્ધાર્થમાં જ હતું.
‘સિદ્ધાર્થ કેટલો બધો સૂકાઈ ગયો છે ?’ વિદ્યાગૌરી સ્વગત બબડ્યા. હૈદ્રાબાદથી ઘર સુધીની સફરમાં વિદ્યાગૌરીએ આ પાંચમી-છઠ્ઠી વાર નવનીતરાયને પૂછ્યું.
‘કંઈ નથી થયું તારા સિદ્ધાર્થને….આવી સખ્ત તાલીમમાં જરા પડે-આખડે પણ ખરો.’ જરા ચીડાઈને નવનીતરાયે કહ્યું.

સાંજના સાત થઈ ગયા હતા. ‘આલોક હજુ કેમ…..’ નવનીતરાય બોલવાનું પૂરું કરે એ પહેલાં જ ફોનની ઘંટડી રણકી.
‘સિદ્ધાર્થનો જ ફોન હશે.’ ફ્રીજમાં પાણીની બોટલ ગોઠવતાં વિદ્યાગૌરી બોલ્યાં. નવનીતરાયે ફોન ઉપાડ્યો. સિદ્ધાર્થ સાથે વાત કરવાની ઉત્કંઠામાં વિદ્યાગૌરી પણ ફોન નજીક આવી ઉભા રહ્યાં. પણ નવનીતરાયના ચહેરા સામે જોઈ એ છળી પડ્યાં. નવનીતરાયના ચહેરા પર જાણે ભૂકંપ આવી ગયો હતો. રિસીવર હાથમાંથી પડી ગયું હતું.
નવનીતરાયના મોમાંથી ફક્ત એક શબ્દ નીકળ્યો: ‘આલોક………..’