આડંબરનું ઓઢણું – જિજ્ઞાસા વિહંગ જાની

[ ‘રીડગુજરાતી વાર્તા સ્પર્ધા-2006’ માં પાંચમા ક્રમે આવેલી આ સુંદર કૃતિ માટે શ્રીમતી જિજ્ઞાસાબહેનને (ટેકસાસ, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : jjani27@yahoo.com ]

મારી નાની નણંદ વૈશાલી ખૂબ લાડમાં મોંઢે ચઢાવેલી હોવાથી, એ જ્યારે પોતાનો અભિપ્રાય આપે ત્યારે મોટેભાગે અમે બધા જ, એક કાને થી સાંભળી બીજા કાને કાઢી નાખીએ. પણ તે દિવસની વાત જ જૂદી હતી. વૈશાલી તો મોઢું ચઢાવી બીજા રૂમમાં જતી રહી, પણ મારા મનમાં વિચારોનો વંટોળ શરૂ કરતી ગઇ.

વૈશાલી કહે, ‘રચનાભાભી, શરુઆતમાં તો મને પૃથાબેન ઘણાં ગમતાં, પણ આજકાલ તેમનું અભિમાન સાતમે આસમાને ચઢી ગયું છે. એમની પાસે બહુ પૈસો છે, તેથી કંઇ હંમેશાં દેખાડો ન કરવાનો હોય. કહી દેજો એમને કે, મારે લગ્નમાં તેમની પાસેથી કોઇ ભેટ જોઇતી નથી.’

હું પૃથાને લગભગ સત્તર વર્ષથી ઓળખું છું. અમે પાંચમા ધોરણમાં એક જ ક્લાસમાં હતા. પૃથાના પપ્પાનો મોટો બંગલો અમારા સુનયના ફ્લેટની પાછળના ભાગમાં હતો . હું, પૃથા, મારી નાની બેન, તથા બીજા બાળકો બધા સાથે રીક્ષામાં બેસી સ્કૂલમાં જતા અને પાછા આવતા. પૃથા દરેક બાબતમાં મારાથી અને અન્ય સમવયસ્ક વિદ્યાર્થીઓથી ચઢિયાતી હતી. તે ભણવામાં હંમેશાં આગળ જ હોય. તેનો અવાજ પણ એટલો સુરીલો કે શાળાની કોઇ પણ પ્રવૃત્તિ હોય તો પૃથાને પ્રાર્થના, રાષ્ટ્રગીત, ભજન કે શાળા-ગીત તો ગાવાનું જ હોય.

તેનો ઊજળો વાન, ઘાટીલું શરીર અને વાંકડીયા વાળ તેના આકર્ષક વ્યક્તિત્વને ઊપસાવતાં. પણ સૌથી વધુ ધ્યાન ખેંચે એવું તો તેનું હાસ્ય હતું. તે જ્યારે પણ હસતી ત્યારે, તે હોઠથી નહીં પણ આંખથી અને અંતરથી હસતી હોય તેમ લાગતું. તેની કથ્થાઇ આંખોમાં કોઇક અજબ અસ્મિતા રેલાતી હતી. આ બધા ગુણો છતાં તેનું સૌથી મોટું આભૂષણ તો તેના સંસ્કાર અને સૌમ્યતા હતાં. પૃથામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો, છતાં તેને ક્યારે ય અભિમાન નહોતું…. અને આજની પૃથા ? તે હવે તો દરેક વાતમાં પોતાને લગ્ન પછી મળેલી સાધન સમ્પતિ અને વૈભવનો અચૂક ઉલ્લેખ કરતી.

આજ બપોરની જ વાત લો ને ! પૃથા, વૈશાલી, મારાં સાસુ, અને હું – બધાં સાથે વૈશાલીના લગ્ન માટે જડતરનો હાર લેવા ગયા હતા. અમે જ્યારે અમેરીકન ડાયમંડના સેટ જોતા બેઠા હતા ત્યારે પૃથા સાચ્ચા હીરાના દાગીના જોવા ગઇ હતી. થોડીક વારમાં જ આવીને તેણે ખરીદેલી નવી અડધા કેરેટની બુટ્ટીઓ અમને બતાવી. આ જોઇને વૈશાલીને સહેજ ઓછું આવ્યું કે, તે પોતાના લગ્નમાં સાચ્ચા હીરાના દાગીના ખરીદી નથી શકતી, પણ પૃથાબેન તો, શાક જોડે મરચાં કોથમીર લે તેમ, હીરાનાં દાગીના ખરીદતાં હતા ! મારા પતિ – અતુલની ઇચ્છાથી આમ પણ અમે અમારી સીમા કરતાં વધુ ખર્ચ લગ્નમાં કરવાના જ હતા.

ત્યાં જ વૈશાલીની નજર મરૂન મોતીવાળા જડતરનાં સેટ પર ગઇ. વૈશાલીની બહુ જ ઇચ્છા હતી કે, તે આ સેટ લે કારણકે ગરબામાં પહેરવાનાં ચણીયા ચોળી પર આ હાર ખૂબ જ સરસ લાગશે તેમ તેને લાગ્યું. પણ મારાં સાસુએ કહ્યું ‘બેટા વૈશાલી, આ આપણી પહોંચની બહારની કિંમતમાં છે.’ પૃથા તરત જ ઊભી થઇ અને તે હાર તેણે ખરીદી લીધો. અમારી પાસે આવીને વૈશાલીના હાથમાં હાર મૂકીને તેણે કહ્યું, ‘વૈશાલી, તારા ઊજળા રંગ પર અને મરૂન ચણિયા ચોળી પર આ ખૂબ જ શોભી ઉઠશે. આમ પણ મારે તને લગ્નની ભેટ આપવાની જ છે, તો આને મારા તરફથી તારા લગ્નની ભેટ સમજી લેજે.’ આટલું કહી પૃથા મને કહે કે ‘મારે હેર સેટીંગની એપોઇન્ટમેન્ટ છે, તેથી હું જાઉં છું. આપણે પછી મળીશું’

પૃથાના આ વ્યવહારથી અમે બધાં સ્તબ્ધ જ બની ગયાં. ઘેર આવતાની સાથે જ વૈશાલી અને મારા સાસુનાં વાગ્બાણ શરુ થયાં.
‘આપણે તે કંઇ ભિખારી છીએ કે, પછી પૃથા મોટી દાનેશ્વરી થઇ ગઇ છે તે આપણને કિંમતી ભેટ આપે?’ મારા સાસુ મને પૂછે કે ‘બેટા રચના, તેં પૃથા ને એવું કહ્યું છે કે તમારાથી નણંદના લગ્નનો ખર્ચ પોષાતો નથી ?’ હું સમસમીને ચૂપ રહી.

આ બનાવને ત્રણેક મહિના થઇ ગયા. વૈશાલીનાં લગ્ન ધામધૂમથી પત્યાં અને તે સાસરે ઠરીઠામ થઇ ગઇ. લગ્નની ધમાલમાં અને બધી ફરજો નિભાવવામાં હું ઘણી વ્યસ્ત થઇ ગઇ હતી. તેથી, પૃથાને અલપ ઝલપ બે-ત્રણ વાર જ મળી શકી હતી. લગ્નમાં પણ પૃથા અને તેનો પતિ પરાગ થોડોક સમય માટે આવ્યા અને મને કહે કે, ‘અમારે આજે બીજા રીસેપ્શનમાં જવાનું હોવાથી, અમારે ઉતાવળ છે.’ હારવાળા બનાવ પછી મારા ઘરમાંથી પૃથાને બહુ ભાવ આપવામાં આવતો ન હતો. તેથી મેં પણ તેને રોકાઇ જવાનો આગ્રહ ન કર્યો.

આજે સાંજે વૈશાલીના સાસરે કથા રાખી છે તેથી મારાં સાસુ સવારથી ત્યાં મદદ માટે ગયા છે. અતુલ અને હું અમારા દિકરા શિવ સાથે સાંજે જઇશું. બપોરના બે–અઢી વાગ્યા છે અને હું ઘરકામથી પરવારીને બેઠી છું. ‘પાંચ વાગે શિવને સ્કૂલેથી લઇ અતુલ આવશે ત્યારે અમે ત્રણેય મોટર સાયકલ પર વૈશાલીનાં ઘેર જઇશું.’ – મનમાં આવું વિચારતી હતી અને કઇ સાડી પહેરીશ તેની મીઠી મુંઝવણ અનુભવતી હતી ત્યાં જ ડોરબેલ વાગ્યો. જોયું તો બારણે પૃથા ઊભી છે.

મેં સાવ ઠંડો આવકાર આપતાં બારણું ખોલ્યું. પૃથા જેવી સમજદાર વ્યક્તિને અંદાજ તો હતો જ છેલ્લા થોડક સમયથી અમારો વ્યવહાર બદલાયેલો છે.
‘રચના, તને અત્યારે અનુકૂળ ન હોય તો ફરી ક્યારેક તને મળવા આવું’ એમ બોલતાં પૃથા મારી સામે જોઇને ઊભી રહી.
‘ના રે, એવું કાંઇ નથી. બેસ ને પૃથા, પાણી લાવું ?’ મેં કહ્યું.
પૃથા કહે, ‘ના રચના, તું ઊભી ના થઇશ. હું જાતે જ પાણી લઇ લઉં છું.’
પૃથા રસોડામાં પાણી લેવા ગઇ અને મને વિચારમાં મૂકતી ગઇ કે, ‘શું આ એ જ પૃથા છે જે હંમેશા બીજાનો વિચાર કરતી, સૌમ્ય સ્વભાવની – પૃથા ? અને હવે અમને સૌને અભિમાની અને છીછરી લાગતી પૃથા ?’
‘શું થયું રચના ?’ પાણીનો ગ્લાસ આપતાં પૃથાએ મને પૂછ્યું.
‘કંઇ નથી થયું. તું કેમ છે ?’ ઘણા બધા દિવસથી તને જોઇ નથી. બધું બરાબર તો છે ને ?’ મેં પૂછ્યું.
પૃથા મર્માળું હસતાં બોલી, ‘ક્યાંક એમ તો નથી કહેતી ને કે આટલા બધા દિવસે તું પાછી કેમ આવી ?’ એમ કરીને તેણે મીઠું સ્મિત રેલાવ્યું.
મેં મોંઢું ચઢાવતાં કહ્યું, ‘કેમ આમ કહે છે, પૃથા ?’
ત્યારે પૃથા કહે, ‘છેલ્લે હું વૈશાલીને હાર આપીને વિદાય થઇ હતી, પછી તમારા બધાનો મારા તરફનો વ્યવહાર તદ્દન બદલાઇ ગયો છે. શું મારાથી કોઇ ભૂલ થઇ ગઇ છે ?’
‘જો પૃથા, આપણે એકબીજાને નાનપણથી જાણીએ છીએ તો આપણી વર્ષો જૂની મૈત્રીના હકથી હું તને કંઇક કહેવા માંગું છું’
‘રચના, એક સાચી મિત્ર જ સાચી વાત કહી શકે. તેથી તું અચકાટ વગર તારા મનની વાત કર.’ પૃથા બોલી.
મેં કહ્યું, ‘આપણે બન્ને જુદી જુદી કોલેજમાં ભણ્યા અને મારાં લગ્ન વહેલાં થયા. હું સંસાર જીવનમાં વ્યસ્ત થઇ ગઇ અને આપણી મુલાકાતો ઓછી થઇ ગઇ. ફરીથી આપણે લગભગ વરસેક પહેલાં મળ્યાં અને આપણી મૈત્રીને નવજીવન મળ્યું. તારા લગ્નને ચાર વર્ષ થયા, અને હમણાં જ નજીકના આલિશાન બંગલામાં તમે લોકો રહેવા આવ્યા. તું લગભગ દર દસ પંદર દિવસે મળવા આવતી અથવા મને ક્યારેક તારા બંગલે મળવા બોલાવતી. ઘણીવાર તું રસોઇ બનાવવામાં, વાસણ ગોઠવવામાં મદદ પણ કરતી અને ક્યારેક તું અતુલ સાથે સરકારી તંત્ર અને પોલીટીક્સ પર કલાકો ચર્ચામાં લાગી જતી. ઘણીવાર વૈશાલીને પણ તું આધુનિક ફેશન પર જાણકારી આપતી. આ બધાનો અમને ખૂબ જ આનંદ છે……પણ સાથે સાથે તારી નાની મોટી ટકોરો અમારા સ્વાભિમાનને કણાની જેમ ખૂંચતી. રસોડામાં મારી પાસે કઇ વસ્તુની કમી છે, અને તારે ઘેર કેટલી બધી સવલતોથી ભરપૂર રસોડું છે તે તું અમને અચૂક કહેતી.

તારા અવારનવારનાં બ્યુટી પાર્લર અને સલૂનના ખર્ચાને સાવ મામૂલી બનાવી દરેક વ્યક્તિએ ત્યાં જવું જ જોઇએ, તેવું તેં વૈશાલીને ઠસાવી દીધું. તું ભૂલ્યા સિવાય શિવ માટે ચોકલેટ કે રમકડું લાવતી, જેથી તેને આ મફતમાં મળતી ભેટ સોગાદોની ટેવ પડી ગઇ. અતુલ અને મારા સાસુ આગળ તારા અને પરાગના દેશ પરદેશ ફર્યાના કિસ્સા અનેક વાર સંભળાવતી અને શહેરની સૌથી સારી હોટલો અને લેટેસ્ટ કારના મોડલોની પણ ચર્ચા કરતી. નવી નવી ડિઝાઇનનાં કપડાં, ઘરેણાં અને દાગીનાનું પ્રદર્શન તો તેં મારી આગળ અનેકવાર કર્યું છે. તારા વૈભવનો અને જાહોજલાલીનો અમને આનંદ છે તથા જીજાજીના ધંધાની સફળતામાં પણ અમને તો ખુશી જ છે. દુઃખ તો એ છે કે, હવે તારા વાણી અને વર્તનમાંથી માત્ર અભિમાન અને દેખાડો જ છલકે છે. બાળપણની પૃથાની મૈત્રીનો મને ગર્વ હતો પણ હવે તો તારા અભિમાનની મને શરમ આવે છે. પૃથા, તને પરાગની સંપત્તિનું આટલું બધું અભિમાન કેમ થઇ ગયું છે ?’ મેં ઊંડો શ્વાસ લીધો અને પાણી ગટગટાવી ગઇ.

પૃથાએ શાંતિથી આ બધું સાંભળ્યું તેણે વચ્ચે ઉંહકારો પણ ના કર્યો. તેનું શરીર જાણે પૂતળી જેવું થઇ ગયું હતું. પણ તેની આંખોમાં ભીનાશ તરી આવી. મને લાગ્યું કે કદાચ મેં વધારે પડતું બોલી નાંખ્યું. હું માફી માંગવાનું વિચારતી હતી ત્યાં જ પૃથા મારી સામે જોઇને બોલી, ‘રચના, તારી બધી વાત સાથે હું સહમત થાઉં છું મેં ઘણીવાર ખોટા દંભ અને આડંબરનો દેખાવ કર્યો છે.’

તેણે પોતાની પર્સ ઊંચકી તેમાંથી હાથ રૂમાલ કાઢી આંખ લૂછતાં કહ્યું. ‘રચના, મેં ઘણી વાર પ્રયત્ન કર્યો પણ સમય અને સંજોગો સાથે મારી રીતભાત ક્યારે બદલાઇ ગઇ તેનો અણસાર ન રહ્યો. આપણે જ્યારે મળતાં ત્યારે તારી પાસે તારા પરિવાર અને સ્વજનોની વાતોનો ભંડાર રહેતો. શિવના ઉછેરની વાતો, તારા અને અતુલના અનુભવની ગાથાઓ, તારા સાસુ અને વૈશાલીના વ્યવહારની વાતો … આનાથી સમય ક્યાં પસાર તેનો અંદાજ પણ ન રહેતો. મને યાદ છે જ્યારે તું સરસ આસમાની સાડી પહેરીને વાત કરતી કે તારી અને અતુલની નજર તે સાડી પર એક સાથે પડી અને બન્ને એક સાથે જ બોલ્યાં કે ‘આ જ સાડી લેવી છે.’ તરત જ વૈશાલીએ મને પૂછ્યું કે ‘પૃથાબેન! તમારી અને જીજાજીની પસંદ પણ એકસરખી છે?’ તમારા બધાની નજર મારા તરફ મંડાઇ અને મારો જવાબ સાંભળવા તમારા કાન આતુર હતા. પણ હું શું કહેત તમને ? શું હું એમ કહેત કે, ‘હકીકતમાં પરાગને ખબર જ નથી કે હું શું પહેરું છું? શું ઓઢું છું ? શું ખાઉં છું ?’

‘રચના, પરાગને તેના વ્યવસાયમાંથી સમય મળતો જ નથી અને તેને આ બાબતોમાં કોઇ રસ પણ નથી. આ લગ્ન તો માત્ર સમાજમાં સ્થાન બનાવવા માટેનું એક પગથીયું માત્ર હતું. તેને એક માત્ર રસ છે, ધંધાને વિકસાવીને વ્યાપાર ઉદ્યોગમાં બહુ જ આગળ વધવું. તેને વિશ્વના ન સહી તો, ભારતના અગ્રણી વ્યવસાયક તરીકે ઓળખાવું છે. ભવિષ્યમાં શક્ય હોય તો રાજકારણમાં પણ ઝંપલાવવાના સપનાં તે સેવે છે. પણ તેના કોઇ પણ સપનામાં પૃથા સમાયેલી નથી.

જ્યારે પણ આ વિશે અમારી વચ્ચે ચર્ચા થાય તો તેનો એક જ જવાબ હોય છે – ‘જીવનમાં આગળ વધવા, કંઇક મેળવવા, કંઇક છોડવું પડે છે.’ માટે સાધન સંપત્તિ અને નામના મેળવવા માટે લગ્નજીવનને ઓછું મહત્વ આપવામાં તે માને છે. રચના, લગ્ન થયા પછી આવી જ પરિસ્થીતિ છે અને અમારું અંતર વધતું જ જાય છે. તે માત્ર એક જ જરૂરિયાત પુરી કરે છે; અને તે છે પૈસા. દરેક વાત માટે તે મને ધન, દોલત, અને સંપત્તિની જ સરાહના કરે છે અને હવે તો મને પણ આ સંગનો રંગ લાગી ગયો છે.’ થોડોક ઊંડો શ્વાસ લઇને પૃથા બોલી, ‘રચના, સાડીના રંગ અને ડીઝાઇનની વાત જવા દે. જિંદગી જીવવાની પધ્ધતિમાં અમારી પસંદગી અલગ પડે છે. હું કઇ રીતે આ મારી મજબુરીની વાત તમારી બધાની સમક્ષ કરી શકતે ? તેથી જ દંભ અને આડંબરનાં આંચલ નીચે મેં મારી કમનસીબી સંતાડી દીધી. પછી તો અવાર નવાર પૈસા અને વૈભવના ઓઠા હેઠળ હું મારી હૃદય વ્યથાને છૂપાવી દેતી. અતુલભાઇ માટે તું ખલમાં તાજી ચટણી વાટતી હોય ત્યારે હું તને શું કહું કે, મારી બનાવેલી રસોઇ જમવા માટે મારા સાંવરીયાને પાંચ મિનીટ પણ હોતી નથી. ત્યારે હું ઓટોમેટીક ચોપરની જ વાત કરી શકું ને ? રચના, તેં પતિના પ્રેમની ચૂંદડી ઓઢી છે અને મેં અમીરીના આડંબરનું ઓઢણું.’

અને આટલું કહેતાં તો પૃથા મને દોડીને વળગી પડી છે અને અમારા દિલનો દરિયો ઉભરાઇ રહ્યો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનપ્રેરક સુવિચારો – સંકલિત
જજબાત – કીર્તિકાન્ત પુરોહિત Next »   

24 પ્રતિભાવો : આડંબરનું ઓઢણું – જિજ્ઞાસા વિહંગ જાની

 1. સરસ વાર્તા.
  જ્યારે ધન દોલતનો બહુ સરવાળો થાય ત્યારે લાગણીની બાદબાકી થાય છે.
  ખૂબ ખૂબ અભિનંદન જીજ્ઞાસાબહેન.

 2. Kamal Vyas says:

  Good story.

  Congrats.

  Keep it up Jignasa.

  Kamal.

 3. Really a very good story!!
  Very well written!!

  Congratulations to Jignasha….
  Keep writing…

 4. dhara shukla/swadia says:

  jignasaben,
  american-NRI has written this story?amazing!!!!!! i really cannot believe.
  congrats.
  dhara

 5. ashalata says:

  Jignasaben,
  good story!!
  amiri pachal chhupayeli vedana—-
  congrats.
  ashalata

 6. Krupa says:

  Hi Jignasa, really a very nice story. Congrats!! Very true, Money cannot buy everything.
  Good one, Congrats again.
  Krupa

 7. Babubhai Patel says:

  Dear Jignasa,
  Very good story. Congratulations.
  Wish you best luck for your progress.
  Babubhai

 8. Pravin Patel says:

  Saachej aape sahuni JIGNASHA jagaadi sundar samaapan karyu abhinandan JIGNASHABEN. Utkrushat RACHANA. Dhanyavaad from NORTH CAROLINA to TEXAS.

 9. smita kamdar says:

  Jignash ben
  very nice story.
  jivan nu antim sukh fakt paisa ma nathi smatu. Aapne to lagni thi dhabkta manso chhiye.
  saras prastuti.

 10. NEETA KOTECHA says:

  jignasha
  tamari varta khub j mast che. hakikat e che k aapne vyakti ne kadi pan under thi samjvani koshish karta j nathi. aapne ek vyakti ne sara pan jaldi banaviye che ane dhudh ma thi makhi ne fekiye em kadhi pan jaldi j nakhiye chiye. varta samjva layak hati .

 11. Rupal says:

  Very nice story.

 12. Jignasa Jani says:

  Thank you all, for your positive and encouraging feedback. It really gives me more reasons to continue to share my creations with such a good group of readers. Please accept my genuine Thanks.

 13. nilam doshi says:

  આજે જ બહારગામથી આવી અને આપની વાર્તા વાંચી.અભિનન્દન.અને લખતા રહો એ માટે શુભેચ્છાઓ.સરસ વાર્તા છે.

 14. Rajshwari says:

  જીજ્ઞાસા,
  હાર્દિક અભિનન્દન.ખૂબ સરસ વાર્તા લખી છે.લખવાનું ચાલુ રાખજે.મારી અનેક શુભેચ્છાઓ
  —રેખાફોઈ

 15. keyur vyas says:

  nice written,keep writting,i will be glad to read your storrues.wish u best luck.

 16. Bhakti Eslavath says:

  Its truly beutiful .. Dhan na vaibhav karta lagni na sukh nu mahtva hamesha vadhare raheshe .. Potana ni lagni jevu amulya kai j nathi ..

 17. surekha gandhi says:

  નથી મેળવાતી ખુશી સમ્પતીથી આ મોજા રડીને કહે એ જગતને ભીતરમા જ મોતી ભર્યા ચે ચતા એ સમન્દર્ના ખારા જીવન થઈ ગયા ચે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.