જાહેરખબરનો ઝંઝાવાત – વીણા શાહ

તમને નથી લાગતું કે જાહેર ખબરનો ઝંઝાવાત આખા વિશ્વને આવરી રહ્યો છે. આજનું જીવન એટલે જાહેર ખબરનું જીવન. એના વિના સવાર ના પડે. છાપું ઉઘાડો, રેડિયો ચલાવો એટલે જાહેર ખબરની ભરમાર શરૂ થઈ જાય. પૂજા કરવા બેસો ત્યારે અગરબત્તીની જાહેરાત દેખાય. ઘરની બહાર પગ મૂકો એટલે આજુબાજુ, ઉપર-નીચે જુઓ, આંખો ખુલ્લી રાખો તો જાહેર ખબરનાં પાટિયાં દેખાય. ક્યાંક તો છોકરાઓ બેનરો લઈને ઊભા હોય. કોઈ વળી ગાતાં-વગાડતાં તેમની ચીજવસ્તુની જાહેરાત કરતા હોય. વીજળીથી ઝળહળતાં થતાં બોર્ડો આંખોને આંજી નાખે એવા પ્રકાશથી શોભતાં હોય. જાણે એમ જ લાગે કે આપણું શહેર કેટલી આબાદી કરી રહ્યું છે ! જો સિનેમા જોવા જાવ તો ત્યાં પણ પડદા પર જાહેર ખબરની સ્લાઈડથી તમને આવકારે. હજુ નાટકોમાં શરૂ થયું નથી. થાય તો નવાઈ નહીં. વચમાં બ્રેક કે મધ્યાંતર વખતે જાહેર ખબરવાળા આવીને પોતાના માલનાં ગુણગાન ગાય તો ! નાટક કોઈ દિવસ સમયસર શરૂ થતાં નથી. વખતસર આવતા લોકો તો આવીને બેસી જાય. તે વખતે લોકોનું મનોરંજન કરવા જાહેર ખબરવાળા આવી જાય તો કેવું ? નાટક મોડું શરૂ થાય છે એ વાત ભૂલી જાય. જાહેર ખબરના જમાનામાં કોઈને વાંધો નહિ આવે ! નાટકવાળાને પૈસા મળશે.

આજે દુનિયા સાંકડી થતી જાય છે. શહેરોનો વિસ્તાર વધતો જાય છે. વસ્તી બેસુમાર કૂદકે ને ભૂસકે વધતી જાય છે. માલનું ઉત્પાદન પણ નવાં નવાં યંત્રોને લીધે જબરદસ્ત વધતું જાય છે. જીવનના એક એક સ્તરમાં જો જીવવું હોય તો હરીફાઈનો સામનો કરવો પડે છે. પહેલાં આવી ગળાકાપ હરીફાઈ નહોતી. હવે તો બાળક જન્મે ત્યારથી જ એને સ્પર્ધામાં ઊતરવાનું હોય છે. બાળમંદિરમાં દાખલ થવું હોય ત્યારથી જ માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. દાખલ કરાવવા ટીણિયાઓ માટે ટયૂશનો શરૂ થઈ જાય. તે ટયૂશનો શાળા-કૉલેજ સુધી ચાલુ જ રહે. કારણ બાળકે સારા માર્કસે પાસ થવાનું છે તો જ આગળ ને આગળ ધપી શકાય. તે ટયૂશન કલાસોની જાહેર ખબરથી એમની પાસે પહોંચી જાય. પાસ થવાની, દાખલ કરાવી આપવાની સો ટકા ખાતરી મળે. ટયૂશન સિવાય ભણી જ ન શકાય. શિક્ષણક્ષેત્રે પણ જાહેર ખબરનું વર્ચસ્વ ઓછું નથી. રસ્તે ચાલતાં કે ગાડીમાં જતાં ફરફરિયાં તો મળતાં જ રહે. ઘરે આવી ટી.વી ખોલો તો પાછું એ જ. કંઈક સારું પાંચ મિનિટ જોવા મળે તો પંદર મિનિટ જાહેર ખબરનો મીઠો મધુરો વાર્તાલાપ કે સંગીત સાંભળવા મળે. આ બધી જાહેર ખબરો સાંભળી સાંભળીને બાળકોને તો મોઢે થઈ જાય છે. ભણવાનું યાદ રહે તેના કરતાં આ બધું સરસ રીતે બોલી શકે છે. નોકરી જોઈતી હોય, ઘર લેવું કે વેચવું હોય, દીકરા-દીકરી માટે યોગ્ય પાત્ર જોઈતું હોય, નોકર બાઈ જોઈતી હોય કે ઘરની કોઈ પણ યંત્રસામગ્રીની ઈચ્છા હોય તો જુઓ જાહેર ખબર. ચૂંટણીમાં ઊભા રહેવું છે, જંગ જીતવાનો છે તો શું કરીશું ? બસ એ જ; જાહેર ખબરનો સહારો. મીડિયાનો ઉપયોગ. એના વિના ચૂંટણી લડી શકાય નહિ. આજે જનજીવનમાં જાહેર ખબરનું સ્થાન અનોખું છે, અનિવાર્ય છે. તેના વિના ડગલુંયે ન ભરાય. જાહેર ખબર પાછળ જે અનહદ ખર્ચા થઈ રહ્યા છે તેમાં શું કાપ ન મૂકી શકાય ? ટી.વીમાં એક મિનિટની જાહેર ખબર પાછળ કે છાપામાં બે ઈંચની પટ્ટીમાં કેટલા પૈસાનો ધુમાડો થાય છે એની તો કલ્પના જ કરવી રહી. આજે જે વસ્તુ પાંચ રૂપિયામાં વેચાય તે જો આ બધા ખર્ચા ઓછા થાય તો નજીવી કિંમતે મળે. સાબુના ભાવ વધતા જાય પણ તેની સાઈઝ ને વજન ઘટતાં જાય. આ બધી બોલબાલા તાગડધિન્ના કોના ઉપર ? તો કન્ઝયૂમર પર. મોંઘવારીના જમાનામાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ સસ્તી થવાને બદલે બેધડક મોંધી જ થતી જાય છે, કારણ સમયની માગ જનતા પાસે પહોંચવા જાહેર ખબર. આ બધી લોભામણી ફસામણી જાહેર ખબરથી ચેતતા રહેવાની જરૂર છે. તમારે જીવન કેવી રીતે જીવવું, પતિ-પત્નીએ એકબીજાને કેવી રીતે સાચવવાં તેનીયે જાહેર ખબરમાં શિખામણ ! આમ અણસમજુ બાળક કે કન્ઝયૂમર કેવા ફસાઈ જાય છે !

જાહેર ખબરને લોભામણી કહી કારણકે કે એ જોઈને જે ન લેવું હોય તે લેવાનું મન થાય. જરા ટ્રાય તો કરી જોઈએ. ખાણીપીણીની જાહેર ખબરોએ તો દાટ વાળી નાખ્યો છે. ખાસ કરીને નાનાં બાળકોને ધ્યાનમાં રાખીને જે જાતજાતની જાહેરખબરો આવે છે તે તમે સૌ જુઓ છો ને જાણો છો. ઘણી વસ્તુઓ એવી છે કે જે બાળકોના સ્વાસ્થય માટે બિલકુલ સારી નથી. પીણાંઓ જે બાળકોને કહેવાય છે કે બંધાણી બનાવે છે અને જાતજાતની અમાન્ય વસ્તુઓથી ભરેલાં હોય છે. અત્યારે તો પેપ્સી કે કોકાકોલા વગર ચાલે નહિ. આ બધી પરદેશી પેદાશે આપણાં પીણાંઓને નાતબહાર મૂકી દીધાં છે. લીંબુપાણી કે નાળિયેર પાણીનો વપરાશ કેટલો ? બાળકને પૂછશો તો તે પરદેશી પીણું જ પસંદ કરશે. આપણે નવું નવું ખાતા-પીતાં, પહેરતાં-ઓઢતાં શીખ્યા પણ તે અવિચારી રીતે, આ બધું તો સારું જ હોય. આયાત થયેલું ઈમ્પોર્ટેડનીજ બોલબાલા. પછી તે ગમે તે હોય. દેશી આપણને ગમતું નથી. મલ્ટીનેશનલ કંપનીઓનો જે ધસારો આવી રહ્યો છે એમાં આપણું કાંઈ જ ચાલવાનું નથી. હેમ્બરગરના ડૂચા જ ચાવવાના રહેશે. ઘરે રાંઘવાનું ઓછું થઈ જશે અને ફાસ્ટ ફુડની પાછળ જ બધાં પડશે… આજે ઘરમાં બધાં કામ કરતાં હોય ત્યારે સમયની ખેંચ પડે એ સ્વાભાવિક છે એટલે બહાર જલ્દી જલ્દી ખાઈ લેવાનું જ ગમે. નોકરી કરવા બાળકોને ઉછેરવા આયા રાખવી ને રસોઈમાં સમયના અભાવે તો હોટલમાં ખાવાનું વધારવું એના જેવી કરુણ કથની એકેય નથી. પણ શું થાય ? જમાના પ્રમાણે તો ચાલવું જ જોઈએ ને ? તમે શું કરો છો ? એમ કોઈ પૂછે તો ઘર-છોકરાં ને વરને સંભાળું છું એવું કહેતાં સંકોચ થાય. પણ મોટી ઑફિસમાં કે ફર્મમાં કામ કરું છું તે તો ગર્વ સાથે કહી શકાય. ક્યારે આપણે સ્ત્રીના ઉમદા કાર્યની મહત્તા સમજીશું ? જિંદગી આખી છોકરાં સાચવવાનાં નથી હોતાં પણ નાનાં હોય તે વખતે તો એમની પડખે ઊભા રહેવું જ પડે. જો ભવિષ્યમાં પાછલી ઉંમરમાં સુખ-શાંતિ જોઈતી હોય તો બાળકોને અવગણશો નહિ. બાળકો જે નાનપણમાં શીખ્યાં હશે તે કદી ભૂલશે નહિ. નૈતિક મૂલ્યો એના જીવનમાં ઊતરી જશે તો જીવન જીવતાં, ખાતાં, પીતાં અને પહેરવા-ઓઢવામાં સંયમ હશે. સાત્ત્વિક આહાર ને સુંદર વસ્ત્રોને પસંદ કરશે. ફક્ત જીવનનાં થોડાં વરસો આપો.

જાહેર ખબરની બાળક ઉપર શું અસર થાય છે તે જોઈએ. કદાચ તમે વાંચ્યું પણ હશે. અમદાવાદમાં આ બનાવ બન્યો છે. બે નાનકડાં સુંદર ભાઈઓ હતા. સાથે જ ઊછરતા. એક બાળક કાળું અને એક બાળક ગોરું. કદાચ કુટુંબમાં કાળા બાળક માટે ટીકાઓ થતી હોય, એના ભાવ ઓછા પુછાતા હોય. ગોરા બાળકને વિચાર આવ્યા કરે કે, મારા નાનકડા ભાઈને ગોરો કેમ બનાવું ? ટી.વીમાં જાહેર ખબર વાંચી. સાબુથી ગમે તેવા ગંદા કપડાં સફેદ થઈ જાય. બાળકે શું કર્યું તે તમે જાણો છો ? એની મા બાજુમાં પાડોશીને મળવા ગઈ હતી. બાળકે તો વોશિંગ મશીન ખોલ્યું. અંદર સાબુ નાખ્યો. પાણીય કદાચ નાખ્યું હશે ને નાનકડા ભાઈને ઊંચકીને મશીનમાં મૂકી દીધો. મશીન ચાલુ કર્યું. મા આવી. શું દશા થઈ હશે માની ? કોને દોષ દેવો ? બાળક તો લોહીલુહાણ. એક પીણાની જાહેર ખબરની તો કદાચ ઘણા ને ખબર હશે. જે જાહેર ખબર જોઈને એક છોકરાએ જાન ગુમાવ્યો. જાતજાતના સ્ટંટ વિચાર્યા વગર જનતા સમક્ષ મૂકવા સરકાર પરવાનગી પણ કેમ આપે છે ? પૈસો મારો પરમેશ્વર. આજે જનતાની દરકાર કોઈને નથી. ગમે તેમ પૈસાના ઢગલા ઉપર બેસવું છે. યેનકેન પ્રકારેણ પૈસા ભેગા કરવા છે. પછી એ રસ્તો અનૈતિક હોયે તોયે એની પરવા કોઈ કરતું નથી.

તમને થશે કે મારો એપ્રોચ હંમેશાં નકારાત્મક રહ્યો છે. પણ એવું નથી. આધુનિક પ્રગતિને આવકારું છું. આપણે ઘણું નવું નવું શીખીએ છીએ. બહેનો, બાળકો પણ ખૂબ હોશિયાર અને ચાલાક થતાં જાય છે. પણ સાથે સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે આપણે જીવન નક્કર વાસ્તવિક ભૂમિ પર જીવી રહ્યાં છીએ. અવાસ્તવિક અનૈતિક જીવનને તિલાંજલી આપીને, સારું હોય એટલું અપનાવવું ને નઠારું હોય તેને એક ઝાટકે ફેંકી દેવું એમાં જ આપણી ખુશી અને આનંદ સમાયેલાં છે. બીજાના મહેલો જોઈને આપણી ઝૂંપડી પાડી ન નખાય, નહિ તો ઘર વગરના જ થઈ જઈએ. ઈમ્પોર્ટેડ બધું ખરાબ નથી. પણ આપણા દેશને, સમાજને અને જીવનને અનુકૂળ હોય તેટલું જ અપનાવવું એમાં ડહાપણ રહેલું છે. વિચારપૂર્વક જાહેર ખબરની ચુંગાલમાંથી છૂટીએ એ જ પ્રાર્થના.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૌથી ક્રૂર હિંસા – સર્વેશ વોરા
માધવ કયાંય નથી મધુવનમાં – હરીન્દ્ર દવે Next »   

11 પ્રતિભાવો : જાહેરખબરનો ઝંઝાવાત – વીણા શાહ

 1. nilam.h doshi says:

  good article.reality.congrats.advertise ni asar sauthi vadhare balako par pade che.saru narasu teo samaji sakata nathi .so result????????

 2. nayan panchal says:

  જો દિખતા હૈ, વો હી બિકતા હૈ …

  વ્યક્તિએ પોતાની વિવેકબુધ્ધિ વાપરીને નિર્ણય લેવો જોઇએ. એ જ વસ્તુ મા-બાપે બાળકોને પણ સમજાવવી જોઈએ. જાહેરખબર માટે હવે તો નવાનવા માધ્યમ (જેમ કે મોબાઈલ) ખૂલતા જાય છે એટલે તેનો વ્યાપ વધતો જ જવાનો છે.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  જેમ જેમ જાહેરખબરોનો ઝંઝાવાત વધતો જાય તેમ તેમ આપણે વિવેક-બુદ્ધિ વધારે ને વધારે વાપરતાં જવી એમાં જ શાણપણ છે. આમ તો કોઈ પણ પ્રપંચમાંથી બચવા માટે વિવેક જ મુખ્ય સાધન છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.