- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઝરૂખે દીવા – ઈશા-કુન્દનિકા

[1] રોજ સવારે સ્મિતથી ઊજળા ચહેરા સાથે હું ઊઠું, મારે માટે નવી તક લઈ આવતા દિવસને હું સન્માનથી સત્કારું; મારા કાર્યને ખુલ્લું મન રાખી સ્વીકારું; મારાં નાનાં નાનાં કાર્યને કરતી વેળા પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાય નજરમાં રાખું; સહુ કોઈને હોઠ પર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખી મળું; દરેક વખતે નમ્ર, માયાળુ અને વિવેકી રહું; અને પરિશ્રમને અંતે જે નિદ્રાને નિમંત્રે છે અને સારું કામ કર્યાનો આનંદ આવે છે તે થાકના ભારે રાતના ખોળામાં પોઢી જાઉં…. આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માગું છું.
– ટૉમસ ડેકર

[2] જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.
– મોરારજી દેસાઈ

[3] સૃષ્ટિમાં વસ્તુઓ નાની નાની ચીજોની બનેલી છે. મોટી વસ્તુની પરિપૂર્ણતાનો આધાર નાની વસ્તુની પૂર્ણ દશા પર રહેલો છે. ધૂળની રજ વિના દુનિયા ઘડાત નહીં. આખી દુનિયા ખોડ વિનાની દીસે છે તેનું કારણ એ છે કે ધૂળની રજથી પરિપૂર્ણ છે. નાની બાબતોમાં બેદરકાર રહેવાથી મોટી બાબતોમાં ગોટાળો થાય છે. હિમનો કણ તારાના જેવો જ સર્વાંગશુદ્ધ હોય છે. ઝાકળનું બિંદુ ગ્રહના જેવું આકાશશુદ્ધ હોય છે. સુક્ષ્મ જંતુનો ઘાટ માણસના જેટલી જ ચોક્કસાઈથી ઘડાયેલો હોય છે. સારાંશમાં, રોજના વ્યવહારમાં સામાન્ય જણાતી બાબતો કેટલી અગત્યની છે તે મહાન વ્યક્તિ સમજે છે. તેવો માણસ કાંઈ છોડી દેતો નથી, ઉતાવળ કરતો નથી, કશાથી નાસી છૂટવા માગતો નથી, જે ફરજ આવે તે ધ્યાન દઈ બજાવે છે. તે કામ લંબાવતો નથી કે જેથી તેને પસ્તાવું પડે. હાથ પરનું કામ પૂરેપૂરું કરવાથી દેહાભિમાન વગરનો પ્રભાવ એકત્ર થાય છે, જેને પ્રભુતા કહે છે.

સાચું અને હૈયે હોય તેવું જ બોલજો. કોઈ પણ રીતે કોઈને છેતરશો નહીં. નવરા બેઠા ગપ્પાં મારવાની આદત છોડી દો. બીજાઓના ઘરસંસારની, ખાનગી બાબતોની વાતો કરશો નહીં. બીજા પર આળ ચડાવશો નહીં કે ગુનાનો આરોપ મૂકશો નહીં. જેઓ નીતિના માર્ગે ચાલતા નથી તેમને દોષ દેશો નહીં. તેમના તરફ દયાભાવ દર્શાવી તમે તમારા માર્ગે જજો.

સ્થૂળ આંખોથી નહીં, પણ સત્યની શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ કે કેટલા જન્માન્તરોના અનુભવ મેળવી, જન્મમરણના લાગટ કેટલા ફેરા ફર્યા પછી તમે અધોગતિમાંથી ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચમાંથી ઉચ્ચતર સ્થિતિ મેળવી છે. તમારાં જ કર્મ અને વિચાર વડે, તમારા મનનાં હંમેશ બદલાતાં રહેલાં વલણોનું બંધારણ થયું છે, અને અત્યારની તમારી સ્થિતિનો કેટલો આધાર તમારા વિચાર અને કર્મ ઉપર છે એ તમે જોશો ત્યારે તમે તમારી પ્રકૃતિ સમજશો. આ રીતે પોતાનો સ્વભાવ સમજ્યા પછી તે જ ધોરણે તમે બીજાઓના સ્વભાવ સમજી શકશો, તેમના પર કરુણા રાખી શકશો અને તેમની સુખી કે દુ:ખી અવસ્થાનાં કારણો જાણી શકશો.

જો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો.
– જેમ્સ એલન

[4]
કાન પર પડતા સારા કે ખરાબ શબ્દો સાંભળવામાં ન
આવે એ શક્ય નથી આથી શબ્દોનો નહિ, પણ
શબ્દો પ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.

આંખો સામે આવતું સારું કે ખરાબ રૂપ દેખવામાં ન આવે એ શક્ય નથી;
આથી રૂપનો નહિ પણ રૂપ
પ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.

નાક સામે આવતી સુગંધ કે દુર્ગંધ સૂંઘવામાં ન
આવે એ શકય નથી; આથી ગંધનો નહિ, પણ ગંધ પ્રત્યે
ઊપજનારી રાગ-દ્વેષની વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.

જીભ પર આવેલો સારો કે ખરાબ રસ ચાખવામાં
ન આવે એ શક્ય નથી; આથી રસનો નહિ, પણ
રસ પ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.

શરીરને અડનારા સારા કે ખરાબ સ્પર્શની અનુભૂતિ ન થાય એ શક્ય નથી;
આથી સ્પર્શનો નહિ, પણ સ્પર્શ
પ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.
– આચારાંગસ-સૂત્ર

[5] તમારી પાસે એક સુદ્રઢ અને સરસ સમતુલાવાળું શરીર હોવું જોઈએ, તમારો પ્રાણ સરસ રીતે સંયમબદ્ધ બનેલો હોવો જોઈએ, તમારું મન સુવ્યવસ્થિત કરેલું હોવું જોઈએ, ચપળ અને તર્કશક્તિવાળું હોવું જોઈએ. આ પછી તમે જ્યારે અભીપ્સાની સ્થિતિમાં હો છો અને તમને જવાબ મળે છે ત્યારે તમારું આખુંયે સ્વરૂપ એમ અનુભવે છે કે તમને એક મહાસમૃદ્ધિ આવી મળી છે, તમે વિશાળ બન્યા છો, તમને ભવ્યતા પ્રાપ્ત થઈ છે; અને એનાથી તમે સંપૂર્ણ સુખી બની રહેશો.
– માતાજી (પૉંડિચેરી)

[6] આપણે કંઈ પણ ન કરીએ છતાં પણ ઈશ્વર મદદ કરે એવું નથી જ. પરંતુ જો આપણને પરમેશ્વરમાં પૂરેપૂરો વિશ્વાસ, શ્રદ્ધા હોય અને આપણાથી બનતું બધું કરી ચૂક્યા હોઈએ અને તેમાં ન ફાવી શક્યા હોઈએ ત્યારે પ્રયત્ન ચાલુ રાખી પરમેશ્વરને ખરા હૃદયથી પ્રાર્થીએ, તો એ કૃપાળુ ભગવાન આપણને જરૂર મદદ કરે.

[7] હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે.
– હેન્રી થૉરો