- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ભીડમાં ભીંસાતી જિંદગી – ભગીરથ બ્રહ્મભટ્ટ

[જલારામદીપ – નવે.2006માંથી સાભાર.]

સ્હેજ મોકળાશ મળે તો જરા વિચારજો આપણે ક્યાં છીએ ? આપણને ચાંદનીનો સ્પર્શ હોય કે ઝરણાંની ગતિ, ફૂલનું હાસ્ય હોય કે પર્વતની મક્કમતા – કશું કહેતાં કશું અસર જ કરતું નથી. કેમ આમ ? આપણે ક્યારેક આત્મનિરીક્ષણ કર્યું છે ખરું કે આપણે કેમ સંવેદનાશૂન્ય થતા જઈએ છીએ ? પ્રકૃતિ સાથે આપણે કોઈ કહેતાં કોઈ નાતો રહ્યો છે ખરો ? પ્રકૃતિએ આપણી સાથે જે સંબંધો સ્થાપ્યા એ આપણે જાળવી શક્યા ખરા ? એ સંબંધો કોણે ક્ષીણ કર્યા ? કેમ ક્ષીણ કર્યા ? પ્રકૃતિએ વરેલા નિર્દોષ સૌંદર્યનો આપણે આહ્લાદ શા માટે લઈ શકતા નથી ? આકાશનો આવકાર આપણે ક્યાં સંભળાય છે ? ધરતીનું હેત આપણે પ્રમાણી શકીએ છીએ ખરા ? આપણે કેમ કોયલ મયૂરના ટહુકાને, કૂતરાની હાલકડોલક પૂંછડીમાં પુરાયેલી પ્રીતિને ઓળખી શકતા નથી ? આપણે વૃક્ષોની વેદના સાંભળીએ છીએ ખરા ?

પ્રકૃતિના પ્રેમમાં આપણે ડૂબકી મારતાં ડરીએ છીએ કે એ તરફનું વિચારતા જ નથી ? જે માનવી એક સમયે પ્રકૃતિનો જ એક ભાગ ગણાતો હતો એ માનવી આજે પ્રકૃતિથી લુપ્ત થઈ રહ્યો છે, વિચ્છેદાઈ રહ્યો છે ? આવું શા માટે થતું જાય છે ! આપણે વૃક્ષો સાથે કે સૂરજ સાથે કોઈ મૈત્રીભાવ કેળવ્યો છે ખરો ? આપણે એમની સાથે વાત કરવાનો વખત કાઢ્યો છે ખરો ? આપણે એમને સાંભળવા – સમજવા કોશિશ કરીએ છીએ ખરા ? આપણે તો પ્રકૃતિના અપાર વહાલને ઝીલવાને બદલે એનાથી કપાઈ ગયા છીએ. કપાઈ ગયાની વેદના પણ આપણે અનુભવી શકતા નથી એ કેટલી વિડમ્બના !

આપણે તો ભીડનો એક અંશ બની ગયા છીએ. ભીડનો એક ભાગ થઈ ગયા છીએ. સવાર પડે છે અને આપણું વિશ્વ-ભીડનું વિશ્વ-ઊઘડે છે. એકસાથે કામોની ભીડ…. એમાંથી ભીડમાંથી માર્ગ કરતા હોઈએ એમ બ્રશ, શૌચ, ચા, નાસ્તો, નાહવું-ધોવું બધું જ પતાવતા હોઈએ છીએ. એ કામોની ભીડમાંથી એક પછી એક બહાર આવ્યા પછી ટી.વી., મિત્રો અને ઑફિસની ભીડ… મુસાફરી કરતા હોઈએ તો બસ-રિક્ષાની ભીડ. સૂવા પૂર્વેના આખા ટાઈમટેબલમાં ભીડમાંથી માર્ગ કરતા હોઈએ છીએ. ભીડમાંથી રસ્તો શોધવો – ભીડમાંથી જ માર્ગ કાઢવો. એ કેવી રીતે કાઢવો એનું શિક્ષણ આપણે આપણી જાતને આપીએ છીએ. આપણે આપણી જાતને ભીડમાં ભળી જવાની તાલીમ આપી રહ્યા છીએ. ભીડમાં એકાંત સર્જવાની શક્તિ આપણામાં છે ક્યાં ?

સવારના બ્રશથી શરૂ કરી સાંજનાં ખાણાં સુધીના કાર્યક્રમો ભીડબદ્ધ હોય છે એટલે લયબદ્ધ હોતા નથી. એમાં જે તાલ હોય છે તે કૃત્રિમ હોય છે. એમાં જે પ્રાણ હોય છે તે રુંધાયેલા હોય છે – પત્નીને મળવાનું હોય કે રેલ્વે સ્ટેશનના ટિકિટબારીએ બેઠેલા બુકિંગ કલાર્ક સાથે, કશો જ ફરક પડતો નથી. કોઈનું હાસ્ય કે કોઈનું રુદન આપણને નથી હસાવી શકતું, નથી દઝાડી શકતું. આપણે તો આપણાં કામોની ભીડમાં અટવાયેલા રહીએ છીએ. આપણને આપણાં સ્વજનોની મૂકવેદના પણ ક્યાં સંભળાય છે ? આ કામોથી થાક્યા એટલે ઊંઘ. ઊંઘ અને ઊંઘમાંથી મુક્તિ એ તો આપણી જીવનયાત્રા છે. એ થાકના દોર ઉપર જિંદગીની તસ્વીર લટક્યા કરે છે. એ તસવીરમાંથી નિસાસા નીકળ્યા કરે છે !! ભીડથી ભીંસાતી જિંદગીમાં આપણે એકાંતની પળો ભાગ્યે જ કાઢી શકીએ છીએ. વિચારવા બેસીએ તો ખબર પડે કે શિયાળાની સવારના તડકાની ભાષા પણ આપણી ત્વચાને ગમતી હોય છે અને આથમતા સૂર્યનો ઊંચે ઊઠેલો હાથ જોવા પણ આપણી આંખને ગમતો જ હોય છે. ઝરણાંના ઝાંઝરનો અવાજ સાંભળવા આપણા કાન એટલા જ આતુર હોય છે, પણ આપણે તો ભીડના માણસ ! એવી મોકળાશ એને આપીએ છીએ જ ક્યાં ? ડુંગરા હોય કે નદી, વૃક્ષ હોય કે વેલી, ફૂલ હોય કે છોડ એ બધાંની સાથે ગુફતેગુ કરી શકાય એવો વિચાર પણ આપણને આવે છે ખરો ? આપણે આકાશ સાથે ગોઠડી કરવાની ક્ષણો ક્યારેય જિંદગીમાં ફાળવી છે ખરી ? ના. ના. આપણને ફુરસદ જ કયાં છે ? આપણે તો ભીડના માણસ ! ભીડનો જ એક અંશ થઈને જિંદગીને ભીંસાવા દઈએ છીએ. એ જિંદગી ભીડમાં જ ભરમાઈ જશે, ભરખાઈ જશે. આપણી પોતાની જિંદગીનો લય, ભીડના લયમાં વિલય પામે એ પહેલાં આપણે ભીડ વચ્ચે પણ ભીડમુક્ત થઈ ભીડમુક્તિનો – એકાંતનો અનુભવ કરીએ.

ભીડ – યાંત્રિકતા – મશીન જેવી જિંદગી. નિરસ ભીડે ક્યારેય સત્યને ઓળખી બતાવ્યું નથી. ભીડે ક્યારેય કોઈ આદર્શો ચીંધી બતાવ્યા નથી. ભીડે ક્યારેય કોઈ કલ્યાણકારી માર્ગ આપણને આપ્યો નથી. ભીડ દ્વારા મહાન કાર્ય થયાનું સ્મરણમાં નથી. ભીડ નથી કોઈ સિદ્ધાંત સ્થાપી શકતી કે નથી કોઈ મૂલ્યો ઊભાં કરી શકતી. ભીડમાં સામુહિકતા કે વૈયક્તિકતા નથી. મૂલ્યો વ્યક્તિઓ ઊભાં કરતી હોય છે. આપણે દુર્ભાગ્યવશ ભીડનો એક ભાગ બની ગયા છીએ. કળાત્મક, લયબદ્ધ અને આનંદ સાથે જીવવા માટે માનવી માટે એકાંત ખૂબ જરૂરી છે. અત્યાર સુધી જે આવિષ્કારો થયા છે તે હમેશાં એકાંતમાં થયા છે – કવિતા એકાંતમાં જન્મે છે. મહાકાવ્યો એકાંતમાં રચાય છે અને પ્રભુપ્રાપ્તિ એકાંતમાં જ થતી હોય છે. આવો, આપણે ભીડની વચ્ચે પોતપોતાનું એકાંત શોધી કાઢીએ, ખોળી કાઢીએ.