- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આપણી આંતરબાહ્ય શુદ્ધિ – ચંદ્રકાન્ત શેઠ

[અખંડ આનંદ નવે. 2006 માંથી સાભાર.]

આપણે ત્યાં એક સારો રિવાજ છે, દિવાળી આવતાં સુધીમાં ઘરને વાળીઝૂડી, તેની સાફસફાઈ કરી તેને રંગાવવા, સજાવવાનો; આંગણું હોય ત્યાં રંગોળી પૂરી તેને સોહામણું કરવાનો. વર કે કન્યાને લગ્નની ચોરીમાં પધરાવવા પૂર્વે તેને જેમ સૌન્દર્યપ્રસાધનોથી સજધજ કરવામાં આવે છે તેમ નવા વર્ષને આવકારતાં પૂર્વે, એનું સ્વાગત કરતાં પૂર્વે આપણે દિવાળીના દિવસોને રઢિયાળા ને ઉજમાળા કરીએ છીએ ! શ્યામળી દિવાળીની રાતનેય આપણે ધરતીના હીરા જેવા – ધરતીના તારા જેવા – દીવડાઓથી ઝગમગતી કરી આપણે આપણા આનંદ-ઉલ્લાસની અનોખી આતશબાજી ખેલીએ છીએ. નવા વર્ષના આગમનને વધાવવા માટે આપણે જાણે આપણા બત્રીસે કોઠે દીવા પેટાવીએ છીએ ! તનમનધનથી આપણે નવા વર્ષને શુકનવંતુ ને ઊજળું કરવા મથીએ છીએ. દરેક દિવાળીએ આપણે આપણાં જર્જર-જૂનાં વસ્ત્રો તજી, નવાં વસ્ત્રો સજી જાણે નવો જન્મ ધારણ કરીએ છીએ – નવું જીવન પામીએ છીએ.

ખરેખર તો, દિવાળી નિમિત્તે આપણે સાફસફાઈ ને સાજસજાવટ માટે જે કંઈ કરીએ છીએ તે આપણે બારેય માસ, રોજેરોજ કરવું જોઈએ. ‘ચોખ્ખું ઘરનું આંગણું’ કે ‘ચોખ્ખો ઘરનો ચોક’ તો આપણાં હંમેશાં હોવાં જોઈએ. આપણું ઘર પણ ચોખ્ખું હોવું જોઈએ ને એ ઘરમાં રહેનારા આપણેય તન-મનથી, બહારથી-અંદરથી ચોખ્ખા હોઈએ તે અનિવાર્ય છે. ચોખ્ખાઈ એ ઊંચા ચારિત્ર્યનું અને સદાચારનું લક્ષણ છે. અંદર-બહારથી ચોખ્ખાઈ આપણને બધી રીતે – મનસા, વાચા, કર્મણા, ચોખ્ખા રહેવા પ્રેરિત-પ્રોત્સાહિત કરે છે; આપણને સદવિચાર અને સદવર્તન માટેનું પર્યાવરણ – એ માટેની સુવિધા પૂરી પાડે છે. આપણી આંતરબાહ્ય સ્વચ્છતા કે શુદ્ધિ ચારિત્ર્યલક્ષ્મીના શુભાગમનની છડી પોકારનારી બની રહે છે.

મનના માનેલા કોઈ મોંઘેરા મહેમાન પધારવાના હોય ત્યારે આપણે આખું ઘર વ્યવસ્થિત અને ઠીકઠાક કરી, એમના સ્વાગત માટે પ્રસન્નતા ને પ્રફુલ્લતાનું પાવન વાતાવરણ ખડું કરવા કોશિશ કરીએ છીએ. રસોડાથી માંડીને દીવાનખંડ સુધીના સમસ્ત ઘરને પેલા મોંઘેરા મહેમાનની તહેનાતમાં આપણે સક્રિય કરીએ છીએ. બરોબર આવું જ આપણે કરવું જોઈએ, પરમાત્માના પરમ તત્વના અનુલક્ષમાં. શરીર આપણું ઘર છે. શરીર તે આપણે નથી, આપણે તો શરીરમાં રહેનારા છીએ. જ્યાં આપણે રહીએ તે જગા તો સદાયે સાફસૂથરી ને સુંદર જ રહેવી જોઈએ. જેવી પૂજાની ઓરડી, એવું જ આપણું શરીર. મંદિરમાં દેવ રહે છે તો શરીરમાં આત્મા-પરમાત્મા. તેથી શરીરને આત્મદેવને – પરમાત્માને રહેવા પાત્ર બનાવ્યે જ છૂટકો. શરીરને અશુદ્ધ કરે એવા વિકાર, પ્રમાદ અને અજ્ઞાન વગેરે જરાયે ન જ ચાલે.

મીરાંબાઈ કહે છે તેમ, આ આપણું શરીર જો દેવળ છે તો તેને દેવળની રીતે – તીર્થની રીતે સ્વચ્છ-સુંદર, મંગલ ને મનોહર રાખવું એ કર્તવ્ય અને સ્વધર્મ બની જાય છે. જ્યાં પરમાત્માની કે આત્મદેવની પ્રતિષ્ઠા છે તે સ્થાનનું વાતાવરણ સર્વ ઈન્દ્રિયોને પ્રસન્ન કરે એવું તાજગીલક્ષ કે સ્ફૂર્તિદાયક હોવું જોઈએ. સર્વથા ને સર્વત્ર આપણા થકી જે કંઈ સુંદર ને મધુર છે તેનું જ દર્શન, શ્રવણ, આસ્વાદન, ઉચ્ચારણ; સ્પર્શન ને શ્વસન; સ્મરણ, ચિંતન ને મનન થવું જ જોઈએ. આપણે આપણામાં અંતર્હિત મધુરતાને – મધુમયતાને – અમૃતમયતાને બહાર લાવવાની ને પુષ્ટ કરીને પ્રસારવાની પૂરેપૂરી મથામણ કરવી જોઈએ. એવી મથામણ જ દિવ્ય તત્વને ગ્રહવાની, એને આપણામાં મુક્તપણે ધારણ કરવાની પાત્રતા બંધાય છે. દેવ જેવા થઈને જ દેવનું ઈજન-પૂજન આપણે કરવાનું છે. (દૈવો ભૂત્વા દેવં યજેત્) આપણું દૈવત તો જ વધે, જો આપણે મન-વચન-કર્મથી શુદ્ધિ ને સચ્ચાઈનો ઉત્કટ આગ્રહ રાખીએ ને એ માટે પુરુષાર્થ કરીએ. દેવોના ધામના જેવું આપણું હૈયું જો હિમાલય જેવું ઉન્નત થાય તો જ આપણને ત્યાં કૈલાસપતિ શિવના ને એમની મહાશક્તિ શિવાના યૌગિક સંચાર-સામર્થ્યનો આહલાદક – કહો કે અનિર્વચનીય એવો અનુભવ થાય. આ અનુભવસારની પ્રાપ્તિ માટે આપણે આપણા શરીરનું શોધન કરીએ. (‘શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે.’ – નરસિંહ મહેતા) શરીરની અવજ્ઞા કે ઉપેક્ષા કરવાની ભૂલ કદીયે ન કરતાં. એનો આપણામાંના આત્મતત્વ ને પરમાત્મતત્વ સાથેનો પૂરો સુમેળસંવાદ પ્રતીત થાય એવી રચનાત્મક – વિધેયાત્મક ભૂમિકા વિવેકપૂર્વક બાંધીએ ને જાળવીએ.