- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા – પ્રાર્થના જહા

[ ગુજરાતી સાહિત્યમાં અમુક પુસ્તકો એવા છે જેને જોતાંની સાથે જ આપણને ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવાય. એમાંનું જ એક પુસ્તક છે ‘થૅંક યૂ પપ્પા’ કે જેની ચાલુ 2006 ના વર્ષમાં જ ત્રણ આવૃતિઓ થઈ છે. દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક અદ્દભુત પુસ્તક છે. ખરેખર, પ્રસંગોમાં ભેટ આપવા જેવું અને વસાવવા જેવું આ સુંદર પુસ્તક તમામ પુસ્તક કેન્દ્રો પર ઉપલબ્ધ છે તેમજ આ માટે આપ સંપાદક – અમીષા શાહ, ફોન +91 265 2483847 અથવા sampark97@yahoo.com પર પણ સંપર્ક કરી શકો છો.

રીડગુજરાતીના વાચક તરીકે પ્રાર્થનાને ઘણીવાર ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન મળવાનું થતું. એક દિવસ અચાનક તેણે કહ્યું કે તમે મારો ‘થૅંક યૂ પપ્પા’માં નો લેખ વાંચ્યો ?’ પુસ્તકના અમુક લેખો મને ખ્યાલમાં હતા પરંતુ બાકી રહેલા લેખો સમયની વ્યસ્તતાને કારણે હું વાંચી શક્યો નહોતો. આ વાત થયા પછી એ જ દિવસે મેં તે લેખ વાંચ્યો અને એ પછી રીડગુજરાતી પર મુકવાની ઈચ્છા વ્યકત કરી. એ દરમિયાન ગુજરાત સરકારમાં માહિતિ નિયામક તરીકેનું પદ શોભાવતા તેમના પિતાશ્રી ભાગ્યેશ સાહેબને (IAS officer, ex-collector of Baroda) વડોદરા આવવાનું થયું તેથી તેમની રૂબરૂ મુલાકાત થઈ શકી. રીડગુજરાતીને આ લેખ મૂકવા માટેની મંજૂરી તુરંત સસ્નેહ આપી દીધી. એ પછીનો તબક્કો આવ્યો સંપાદક અમિષાબેન પાસેથી પરવાનગી લેવાનો. તેમણે ખૂબ આનંદ સાથે ‘તમને જે ગમે તે, જેટલું ગમે એટલુ વાચકો સુધી પહોંચાડો’ એમ કહી ખૂબ જ સહકાર આપ્યો. આમ, આ લેખ મૂકવાનું ઘણા સમય પહેલા કરેલું આયોજન શક્ય થઈ શક્યું અને એ માટે હું પ્રાર્થના, શ્રી ભાગ્યેશ સાહેબ તેમજ અમિષાબેનનો આભાર માનું એટલો ઓછો છે. ‘થૅંક યૂ પપ્પા’ માંના અમુક લેખોનો સારાંશ આપણે ફરી ક્યારેક લઈશું પરંતુ આજે માણીએ આજનો આ વિશેષ લેખ…… આપના અભિપ્રાયો આપ bvjha@yahoo.co.in અથવા pbjha@yahoo.com પર પણ આપી શકો છો. ]

………………………….
[પ્રાર્થના જહા છે વિદ્યાર્થીની પરંતુ તેની ઝંખના છે વિશાળ વિશ્વને ખોબામાં સમાવી લેવાની. તેના સર્જનશીલ પિતાશ્રી ભાગ્યેશ જહાએ તેને ગળથૂથીમાં ચોક્કસ ‘શબ્દ’ જ પાયો હશે ! પિતાના પ્રતાપે તેણે સંવેદનશીલ સાહિત્યથી સભર શૈશવ માણ્યું છે તે તેની કલમમાં વર્તાય છે.]

પરમ પ્રિય બાપુ,

પહેલા મને એમ થયું કે, ‘Thank you, Pappa !’ એમ કરીને પત્ર લખું, પણ હું તમને ઓળખું છું. તમે એકે એક ઈંચ ભારતીય ભાષાઓના ચાહક, ભાવક અને સર્જક રહ્યા છો. તમને તમારી વાત કહેવા માટે અંગ્રેજીનો આશરો લઉં તો તમને મનમાં સહેજ તો દુ:ખ થાય જ અને મારે એવું નહોતું કરવું, કારણ મને પેલી મહા પંક્તિ યાદ છે. ‘ગુજરાતી મારી મા છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારી પાડોશમાં રહેતી વિદુષી નારી છે, જે મને ખૂબ પ્રિય છે. જેને હું બેસતા વર્ષના દિવસે પગે લાગીને $ 51 જરૂર લઉં. પણ મને ઉંઘ ન આવે તો હાલરડું તો મારી મા જ ગાય.’ આ મહાપંક્તિને કિનારે જ અમે બન્ને બહેનોએ તમને જન્મથી જોયા છે. જે લોકો ભારતીયતા અથવા સંસ્કૃતિની વાત કરે છે, એમણે તમારી સાથે બેસવા જેવું છે….

બાપુ, મને ખબર છે કે, તમે ખૂબ જ અંગ્રેજી વાંચો છો, છેલ્લામાં છેલ્લું વાંચો છો. અંગ્રેજીમાં પણ સારા વક્તા છો. પણ તમારામાંનો કવિ સરઢવની ધૂળમાં રમેલો છે, એ કવિ, પહેલા વરસાદ પછીની ધરતીની સુગંધ ભૂલી શક્તો નથી અને એના કારણે તમે એક તરબતર ઝુરાપો સાચવી રાખ્યો છે, જે તમારા વ્યક્તિત્વમાં છલકાતો રહ્યો છે.

તમે વહીવટના માણસ છો. G.R. અને C.R. વચ્ચે કણસતી જિંદગી, સરકારી અધિકારીઓને ચેતનહીન બનાવી દેતી હોય છે. પણ તમે જિંદગીના સૌંદર્યને બરાબર પકડી રાખ્યું છે અને તેને કારણે સતત વ્યસત તમે ક્યારેય અસ્તવ્યસ્ત નથી લાગતા. સરકારી માણસની કઠોરતાને તમે નજીક પણ ફરકવા દીધી નથી. તમે એક કોમળ ઋજુ લાગણીશીલ અને સંવેદનાથી ધબકતું હૃદય એવું તો સાચવી રાખ્યું છે કે, ઘણાં બધાંને તમારી ઈર્ષા થાય. મને ઘણાં મિત્રો અને સગાંવહાલાં ‘પપ્પાની દીકરી’ તરીકે ઓળખે છે. કોઈપણ બાળકને ખાસ કરીને દીકરીને કશું પણ થાય તો, ‘ઓ મા !…..’ એવી ચીસ નીકળે. પણ ઘરમાં આવેલી ગરોળીથી માંડીને ભયાનક અકસ્માતની ક્ષણોમાં પણ ‘ઓ પપ્પા !….’ એવું જ ચીસાયું છે.

મારા બાપુ એટલે નિયમિતતાનો પર્યાય. બાપુ એટલે શિસ્ત અને બાપુ એટલે સમયનો સદુપયોગ…. મેં તમારી પાસેથી ઘણું શિખ્યું. જેમાં એક એક મિનિટનો સદુપયોગ તમે જે રીતે કરો છો તે સૌથી અગત્યનું. હંમેશાં નિયમિત સવારે યોગ, કસરત વહેલા ઊઠીને કરવાની એટલે કરવાની જ, યજ્ઞ કરવાનો એટલે પછી એક પણ મિનિટ આગળ પાછળ થાય જ નહિ. As a Manager, બાપુ તમારો ઑફિસ જવા માટે નીકળવાનો સમય 10:25 એટલે 26મી મિનિટ શક્ય જ ન હોય. બધું જ નિયમબદ્ધ, શિસ્તબદ્ધ.

પપ્પા, તમારો એક શોખ અને તમારી દૈનિક ક્રિયાઓમાં અભિન્ન ગણી શકાય એવી આદત એટલે વાંચન. સવારે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે મેં તમને જોયા છે, રાત્રે વાંચતા જોયા છે. તમે જે સરસ પુસ્તકો વાંચવા માટે અમને પ્રેરણા આપી અને આપો છો તે ખરેખર એક અદ્દભુત ભેટ છે. એક વિદ્વાન પિતા પોતાની પુત્રીઓને આનાથી વિશેષ શું આપવાની ઈચ્છા કરે….. તમને મેં ગીતા, ઉપનિષદ, ગુજરાતી સાહિત્યનું બધું જ અને વિશ્વ સાહિત્યનું ઘણું બધું વાંચતા જોયા છે. Managementનાં પુસ્તકો હોય કે Botanyનાં પુસ્તક હોય, કોઈ વિષયને તમે સહેલાઈથી છોડ્યો નથી. અલબત્ત છોડ્યો જ નથી. આ બધામાં તમે પ્રેરણાનો સ્ત્રોત બની વહેતા જ રહ્યા છો. સતત….

મને યાદ છે, આપણે નડિયાદમાં હતાં ત્યારે શરૂઆતમાં નહોતું ગમતું. બાપુ, તમે ઘેર આવી અને પછી ‘પ્રાર્થના, એક સરસ કવિતા લખી !…..સાંભળ’ એમ કહી, અમારા ઉદાસ ચહેરાઓને માંજી લેતા હતા અને વડોદરામાં તો આપણે રાત્રે જ્યારે પણ સમય મળે ત્યારે બેસતાં અને કવિતા પર કવિતા થયા જ કરે અને પછી તમે જ્યારે ખૂબ આનંદમાં આવો ત્યારે સરસ ડાન્સ પણ કરતા. કવિસંમેલન હોય વડોદરામાં અને તમે ન હોવ, એવું ન બને. તમારી કવિતાઓ પણ એટલી જ મશહૂર. ‘મઝા પડી ગઈ !…..’ થી માંડીને ‘આ વાયરાના તોફાને….’ સુધી બધું જ મસ્તીમાં. તમારી અછાંદસ રચનાઓ પણ એટલી જ અસરકારક અને માર્મિક. આપણે સાથે બેસીએ અને પછી તમે મા ને કહેતા, ‘તમે કંઈક ગાઓ !’ અને પછી આપણે બધાં જ એક સાથે ગાતાં. આટલો સરસ સમય કોણે જોયો હશે ? મસુરીમાં તમારી IASની ટ્રેનિંગ વખતે આપણે ચારે જણ સાથે ગુજરાતી ગીત ગાયું હતું અને તમે ધોતિયું અને ઝભ્ભો પહેરી ને એકદમ ગુજરાતી અદામાં રજૂઆત કરી હતી. જાણે ત્યાંના સાંસ્કૃતિક મંત્રી બનીને છવાઈ જ ગયા !

એક વક્તા તરીકે હું એમ કહી શકું કે, તમે હોવ એટલે બાકીના ચૂપ. હું હંમેશા તમારી ફેન રહી છું. બાપુને બોલવાનું હોય તો ચૂક્યા વગર સાંભળવાનું જ. પછી તમે ગીતા પર બોલો કે મેડિકલ કૉલેજમાં કે પછી મૅનેજમેન્ટ પર. કોઈપણ વિષય હોય – ઑડિયન્સની બધી જ તાલીઓ તમે પોતાને હસ્તક કરી જ લો. વક્તા તરીકે મુંબઈ ગયા હોવ કે કોઈ ગામમાં ગયા હોવ, જ્યાં સાંજે ટોર્ચ સિવાય અંદર પણ જવાય નહિ તેવા ગામમાં પણ એટલો જ ઉત્સાહ હોય. બધાને જ આત્મીયતા અનુભવાય તેવું વ્યક્તિત્વ. અશક્તાશ્રમમાં દર વર્ષે વૃદ્ધોને મળવા જાવ ત્યારે બધા વડીલો આખા વર્ષમાં કરેલું બધું જ કહે. બધા જ તમને પુત્ર સમજીને પ્રેમ કરે અને સંસ્કૃતમાં બોલે, કાલિદાસ પર બોલે. અરવિંદની પ્રતિમાનું અનાવરણ મને યાદ છે. તમને યાદ છે ? તમને એક કલેક્ટર તરીકે સંસ્કૃતમાં બોલતા જોઈને કરણસિંધની આંખો અવાક થઈ ગઈ હતી. કેટલું ભાવવિભોર વાતાવરણ !!! ગુજરાતીમાં તો તમે સારા વક્તા છો જ, પણ અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ તમારી અદ્દભુત રજૂઆત ! બધાંને જ આંજી દો. અમે આ બધું જ જોયું છે. તેમાંથી અમે ખૂબ જ શિખ્યા છીએ. તેને માટે આભાર શબ્દ બહુ જ નાનો છે એટલે હું, પપ્પા તમને આભાર એમ કહેવા માગતી નથી.

મેં મારા બાપુને જોયા છે સંબંધોના માણસ તરીકે, લાગણીના માણસ તરીકે, મૃદુ અને સંવેદનશીલ. તમને બધાની ચિંતા હોય, તમારા ડ્રાઈવરથી માંડીને મંગળબજાર (વડોદરા)માં જે ફેરિયા દબાણો કહી શકાય તેવી જગ્યાએ હાટ બનાવીને બેઠા હોય તેમની પણ. તમે કહેતા, ‘એમને હટાવીશું તો એ ક્યાં જશે ?’ તમારા સંબંધો એટલે પ્રગાઢ મિત્રતા, સાથે બેસવાનું, હસવાનું, કામ કરવાનું વગેરે વગેરે…. તમને મેં One day Governance, પહેલી મે અને ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ બધામાં જોયા છે. દિવસરાત કામ કરે અને રાત્રે સાડાત્રણ વાગે આવે અને હું એમ કહું કે, ‘પપ્પા તમે થાક્યા નથી ?’ તો તમારો જવાબ હોય કે, ‘ના, બેટા. સંતોષ મળે છે. સંતોષ એ જિંદગીમાં બહુ અગત્યની વસ્તુ છે.’ ગાંધીનગરમાં અમે આવ્યા પછી મેં પપ્પાના મોઢા પર ક્યારેક થાક જોયો છે…. ગરબા, ધૂળેટી, દિવાળી અને સુર મેળામાં તમને બધાએ જોયેલા છે. તમે બહુ જ આપ્યું છે, અમને પણ અને સમાજને પણ.

વડોદરામાં જ્યારે મુશાયરો પૂરો થાય પછી ગમે તેટલા વાગ્યા હોય, રાત્રે અમારે ઘેર એનો બીજો દોર હોય જ. ચા નાસ્તો મારી મા અડધી રાત્રે બનાવે. એક દિવસ એક કવિને ખૂબ ભૂખ લાગી હતી, અને બાપુ, તમે સભામંચ પરથી SMS કર્યો અને તરત અમે દોડ્યા અને ઉપમા બનાવીને ખવડાવી હતી. તે યાદ એમને પણ છે અને અમને પણ છે. દિવસો જીવનમાં આટલા મજાના હોય તેવું લોકો સ્વપ્નમાં જોતાં હશે. પણ હું તો આ દિવસો જીવી છું. આ બધી જ પળો પપ્પા તમારા કારણે જ હતી અને હંમેશાં રહેશે.

પપ્પા, તમે પોતે જે સંસ્કારો પ્રાપ્ત કર્યા તે સતત અમારામાં સિંચિત થાય તે માટે તમે સતત પ્રયત્નશીલ રહ્યા. અમે તમને ગીતાના અભ્યાસુઅ તરીકે જોઈએ છીએ, ગીતા પર વક્તવ્ય આપતા જોઈએ છીએ, અમને શીખવતા જોઈએ છીએ, ત્યારે જિંદગીમાં આટલી અદ્દભુત પળો કદાચ કોઈ બહુ પુણ્યશાળી બાળકોને મળતી હશે તેવું લાગે છે અને કદાચ અમે ગયા જન્મમાં સૌથી વધારે પૂણ્યો કર્યા હશે કે, આ જન્મે અમે આવા મા-બાપથી ધની છીએ, એમ માનીને ભગવાનનો આભાર માની લઈએ છીએ. ઉપનિષદ, ગીતા, ભાગવત ગમે તે હોય, તમે હંમેશાં તમારી અપાર જિજ્ઞાસાશક્તિથી એમાં ડૂબી જાવ અને તમે ધાર્મિક તો ખરા જ, પણ મેં તમને એક આધ્યાત્મિક પુરુષ તરીકે જોયા છે. જ્યારે તમે વિષ્ણુ મહાયાગમાં મુખ્ય યજમાન તરીકે સંતરામ મહારાજની આજ્ઞાથી વિધિમાં હતા ત્યારે છેલ્લા દિવસે આરતી વખતે તમારી આંખોમાં અનરાધાર આંસુ હતાં. આવા પુણ્યકાર્યમાં સહભાગી થવાનો મોકો તમારી આંખોને પલાળી જતો હતો. તમે મને કહ્યું હતું, ‘બેટા, આપણને ખબર નથી, કે આ કોનાં પૂણ્યોનું ફળ છે. એટલે બને એટલી મહારાજની જેમ સેવા કરતાં શીખો, પોતાની શક્તિ પ્રમાણે.’

જે માણસ આટલો છલોછલ હોય એ પિતા તરીકે લાજવાબ હોય જ ને ! એક પિતા તરીકે તમે તમારી સાથે ખૂબ જ સુંવાળો નાતો જાળવી રાખ્યો છે. તમે શીખવવામાં, કશુંક બતાવવામાં, વાંચવામાં અને અમારી સાથે રમવામાં – બધામાં સાથે જ રહ્યા છો. આટલી જવાબદારીઓ સાથે પણ અમારા બાળપણને કોઈ ખોટ પડી નથી. તેમાંય મારી સાથે રમતાં મારા પપ્પાનો અવાજ હજુ પણ મને સંભળાય છે. ‘કાગડા કાગડા કઢી પીવા આ…..વજે.’ હજુ પણ યાદ છે. અને આજે પણ, મારી ગમે તે દરવાજા પાછળ સંતાઈને ‘ભાઉ’ કરવાની આદત જીવંત છે. અને હજુ પણ તમે એ સાંખી લો છો અને જ્યારે ડરી જાવ ત્યારે હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. હવે આમાં હું શું “Thank you Pappa” કહું ?

તમે મા ના પણ ખૂબ જ નામો પાડો છો ! રોજ ત્રણ નામ તો બદલાય જ. મમ્મીને ખબર પણ પડી જાય કે પપ્પા તમને બોલાવી રહ્યા છે. સત્યવતી, ચંદ્રકાન્તા, સત્યભામા વગેરે…વગેરે… જે રીતે તમે આટલી મસ્તીમાં રમો છો તે જ રીતે કુટુંબના એક એક વ્યક્તિનું પણ એટલું જ ધ્યાન રાખ્યું છે. હું સમજું છું કે, મને જે સંસ્કારો, જે શબ્દો, જે વ્યક્તિઓ અને જે માહોલ મળ્યો છે તે ભાગ્યે જ કોઈ પુત્રીને મળી શકે. મને એટલું આપ્યું છે કે, જન્મો સુધી હું પાછું વાળવા બેસું તો પણ તણખલું ભાર પણ ચૂકવી શકું તેમ નથી. તો જીવનમાં આવો તરબતર આનંદ અને આવી સુંદર પળો આપનાર પિતાને હું Thank you કહેવા માટે સમર્થ નથી. એટલે પપ્પા, આજે આ બધું જ જે કંઈ સારું છે, હતું અને હશે તે માટે તમે જ નિમિત્ત બન્યા છો અને જીવનના એક એક પળના હિસાબની ખુશીઓ માટે હું Thank you કહેવા સમર્થ ન હોવાથી જે ઈશ્વરે મને આવાં મા-બાપ આપ્યાં છે તેનો હું આભાર માનું છું અને મારાં માતા-પિતાને બે હાથ અને મસ્તક નમાવીને વંદન કરું છું અને એથીય વિશેષ ઈશ્વરને પ્રણામ કરું છું, પુણ્ય સંયોગ માટે…