- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શિખરો સર કરવાની તાલાવેલી – ભૂપત વડોદરિયા

પરીક્ષામાં પહેલો-બીજો નંબર નહીં આવતા ભાવનગરનાં એક કિશોર અને કિશોરીએ ઝેર ગટગટાવી લીધું. આત્મહત્યાનો એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, તે સારી વાત છે. પણ પરીક્ષામાં પહેલો નંબર ના આવે તેની નિરાશાનું ઝેર ખેલકૂદની જિંદગીને આટલી હદે ઘેરી વળે છે, તે બીના મા-બાપોએ અને શિક્ષકોએ વિચારવા જેવી તો ખરી. અભ્યાસ કરવાની ઉંમરે બાળકો અભ્યાસમાં પોતાનું ચિત્ત જોડે તે બરાબર છે. પણ શાળા કૉલેજની કિતાબી મજૂરી અને પરીક્ષાખંડનો એકલિયો જંગ એ જ જિંદગીની પરમ સાર્થકતા, તેવું બાળકોના મનમાં આપણે ઠસાવી તો નથી રહ્યા ને ? વિદ્યાની પ્રાપ્તિ એ મોટી વસ્તુ છે; પણ માહિતીનો સંગ્રહ અને પરીક્ષાના અભિમન્યુચક્રને પાર પાડવાનું કૌશલ, એ બહુ મોટી વસ્તુ નથી.

બાળકો, કિશોરો અને જુવાનોને આપણે જીવનનાં સાચાં મૂલ્યોનું થોડુંક ભાન કરાવીએ તે જરૂરી છે. આપણે બાળકોને સમજાવવાની જરૂર છે કે શાળા અગર કૉલેજમાં નિયમિત હાજરી, અંધાધૂંધ ગોખણપટ્ટી અને પરીક્ષામાં ઊંચી પાયરીની પ્રાપ્તિ એ વિદ્યાનો મર્મ નથી અને એ જીવનની સાર્થકતા પણ નથી. શાળા કે કૉલેજ છોડતાંની સાથે અભ્યાસ પૂરો કર્યાની લાગણી જ પેદા કરે તે કેળવણી ખોટી છે. શાળા-કૉલેજની તાલીમ જો વિદ્યાનાં ગિરિશૃંગો સર કરવાની સાહસિકતા અને તાલાવેલી જગાડે, તો સાચી કેળવણી.

આપણાં બાળકો પરીક્ષામાં આગળનો નંબર સિદ્ધ કરે તેનાથી આપણે પોરસ અનુભવીએ છીએ. અને તેની આગળ ઉપરની જિંદગીની સફળતાની આ ગૅરંટી હોય તેવા ભ્રમમાં રાચીએ છીએ. સાચી વાત એ છે કે શાળા-કૉલેજની તેજસ્વિતાને પુખ્ત જીવનની સફળતા-નિષ્ફળતાઓ સાથે ઝાઝી લેવા-દેવા હોતી નથી. આંકડાને માહિતીનાં ભૂંગળાંનાં ભૂંગળાં જાદુગરની અદાથી ગળામાં ઉતારી ગયેલો વિદ્યાર્થી જીવનના ખરેખરા જંગ વખતે એમાંથી કશું ઉપયોગમાં લઈ ના શકે, તેવું બને છે. યુદ્ધનું વિજ્ઞાન કોઈ કિતાબમાંથી ગમે તેટલું કાગળ ઉપર ઉતારે પણ ખરેખર લડવાનું આવે ત્યારે તેમાંથી કેટલું ખપમાં આવવાનું ? લડાઈ જીતવા માટે તો હિંમત, ધૈર્ય, શૌર્ય અને ઠંડી તાકાત જોઈએ. જે લોકો મોટાં યુદ્ધો જીત્યા છે, તે બધા યુદ્ધશાસ્ત્રના પોથીપંડિતો નહોતા. પોથીપંડિતો જ બધું કરતા હોત, તો અર્થશાસ્ત્રના અધ્યાપકો જ મોટા ઉદ્યોગપતિ બની જતા હોત અને કૉલેજમાં કાલિદાસનું ‘શાકુંતલ’ ભણાવનારાઓ પોતે જ મહાકાવ્યો રચતા હોત. અધ્યાપકનું કાર્ય કરનારાઓની આ ટીકા નથી, પાઠ્યપુસ્તકો પર આધારિત શિક્ષણની મર્યાદા અને જીવનના ઘૂઘવતા મહાસાગરોની અસીમતા સમજવાની વાત છે.

નોબેલ ઈનામ જીતી શકવા જેટલું પ્રાણવાન અંગ્રેજી ગદ્ય લખનારા અને યુદ્ધ જીતવા જેટલા સમર્થ બનનારા બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ ભણવામાં ‘ઢ’ હતા. વર્ગમાં એ છેલ્લી પાટલી પર બેસતા. વડાપ્રધાન થયા પછી પોતાની બાળપણની શાળાની મુલાકાતે એ ગયા, ત્યારે શિક્ષકે હોંશે હોંશે પહેલી પાટલી પર બેઠેલા હોશિયાર વિદ્યાર્થીને ઊભો કર્યો. પણ ચર્ચિલની નજર તો છેલ્લી પાટલી પર હતી. ત્યાં બેઠેલા વિદ્યાર્થીને ઊભો કરીને ચર્ચિલ કહ્યું કે, હિંમત હારીશ નહીં, હું પણ એક વાર તારી જગ્યાએ જ બેસતો હતો ! બધા ઠોઠ વિદ્યાર્થીઓ કાંઈ મહાન બનતા નથી, તેમ બધા તેજસ્વી વિદ્યાર્થીઓ નિષ્ફળ પણ જતા નથી. મુદ્દો એટલો જ છે કે શાળા-કૉલેજની સફળતાની મર્યાદા સમજી લઈએ.

મહાત્મા ગાંધી ભણવામાં હોશિયાર નહોતા, પણ પોતાનું ઘડતર જાતે કરવાની ત્રેવડ એમણે મેળવી લીધેલી હતી. શાળા કે કૉલેજમાં તમે શું કરો છો તેના કરતાં પણ આ વાત વધુ મહત્વની છે. તમારી અંદર પડેલી શક્તિઓને જગાડવી, તેના ભંડાર ખોલવા અને તેમાં ખૂટતાં તત્વ પૂરવાં. બૌદ્ધિક વિકાસ, કમાણીનું સાધન, સામાજિક દરજ્જાની પ્રાપ્તિ અને બધાંની ભેળસેળ આપણે કરી નાખી છે. ભણતર અને ડિગ્રીની પ્રાપ્તિ, એ જાણે તમામ સુખોનો આરંભ હોય તેવું સમજી બેઠા છીએ. આથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધા એકીસાથે નિરાશ થાય છે.

જેમણે સાહિત્યમાં નામ મેળવ્યું, વિજ્ઞાનની નવી શોધો કરી, ઉદ્યોગો સ્થાપ્યા, એ બધા લોકો ભણવામાં અચૂક હોંશિયાર નહોતા. કેટલાક જરૂર ભણવામાં પણ હોંશિયાર હશે, પરંતુ તેમની સિદ્ધિની સગાઈ તેમના ભણતર સાથે નહોતી. તેમની સફળતાના પાયામાં તેમની હૈયાઉકલત, તેમનો ઉદ્યમ, તેમની લગન અને તેમનું ધૈર્ય હતું.

શાળામાં કે કૉલેજમાં તમે કેટલી માહિતી કંઠસ્થ કરી તેનું ખાસ મૂલ્ય નથી. તમારી ગ્રહણશક્તિ, સમજણશક્તિ અને જ્ઞાનની પિપાસાને કેટલી તીવ્ર બનાવી, તે મહત્વની વાત છે. જીવનને સમજવાની અને માણવાની સંવેદનશક્તિ આપે તે શિક્ષણ. તમારી અંદર જે પડેલું છે તેને બહેલાવે તે શિક્ષણ.