- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માણસ હોવાનું ગૌરવ – ડૉ. શરદ ઠાકર

‘પગ સરખો રાખો, મિસ્ટર !’ હું ચાલુ બસે ઝબકીને જાગી ગયો. ઊંઘમાં શરીર શિથિલ થઈ જાય એટલે એનો વિસ્તાર વધી જાય એ સ્વાભાવિક છે. મેં મારો જમણો પગ પાછો ખેંચી લીધો. પણ તોય મગજ પર બે-ત્રણ હથોડા તો વાગ્યા જ ! એક તો એ કે મારી સામે બેઠેલ યુવાન ભણેલ ગણેલ લાગતો હતો, પણ એના બોલવાની ઢબ એવી હતી કે એના વાક્યમાં ચાર શબ્દોની જગ્યાએ ચાર ખંજર વાગે ! એની બાજુમાં એની પત્ની બેઠી હતી, મેં એની તરફ જોયું. એ સ્ત્રી નહોતી, સાક્ષાત સૌંદર્યનો ઢગલો હતી. પત્ની જ્યારે આટલી બધી સુંદર હોય ત્યારે પતિ એનો પતિ નથી રહેતો, પણ ચોકીદાર બની જાય છે. ઊંઘમાં મારો પગ સહેજ લાંબો થયો હશે એની ના નથી, પણ અમારી ત્વચાના સીમાડા હજુ એકમેકને સ્પર્શ્યા નહોતા, ત્યાં તો ચોકીદારે એક સામટા ચાર-ચાર ખંજર બહાર કાઢ્યા.

મનમાં તો હું પણ તપી ગયો હતો, પણ ચિક્કાર બસમાં જનમત મારી વિરુદ્ધમાં જ પડશે એ હું જાણતો હતો. હું ચૂપ બેસી રહ્યો. હવે ઊંઘનું પાલવે તેમ નહોતું. હવે જો મારો પગ ખોટી દિશામાં લંબાય, તો અસ્થિભંગનો ડર હતો. ખુલ્લી આંખે કરવું શું ? મેં એ જંગલી પ્રાણી તરફ જોયા કર્યું. એ પણ મારી સામે તાકી રહ્યો હતો. હું ‘ટાડા’ નો આરોપી હોઉં અને એ પોલીસવાળો હોય એમ એની પાસે મારા પર નજર રાખવાનો જાણે એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય એવું લાગતું હતું ! મેં પેલા સાડીમાં લપેટાયેલા મોગરાના ફૂલોના ઢગલા તરફ ત્રાટક કર્યું. બારીકાઈથી જોતાં લાગ્યું કે ચહેરા પર ફિક્કાશ હતી. મારી નજર એને વાગી હશે એટલે એણે આંખો બંધ કરી દીધી. અચાનક એના ચહેરા પર વેદનાનો ભાવ આવ્યો. થોડી જ ક્ષણોમાં એ ભાવ ઓસરી પણ ગયો. એની લંબોતરી ડોક એક આંચકા સાથે નમી પડી, પછી એ ટટ્ટાર બેસી ગઈ.

મને થયું કે કાં તો બીમાર હશે, કાં રાતનો ઉજાગરો હશે ! હું તો નજરકેદમાં હતો, પણ એનો અર્થ એવો તો નહોતો જ કે મારાથી મારા ચોકિયાત જોડે વાત પણ ન થઈ શકે. ‘કેમ છે, તમારાં ‘વાઈફ’ ની તબિયત સારી નથી કે શું ?’ જાણે સવાલ પૂછીને પણ મેં એની વાઈફની છેડતી કરી નાંખી હોય એમ એ આખો આગ-આગ થઈ ગયો. હસબન્ટ મટીને હુતાશણી બની ગયો. ‘ઈટ ઈઝ નન ઓફ યોર બિઝનેસ !’ કોઈપણ સમજુ માણસનું અપમાન કરવા માટે આટલા શબ્દો પૂરતાં હોય છે. મારે એ અંગ્રેજીમાં ભણેલા ગેંડાને કેમ સમજાવવું કે હું એક ગાયનેકોલોજીસ્ટ છું અને સ્ત્રી દરદીઓ એ મારો એક માત્ર વ્યવસાય છે. ધંધો નહીં પણ ધર્મ છે ! હવે મેં મારામાં રહેલા તબીબને સંકોરી લીધો. યુવાન વિધવા પોતાની ઈચ્છાઓ સમેટી લે તે રીતે મેં મારામાં જીવતાં ગાયનેકોલોજીસ્ટને કેદ કરી લીધો, પણ મનની ભીતર ચાલી રહેલા વિચારોની આસપાસ થોડી કિલ્લેબંધી થાય છે ?

અમારી તબીબી આલમમાં એક શબ્દ પ્રચલિત છે – ‘સ્પોટ ડાયગ્નોસિસ.’ દરદીને કશું જ પૂછવાની મનાઈ. એની શારીરિક તપાસ કરવાની નહીં, લોહી-પેશાબ-ઝાડો કે એવી કશી જ ચકાસણીનો આધાર લેવાનો નહીં. માત્ર દરદીના ચહેરા પર, એના બોલવા-ચાલવા પર કે ઊભા રહેવાની કે બેસવાની ઢબ તરફ એક તીર જેવી નજર રોપીને ત્વરિત નિદાન કરી દેવાનું ! કોઈ પણ જાતની ઈંટો કે સિમેન્ટ, રેતી, ચૂનાની સહાય વિના માત્ર ચીકણી માટીનો મહેલ બનાવવાનો, એ તૂટી જાય એનો વાંધો નહીં પણ એમાંથી તમારા કડિયાકામની સૂઝ પ્રગટે ! પછી એ કાચા કામને બીજી તબીબી પદ્ધતિની સહાયથી પાછું બનાવી શકાય, પણ ખરી મજા તો પેલા ઝટપટ નિદાનની જ !

મેં કાચું બાંધકામ શરૂ કર્યું. નવા નવાં પરણેલા લાગે છે. પેટમાં દુ:ખાવો ઊપડ્યો હોય એવું લાગે છે. ચહેરા પરની ફિક્કાશ ચાડી ફૂંકી રહી છે. ગુલાબી ગાલ ધીમે ધીમે પીળા કેરણ જેવા થતા જાય છે, છેલ્લા અરધા કલાકમાં બે વાર એ લથડી ચૂકી છે અને….! બસ, એક અંકોડો ખૂટતો હતો ! એના છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ જો જાણવા મળે તો મારું માટીકામ પૂરું ! પણ એ સવાલ પૂછવો એટલે પેલી માંડ માંડ બૂઝાવા આવેલી હોળીમાં પેટ્રોલ છાંટવું. એની અંતિમ માસિક તારીખ પૂછવી એટલે મારી જિંદગીની અંતિમ ક્ષણ વિષે પૂછવું ! અચાનક તેને ઊબકા જેવું થયું. પેલો ગેંડો થોડો ગભરાયો, એને બારી પાસે ખસેડી. હવે એ બિલકુલ મારી સામે હતી. મારી પરનો ચોકીપહેરો વધુ સખત થયો. એના પતિનું ચાલત તો એ અમારા બેની વચ્ચે ચીનની દીવાલ ઊભી કરાવત ! મને થયું કે એના શ્વાસની ગતિ તો ગણી જોઉં ? મેં એના છાતીના ફૂલવા અને શમવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એકપણ ગણતરી ચૂકી ન જવાય એટલે મેં આંખનો પલકારો મારવાનું પણ બંધ કરી દીધું. અત્યારે વિચાર કરતાં મને લાગે છે કે હું એ વખતે બહુ સજ્જન તો નહીં જ લાગી રહ્યો હોઉં ! એના પતિ માટે મારું આ બેશરમ ત્રાટક છેલ્લા ઘા સમાન હતું ! એણે થેલીમાંથી શાલ કાઢીને પત્નીને લપેટી દીધી. એની આંખોમાં હવે હિંસક ભાવો હતાં.

મારી બાજુમાં બેઠેલા માજીએ પૂછ્યું, ‘દીકરા, વહુની દવા કેમ કરાવતો નથી ?’ પેલાની આંખમાં ભાવ બદલાયા. એ થોડો નરમ પડ્યો, ‘માજી, એની દવા કરાવવા જ લઈ જાઉં છું. અચાનક રાતથી એની તબિયત બગડી છે. બાજુના શહેરમાં નવા ડોકટર આવ્યા છે, સાંભળ્યું છે કે એમના હાથમાં ઈલમ છે, જશ રેખા છે, મડદાને બેઠા કરે છે, એના ભરોસે તો નીકળ્યો છું….’ પણ એટલામાં એની પત્ની ઢળી પડી, સીધી મારા ખોળામાં. મેં બે હાથે એને પકડીને એની બેઠકમાં ગોઠવી. એના પતિએ મારો હાથ ઝટકાવી નાખ્યો, ‘માઈન્ડ યોર બિઝનેસ, મિસ્ટર !’ હું ઊભો થઈ ગયો. મારાથી કંઈ બોલી બેસાશે એનો મને ડર હતો. એની પત્ની મરી રહી હતી અને આ શંકાશીલ માણસ મને આવારા, મજનૂ માની રહ્યો હતો.

બસ એક ધીમા આંચકા સાથે ઊભી રહી. મારું ઊતરવાનું સ્થળ આવી ગયું હતું. નાનકડું તાલુકા મથક હતું. અહીંની સાર્વજનિક હોસ્પિટલમાં હું સેવા આપી રહ્યો હતો. અઠવાડિયે એકવાર મળતી રજા અમદાવાદમાં મારા પરિવાર સાથે માણીને પાછો હવે જોતરાવા માટે આવી પહોંચ્યો હતો. મને લેવા દવાખાનાની જીપ લઈને ડ્રાઈવર ક્યારનોય આવી ઊભો હતો. હું આગલી બેઠકમાં ગોઠવાયો.

લગભગ બેહોશ થઈ ગયેલી પત્નીને લઈને પેલો બસમાંથી ઊતર્યો. રીક્ષા આટલી વહેલી સવારે મળે એમ ન હતી. જે હોસ્પિટલમાં એને જવાનું હતું એનું જ નામ લખેલી જીપ જોઈને એના જીવમાં જીવ આવ્યો. ડ્રાઈવરને કરગરીને બેસાડવા માટે એ મથી રહ્યો. ડ્રાઈવરે મારી સામે જોયું. મેં ઈશારાથી જ સંમતિ આપી. પેલો મને જોઈને ચમક્યો તો ખરો. પણ એને થયું હશે કે હું પણ એની માફક ડ્રાઈવરની મહેરબાનીથી જ જીપમાં ચડી બેઠો હોઈશ ! એની પત્નીના લાંબા શ્વાસોશ્વાસનો અવાજ આવી રહ્યો હતો. એણે ડ્રાઈવરને પૂછ્યું, ‘ડૉકટર સાહેબ આજે હાજર તો હશે ને ? ક્યાંક બહારગામ તો નહિ ગયા હોય ને ?’ ડ્રાઈવરને બોલતો અટકાવવા મેં સામે પૂછ્યું, ‘તમારી પત્નીને કંઈ મહિના-બહીના જેવું તો નથી ને ?’ આવી લાચારીભરી પરિસ્થિતિમાં પણ એની જીભ પર કડવાશ આવ્યા વગર ન રહી શકી, ‘હા, છે. એને મહિનાની ઉપર દસ દિવસ થયા છે. પણ તમે ચૂપ મરશો ? ઈઝ ઈટ ઓફ એની સિગ્નિફિકન્સ ટુ યુ ?’ જીપ દવાખાનાનાં દરવાજામાં દાખલ થઈ. મેં વૉર્ડબોયને ઈશારો કર્યો. સીસ્ટરની સામે જોઈને બરફ જેવા ઠંડા ધ્રૂજાવી મૂકે તેવા સ્વરે હૂકમ કર્યો, ‘સિસ્ટર, આ બાઈને સીધી થીયેટરમાં લો. હીમાસીલ ચાલુ કરો. બ્લ્ડ મળે તેમ નથી. એની નળીમાંનો ગર્ભ ફાટી ગયો છે. હું એક ક્ષણમાં પહોંચું છું. ઓપરેશનની તૈયારી કરો. એકટોપીક પ્રેગ્રેન્સી ઈઝ માય સ્પોટ ડાયગ્નોસિસ ! અને હા, સંમતિપત્રકમાં એના પતિની સહી લેવાનું ન ભૂલશો. એને કહેજો કે ડૉક્ટર ઈઝ માઈન્ડીંગ હીઝ ટુ બિઝનેસ !’

બે કલાક પછી હું ઑપરેશન પતાવીને બહાર નીકળ્યો ત્યારે મારા પગ આગળ એક ખૂંખાર મર્દ ઢગલો બનીને રડી રહ્યો હતો. મેં પગ પાછો ખેંચી લીધો. બે હાથે એને પકડીને ઊભો કર્યો. આપણા મનમાં બીજું કશું જ ન મળે ! માત્ર આપણી દાનત એટલી જ કે કોઈ આપણને શેતાન ધારી લે તો ચલાવી લઈએ, પણ જો માણસમાંથી ભગવાન બનાવવાની કોશિશ કરે તો એ કેમ ચલાવી લેવાય ? સાલું, ‘માણસ’ હોવાનું પણ કંઈક ગૌરવ જેવું હોય કે નહીં ?