- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મૌનનું માહાત્મય – દેવેશ મહેતા

મુલ્લા નસરુદ્દીન ભાગ્યે જ જાહેરમાં પ્રવચન આપવા જતા. એક ગામના લોકોએ ખૂબ આગ્રહ કરી તેમને પ્રવચન માટે મનાવ્યા. પ્રવચનના દિવસે આયોજકો મુલ્લાને લઈને નિયત સમયે પ્રવચન સ્થળે પહોંચ્યા. મુલ્લાએ શ્રોતાઓ સામે એક દષ્ટિપાત કર્યો અને તેમને પૂછ્યું – ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે તમે જાણો છો ?’ બધા એક સાથે બોલી ઊઠ્યા : ‘હા.’ મુલ્લા ઊભા થઈ ચાલવા લાગ્યા. આયોજકો અને શ્રોતાગણના કેટલાકે કારણ પૂછ્યું – ચાલતા ચાલતા મુલ્લા કહેવા લાગ્યા. ‘મારે જેના વિશે બોલવાનું છે તે વિશે લોકો જાણે જ છે પછી મારે કહેવાની શી જરૂર ?’ આયોજકો મુલ્લાને છોડે એમ નહોતા. થોડા સમય પછી તેઓ ફરીથી તેમની પાસે ગયા. ફરીથી બીજો કોઈ વિષય નક્કી કર્યો. તેઓ નિયત દિવસે મુલ્લાને લઈ પ્રવચન સ્થળે પહોંચ્યા. મુલ્લાએ શ્રોતાઓને પ્રશ્ન કર્યો, ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે તમે જાણો છો ?’ પહેલાંના અનુભવને યાદ કરી બધા લોકો એકસાથે બોલી ઊઠ્યા, ‘ના.’ મુલ્લા ઊભા થઈ ચાલવા લાગ્યા. બધાએ કારણ પૂછ્યું. મુલ્લાએ કહ્યું – ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે શ્રોતાઓ કશું જાણતા જ નથી. મારા બોલવાનો શો અર્થ ? અજ્ઞાનીઓને ગમે તેટલું કહેવામાં આવે પણ કોઈ લાભ થઈ શકે તેમ નથી.’ થોડો સમય પસાર થયા પછી આયોજકો ફરી મુલ્લા પાસે ગયા. તેમને પ્રવચન માટે મનાવ્યા. બીજો કોઈ વિષય નક્કી કરાયો. તેઓ મુલ્લાને લઈ સ્થળ પર ગયા. મુલ્લાએ ત્રીજી વાર પણ શ્રોતાઓને એ જ પ્રશ્ન કર્યો – ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે તમે જાણો છો ?’ પહેલાં અને બીજા અનુભવને યાદ કરી શ્રોતાઓમાંથી અડધાએ હા કહી અને અડધાએ ના પાડી. મુલ્લા ઊભા થઈ ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા – ‘જે અડધા લોકો જાણે છે તે જે અડધા લોકો નથી જાણતા તેમને જણાવી દે. મારે બોલવાની જરૂર જ ક્યાં છે ?’ આમ યુક્તિથી મુલ્લાએ બોલવાનું ટાળી દીધું !

જીવનનું ખરું તત્વ શબ્દો કરતાં મૌનથી જ વધુ સમજાતું હોય છે. શબ્દોનો ખીચડો રાંધવામાં જે કહેવાનું હોય છે તે તત્વ તો ઊડી જ જાય છે. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ એ અખાકથિત હકીકત એક પક્ષીય જ નથી. ‘કથા કહી કહી થાક્યાં મુખ તોય ન અપાયું બ્રહ્મજ્ઞાન’ – એ પણ એટલું જ સાચું છે ! ગુરુ મૌન સંભાષણથી શિષ્યોને જ્ઞાન આપતાં.
‘ચિત્રં વટતરોર્મૂલે વૃદ્ધા: શિષ્યા: ગુરુર્યુવા |
ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યા: છિન્નસંશયા: ||’
વડના વૃક્ષ નીચે ગુરુ અને શિષ્યો બેઠા છે. એમાં શિષ્યો વૃદ્ધ છે અને ગુરુ યુવાન છે. એ વાત વિચિત્ર છે. વળી ગુરુ મૌન વ્યાખ્યાન આપે છે અને શિષ્યો સંશયમુક્ત બની જાય છે.’

સત્યને શબ્દોથી સમજાવવાની ભારે મુશ્કેલી છે. આર્ષ મહર્ષિઓએ કહ્યું છે – ‘યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ – જ્યાંથી વાણી મન સાથે એને પ્રાપ્ત કર્યા સિવાય પાછી ફરી જાય છે.’ ભૌતિકવિજ્ઞાની વર્નર હાઈનેઝબર્ગ પણ કહે છે : ‘The problems of language here are really serious. We wish to speak in some way about the structure of the atoms…but we can not speak about atoms in ordinary language.’ ‘અહીં ભાષાની સમસ્યાઓ ખૂબ ગંભીર છે. અમે પરમાણુની રચના અને પ્રક્રિયા વિશે કોઈપણ પ્રકારે કંઈ કહી શકાય એવું ખૂબ ઈચ્છીએ છીએ. પણ અમે કશું જ કહેવાને સમર્થ નથી. સામાન્ય ભાષાકીય શબ્દોથી પરમાણુ વિશે કશું જ કહી શકાતું નથી !’ ગહન સત્યને શબ્દોથી સમજાવવાની વાત તો દૂર રહી, સાવ સાધારણ બાબત પણ સમજાવી શકાતી નથી. જન્મથી અંધ વ્યક્તિને સફેદ રંગ કેવો છે તે સમજાવવાનું કેટલું મુશ્કેલ છે ! બગલાની પાંખ જેવું, દૂધ જેવું વગેરે શબ્દોથી તેને શું ખ્યાલ આવે ? સફેદપણું શું છે તે હજારો શબ્દોથી પણ તેને સમજાવી ન શકાય. તે તો તેને દષ્ટિ મળે તો જ અનુભવ થઈ શકે.

મૌનથી આપણને શાંતિ મળે છે. શાંતિ આપણી તંદુરસ્તી જાળવી રાખવાનું અજોડ સાધન છે. એ આપણા સુખનું ટૉનિક છે. એ વિના કિંમતે મળે છે, છતાં આપણે તેનો કેટલો ઓછો લાભ ઉઠાવીએ છીએ ! મહાન વિચારક આલ્ડસ હક્સલી લખે છે : ‘The twentieth century among other things is the age of noise. Physical noise, mental noise and the noise of desire. We hold history record for all of them.’ અવાજ-ઘોંઘાટ અભિશાપ જેવો બની ગયા છે. સંશોધનકર્તાઓનું એવું કહેવું છે કે માનવીની શક્તિનો સૌથી વધારે વ્યય બોલવાથી થાય છે. મૌનથી શક્તિનો ગજબનાક સંચય થાય છે. વાણીનો અતિરેક એની શક્તિઓને વેરવિખેર કરી નાખે છે. એની ચિત્તવૃત્તિ અને આત્મવૃત્તિને ધૂંધળી અને અવ્યવસ્થિત કરી નાંખે છે. એટલે જ શાસ્ત્રોએ માનવીને મૌનસેવી કે મિતભાષી થવાનો ઉપદેશ આપ્યો છે. ખાસ સંજોગોમાં વ્યવહારગત રીતે વાણીનો પ્રયોગ જરૂરી હોય ત્યારે મિતભાષણ કરવું. શબ્દો ટેલિગ્રાફિક રીતે વાપરવા. કોઈને પત્ર લખતા હોઈએ છીએ ત્યારે લખાણ એકદમ ટૂંકું કરી દેતા હોઈએ છીએ. એક કે બે વાક્યમાં કહેવાનું બધું આવી જાય તેવો સંદેશો લખતા હોઈએ છીએ કેમકે ત્યાં એક એક શબ્દ પર મોટી કિંમત લાગતી હોય છે. ઋષિમુનિઓ પણ ‘સૂત્રાત્મક’ રીતે જ બોલતા હતા. વાણીનું પણ એક તપ છે. એવા તપથી પાવન થયેલી વાણી બોલવી. કોઈને પ્રશન થાય કે અહીં તો વાણીનું મહાત્મય સમજાવાયું છે તો મૌનનો મહિમા ક્યાંથી સિદ્ધ થાય ? શ્રીમદ ભગવદ ગીતામાં વાણીનું તપ સમજાવાયા પછી મનનું તપ પણ સમજાવાયું છે.

‘મનપ્રસાદ: સૌમ્યત્વં મૌનં આત્મવિનિગ્રહ: | ભાવસંશુદ્ધિરિત્યેતત્ તપો માનસમુચ્યતે ||’ ‘મનની પ્રસન્નતા, સૌમ્યપણું, મૌન, આત્મ-સંયમ અને ભાવની શુદ્ધિ એ બધા મનના તપ છે.’ આમાં મનના તપના લક્ષણોમાં ‘મૌન’ નો સમાવેશ થયો છે. મૌન વાણી કરતાં વધુ ચડિયાતું છે. એમાં એક અપવાદ ધ્યાનમાં લેવો પડે કે વાણી જ્યારે ભગવન્નામસ્મરણ કે ભગવદ્ ગુણાનુવાદમાં વપરાય છે ત્યારે તે મૌન જેટલી જ મહિમાવંત બની જાય છે. ક્યારેક તો એના કરતાં પણ વધુ સાર્થક. એટલે જ મુનિઓ માટે ‘વિગતાન્યવાચ:’ શબ્દ પ્રયોજાયો છે. જેની બીજી બધી વાણી છૂટી જાય છે પણ ભગવાનના ગુણગાન ગાવાના છૂટતા નથી. મૌનમાં આત્માનુસંધાન છે, તેથી તેનું અનાહત સંસ્મરણ છે. ચૂપકીદી ‘નિષેધાત્મક’ મૂલ્ય ધરાવે છે જ્યારે મૌન ‘વિધેયાત્મક’ મૂલ્ય ધરાવે છે ! શબ્દ ન બોલવાથી તેના પર સ્વામીત્વ રહે છે. ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, પણ બોલાયેલો શબ્દ તમારો માલિક બની જાય છે !

મૌન ઉત્તમ ઈન્દ્રિયનિગ્રહ જ નહિ, મનનું તપ પણ છે. એ વ્યક્તિને તેના અસ્તિત્વને સાક્ષાત્કાર કરવા સહાયભૂત બને છે. વ્યક્તિની સ્વયંસુવૃત્તતા મૌન તૂટવાથી જ છૂટે છે. સ્વયંથી વિખૂટી પડેલી વ્યક્તિ દિશાવિહીન થઈ દુ:ખના અનંતાઆકાશમાં ભટકી જાય છે. મૌનને શાંતિ સાથે આત્મીય સંબંધ છે. ચૂપકીદી અને શાંતિ વચ્ચે ઘણું અંતર છે. ચૂપકીદી એ બહારથી લાદેલું તત્કાલીન નિયંત્રણ છે, જ્યારે શાંતિ એ અંદરથી ઉદ્દભવતો સર્વકાલીન સંતોષમય સંયમ છે. અશાંતસ્ય કુત: સુખમ્ ? પરથી ફલિત થાય છે કે અશાંતને ક્યાંય પણ કોઈપણ પ્રકારનું સુખ મળતું નથી જ્યારે શાંતિ ધારણ કરી રાખનારને બધા સમયે બધા સ્થળે સુખ મળતું જ રહે છે. એને માટે બધી દિશાઓ સુખમય બની જાય છે. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ‘અભિમાનરહીત, જિતેન્દ્રિય, શાંત, સમદ્રષ્ટિવાળા અને મારી પ્રાપ્તિથી સંતોષ અનુભવનારને બધી દિશાઓ સુખમય બને છે.”

શાંતિ એ પવિત્ર વિચારોનું મંદિર છે. તેથી આપણે તે મંદિરમાં દરરોજ થોડા સમય સુધી જવું જોઈએ. ત્યાં આપણને ઈશ્વરનો અવાજ જરૂર સાંભળવા મળે એમ છે ! હજારો માણસો એવા છે જે શાંતિથી ગભરાય છે કદાચ, એટલા માટે કે ત્યાં તેમને જે સાંભળવું નથી તે સંભળાઈ જાય… આત્માનો નીરવ અવાજ !

ચાબૂકના ફટકા ચામડી પર નિશાન કરે છે, પણ જીભના ફટકા હાડકાં તોડી નાખે છે. શબ્દો જ મારામારી કરાવે છે. શબ્દો જ ગેરસમજ કરાવે છે. જીવનભરના સંબંધો તોડાવે છે. ખરાબ શબ્દો પારાવાર યાતના આપે છે. આમાંથી બચવાનો એક સચોટ ઉપાય છે. દુર્જનના મુખેથી નીકળેલા દુર્વચનરૂપી સર્પના દંશથી ઉદ્દભવેલી વિષવ્યથાને દૂર કરનારું ઔષધ મૌન રૂપી શાંતિ છે, તેથી તેનું પાન કરવું ! ઘણીવાર કંઈ ન કહેવાથી પણ ઘણું કહેવાઈ જાય છે. વિલિયમ જેમ્સનું સરસ વિધાન છે : ‘If you can’t say good and encouraging things, say nothing. Nothing is often a good thing to say. જો તમે સારું બોલી શકો એમ ન હો કે યોગ્ય વાતને પ્રોત્સાહન આપી શકો એમ ન હો તો યોગ્ય છે કે કશું જ ન બોલો. કંઈ જ ન બોલવું એ ઘણીવાર કહેવા માટેની સારી વાત છે અને કશું જ ન કહેવું એ હંમેશા કશું કહેવા માટેની સારી રીત હોય છે.’

‘બોલવા’ અને ‘ન બોલવા’ બન્ને વિષય પર કહેવતો મળે છે. ‘બોલે તેના બોર વેચાય.’ અને ‘ન બોલ્યામાં નવ ગુણ’ એવી વિરોધાભાસી હકીકતો સાંભળવા મળે છે. એટલે સ્વાભાવિક રીતે કોઈને પ્રશ્ન થાય કે આમાં સાચું શું ? સત્ય વિરુદ્ધધર્માશ્રયી છે. એકબીજાથી વિરુદ્ધ લાગતા તથ્યો પણ સત્યમાં સમાવિષ્ટ થાય છે. ક્યારેક આ સાચું લાગે તો ક્યારેક તે. પણ બન્ને પ્રકારના વાક્યોનું વસ્તુવિધાન જ તેમની ગુણવત્તા નક્કી કરે છે. બોલવાથી ખાલી ‘બોર વેચવા’ જેવો સાધારણ વ્યાવહારિક લાભ થાય છે, જ્યારે ન બોલવાથી ‘નવે ગુણ એક સાથે પ્રાપ્ત થઈ જાય !’ માત્ર ‘નવ ગુણ’ પર જ શા માટે અટકવું ? મૌન સર્વાર્થ સાધનમ્ – મૌન બધા જ અર્થ પૂર્ણ કરનારું છે.

અંતે એક ખેદ વ્યકત કરી લઉં – મૌનનું માહત્મ્ય સમજાવવા માટે પણ આટલું બોલવું પડ્યું છે….!!!!!!!