માણહ ભેગા થાતા નથી – જિતેન્દ્ર દેસાઈ

કચ્છના નાના રણમાં કાળી મજૂરી કરી ધોળું મીઠું પકવતા અગરિયાઓની યાતના દિલીપ રાણપુરાની ‘કાળી મજૂરી, ધોળું લોહી’માં વાંચેલી. એ વાંચી તે’દીય મન ખારું થઈ ગયેલું. જીવન જીવવા માટે આટલી બધી યાતના, કાળી ઢોર મજૂરી અને એ તે લાલ નહીં પણ ધોળું લોહી ! મજૂરી એટલી નહીં કે લોહીમાં પૂરતું હિમોગ્લોબીન હોય અને રંગ રાતો રહે !

આ અગરિયાના મલકમાં ક્યારેય જવાનું થશે એવી કલ્પના ન હતી. પણ કચ્છના ભૂકંપે કચ્છના નાના રણમાં ને રણની પટ્ટી પરનાં ગામોનેય ઢગલો કરી દીધાં છે તે જોઈ, ત્યાં શું થઈ શકે તે જાણવા ને નાણવા પાટડી થઈ અમારા વિદ્યાપીઠના વિદ્યાર્થી પ્રશાંત રાવલ સાથે અમે એક દિવસમાં અગરિયાઓનાં ત્રણચાર ગામ જોયાં. તેમાંનું દેગામ યાદ રહી ગયું. ત્યાં થયેલા એક સંવાદને કારણે.

પાટડીથી અમારા ભોમિયાની જીપની પાછળ અમે અમારી જીપ સાથે આગળ વધી નાના રણમાં દાખલ થયા. અગાઉ ભાલમાં ખારપાટ જોયેલો, પણ આવો વિશાળ નહીં. નજર પહોંચે ત્યાં સુધી વચ્ચે ન કોઈ ઝાડ દેખાય, ન ગામ. ક્ષિતિજે દેખાય મૃગજળનો દરિયો ! વચ્ચે વચ્ચે ક્યાંક મીઠું પકવતા અગરિયાની ઓરડી આવે, પટ્ટા પાડેલા દેખાય, ટેકરા દેખાય અને હા, કોઈક ઝૂંપડી પર ટીવીનું એન્ટેનાય ડોકિયું કરી જાય. લાઈટ નહીં પણ ડિઝલ એન્જિનથી મીઠું પકવવાનું પાણી ખેંચતો પંપ ટીવીમાંય જીવ લાવી દે. આ રણ કહેવાય નાનું, પણ ભૂલા પડીએ તો બહાર નીકળતાં નવ નેજાં ઊતરે.

આવું નાનું રણ વીંધતા અમે દેગામ પહોંચ્યા. ગામ ટેકરા પર વસેલું છે. અમે ટેકરાની નીચેના ભાગે ગાડી મૂકી દીધી. ડાબી બાજુ કાચા ઘરની એક લાંબી હાર હતી. તેમાં મોટી મોટી તિરાડો પડી ગયેલી. એક મહિલા માથે ટોપલો લઈ આવતી જોઈ, વૃદ્ધ અને પહેરવેશ પરથી મુસ્લિમ લાગી. આંખે મોંએ કરચલીઓ પડી ગયેલી, કાળી કાયા, દરિદ્રતા આંખે ચઢીને દેખાય. એક માનસિક રીતે અર્ધવિક્સિત છોકરો, એક ઘરના આંગણે બેઠો બેઠો હાથના ટેકે ચાલતો અમારી તરફ આવ્યો. બોલી શક્તો ન હતો, પણ જોઈને મન મૂંઝાય : આનું શું થયું હશે 26મીની સવારે ધરા ધ્રૂજી હશે ત્યારે ?

ગામમાં આગળ વધતા ગયા ને પડેલાં ઘરોની સંખ્યા વધતી ગઈ. તિરાડો તો બધાં ઘરમાં, રસ્તો અમને ચોક જેવા પંચાયત ઘર પાસે દોરી ગયો. માણસો કુતૂહલવશ હોય તેમ અમારી પાસે આવ્યા. પૂછ્યું ‘વસ્તી કેટલી ?’ તો જુદા જુદા જવાબ મળે. એક જણે કહ્યું છસો-સાતસો મતદારો છે. એટલે બે-અઢી હજારની વસ્તી ગણાય.
‘ઘર પડી ગયાંને આઠેક દિવસ થઈ ગયા. બધાએ ભેગા મળી કાંઈ વિચાર્યું છે ખરું કે શું કરવું ?’ કનુભાઈએ પૂછ્યું.
‘એવું કાંઈ થયું નથી. પંચાયત નથી, વહીવટદાર છે.’
‘કાંઈ મદદ મળી છે ?’
‘હા, પણ બરાબર વહેંચાઈ નથી. જેને મળી તેને મળી, ને જરૂર છે તેને નથીય મળી. આ જુઓ….આ જરૂરિયાતવાળો છે, પણ એને મળ્યું નથી.’
‘એવું કેમ ?’
‘એવું. એ પક્ષ જુદો…. આનો જુદો…. એવું ચાલે છે.’
‘પણ આપત્તિમાં મદદ આપવામાં એવું ન હોય. બધા જ બેઘર થયા છે. એટલે ભેગા થઈ ગામ ઉભું કરવું પડશે.’

આવી વાત ચાલતી હતી ત્યાં એક ઉંમરલાયક ભાઈ મારી બાજુમાં ઊભા હતા. તે એક ઘરના પથરા ઢગલો થઈ પડ્યા હતા તે બતાવી કહે, ‘સાહેબ… ધરતીકંપ થતાં આ પહાણા ભેગા થઈ ગ્યા, પણ માણહ ભેગાં થાતાં નથી !’

આ ભાઈની વાતે અમને વિચાર કરતા કરી મૂક્યા. ગામ દત્તક લેવું હોય યા ગામમાં કોઈ કામ કરવું હોય તો ઘર બાંધવા નાણાં, પહાણા ને સાધનસામગ્રી ભેગી કરવાનું સહેલું થશે, પણ માણહ ભેગા કરવાનું, તેમનામાં એકરાગ આણવાનું, માનવમાનવ તરીકેનો મનમેળ કાયમ કરવાનું અઘરું છે. કુદરતે પહાણા ભેગા કરી દીધા તે પરથી માણહે થોડું શીખવા જેવું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૌનનું માહાત્મય – દેવેશ મહેતા
લાલ ગુલાબનું ફૂલ – રવીન્દ્ર ઠાકોર Next »   

14 પ્રતિભાવો : માણહ ભેગા થાતા નથી – જિતેન્દ્ર દેસાઈ

  1. dhrutika says:

    good one, we all should learn something out of this.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.