લાલ ગુલાબનું ફૂલ – રવીન્દ્ર ઠાકોર

બંગલાના કંપાઉન્ડથી ગુલાબનું ફૂલ ચૂંટીને, હાથમાં હલાવતાં હલાવતાં લાવીને પપ્પાના ટેબલ પર મૂકતાં દસ વર્ષનો નિર્ઝર આનંદ પામતો હતો. રોજ સવારે એ વહેલો ઊઠતો – પપ્પાની સાથે જ. મમ્મી એને સૂઈ રહેવા ઘણું કહેતી પણ પપ્પા સાથે એ ઊઠી જતો. અને પપ્પા પરવારીને ટેબલ પર લખવા-વાંચવા બેસે ત્યારે કંપાઉન્ડના બગીચામાંથી લાલ ગુલાબનું ફૂલ ચૂંટીને લઈ આવતો – પપ્પાને આપતો. મમ્મી એને ઘણીવાર કહેતી : ‘મને ગુલાબનું ફૂલ આપને’
એ કહેતો : ‘ના, આ તો પપ્પાનું છે.’
‘પપ્પાને તો તું રોજરોજ આપે છે. મને એક દિવસ તો આપ.’
‘તું તો રોજ કામમાં હોય છે. તને આપીને શું કરું ? પપ્પાના ટેબલ પર તો તે કેટલું સરસ લાગે છે ? તને આપું તો તું ક્યાં રાખે ? ગમે ત્યાં ભૂલી જાય.’
‘દુત્તો, પપ્પાનો જ સગલો છે.’
****

‘જો, ગમે તેમ નહિ બોલવાનું….’
‘એટલે તમે મને કહેવા શું માગો છો ?’
‘મારા ઘરમાં મારા કહ્યા પ્રમાણે જ….’
‘આ ઘરની એકએક ઈંટમાં મેં પણ લોહી રેડ્યું છે.’
‘તે ઉપકાર નથી કર્યો. બંગલો તમારે કરવો’તો. મારે તો બંગલા વિના ચાલતું’તું. છોકરા માટે બંગલો જોઈએ ને ? આપણાં માબાપે આપણને કશું નથી આપ્યું પણ આપણાથી કંઈ એવું થાય ? આવું આવું તો તમે જ કહેતાં’તાં !’
‘તે ખોટું શું કે’તી’તી ? આ રહેવા માટે ઘર તો થયું. બે ઓરડીના ભાડાના ઘરમાં રોજ પેલી ઘરડી ડોશીની કચકચ….’
‘પણ અત્યારે તું…..!’
‘હું કચકચ કરું છું ને તમે ?’
‘એટલે તું….?’

‘પણ આ સવારના પહોરમાં છે શું ? એક નાની અમથી વાત કરી તેમાં થઈ શું ગયું ? આ ઘરમાં તો મારું રાજ, મારા કહ્યા પ્રમાણે જ તમારે કરવાનું એ બધું આવ્યું ક્યાંથી ? આ મારી તો સવાર બગડી…!’
‘મારી પણ સવાર બગડી. આજે તો મારે નવી નવલકથાનો આરંભ કરવો હતો.’
‘તે મેં કંઈ…’
‘હા, હા, તેં જ અપશુકન કર્યા સવારના પહોરમાં……!’
‘જો, ગમે તેમ નહિ બોલવાનું, ન ગમતી હોઉં તો….!’

ને પછી, ક્યાંય સુધી, ઊંચે સાદે બંને અવાજો અથડાતા રહ્યા. સવારના ગુલાબી તડકામાં જ, બગીચામાંથી ગુલાબનું ફૂલ ચૂંટતા નિઝરને કાને આ ઉગ્ર વેણ સંભળાયાં. પપ્પા-મમ્મી રોજ સવારે સાથે ચા પીતાં, કંઈ ને કંઈ વાતો કરતાં, પપ્પા ચા પીને પરવારી જતા ને ટેબલ પર જતા, મમ્મી રસોડામાં કંઈનું કંઈ કર્યા કરતી, મમ્મી મોડી પરવારતી, પોતે પપ્પાને ગુલાબનું ફૂલ આપી આવતો – નિર્ઝરે આ બધું જોયું હતું. પણ આજે આવો ધરતીકંપ કેમ થયો તે તેને સમજાયું નહિ.

પહેલી જ વાર તેણે પપ્પા-મમ્મી વચ્ચેનાં આવાં ઉગ્ર વેણ સાંભળ્યાં હતાં. તેના હાથમાં ગુલાબનું ફૂલ એમ ને એમ જ રહી ગયું. તે બગીચામાં ઊભો ઊભો ગુલાબના ફૂલને તાકી રહ્યો. હાથમાંના ગુલાબના ફૂલને તે રમાડતો હતો પણ તેના મનનો આનંદ આજે અલોપ થઈ ગયો હતો. પપ્પા-મમ્મી સવારના પહોરમાં કેમ ઝઘડતાં હશે ? કોઈ દિવસ નહિ ને આજે કેમ ઝઘડ્યાં ? આવા આવા વિચારો તેના નાનકડા મનને વળગી ગયા. પેલી ટપાટપી તો બંધ થઈ પણ તેણે જોયું કે વાતાવરણમાં જેટલી ગરમી હતી તેટલી ગંભીર શાંતિ છવાઈ ગઈ હતી. પપ્પા રસોડામાંથી એકદમ ઊઠીને ટેબલ પર ચાલ્યા ગયા. મમ્મી રસોડામાં જ હતી. પણ રોજની જેમ ગાતી-ગુંજતી નહોતી.

તે ફૂલ લઈને ઘરમાં પ્રવેશતો હતો, પણ મમ્મીએ તેની પાસે ફૂલ ન માગ્યું – ન તેની સામે જોઈ હસી. પપ્પાના ટેબલ પર તેણે રોજની જેમ ફૂલ મૂક્યું. પપ્પાએ તેની સામે જોયું પણ નહિ. પપ્પાનો ચહેરો તોબરા જેવો ચઢેલો હતો. મમ્મી શાંત હતી. નિર્ઝર ગુલાબનું ફૂલ મૂકી પોતાના ઓરડામાં લેસન કરવા ચાલ્યો ગયો. જો કે, આજે લેસન કરવાનીય તેને મજા ન પડી. કોણ જાણે આ ઘરમાં રહેવાનું જ તેને ગમતું નહોતું. જો મમ્મી વહેલી વહેલી રસોઈ કરી દે તો તે વહેલો વહેલો નિશાળે જાય.

નિશાળમાં પણ અમે ભાઈબંધો લડીએ-ઝઘડીએ ખરા પણ પાછા જલદી એક થઈ જઈએ. અમે તો કિટ્ટા પણ જલદી કરીએ અને બુચ્ચા પણ. જ્યારે આ મમ્મી-પપ્પા તો…. જો ને, કેટલી બધી વાર થઈ પણા બંને તો બોલતાં જ નથી. મમ્મી મૂંગી મૂંગી પપ્પાના ટેબલ પર ચા મૂકી આવી, જાણે કે પપ્પાને ઓળખતી જ ન હોય તેમ, અને પપ્પા પણ આજે તો જાણે કે તેને ઓળખતા નથી…. આવા વિચારોમાં તેનું નાનકડું મન અટવાઈ ગયું.

ત્યાં જ મમ્મીની બૂમ પડી, તે ઊઠ્યો, જલદી જલદી ઊઠ્યો, જલદી જલદી તેણે દફતર તૈયાર કર્યું. જલદી જલદી તેણે જમી લીધું અને જલદી જલદી તે નિશાળે દોડી ગયો. તે સાંજે, તે નિશાળેથી પાછો ફર્યો ત્યારે તેને હતું જ કે મમ્મી પપ્પા વચ્ચે હવે કિટ્ટા નહિ હોય, બુચ્ચા થઈ ગઈ હશે. તેણે આવતાવેંત જોયું તો ઘરમાં મમ્મી એકલી હતી – પપ્પા નહોતા.
‘મમ્મી, પપ્પા ક્યાં ગયા ?’
‘કોણ જાણે.’
મમ્મીનો અવાજ સાંભળીને કશું જ પૂછવાનું તેને મન ન થયું. આજે પપ્પા સમયસર ન આવ્યા. મમ્મીએ તેમની રાહ ન જોઈ. રોજ તો પપ્પા સાથે તેને જમાડતી હતી પણ આજે તેને જમાડી લીધો. પપ્પાની રાહ જોવાનું તેને મન થતું હતું પણ મમ્મીની આંખો જોતાં કશું કહેવાની હિંમત ચાલતી નહોતી. તેણે જમી લીધું. થોડીક વાર બગીચામાં હીંચકા ખાધા, પેલી ગુલાબની કળીઓ સામે જોઈ લીધું અને ભાઈબંધો સાથે રમવા ચાલ્યો ગયો.

તે પાછો ફર્યો ત્યારે પપ્પા આવી ગયા હતા. પપ્પા કંપાઉન્ડમાં બેઠા બેઠા ટ્રાન્ઝિસ્ટર સાંભળતા હતા અને મમ્મી હીંચકા પર ઝૂલતી હતી. પપ્પાએ તેને પાસે બોલાવ્યો, એક ચોકલેટ આપી, નિશાળમાં શું કર્યું તે પૂછ્યું. મમ્મીએ તેને દૂધનો ગ્લાસ આપ્યો ને વહેલાં સૂઈ જવા કહ્યું. બસ ! પણ આજે મમ્મી પપ્પા બોલતાં નહોતાં. આવી તે આજ ઊગતી હશે ? સૂવા જતા નિર્ઝરના મનમાં પાછો એક જ પ્રશ્ન જાગ્યો અને સૂતાં સૂતાં એમ પણ થયું કે પપ્પા-મમ્મી આમ કેટલો વખત ઝઘડ્યા કરશે ?

આજે નિશાળમાં રમીલા સાથે એ પણ લડ્યો’તો. અરે, બે ધોલ પણ ચોડી દીધી’તી. નાની રિસેસમાં શિક્ષકને એણે ફરિયાદ કરી હતી કે નિર્ઝર તો નિશાળની મનાઈ હોવા છતાં બહારનું ખાય છે. આજ બહારથી પિપરમિન્ટ લઈને ખાધી’તી. બસ, વાત તો નાની અમથી જ હતી પણ તેણે એને ધોલ મારી’તી, એને રડાવી હતી અને ‘હવે તારી કિટ્ટા’ એમ પણ કહ્યું હતું…..પણ મોટી રિસેસમાં બંની બુચ્ચા કરી લીધેલા. પોતે જ રમીલા સાથે બોલવા ગયેલો અને બંનેએ સંધિપત્રો પર સહીઓ કરી દીધી. રમીલાએ શિક્ષકને ફરિયાદ નહિ કરવાનું વચન આપ્યું અને એ જ રિસેસમાં તેણે રમીલાને પિપરમેન્ટ પણ ખવડાવી હતી. એ ઝઘડ્યાં-લડ્યાં, મારામારી પણ એમણે કરી પણ નાની રિસેસથી તે મોટી રિસેસ સુધી અને આ પપ્પા-મમ્મી તો હજી… અને તેનેય ખબર ન પડી કે ક્યારે ઊંઘી ગયો…..
****

‘નાના છોકરાના દેખતાં તમારે ગમે તેમ નહિ બોલવાનું.’
‘પણ મેં તને કહ્યું’તું શું ?’
‘તમને તેનું અત્યારે ભાન પણ નથી. ક્યારે શું બોલવું, કેમ બોલવું એ તો જાણતા નથી. આ પરણ્યાંને પંદર વર્ષે તમે મને ઘરમાંથી ચાલી જવાનું કહ્યું. અને તેય પેલા એકના એક છોકરાના દેખતાં. પંદર વર્ષે તમે મને કહ્યું કે છૂટાછેડા લેવા હોય તો હું તૈયાર છું.’
‘તુંય તે કેવું કેવું બોલતી હતી ?’
‘તે તમે બોલો પછી ? અમારે પણ કંઈ સ્વમાન જેવું છે કે નહિ ? આ તમને પરણી, ઘરનો વિરોધ સહીને પરણી તે આ સાંભળવા ? તમારી સાથે આટલા વર્ષે સંસારની લીલીસૂકી વેઠી તે આટલાં વર્ષે છૂટાછેડા લેવા ?’
‘પણ કોણ જાણે કેમ, તારામાં ને મારામાં અંતર વધતું જાય છે. પહેલાંની જેમ તું મને સમજવા પ્રયત્ન નથી કરતી.’
‘તમને તો ભૂત ભરાયું છે. તમે તમારી પ્રવૃત્તિઓમાં મશગૂલ રહો અને હું આ ઘર, છોકરો, સામજિક વ્યવહારો સાચવું એટલે તમને લાગે છે કે હું તમારાથી દૂર થતી જાઉં છું.’
‘પણ હવે તું સ્વતંત્ર….’
‘એ પણ મનનાં ભૂત જ. હું જાણું છું કે તમારા પર હમણાં કામનું ટેન્શન રહે છે. એટલે ડિસ્ટર્બ કરતી નથી. છતાંય તમે…!’
‘પણ…!’
‘અરે, કામનાં અને દુનિયાદારીનાં ટેન્શન તો હોય એટલે દુનિયાનો ભાર માથે ઉપાડી દુ:ખી થવાતું હશે ?’

પતિ મૂંગો રહ્યો. પોતે મન પર કેટલાય દિવસોથી કેટલોય બોજ ઊંચકીને ફરતો હતો અને તેનો ઉકેલ નહોતો જડતો. મનનો બોજ વધતો ને વધતો જતો હતો અને તેની ગૂંગળામણ પણ અને એટલે જ આજે સવારે, એક નજીવી વાતમાંથી જ….
જ્યારે, અત્યારે આ પત્ની એને માર્ગ ચીંધતી હતી. શૂળીનું દુ:ખ સોયે સરી જશે એમ કહેતી હતી. એને થયું કે આજની સવાર એણે બગાડી હતી – બંનેની.
તરત જ એણે પત્નીને પૂછ્યું : ‘તું જમી ?’
‘ના, મને ભૂખ નથી.’
‘જૂઠું !’
‘સાચું કહું છું, મને ભૂખ નથી.’
‘પણ મને ભૂખ લાગી છે.’
‘તે અત્યાર સુધી કહ્યું કેમ નહિ ?’
‘તેં કેમ ન પૂછ્યું ?’
‘મને તો હતું કે બપોરથી બહાર નીકળી ગયા છો તે બહાર જમી લીધું હશે.’
‘ના, રે, આજે –’
‘જમવું છે ?’
‘રાંધ્યું છે ?’
‘હાસ્તો. પણ તમે આવીને કશું ન બોલ્યા એટલે હુંય ન બોલી.’
‘મને તો ભૂખ લાગી છે. પણ તું જો કંપની આપે તો –!’
‘આટલી મોડી રાતે હું નથી ખાવાની.’
‘તો હું ય ભૂખ્યો સૂઈ જઈશ.’
‘ના, ના ચાલો, કંપની આપું.’
***

બીજા દિવસની સવાર ઊગી. નિર્ઝર કંપાઉન્ડમાં જ હતો. ગુલાબના ફૂલને રમાડતો હતો. આજની સવાર કેવી હશે તેવું વિચારતાં તેણે ગુલાબનું ફૂલ ચૂટ્યું. પણ તેને થયું કે મમ્મી-પપ્પા ગઈકાલ જેવાં તો નથી જ. રસોડામાં, ડાઈનિંગ ટેબલ પર બેઠા બેઠા પપ્પા હજી છાપું વાંચતા હતા. મમ્મી તેમને ચાનો કપ આપતી હતી. પપ્પા ઊઠ્યા. પોતાના ટેબલ પર બેઠા. મમ્મી પરવારીને કામ કરતી ગીત ગુંજતી હતી. નિર્ઝર હસતો હસતો ગુલાબનું ફૂલ લઈ અંદર આવ્યો. મમ્મી હસતાં હસતાં કહ્યું : ‘મને ફૂલ આપને.’ ‘ના. આ તો પપ્પાને આપવાનું.’ કહી દોડી ગયો. તે પપ્પાના ટેબલ પર મૂકી આવ્યો. તે પાછો ફરતો હતો ત્યાં જ પપ્પાએ કહ્યું, ‘મમ્મીને મોકલ તો..!’

નિર્ઝરને નવાઈ લાગી. તેણે દૂતકાર્ય કર્યું. મમ્મી પપ્પાના ટેબલ પાસે જતી હતી. ચોરપગલે તે પણ ગયો. તેણે, દૂરથી છાનામાના જોયું કે પપ્પા પેલું ગુલાબનું ફૂલ મમ્મીના અંબોડામાં ખોસતા હતા અને…..!

નિર્ઝર બગીચામાં દોડી ગયો. તેને આનંદ આનંદ થયો. તેણે આપેલા ગુલાબના ફૂલના કારણે પપ્પા-મમ્મીએ બુચ્ચા કરી લીધી હતી ને ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માણહ ભેગા થાતા નથી – જિતેન્દ્ર દેસાઈ
ભીંડાની બાસુંદી ! – કલ્પના દેસાઈ Next »   

12 પ્રતિભાવો : લાલ ગુલાબનું ફૂલ – રવીન્દ્ર ઠાકોર

 1. Dhara says:

  ખુબ જ સરસ વાર્તા…. ખરેખર ઘણી વખત મોટા ના વર્તન ની નાના બાળકો પર બહુ અસર થતી હોય છે આ વાત આમા ઘણી સરસ રીતે સમજાવી છે…..

 2. prashant says:

  well bahu saras story che
  evu laage che k ek jeevan ma kitta ne bucha j rahela che
  jeevan ma aavu j thavu joiye kem k life ma pati ne patni hasta ne zagdta rehva thi j bandhan bane che PREM nu

 3. Bhakti Eslavath says:

  બહુ જ સરસ વાર્તા .. i agree with dhara .. motana vartan ni purepuri asar nana balko par thay j.. aaj nahi to kale enu paarivartan pan thavanu j .. truly explained a big thing in small and easy words ..

 4. ઋષિકેશ says:

  I’ve come across various stories like this under ‘ટુંકી વાર્તાઓ’ section. These are guides for those who are going to start new relationships.
  Probably same applies to those who have witnessed such problems in their married lives..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.