- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એક યાદગાર સવાર – ઈન્દિરાબહેન પટેલ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી ઈન્દિરાબહેનનો (ન્યૂજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આ લેખ લેખિકાની સાથે શૈક્ષણિક ક્ષેત્રે બનેલી સત્યઘટના પર આધારિત છે. ]

ભારતના રાષ્ટ્રિય તહેવારો ત્રણ છે. એક તો પંદરમી ઓગસ્ટ, બીજી ઑક્ટોબર અને છવ્વીસમી જાન્યુઆરી. 14મી ઑગસ્ટની મધ્યરાત્રી પછી બ્રિટિશ સરકારે ભારતની જનતાને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરી. કેટકેટલા સંધર્ષો અને અસંખ્ય બલિદાનો પછી ભારતવર્ષમાં સ્વતંત્રતાનો સૂરજ પ્રકાશમાન થયો. ભારતીય મૃતપ્રાય જનતામાં નવો ઉત્સાહ, આનંદ અને નવું જોમ પ્રગટ્યું. યાદગાર આ દિવસની ઉજવણી માટે ધ્વજવંદન કરવામાં આવે છે. બીજી ઓક્ટોબર વર્ષોથી ગુલામીમાં સબડતી પ્રજાને મુક્તિ અપાવનાર પૂ. મહાત્માગાંધી ના અવતરણનો આ દિવસ. દરેક સંસ્થા આ દિવસે ધ્વજવંદન ના કરે પરંતુ કોઈપણ પ્રકારે રાષ્ટ્રપિતાને યાદ તો જરૂર કરે જ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકદિન. આજથી ભારતનું નવું બનાવેલું રાજ્યબંધારણ અમલમાં આવ્યું (1950). લોકો માટે, લોકોથી અને લોકો વડે બનેલા આ નવા બંધારણથી હએ સૌને સુખશાંતિ મળશે એવા વિશ્વાસથી બધા ખુશખુશાલ થઈ ગયા હતા. આ દિવસે પણ ધ્વજવંદન કરીને ખુશાલી વ્યકત કરાય છે.

આવી જ એક સવારની મધુરયાદ અત્રે પ્રસ્તુત કરું છું. નડિયાદની શ્રી વિઠ્ઠલકન્યાવિદ્યાલય, વીર વિઠ્ઠલભાઈના નામથી ચાલતી આ સંસ્થા ગાંધીવિચારસરણીથી ચાલે છે. સ્વાવલંબન, સ્વચ્છતા-સુઘડતા, સાદાઈ, સ્વાશ્રય, સમાનતા, સમભાવ અને ખાદી… (સમય અને સંજોગો પ્રમાણે થોડા ફેરફારો જરૂર થયા છે.) અપનાવી છે. સંસ્થામાં શહેરની અને દૂર દૂરના વિસ્તારમાંથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓ આવે છે. નિવાસીસંસ્થામાં શિક્ષકોનાં કુટુંબો પણ રહે છે. 1 થી 12 ધોરણ અને સ્ત્રી અધ્યાપનમંદિર પણ અહીં ચાલે છે.

15મી ઓગસ્ટનો એ દિવસ. ઝરમર ઝરમર વર્ષાના અમીછાંટણાં ચાલુ હતાં. ખુશનુમા સવારમાં વિદ્યાર્થીનીઓ કામે લાગી ગઈ હતી. એમાં પણ આજે તો ધ્વજવંદન કાર્યક્રમનું વિશિષ્ટ કામ. અનેરો ઉત્સાહ. નિયત કરેલી ટુકડીઓની વિદ્યાર્થીનીઓ સફાઈકામ અને ધ્વજવંદન માટે મેદાન અંકિત કરવાનું કામ કરતી હતી. ધ્વજ પણ બાંધીને ધ્વજદંડ પર ચઢાવી દીધો હતો. વરસાદ જાણે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે થંભી ગયો ! ધીમે ધીમે છાત્રાલયની અને શહેરમાંથી આવતી વિદ્યાર્થીનીઓ આવવા માંડી. શ્રી વિઠ્ઠલકન્યા વિદ્યાલયના પ્રાંગણમાં શહેરના આમંત્રિત મહેમાનો, નિવાસી સાથી કાર્યકરો, તેમના કુટુંબીજનો, અધ્યક્ષો, મુખ્ય શિક્ષિકાઓ – બધા જ આવીને પોતપોતાના સ્થાને ગોઠવાવા લાગ્યા. ધ્વજગીત અને રાષ્ટ્રગીત ગાનાર ટુકડીઓ પણ યથાસ્થાને ગોઠવાઈ ગઈ છે. શહેરમાંથી ધ્વજવંદન માટે આમંત્રિત કરેલા શ્રી દિનશા પટેલ પણ બરાબર આઠ વાગે હાજર થઈ ગયા છે. બાકી છે ફક્ત ધ્વજરક્ષક વિદ્યાર્થીની પ્રીતિ. દરેક પ્રસંગે સંસ્થામાં ભણતી વિદ્યાર્થીનીઓ જ ધ્વજરક્ષકની કામગીરી કરે એવી પ્રણાલિકા છે. આજે આ કામગીરી માટે લગભગ 14 વર્ષની પ્રીતિ નિયત થયેલ છે. કાબેલ અને ઉત્સાહી પ્રીતિ પાસેના ગામ પિપલગથી આવ-જા કરે.

લગભગ પંદરથી વીસ મિનિટની લાંબી પ્રતિક્ષા પછી ગભરાયેલી-ઉતાવળી ઉતાવળી પ્રીતિ પોતાની સાયકલ બાજુ પર નાંખીને ધ્વજરક્ષક સ્થાન પર હાજર થઈ ગઈ. કોઈને કંઈ જ કહેવાનું કે સાંભળવાનું હતું જ નહીં. બસ, કાર્યક્રમ શરૂ થઈ ગયો. મેં તેના ચહેરા સામે જોઈને ભાળી લીધું કે કંઈક થયું છે. પૂછાઈ ગયું ‘તું શું કરીશ ?’ વિસ્મયથી મારી સામે જોઈને તેણે ઑર્ડર આપી દીધો… ‘સાવધાન.’ એના બુલંદ અવાજથી જાણે ધરતી ધ્રૂજી ગઈ. આખા સમુહમાં ચેતન આવી ગયું. હવે બીજો ઑર્ડર ‘વંદેમાતરમ્ ગીત શરૂ કરેંગે…’ આપવાનો હતો… તે પણ થઈ ગયું. હવે મહેમાનને દોરી આપીને ધ્વજ ફરકાવવાનો હોય. ધ્વજ ફરકે એટલે ‘સલામી આમ દો’ એમ કહેવાનું હોય પરંતુ દોરી આપ્યા પછી પ્રીતિ ક્રમ ચૂકી ગઈ અને બોલી ‘વિસ…’ પાછળ જ હું ઊભેલી, મને ખ્યાલ આવ્યો અને ‘સલામી આમ દો…’ નો ઑર્ડર આપી દીધો. પ્રીતિ અવાક ! કોઈ કંઈ સમજે કે વિચારે તે પહેલા જ ધ્વજ ફરકી ગયો. બધાએ ધ્વજને સલામી આપી દીધી. ચોમેર આનંદની હવા પ્રસરી રહી. બીજી જ ક્ષણે પ્રીતિએ ઑર્ડર આપી દીધો… ‘રાષ્ટ્રગીત શરૂ કરેંગે…’ અને ‘જનગણમન…’ સૂરોથી વાતાવરણ ભર્યું ભર્યું થઈ ગયું. પછી તો દિનશા પટેલે વીરશહીદોને યાદ કર્યા અને આઝાદીનું મૂલ્ય સમજાવ્યું. કેટલીય માતાઓના લાલ અને લલનાઓના લલાટનું સિંદુર, કેટલીય બહેનોના વીરાઓના બલિદાન પછી આપણને આઝાદી મળી છે..વગેરે… વિદ્યાર્થીનીઓને જોગ સંદેશો આપ્યો કે વધારે નહીં નીતિ અને પ્રમાણિકતાના ગુણો જીવનમાં ઉતારજો.. વગેરે…

વિસર્જન થયા પછી પ્રીતિને કંઈક કહેવું હતું. એટલે એ બોલી, ‘આજે આવતાં મારે મોડું થઈ ગયું. બધાને મેં ખૂબ રાહ જોવડાવી.’ એમ કહીને તેના બન્ને હાથ અને પગ મને બતાવવા લાગી. તેને લોહી નીકળતું હતું. બધે છોલાઈ ગયું હતું. ‘બહેન, હું ઝડપથી આવતી હતી ત્યાં એક કૂતરું મારી સાયકલની અડફેટમાં આવી ગયું અને તેને બચાવવા જતાં મેં સાયકલ જરા બાજુ પર લીધી તો એક દશેક વર્ષનો વિદ્યાર્થી પડી ગયો. તેને થોડું વાગ્યું પણ સાથીદારો તેને લઈ ગયા.’

…પછી મેં પ્રીતિને થોડી પ્રાથમિક સારવાર આપી, ધન્યવાદ આપ્યા. મેં તેને કહ્યું કે ‘આજના પ્રસંગમાંથી પાઠ શીખજે કે આપત્તિ નાનીમોટી હોય, તો પણ સમયસૂચકતા વાપરીને લીધેલું કામ પાર પાડીને જ ઝંપવું. શારીરિક કે માનસિક ઉપાધિઓને લક્ષમાં ન લેતાં કામ પાર પાડીને ઝંપવું – એ જ સફળતા. પછી તો પ્રિન્સિપાલ અને શિક્ષકો બધાંએ તેને ધન્યવાદ આપ્યા.