સારતત્વ – મૃગેશ શાહ

ઘણીવાર એવું બને છે કે મોટા શાસ્ત્રો અને શ્લોકોમાં જે તત્વ આપણને ન સમજાય તે વાત કોઈ દેહાતી ભાષામાં લખાયેલી વાર્તામાં, લોકકથામાં કે બાળવાર્તામાં સહજમાં સમજાઈ જાય છે. એમાં પણ ખાસ કરીને આપણું ગુજરાતી સાહિત્ય આવી કથાઓથી ખૂબ જ સમૃદ્ધ છે. બાળપણમાં વાંચેલી બત્રીસ પૂતળીઓની વાર્તાઓ, વિક્રમ-વેતાળની વાર્તાઓ, હાતિમતાઈની કથાઓ – આપણને આજે પણ કલ્પનાના એક અનેરા વિશ્વમાં પહોંચાડે છે. સ્કૂલમાં વેકેશન પડે એટલે ફૂલવાડી, ચંપક અને નિરંજન વાંચવાની ટેવ અને તેથી સારી એવી બાળવાર્તાઓ વાંચવાની તક બાળપણમાં મળી. દરેક વાર્તાઓમાં કંઈક જુદો જુદો જીવન ઉપયોગી સંદેશ હોય. અમુક વાર્તાઓ તો એવી હોય જેની મન પર ખૂબ ઊંડી છાપ પડે. એવી બે વાર્તાઓની આજે પણ મારા મન પર ખૂબ જ ઊંડી છાપ છે. બાળપણમાં તો ફૂલવાડી કે કોઈ સામાયિકમાં વાંચેલી જ હતી પરંતુ આ બે વાર્તાઓ ઘણીવાર અમુક મહાપુરુષોના પુસ્તકોમાં કે પ્રવચનોમાં સાંભળતા એ વાત વધારે દ્રઢ બની. ખૂબ જ પ્રસિદ્ધ અને સુંદર એવી બે વાર્તાઓની અને તેના સંદેશની આજે વાત કરવી છે.

[1] સાચુ સુખ

થોડા સમય પહેલાની આ વાત છે. ભાવનગર પાસે એક નાનકડા ગામમાં સુખિયો નામનો એક ખેડૂત રહેતો હતો. તેનું પોતાનું એક નાનકડું ખેતર. તેની આર્થિક સ્થિતિ તો ખૂબ સામાન્ય પણ જીવનો સંતોષી માણસ. રોજ સવારે પરવારીને બળદોને લઈને ખેતરે જવા નીકળે. માર્ગમાં ટહેલતો ટહેલતો આનંદથી પ્રકૃતિના સાંન્નિધ્યને માણતો એ ખેતરે પહોંચે. બીજ, કૂંપળોને બરાબર જુએ, બધે પાણી સીંચે, નિંદામણ કાઢે. હળ લઈને ખેતી કરે. બપોરના બાર-એક વાગ્યા સુધી મજૂરી કરે અને પરસેવે રેબઝેબ થઈને ઝાડના છાંયા નીચે બેસે. જમવાનો સમય થાય એટલે એની પત્ની ભાથું લઈને આવે. બેય જણ ઝાડ નીચે બેસીને ખાય, બળદને ખવડાવે. પશુઓને પણ પોતાના ઘરના સભ્યો માનીને રાખે. જીવમાત્ર પર દયા રાખે. અને આમ સુખી અને આનંદનું જીવન જીવે.

એકવાર એવું બન્યું કે એની પત્ની પિયર ગયેલી એટલે સુખિયો સવારે વહેલો ભાથુ લઈને નીકળી ગયો. ખેતીનું કામ પતાવતા બપોર થયો એટલે ભાથુ છોડીને ઝાડ નીચે ખાવા બેઠો. એટલામાં ત્યાંથી ભાવનગરના નગરશેઠ જીપ લઈને નીકળ્યા. એમને તરસ લાગી હતી એટલે આ ખેડૂતને જોઈને રોકાયા. સુખિયાએ શેઠને આવકાર આપ્યો. કુવાનું મીઠું પાણી પાયું. પાસે એક જૂનો ખાટલો પડેલો એ લઈને શેઠને બેસાડ્યા. શેઠ પણ ગરમીથી થાક્યા હતા એટલે જરા વડના ઝાડ નીચે મીઠો પવન ખાવા બેઠા. ખેડૂતની સ્થિતિ જોઈને શેઠને થયું કે આ ભણેલો નથી તો મારે એને થોડું માર્ગદર્શન આપવું જોઈએ જેથી એનું જીવન સુધરે અને વધારે સુખી થાય. આમ વિચારીને શેઠે વાત ચાલુ કરી.

શેઠ : ‘આમ કેટલું કમાઈ લો આ ખેતરમાંથી ?’
સુખિયો : ‘શેઠ, કમાવવાનું તો શું ? ઘરના દાણા ભરાય. થોડા વેચીને શહેરમાંથી જરૂરી ચીજવસ્તુ લઈ આઈ યે. વળી કોઈ સાલ, બે-ત્રણ પાક લઈએ અને થોડી ઘણી કમાણી થાય તો ઘરવાળી માટે નાની મોટી વસ્તુઓ લઈ આઈએ. બાકી ભગવાનની દયાથી બધુ હેમખેમ ચાલે છે.’
શેઠ : ‘તો એમ કંઈ થોડું ચાલે. શહેરમાં જઈને જુઓ દુનિયા કેટલી આગળ વધી છે. અહીં ગામડામાં પડી રહેશો તો ઊંચા નહીં આવો.’
સુખિયો : ‘કેમ શેઠ એવું કહો છો ?’
શેઠ : ‘તો શું ? આટલા યુવાન અને તંદુરસ્ત છો તો બમણું કામ કરી શકો. અત્યારે તમે શું કરો છો ?’
સુખિયો : ‘ખાલી ખેતી જ. સવારે આ ઢોરાંને લઈને આવીએ, બપોરના શાંતિથી હું ને એ જમીએ અને સાંજના વળી પાછા ઘર ભેગા. બાકીના સમયમાં વાત્યું કરીએ, અને ભાઈભાંડુ હારે આનંદ કરીએ.’
શેઠ : ‘તમારે જીવનમાં ખરેખર આગળ વધવુ જોઈએ.’
સુખિયો : ‘એના માટે મારે શું કરવાનું, શેઠ સાહેબ ?’
શેઠ : ‘શહેર જતા રહો. શહેર જશો તો આટલા જ કામના બમણા દામ મળશે. આખો દિવસ મજૂરી નહીં કરવી પડે.’

સુખિયો મૂંઝાયો. શેઠ શું કહેતા હતા એ બરાબર સમજી શક્તો નહતો પરંતુ એની કોઠાની આંતરસૂઝ ગજબની હતી. તેથી એણે શેઠને પૂછ્યું…..
સુખિયો : ‘શેઠ, બમણા દામ મળે એ તો બરાબર પણ અમારા નાના કુટુંબને એટલા બધા પૈસા શું કરવાના ?
શેઠ : ‘અરે પૈસા હોય તો તમારે આ મજૂરી કરવાની જરૂર નહીં.
સુખિયો : ‘તો શું કરવાનું ?’
શેઠ : ‘ધંધો કરવાનો. પેઢી ખોલવાની.’
સુખિયો : ‘એનાથી શું થાય ?’
શેઠ : ‘એનાથી ધનની રેલમછેલ. પૈસો આવે એટલે મારી જેમ મોટી હવેલી લઈ લેવાની અને એક સરસ મજાની ગાડી લઈ લેવાની.’
સુખિયો : ‘એ તો બધું ઠીક. પણ એનાથી ફાયદો શું ?’
બંનેનો સંવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હતો. શેઠ સુખિયાને પૂરેપૂરું જ્ઞાન આપવા માંગતા હતા અને આ ગામડાનો ખેડૂત શેઠને પોતાની રીતે પ્રશ્નો પૂછતો હતો.

શેઠ : ‘અરે ફાયદો ફાયદો શું કરે છે, સુખિયા ? પૈસાના ફાયદા તને નથી ખબર ? નાણા હોય તો કોઈ નાથાલાલ કહે અને નાણા ના હોય તો નાથિયો કહે. પૈસા આવે એટલે તારે તારી હવેલીમાં પાંચ દસ નોકર ચાકર રાખી લેવાના.’
સુખિયો : ‘અચ્છા એમ. તો પછી મારે શું કરવાનું ?’
શેઠ : ‘તારે ? અરે તારે પછી કોઈ ચિંતા જ નહીં. તારે પછી સોનાના હિંચકે ઝૂલતા ઝૂલતા નોકરોને કામ સોંપવાના અને આનંદ કરવાનો.’
સુખિયો : ‘શેઠ ખોટું ના લગાડતા. પણ એક વાત કહું ? જો સોનાનો હિંચકો બનાવીને એટલી દોડધામ કર્યા પછી આનંદ જ કરવાનો હોય તો હું અત્યારે શું કરું છું ? અત્યારે આનંદ તો કરું છું…. જેટલું ધન જરૂરી છે એટલું મળી જાય છે, અનાજ ખેતરેથી આવે છે. જે પૈસા વધે છે એ બધા ભાઈભાંડુ વહેંચીને ખાઈએ છીએ. થોડી ઘણી વળી બચત કરીએ એ સારા કામમાં વાપરીએ છીએ. આનાથી વિશેષ શું જોઈએ ? એ બધા સંધર્ષ પછી આનંદ કરવો એના કરતાં અહીં આ ઝાડના છાંયે બેસીને જે લહેર આવે છે, શું એવી લહેર તમને તમારી હવેલીમાં આવે છે ?

શેઠ શું બોલે ? શેઠ સમજી ગયા કે મેં તો કેરીનું વર્ણન કરેલું પણ આ તો કેરી ખાઈને ધરાઈને બેઠો છે.

ભાવાર્થ : કેવી સરસ વાત કહી સુખિયા એ ! એની વાતમાં સમગ્ર મેનેજમેન્ટની થીયરી આવી ગઈ. જેનાથી આનંદ પ્રાપ્ત ના થાય એ પ્રવૃત્તિ શું કામની ? વ્યક્તિ ભણે, ગણે, પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધે, પ્રગતિ કરે, ઍવોર્ડ પ્રાપ્ત કરે અને કદાચ પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવી ખ્યાતિ મેળવે – પણ એ બધા સાથે જો વ્યક્તિની પ્રસન્નતા સંકળાયેલી ના હોય તો એ તમામ વસ્તુઓ માત્ર સ્પર્ધા બની રહે. વ્યક્તિ જ્યારે પોતાના કાર્યમાં ઓતપ્રોત થાય છે અને એને જે એકાગ્રતાથી આનંદ મળે છે એ કુદરત તરફથી મળતો સર્વોચ્ચ એવોર્ડ છે. લોકો દ્વારા મેળવેલા સન્માનો ઝાઝું ટકતા નથી. લોકો તો વાહ વાહ પણ કરે અને સમય આવ્યે તિરસ્કાર પણ કરે. દુનિયા જે સન્માન કરે એ તો કદાચ અહંકાર લાવી દે એવું ઘાતકી પણ હોય છે ! વ્યક્તિનો આંતરિક આનંદ એ જ એની સાચી મૂડી છે.

[2] નસીબનું ધન.

એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ નીતીવાન હતો. શ્રદ્ધાથી મહેનત કરતો અને પોતાના હકનું જે મળે તે વહેંચીને ખાતો. ખેડૂતની પત્ની સ્વભાવે શીલવાન અને ગુણવાન હતી પરંતુ એને ઘરની ગરીબાઈની સતત ચિંતા રહેતી. એને એમ થતું કે કોઈપણ રીતે આ દુ:ખના દિવસો દૂર થાય તો સારું.

એકવાર મોડી સાંજના સમયે ખેડૂત અને એની પત્ની ખેતરેથી પાછા ફરતાં હતાં. ઝાડ સાથે બાંધેલા બળદ છોડીને હળ ખભે મૂકી ખેડૂત પાછો ફરતો હતો ત્યાં એના પગને કોઈ પથ્થરની ઠોકર વાગી અને એ પડી ગયો. ખેડૂતની પત્નીએ જોયું કે જ્યાં ઠોકર વાગી છે ત્યાં તો કંઈક ઘડા જેવું છે. ખેડૂત અને તેની પત્નીએ ખોદીને જોયું તો સોનાનો ચરૂ નીકળ્યો. પત્ની તો રાજી રાજી થઈ ગઈ, પણ ખેડૂતે કહ્યું કે, ‘જો, આ ધન આપણા ખેતરમાંથી નીકળ્યું નથી. આપણે તો આપણે તો આપણા હકનું જ લેવું જોઈએ. રસ્તા પરથી જે ધન મળે એની પર તો રાજાનો હક હોય છે માટે આપણે આ ધનને અહીં જ છોડીને જતા રહીએ. જો ઈશ્વરને ખરેખર આપણને આટલું ધન આપવું હશે તો છાપરું તોડીને ય આપશે. એ વખતે આપણે જરૂર કબૂલ કરીશું. નસીબનું ધન ક્યાંય જતું નથી. માટે તું શ્રદ્ધા રાખ.

પત્ની ખેડૂતની વાત સાંભળીને ચીડાઈ ગઈ અને બોલી : ‘તમે તો વેદિયા છો. આવા તે નીતિનિયમો હોતા હશે ? ભલે આપણા ખેતરમાંથી નથી નીકળ્યું પણ છે તો આપણું જ ને. હવે આ ધન કંઈ આપણને નહીં મળે. આજુબાજુ કોતરોમાં વસતા ચોરડાકુઓ આ દાટેલું બધું લઈ જશે અને આપણે રહીશું એમના એમ !’ ખેડૂતે પત્નીની એક વાત ન માની અને ઘડો જેવો હતો એમ દાટીને ચાલવા માંડ્યું. કમને પત્ની પણ નિરાશ મુખે ચાલવા લાગી.

બન્યું એવું કે પાછળ ઝાડીમાં સંતાયેલા ચોરો આ બધું દૂરથી જોતા હતાં. એમને થયું કે એ ઘડામાં ચોક્કસ કંઈક હશે. એટલે ખેડૂતના ગયા પછી અંધારી રાતે એમણે ઘડો ખોદીને બહાર કાઢ્યો. ઘડાનું મૂખ ખોલ્યું તો એમાંથી સાપ અને વીંછી નીકળ્યા એટલે ગભરાયેલા ચોરોએ ઘડો બંધ કરી દીધો. હવે ચોરો બરાબર અકળાયા. એમણે વિચાર્યું કે આ ખેડૂત લોકો એ ઘડો સંતાડવાનું નાટક કરીને અમને ઉલ્લુ બનાવ્યા છે. ચલો, આપણે એમના ઘર પર જઈને જ આ ઘડો નાખીએ.

અંધારી રાતે ખેડૂતના ઘર પર છાપરા તૂટવાનો અવાજ આવ્યો. ખૂબ અવાજ આવવાથી ખેડૂતની પત્ની જાગી ગઈ અને ખેડૂતને ઊઠાડ્યો. પણ એટલી વારમાં તો ચોર લોકો એ બાકોરું પાડીને ઘડાને ઊંઘો કર્યો….. પણ આ શું ? ખેડૂતના ઘરમાં તો સોનામહોરોનો વરસાદ થયો ! પત્ની આભી બની ગઈ ! ખેડૂતે એની સામે જોઈને કહ્યું : ‘જોયું ને ! મેં કહ્યું હતું કે નસીબનું કશે કશું જતું નથી. જે આવવાનું હોય છે એ તો અડધી રાત્રે છાપરું ફાડીને પણ આવે છે, જો આપણે નીતિપૂર્વક જીવન જીવતા હોઈએ તો !’

ભાવાર્થ : એવું કહેવાય છે કે ચોરી અનીતિવાળાને ઘરે જ થાય છે. નીતિવાનને ઘેર ચોર પગ મૂકવાની હિંમત જ ના કરે. નીતિવાન વ્યક્તિ ભલે સમાજની દ્રષ્ટિએ વેદિયો દેખાય પણ એની સંપત્તિની રક્ષા એ નીતિ જ કરે છે. વાર્તાનો સંદેશ સ્પષ્ટ છે કે વ્યક્તિએ પુરુષાર્થ અનુસાર જે ધન પ્રાપ્ત થાય તે જરૂર હકથી લેવું જોઈએ, પણ પ્રારબ્ધ અનુસાર જે પ્રાપ્ત થવાનું છે તેને જરા બે વાચ ચકાસીને જોવું જોઈએ કે એ ધન પર ખરેખર આપણો હક છે કે નહિ ? પુરુષાર્થી વ્યક્તિ માટે તક કોઈ દિવસ જતી રહેતી નથી, એ તો નીતનવા સ્વરૂપે હાજર જ હોય છે, બસ આપણું આચરણ એને અનુરૂપ હોવું જોઈએ. જ્યારે કોઈ આપણને એમ કહે કે ‘તમે આ વસ્તુ નસીબમાં હતી અને ચૂકી ગયા’ – તો એ સાવ પોકળ વાત સમજવી ! વ્યક્તિ પ્રારબ્ધના દુ:ખ ચૂકી જતો નથી, તો પછી તક કઈ રીતે ચૂકી શકે ? જે મળવાનું છે એ ઈચ્છા ન રાખો તોય મળવાનું છે, એની માટે સાધનોની જરૂર હોતી નથી. એ તો કોઈ ને પુરુષાર્થથીયે મળે અને કોઈને લૉટરીથીયે મળે ! આપણે દુ:ખી એટલા માટે થઈએ છીએ કે બીજાને મળ્યું એ જ રીતે આપણને મળે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક વીસરાતી કળા – અરુણા જાડેજા
દરિયો વહી ગયો ને કિનારો નથી રહ્યો – જયવતી કાજી Next »   

13 પ્રતિભાવો : સારતત્વ – મૃગેશ શાહ

  1. Dhara says:

    વાહ મ્રુગેશ ભાઈ વાહ…..ખરેખર બાળપણ ની અમુક વાર્તા આખી જિન્દગી યાદ રહેતી હોય છે. ખુબ જ સરસ વાર્તા……

  2. Dhaval Shah says:

    Very true.

  3. drashti says:

    mrugesh bhai ur thoughts and story both r realy nice

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.