- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મુખવાસ ભાગ-3 – સંકલિત

[રીડગુજરાતી પર સમગ્ર નવેમ્બર-2006 માસ દરમિયાન ‘મુખવાસ વિભાગ’ માં મૂકવામાં આવેલા વાક્યોનો સંગ્રહ ]

[01] જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.

[02] પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

[03] સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

[04] જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.

[05] હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.

[06] જૂની મૂલ્યવાન ચીજો એટલે જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.

[07] એ માણસ ભલે મૂરખની જેમ બોલતો હોય કે મૂરખની જેમ વર્તતો હોય, તમે એનાથી મૂરખ ન બનતાં, એ ખરેખર મૂરખ જ છે !

[08] ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.

[09] ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.

[10] પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો.

[11] નાના શત્રુને નાથવા નાના નાના ઉપાય જ પૂરતા હોય છે. ઉંદરને બિલાડી જ મારે છે, સિંહ નહીં !

[12] આપણો સ્વભાવ આમેય અળવીતરો છે. ઘરમાં આપણને હૉટેલ જેવી સગવડતા જોઈએ અને હૉટેલમાં ઘર જેવી સગવડતા.

[13] ખોટું કામ કરવા માટે હજુ સુધી સાચો રસ્તો કોઈ શોધી જ નથી શક્યું….!

[14] મોતથી ન ડરવું એ વીરતા ખરી, પરંતુ મોત કરતાંય જીવવું વધુ કપરું બની જાય ત્યારે ખુમારીથી જીવી જવું એ ખરી વીરતા ગણાય.

[15] જે માણસ કશું જાણતો નથી તેનું સુખ એ છે કે તેને કોઈ જ બાબતમાં શંકા થતી નથી.

[16] દરેક પુરુષને પત્નીની જરૂર રહેવાની જ. જ્યારે જ્યારે કાંઈક અવળું પડે તે દરેક વખતે એ કાંઈ સરકારનો વાંક થોડો જ કાઢી શકે છે ?

[17] લોકો જો બુદ્ધિપૂર્વક વિચાર કરતાં હોય તો ઘણા છૂટાછેડા અટકી જાય – ઘણાં લગ્નો પણ.

[18] સમય બચાવવાની ઘણી તરકીબો હોય છે. જેમ કે, આજે કરવું જ જોઈએ એવું કામ તમે કાલ પર ઠેલો, તો આજે કેટલો બધો સમય બચી જશે !

[19] ફરિયાદ કરવા જેવું કશું ન હોય, ત્યારે પણ તમે ફરિયાદ જ કરતા રહી શકતા હો તો જાણજો કે તમે લોકશાહીમાં વસો છો.

[20] જૂઠાણું કહેવું સહેલું છે, પણ ફક્ત એક જ જુઠાણું કહેવું ઘણું કઠણ છે.

[21] આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન.

[22] કોઈ યુગલે પ્રેમલગ્ન કર્યાં તેના કારણની એક યાદી બનાવીએ પછી એમણે છૂટાછેડા શા માટે લીધા એનાં કારણની બીજી યાદી બનાવીએ તો એ બે વચ્ચે ઘણું સામ્ય દેખાશે !!

[23] ડિસ્કોની વ્યાખ્યા : ડિફેકટિવ ઈન્સ્ટ્રુમેન્ટ સપ્લાઈંગ કંપનીના વાજિંત્રમાંથી જે કઢંગા સૂરો નીકળે એનું નામ ડિસ્કો સંગીત.

[24] લીલુંછમ્મ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે, જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું હોય છે.

[25] ફૂલછોડનો ઉછેર કરવો એ તો શિયાળાની વહેલી સવારે ઈશ્વર સાથે મોર્નિંગ વૉક લેવા જેઉં છે.

[26] નડતર વગરના રસ્તાઓ તો ધારો એટલા શોધી શકો, પરંતુ અફસોસ એટલો જ છે કે આવા મુશ્કેલી વગરના માર્ગ કોઈ મંજિલ સુધી જતા જ નથી.

[27] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !

[28] ખરાબ પુસ્તક દુષ્ટ લુટારા કરતાં વધારે ખરાબ છે. એ તમારો કીંમતી સમય લૂંટી જતા હોય છે.

[29] તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો !

[30] કેટલાક લોકો નવી કાર ખરીદે ત્યારે એવું માની લે છે કે કારની સાથે એમને રોડ પણ મફતમાં મળ્યો છે.

[31] સુખી થવાનો સચોટ ઉપાય છે : અપેક્ષાની ઉપેક્ષા કરતાં શીખી જવું !