- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નીતીનાશને માર્ગે (ભાગ : 2) – ગાંધીજી

[ યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ તેજસ્વી બને એ માટે ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં ગાંધીજી એક કોલમ લખતા હતા. તેમના લેખો પરથી એક પુસ્તક 1921 મા પ્રકાશિત થયું હતું, જેનું નામ છે ‘નીતીનાશને માર્ગે’. આ પુસ્તકના કેટલાક પ્રકરણોમાંનો ભાગ-1 આપણે થોડા સમય અગાઉ વાંચ્યો. હવે તેમાંના કેટલાક લેખોનો પ્રસ્તુત છે ભાગ-2.]

આજે મારા દેશના બાંધવો માટે આવેગોથી દૂર રહીને પવિત્ર રહેવા માટેના કેટલા નિયમો સૂચવું છું. શક્ય હોય ત્યાં સુધી જો એનું પાલન કરશો તો શરીરમાં તેજ અને મનની સ્થિરતા વધશે. તમે કદાચ વિચાર્યું નહીં હોય એટલું બધું મનોબળ પ્રાપ્ત થશે.

[1] માફસર ખાઓ, હમેશાં થોડી મીઠી ભૂખ રાખીને ઊઠો.

[2] અન્નાહારી ભલે હો, પણ અત્યંત મસાલાવાળા અને તેલ-ધીવાળા ખોરાક તો ત્યાજય છે. બહારનું ખાવાનું બંધ કરો. લોકો ભલે તમને જુનવાણી અને સંકુચિત મનના કહે, પણ તમારું આરોગ્ય તમારે સાચવવાનું છે, જો સ્વસ્થ અને તંદુરસ્ત જીવવું હોય તો. આ ઉપરાંત સૌ કોઈએ મરચાં, ગરમ વસાણાંનો ત્યાગ કરવો. ચરબીવાળા અને ભારે ખોરાક, ભારે મિષ્ટાન્ન, મીઠાઈ અને તળેલા પ્રદાર્થો ખાવાના છોડી દેવા.

[3] શરીર અને મન સદા સ્વચ્છ વ્યવસાયમાં જ રોકાયેલાં હોવા જોઈએ.

[4] વહેલા સૂઈને વહેલા ઊઠવાનો નિયમ જ કરી દેવો જોઈએ. પ્રજોત્પતિ બાદ, પતિપત્નીએ જુદા જુદા ઓરડામાં સૂવું અને એકાંત ટાળવું. યાદ રાખવું કે ઈન્દ્રિયો બહુ બળવાન છે અને મન ચંચળ છે, ક્યારે તમને પાડી દે કંઈ કહેવાય નહીં.

[5] આ ઉપરાંત સંયમિત જીવન માટે ઈશ્વરપ્રતિ શ્રદ્ધા રાખવી અને એવો ભાવ રાખવો કે મારા શરીરને ઈશ્વર પોતાનું સાધન માની સ્વચ્છ અને વ્યવસ્થિત રાખશે જ.

[6] લગ્ન એક મિત્રતા છે. સ્ત્રીપુરુષ સુખદુ:ખનાં સાથી બને છે, પણ લગ્ન થયા એટલે પહેલી જ રાત્રે દંપતીએ વિષયભોગમાં આળોટી જિંદગી બરબાર કરવાનો પાયો ખોદવો ન જોઈએ. સંયમિત જીવન, શીલ અને સંસ્કારથી પ્રજોત્પતિ કરવી જોઈએ. આ દેશને લોકેત્તર અને વિદ્વાન સંતાનોની જરૂર છે, ખાઈ-પીને પોતાનું પેટ ભરે એવા સંતાનો થી શું વળશે ? સમગ્ર દેશને ઉચ્ચ બનાવે, દુનિયાને શાંતિનો સંદેશો આપે – એવી જો વિભૂતીને આ પૃથ્વી પર અવતરવા દેવાની ઈચ્છા રાખતા હોવ તો સંયમિત જીવન એ એનું પહેલું પગલું છે.

[7] કોઈપણ જાતનું બીભત્સ અને હલકું સાહિત્ય, ફિલ્મો આદી ન જોવા કે ન વાંચવા. મલિન વિચારોનું ઓસડ નિર્મળ વિચારો છે. મનોવિકાર જાગૃત કરે એવા નાટકો પણ ન જોવા. એમ માની ને બેસી ન રહેવું કે મને તો કોઈ અસર થતી નથી, મારું મન મજબૂત છે. – મનમાં એકવાર ગયેલું ગમે ત્યારે બહાર નીકળી શકે છે. યુવાનોને સ્વપ્નદોષ થાય તો ગભરાઈ ન જવું. તંદુરસ્ત માણસે ઠંડા પાણીથી નાહી લેવું, એ સર્વથી સુંદરમાં સુંદર ઈલાજ છે.

[8] કૃત્રિમ સંતતિનિયમોના સાધનો વાપરવા એ જ નિર્બળ અને ખલાસ થઈ ગયેલા મનની નિશાની છે. પશુઓ આવેગો પર કાબૂ ન રાખે એ તો સમજ્યા, પણ આટલુ ભણેલો માણસ પોતાના આવેગોને ઓળખીને એને યોગ્ય દિશાના આપી શકે તો પછી મનુષ્ય જીવનનો અર્થ શું ?

[9] સૌથી મહત્વનું તો એ છે કે, કોઈ પણ વ્યક્તિ – પતિપત્ની વચ્ચે સુદ્ધાં – સંયમ અત્યંત અધરો છે એમ માનવું નહીં. ઊલટું સૌ કોઈએ સંયમને જીવનની સામાન્ય અને સ્વાભાવિક સ્થિતિ તરીકે માનીને ચાલવું જોઈએ.

[10] રોજ ઊઠીને પવિત્રતા અને નિર્મળતા માટે એકાગ્ર મનથી પ્રભુ પ્રાર્થના કરવી. એથી આપણે દિન પ્રતિદિન નિર્મળ અને પવિત્ર બનતા જઈશું.

બ્રહ્મચર્ય કેળવવું એ કોઈ પાંચ મિનિટનો ખેલ નથી. પુરુષ અને સ્ત્રી બંને પક્ષે તેનો અર્થ સમજવાની જરૂર છે. સ્ત્રીઓ પણ પોતાની શીલ અને મર્યાદામાં રહે, વ્યવસ્થિત વસ્ત્રો પહેરે, સંયમિત જીવન જીવે તો આવનાર બાળક વધારે તંદુરસ્ત બનશે. શરીરની શક્તિને ઉર્ધવગામી કરવી એ કોઈ સહેલી વાત નથી. લાંબા અભ્યાસને અંતે જ એ સાધી શકાય છે. પણ એક વાર આ અભ્યાસ થઈ જાય પછી શરીરમાં જે આંતરિક બળ વધે છે તે બીજી કોઈ ક્રિયાથી નથી વધતું. દવાઓ અને એશઆરામથી શરીર ભલે ઠીક રહે પણ મન તો ખવાઈ જ જાય છે. અને દરેક મનુષ્ય જે વિષયવિકારરૂપી અસંખ્ય વિનાશક શત્રુઓથી ઘેરાયેલો છે તે શત્રુઓના હુમલા સામે બચાવ કરવાને મનને તદ્દન અશકત કરી મૂકે છે.

અનેકવાર આપણે જેવાં કર્મ કરીએ છીએ તેથી થવી જોઈએ તેવી અસરથી ઊલટી અસરની જ આશા રાખીએ છીએ. આપણો જીવનક્રમ આપણા વિકારોને તૃપ્ત કરવાને માટે જ રચાયેલો છે. આપણો ખોરાક, આપણું સાહિત્ય, આપણી રમતગમત, આપના કામ કરવાના કલાક એવી રીતે ગોઠવાયેલા હોય છે કે તેથી આપણા પાશવી વિકારોને ઉત્તેજન થાય અને પોષણ મળે. આપણામાંના ઘણાખરા લગ્ન કરી બાળકો ઉત્પન્ન કરવા માંગીએ છીએ, અને સામાન્ય રીતે મર્યાદામાં રહીને પણ ભોગ ભોગવવા માંગીએ છીએ અને આ ક્રમ અનંતકાળ સુધી ચાલ્યા જ કરવાનો. વિચારો બદલ્યા સિવાય આ વૃત્તિ અંકુશમાં નહીં આવે.

ઘણાં લોકો વળી એવું માને છે કે આરોગ્ય જાળવવા માટે વિષયોનો અમુક પ્રમાણમાં સંગ કરવો જોઈએ. હું એ નથી માનતો. મારો પોતાનો અંગત અનુભવ અને મારા જેવા બીજા કેટલાકના અનુભવથી હું બેધડક કહી શકું કે સ્વસ્થ જીવન માટે વિષયોની કોઈ જરૂર નથી. પુરુષોને તો વળી એકવાર એ સંગ કરવાથી કેટલી બધી ઊર્જા ગુમાવવી પડે છે. ઘણાં વરસોથી બંધાયેલી મજબૂતી – મનની અને તનની, એક જ વારના સંગ થી જતી રહે છે. તેને પાછી મેળવવા બહુ વખત જોઈએ. વળી એ પાછી આવે ત્યારે મન પાછું વિકારી બની ગયું હોય એટલે ફરી એજ દશા. આમ ને આમ યુવાનો ખલાસ અને નિર્બળ થતા જાય છે. શરીરથી ભલે તંદુરસ્ત દેખાય પણ મન તો સાવ ઢીલા થઈ જાય છે. ભાંગેલા કાચના વાસણથી કામ કરવાનું હોય એ રીતે જિંદગી પૂરી કરે છે. જે અતિશય વિષય સંગ કરે છે એને મૃત્યુની ખૂબ બીક લાગે છે, ચીત્તભ્રમ થઈ જાય છે, મન કાબુમાં નથી રહેતું, કોઈ કહે તો ઉશ્કેરાઈ જાય છે, ડિપ્રેશન આવી જાય છે અને અર્ધપાગલ જેવી દશા થઈ જાય છે. વિષયો પર કાબૂ રાખવામાં ન આવે તો માણસને આપધાત કરવાના માર્ગ સુધી લઈ જઈ શકે છે કારણકે મનોબળ સાવ ખલાસ થઈ જાય છે.

આરોગ્યની ઘણી બધી ચાવીઓ છે અને તે બધી ચાવીઓ અગત્યની છે પણ તેની મુખ્ય ચાવી તો બ્રહ્મચર્ય છે. સારી હવા, સારો ખોરાક, સારું પાણી વગેરેથી આપણે આરોગ્ય મેળવી શકીએ, પણ જેટલો પૈસો કમાઈએ એટલો ઉડાવી દઈએ તો કંઈ બચતું નથી તેમ જેટલું આરોગ્ય મેળવીએ એટલું જો ખર્ચી નાખીએ તો આપણી પાસે શું પૂંજી રહેવાની છે ? સ્ત્રી અને પુરુષ બંનેએ આરોગ્યરૂપી ધન સાચવવાને સારું બ્રહ્મચર્યની સંપૂર્ણ જરૂર છે એમાં કોઈ શક નથી. પુરુષે સ્ત્રીને જોઈને ઘેલા ન થવું જોઈએ અને સ્ત્રીએ પુરુષને જોઈને ઘેલા ન થવું જોઈએ. તમે જો એમ કહેતા હોવ કે વિષયની ઈચ્છાઓ તો કુદરતી છે તો એની સામે કુદરતે આપણને પ્રચંદ બુદ્ધિશક્તિ અને મન પણ આપ્યા છે જેનાથી આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. આપણી આસપાસ આપણે કેટલાંય લોકોને મોહમાં ડૂબેલા જોઈએ છીએ. એ વિકારોના હુમલા વખતે આપણે ગાંડાતૂર બની ગયેલા હોઈએ છીએ. આપણી બુદ્ધિ કામ નથી કરતી. આપણી આંખોએ પડદા પડી જાય છે અને આપણે કામાંધ બની જઈએ છીએ. મારો પોતાનો અનુભવ પણ એનાથી જુદો નથી. હું પોતે આ દશામાંથી પસાર થયેલો છું. કારણકે એ વસ્તુ જ એવી છે. જ્યારે ભાન આવે છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે અને પછી આપણે એ ગયેલી ઊર્જાને પાછી લાવવા ત્રણ ઘણું ખાઈએ છીએ અને દવાઓ કરીએ છીએ. કેવા ખોરાકથી ઊર્જા પાછી આવે અને ફરી આપણે વધારે ભોગો ભોગવીએ – આમ ને આમ વિચારોમાં દિવસો જતા જાય છે અને તેમ તેમ આપણે અક્કલે હીણા થતા જઈએ છીએ. ઘડપણમાં બુદ્ધિ આપણી ગયેલી જોવા મળે છે.

ખરું જોતાં આમ ન જ થવું જોઈએ. ઘડપણમાં બુદ્ધિ મંદ થવાને બદલે તેજ થવી જોઈએ. આ દેહે મેળવેલો અનુભવ આપણને તથા બીજાને ઉપયોગી થઈ શકે એવી આપણી સ્થિતિ રહેવી જોઈએ; ને જે બ્રહ્મચર્ય પાળે છે તેની તેવી સ્થિતિ રહે છે. તેને મરણનો ભય રહેતો નથી, મરણ સમયે પણ તે ઈશ્વરને ભૂલતો નથી, ને ખોટાં વલખાં મારતો નથી. તેને મરણકાળના ચાળા (સનેપાત ઈત્યાદિ) થતાં નથી, ને હસમુખે ચહેરે આ દેહને છોડીને માલીકને પોતે હિસાબ દેવા જાય છે. આ રીતે જીવે તે જ પુરુષ અને આમ જીવે તે જ સ્ત્રી. તેમણે જ ખરું આરોગ્ય જાળવ્યું કહેવાય અને જીવન માણ્યું કહેવાય. આખરે આ તો ભારતની સભ્યતા, શીલ અને સંસ્કાર છે.

[સંપૂર્ણ]