દરિયો વહી ગયો ને કિનારો નથી રહ્યો – જયવતી કાજી

ચારેક વર્ષ પહેલાંની એક પાનખરની જ આ વાત છે. ન્યુયોર્કથી થોડેક દૂર આવેલું વિલિયમ્સ બર્ગનું સુંદર સ્થળ. અરુણ અને અસ્મિતાએ પિકનિકનું આયોજન કર્યું હતું. અમે પણ તે વખતે એમને ઘેર ન્યુયોર્કમાં જ હતાં એટલે એમની સાથે પિકનિકમાં જોડાઈ ગયાં હતાં. પાનખર પૂર્ણકળાએ શોભી રહી હતી. એ નિસર્ગનો રંગોત્સવ માણવા જ અમે ત્યાં ગયાં હતાં. વૃક્ષોએ સોનેરી, પીળાં, લાલ અને તપખીરી પર્ણવસ્ત્રો પરિધાન કર્યાં હતાં. વિસર્જન પહેલાંની પ્રકૃતિની છટા અદ્દભુત હતી. રાત વધતી હતી અને એ સાથે ઠંડી પણ. ફાયરપ્લેસમાં લાકડાં મુકાતાં હતાં. અમારી વાતચીતનો દોર લંબાતો હતો. હાસ્યવિનોદ-મજાકમસ્તી પછી અમે ઊતરી ગયા માનવીય સંબંધો પર….. વૈશ્વીકરણ અને ઈન્ટરનેટના પ્રભાવ પર ઝડપથી બદલાઈ રહેલા માનવજીવન પર….

આ બધા મિત્રો છેલ્લા અઢી-ત્રણ દાયકાથી માતૃભૂમિ ભારત છોડી વિદેશમાં વસ્યા હતા. અભ્યાસકાળની ગડમથલની, ત્યાં કારકિર્દી બનાવવાના સંધર્ષની, એમના અનુભવોની વાત ચાલતી હતી. ખટમધુરાં સ્મરણો બધા તાજાં કરી રહ્યા હતાં. ત્યાં અજિતે કહ્યું, ‘અહીં બધું સારું છે, પ્રગતિ માટે તક છે. તમારામાં શક્તિ, પ્રતિભા, હિંમત અને ગમે તે કામ કરવાની તૈયારી અને નિષ્ઠા હોય તો તમને સિદ્ધિ અને સફળતા મળવાની.’
‘એટલે તો તમારા જેવા જુવાનિયાઓ વતન છોડી દૂર દૂરથી અમેરિકા આવતા હોય છે.’ મેં હસીને કહ્યું હતું.
ત્યાં તો કૉમ્પ્યુટર ઍન્જિનિયર અજિતે કહ્યું : ‘હું મારી જ વાત કહું. હરિયાણાના એક નાનકડા શહેરમાં મારો જન્મ. પિતાની એક નાનકડી દુકાન અને થોડીક જમીન. અમે ત્રણ ભાંડુઓ. હું સૌથી મોટો. હું ત્યાંની શાળામાં બારમા ધોરણમાં ભણતો હતો. ઘરની સ્થિતિ સામાન્ય. બહુ જ ટૂંકી માંદગી પછી મારા પિતાજીનું અવસાન થયું. અમારા પર તો આભ તૂટી પડ્યું ! મારી પરીક્ષાને માત્ર એક જ મહિનો બાકી રહ્યો હતો. મારી મા ખૂબ જ હિંમતવાળી છે. એણે કહ્યું, ‘દીકરા, હું દુકાન સંભાળીશ. તું પરીક્ષામાં પાસ થઈ જા. પછી શું કરવું તે નક્કી કરીશું.’

‘પરીક્ષા આપી. મને સમજ નહોતી પડતી હું શું કરું. હું ખૂબ જ ચિંતામાં હતો. ત્યાં એક સવારે મારી માએ કહ્યું : “મેં નક્કી કરી લીધું છે. હું દુકાન કાઢી નાખીશ. બીજા થોડા પૈસા પણ છે. તું અમેરિકા જા. તારું નસીબ અજમાવ. હું અહીંનું સંભાળી લઈશ. તું ત્યાં કમાતો થઈ જાય પછી મારે કોઈ ચિંતા નહિ રહે. તું તો અમારો સહારો છે જ.” આજથી બાવીસ વર્ષ પહેલાં મારી ઓગણીશ વર્ષની વયે મેં મારું ઘર છોડ્યું.’ બોલતાં બોલતાં એ ગદગદિત થઈ ગયો.

‘અહીં આવીને મેં અભ્યાસ ચાલુ કર્યો. શરૂઆતના એ દિવસો ! બધું જ નવું, સાવ અપરિચિત. મા, ભાઈબહેન, ઘર ખૂબ જ યાદ આવે અને મારી ઊંઘ ઊડી જાય. કમાવા માટે જે કંઈ કામ મળે તે હું કરતો. ટૅક્સીની એક કંપનીમાં નોકરી મળી. હું ટેક્સી ચલાવતો. કેટલીયે વખત મેં રાતની ડ્યુટી કરી છે !’ અમે આશ્ચર્યથી અજિતની સામે જોઈ રહ્યા.

‘એ દિવસે મારી રાતની પાળી હતી. હું ટેક્સીમાં અર્ધો ઊંઘતો-જાગતો બેઠો હતો. ત્યાં કંપનીમાંથી મારા પર ફોન આવ્યો. મારે ટેક્સી લઈ જ્યાં પહોંચવાનું હતું તેની વિગત આપી અને જલ્દીથી પહોંચી જવાનું કહેવામાં આવ્યું. રાતના બે વાગી ગયા હતા. હું જ્યારે એ મકાન પાસે પહોંચ્યો ત્યારે રાતના અઢી થવા આવ્યા હતા. બધે અધંકાર હતો. એ મકાનને ભોંયતળિયે બત્તી ચાલુ હતી. એનો આછો પ્રકાશ બહાર આવતો હતો. તમને ખબર છે, સામાન્ય રીતે તો અહીંના ટેક્સીવાળા એમના ગ્રાહકના સ્થળે પહોંચી ધીમેથી બે-ત્રણ વખત હૉર્ન વગાડે. ગ્રાહક માટે થોડી રાહ જુએ. જો કોઈન આવે તો એ ચાલતો થાય. પરંતુ તે રાત્રે હું ત્યાં રાહ જોતો ઠીક ઠીક સમય ઊભો રહ્યો. મને વિચાર આવતો હતો, આટલી મોડી રાત્રે કોઈ ફોન કરી ટેક્સી બોલાવે એટલે કદાચ કોઈક ગંભીર વાત હોઈ શકે. રાહ જોયા પછી ટેક્સી ઊભી રાખી. હું ત્યાં ગયો અને મેં એ ઘરની ઘંટડી વગાડી. થોડીવારે બારણું ખૂલ્યું. એક વૃદ્ધ મહિલા લાકડીને સહારે મારી સામે ઊભી હતી ! એણે પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. માથે હેટ હતી. મેં અંદર જોયું તો ઘરમાં બહુ જ ઓછું ફર્નિચર હતું. એના પર કપડું ઢાંકેલું હતું. પાસે ખૂણામાં બે કાર્ડબોર્ડનાં ખોખાં હતાં.
‘તમે મારી આ બેગ ઊંચકી લેશો ? હું ઊંચકી શકું એમ નથી.’ એણે એક ખૂણામાં મૂકેલી બેગ બતાવતાં કહ્યું.
‘બસ, આટલો જ સામાન છે ?’ મેં બેગ ઊંચકી લીધી. એમનો ધ્રૂજતો હાથ પકડી એમને સાચવીને લાવીને ટેક્સીમાં બેસાડ્યાં.
‘દીકરા ! તારો ખૂબ આભાર.’ આંખમાં ઝળઝળિયાં સાથે એમણે કહ્યું.
‘એમાં શું થઈ ગયું ? તમે તો મારાં દાદીમા જેવાં જ છો ને ? બોલો તમારે ક્યાં જવું છે ?’
‘આ લે એનું સરનામું. વૃદ્ધો માટેના ઘરમાં જવું છે. હું એકલી છું. મારું ખાસ કહેવાય એવું અહીં કોઈ નથી. ડૉકટરે મને કહ્યું છે કે હવે હું વધુ વખત નહિ કાઢું. આટલો વખત હું એકલી રહી. હવે હું એકલી રહી શકું તેમ નથી. બીજું શું થાય ? મારું નામ કેથેરિન બ્રાઉન-કેરી’

મેં ટેક્સી ચલાવવા માંડી. થોડે દૂર ગયો ત્યાં એમણે મને કહ્યું, ‘દીકરા ! તારી માએ તને બહુ સારું શિક્ષણ આપ્યું છે. તું સુખી થજે. ના…ના… આ રસ્તે નહિ, તું શહેરમાં થઈને મને લઈ જઈ શકશે ?’
‘પણ મેડમ, એ રસ્તો ટૂંકો નથી. તમે કહો તે રસ્તેથી લઈ લઉં.’
‘શહેરમાં થઈને જ લે.’
અમે થોડાં આગળ વધ્યાં ત્યાં એમણે કહ્યું : ‘આ મકાન આગળ તું ઊભો રહે.’ હું ઊભો રહી ગયો.
‘આ મકાનમાં મેં શાળા છોડ્યા પછી મકાનની લિફટ ઑપરેટર તરીકે કામ કર્યું હતું !’ પછી મને એમણે વળાંક લઈને બીજે એક રસ્તે જવા કહ્યું. થોડે ગયા પછી પાછું મને એમણે એક સ્થળે ઊભા રહેવા કહ્યું. ‘હવે તો એ ઘર રહ્યું નથી. એની જગ્યાએ જો આ કેટલું મોટું મકાન બંધાઈ ગયું છે ! વર્ષો પહેલાં હું આ લત્તામાં રહી હતી. હું અને મારો ફ્રેંક અહીં રહેતાં હતાં. બે બાળકો થયાં હતાં. એક દીકરો અને એક દીકરી. બંને બહુ જ મીઠડાં હતાં. હવે તો એ બંને અહીંથી દૂર એમના સંસારમાં ઠેકાણે પડી ગયાં છે.’ એક ઊંડો નિ:શ્વાસ નાખતાં એમણે કહ્યું : ‘જો દીકરા ! હવે આ બાજુ લે. તું થોડે દૂર જશે એટલે એક ફર્નિચરનું ગોડાઉન પણ છે.’ હું ટેક્સીની આગળની નાની આરસીમાંથી જોઈ શક્યો કે એ વૃદ્ધાના કરચલીવાળા મોં પર ખુશીની આછી લહેર ઊઠવા માંડી હતી.
‘થોડુંક આગળ લે અને ‘કાફે’ આગળ ટેક્સી ઊભી રાખ.’ મેં ટેક્સી ઊભી રાખી અને એમણે ટેક્સીના બારણાનો કાચ નીચે ઊતાર્યો. ક્યાંય સુધી એ ‘કાફે’ સામે જોઈ રહ્યાં.
‘હું જ્યારે પંદર-સોળ વર્ષની કિશોરી હતી ત્યારે હું મારા મિત્રો સાથે અહીં નૃત્ય કરવા આવતી હતી. હું તને કહેવાનું ભૂલી ગઈ. ફ્રેંક સાથે મારે ઓળખાણ અહીં જ થઈ હતી…..’

ટેક્સી ચાલતી રહી. કેટલેક સ્થળે અમે ઊભાં રહ્યાં. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતાં રહ્યાં. પછી એક વિશાળ મકાન આવ્યું. મને એમણે ટેક્સી રોકવાનું કહ્યું. એમણે બારણું ખોલ્યું અને ટેક્સીમાંથી મેં એમને ઊતાર્યા. ફૂટપાથ પરના એક બાંકડા પર એ બેસી ગયાં. રાત વિદાય લઈ રહી હતી. પ્રભાતનું પ્રથમ કિરણ નીકળ્યું હતું. ક્યાંય સુધી એ આંખ મીંચીને બેસી રહ્યાં. હું તેમની નજીક ઊભો રહ્યો. એમનું મોં નિસ્તેજ થઈ ગયું હતું. અચાનક મંદ સ્વરે તેમણે મને કહ્યું : ‘દીકરા ! હું ખૂબ થાકી ગઈ છું. હવે વખત થયો છે. ચાલ અંદર જઈએ.’ એ જ હતું વૃદ્ધો માટેનું નિવાસસ્થાન – ‘Elderly home’ – જ્યાં એમને જીવનનો અંતિમ શ્વાસ લેવાનો હતો. મેં એમને સાચવીને ઊભાં કર્યાં. બીજા હાથમાં બેગ પકડી અને અંદર લઈ ગયો અને એમને ખુરશી પર બેસાડ્યાં. થોડીક ઔપચારિકતા બાકી હતી એ પૂરી થઈ અને એક મહિલા આવીને એમને અંદરના ભાગમાં લઈ ગઈ. હાથ હલાવી એમણે મારી વિદાય લીધી.

ટેક્સી તરફ હું પાછો વળ્યો ત્યારે મારી આંખમાંથી આંસુ વહેતા હતા. એ રાત અને એકલતા અને પરવશતાની સાક્ષાતમૂર્તિ સમી એ વૃદ્ધાને આટલે વર્ષે પણ હું ભૂલ્યો નથી.’ ઘડી પહેલાનું રમતિયાળ વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. એક જબરદસ્ત સન્નાટો છવાઈ ગયો હતો. અમે બધાં સૂનમૂન થઈ ગયાં હતાં.

આજે શ્રાવણની મેઘલી સાંજે હું મારા ઘરની બાલ્કનીમાં એકલી બેઠી છું ત્યારે મને એ વૃદ્ધ કેથેરિન યાદ આવી ગઈ. મને થયું : માણસ એક સામાજિક પ્રાણી છે. માણસ બીજા માણસનો સ્નેહ, સાથ, સહકાર અને સોબત તો આદિકાળથી ઝંખતો રહ્યો છે. પરંતુ ધીમે ધીમે શી પરિસ્થિતિ થતી ગઈ છે ?

બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને પાશ્ચાત્ય સમાજના એક ભાગને એકલતા વરતાવા માંડી. ‘The lonely crowd’ – માનવીનાં ટોળાં વચ્ચે એકલતાં – આંતરિક વિચ્છિન્નતા – આવા શબ્દો 1950ના દાયકામાં સંભળાવા લાગ્યા. 1970નો દાયકો એટલે નોકરી-વ્યવસાય અને કારકિર્દીનો પરસ્ત કાળ. 1980 નો દાયકો એટલે ‘Bowling alone’ સામાજિક સંબંધોના વિચ્છેદનો કાળ. ‘પોતપોતાનું સંભાળે’ નો મિજાજ. વ્યક્તિવાદ અને સ્વકેન્દ્રીયતાનો વાયરો ફૂંકાવા માંડ્યો. આનું પરિણામ શું આવ્યું ? લોકોના આત્મીય અને ઘનિષ્ઠ સંબંધો છૂટવા લાગ્યા. સંબંધોનું વર્તુળ સંકોચાતું થયું. અંતરની અંગત વાત કહી શકાય એવી વ્યક્તિઓ ઓછી થતી ગઈ, અને પછી તો એ વર્તુળ એટલું ટચૂકડું થતું ગયું કે એમાં માત્ર પોતાનું કુટુંબ જ રહ્યું અને આજે તો પરિસ્થિતિ એવી સર્જાતી જાય છે કે સંતાનો પણ દૂર ને દૂર વસતાં હોય ! રહે માત્ર પતિ અને પત્ની ! એમાં પણ જો બેમાંથી એક સાથી જતો રહે તો પછી જીવનમાં વ્યાપી જાય છે એકલતાનો ભયંકર ઓથાર…..

જો કે ઈન્ટરનેટ અને ‘હાઈટેક’ના યુગમાં તમે દુનિયામાં કોઈ પણ સ્થળે કોઈનો પણ સંપર્ક કરી શકો છો. વિશ્વ સાવ નાનું થઈ ગયું છે. તમારે ઘરઆંગણે આખી દુનિયા આવી ગઈ છે. પરંતુ વાસ્તવિકતા શી છે ? એક મહાન નેતા અને સ્વાતંત્ર્યયોદ્ધા ડૉ. નેલ્સન મંડેલાએ એ વિશે ખૂબ જ સચોટ અને યથાર્થ કહ્યું છે, ‘આપણું વિશ્વ એક ગામડું બની ગયું છે, પરંતુ મને ચિંતા એ રહે છે કે તે ફક્ત માલસામાન અને માહિતીની આપલે પૂરતું જ છે. માનવી માટે સુખસગવડનાં અનેક સાધનો ઉપલબ્ધ છે, પણ કોણ જાણે કેમ માનવમન સંકીર્ણ થઈ ગયું છે. આપણું હૃદય સંવેદનવિહીન થઈ રહ્યું છે.’

સગવડો કરતાં આપણે જરૂર હોય છે પોતીકી વિશ્વસનીય પ્રેમાળ વ્યક્તિની…. જેને આપણે માટે લાગણી હોય, સુખદુ:ખમાં સહભાગી થવાની ભાવના હોય અને જે આપણી નજીક હોય ! જે આપણી વાત શાંતિથી સાંભળે અને આપણે માટે થોડોક સમય ફાળવે. જેના હાથનો લાગણીભીનો સ્પર્શ આપણને હિંમત અને સાંત્વન આપે એવા માણસોની સંખ્યા દિનપ્રતિદિન ઓછી ને ઓછી થતી જાય છે ! આજે કોઈને કોઈના માટે સમય નથી. શહેરોમાં કામધંધા અંગે દૂરને સ્થળે જવું પડતું હોય છે અને કામના કલાકો પણ વધી ગયા છે એટલે એમાં જ માણસનો સમય નીકળી જતો હોય છે. પોતાને જ માટે જ્યારે સમય નથી મળતો ત્યારે બીજાની શી વાત કરવી ? આ જાતની મનની-લાગણીની એકલતા માનવીને ચિંતિત અને વ્યથિત કરી રહી છે.

અમેરિકાની વિખ્યાત ડ્યુક યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી અને સંશોધનકાર ડૉ. લીન સ્મિત લોવિને કંઈ કેટલીયે વ્યક્તિઓની મુલાકાત લઈ આ વિશે સંશોધન કર્યું છે. એમના સંશોધનના નિષ્કર્ષ વિશે તેઓ કહે છે : ‘આપણને ગાઢ આત્મીય અરસપરસના માનવસંબંધોની ખોટ આજે ખૂબ સાલે છે. આપણા સમાજને માટે સજાગ થવા માટેનો આ એલાર્મ છે – Wake up call છે.’

આ વિશે ડો. પુટનામે કહ્યું છે. ‘It is like with global warming, we learn that temperature are going to rise slightly less than what we thought. It is still a problem.’ દુનિયાભરમાં ઉષ્ણતામાન વધી રહ્યું છે. પરંતુ આપણે ધારતા હતા એના કરતાં થોડુંક ઓછું….છતાં એ સમસ્યા તો છે જ.

માનવમહેરામણ વચ્ચે માનવીની એકલતા વિશે પણ આવું જ કંઈક કહી શકાય ને ? ચોગમ મહેરામણનાં પાણી ઊછળતાં હોય અને એની વચ્ચે કોઈ માણસ પાણી માટે તરસે એવું છે. Water water everywhere, not a drop to drink ! અસંખ્ય માણસો વચ્ચે હોવા છતાં માણસ એકલો-એકાકી થતો જાય છે. આ કારમી એકલતા અનેક સામાજિક ગુનાઓ માટે જવાબદાર છે. આ એકલતાની ભીંસ વૃદ્ધાવસ્થામાં કદાચ સૌથી વધુ પીડતી હશે. ગમે તેમ હજી પણ હું કેથેરિનને વીસરી શકતી નથી…!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સારતત્વ – મૃગેશ શાહ
મુખવાસ ભાગ-3 – સંકલિત Next »   

6 પ્રતિભાવો : દરિયો વહી ગયો ને કિનારો નથી રહ્યો – જયવતી કાજી

  1. nayan panchal says:

    ખૂબ જ સરસ લેખ. જયવતી બહેનના મોટાભાગના લેખો ખૂબ સરસ હોય છે. નીચેનો લેખ વાંચવા ખાસ વિનંતી.

    http://www.readgujarati.com/sahitya/?p=55

    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.