હું જ બોલું, તમે સાંભળો – જ્યોતીન્દ્ર દવે

image

[પુન: પ્રકાશિત]  

આપણી મોટા ભાગની પ્રવૃત્તિ, જાગ્રત અવસ્થામાં બોલવા-સાંભળવાની રહે છે. કેટલાક તો નિંદ્રાવસ્થામાં પણ બોલતા હોય છે. પરંતુ માણસને બોલવાનું જેટલું ગમે છે તેટલું સાંભળવાનું ગમતું નથી. સાંભળવા કરતાં સંભળાવવાનું એને વિશેષ ફાવે છે.

એક વાર એક ભાઈ મારી પાસે આવ્યા. બેગમાંથી એક જાડી ‘નોટબુક’ મને આપી એમણે કહ્યું : ‘મેં એક નવલકથા લખવાનું સાહસ કર્યું છે. આપ એ જરા જોઈ લેશો ? દશેક દિવસ પછી આપની પાસે આપનો અભિપ્રાય જાણવા તથા સલાહ-સૂચના લેવા આવીશ.’ એમ કહી એમણે એ દળદાર ‘નોટબૂક’ મને આપી. મેં લઈને ઊઘાડ્યા વિના બાજુએ મૂકી. પછી પોતાને એ નવલકથા રચવાની પ્રેરણા શી છે એ બાબત વિસ્તારથી મને સમજાવી એમણે વિદાય લીધી. એમના ગયા પછી કાનમાં તેલનાં ટીપાં નાખી હું સૂઈ ગયો. ઊંઘમાં પણ એમનું પ્રવચન મેં સાંભળ્યું.

થોડા દિવસ પછી એ ફરી આવ્યા.
‘કેમ સાહેબ, વાંચી નવલકથા ? કેવી લાગી ? મૌલિક છે હોં કે સાહેબ. આપણે કોઈના ઋણી નથી થવું, જીવનના પ્રત્યક્ષ અનુભવ પરથી આલેખન કર્યું છે, હા સાહેબ.’
‘હા એ બધું હશે, પણ – ’
‘હશે નહિ સાહેબ, છે જ. હોં કે સાહેબ !’
‘હા, હા પણ મારે કહેવાનું – ’
‘હા, સાહેબ, તમારે જે કહેવાનું છે એ સાંભળવા તો હું આવ્યો છું.’
‘તો જુઓ સાંભળો. આ જે નોટબૂક – ’
‘હા. જી. એ નોટબૂક મેં ખાસ પસંદ કરી હતી. કાગદીને ત્યાં જઈ વીસ-પચીસ નોટબૂક કઢાવી. પણ આપણે એકે પણ પસંદ ન આવી પછી બીજી કાગદીની દુકાને ગયો. એણે ત્રીસ-પાંત્રીસ નોટબૂક બતાવી. તેમાંથી આપણે આ પસંદ કરી. કેમ કેવી લાગી ?’
‘જાડી અને દળદાર.’
‘એટલે ?’
‘તમારી નોટબૂક જાડી ને દળદાર મને લાગી.’
‘હું નોટબૂક માટે નહોતો પૂછતો. હું તો નવલકથા માટે પૂછતો’તો.’
‘હા, નવલકથા…. વાત એમ છે કે..’
‘હા સાહેબ. વાત એટલે વાર્તા. વાર્તા એટલે ઘટના. ઘટના એટલે સાહેબ, પ્રસંગો અને પ્રસંગોની યોજના એટલે સાહેબ, નવલકથા. હવે આ મારી નવલકથા – ’

‘તમારી નવલકથા – ’
‘હા, સાહેબ મારી, મારી એકલાની, સાહેબ. એમાં બીજા કોઈનો હાથ નથી. એકવાર ચંપક- મારો પુત્ર, એ વાંચવા લઈ ગયો હતો ખરો.’
‘પણ જરા મારી વાત સાંભળો તો – ’
‘અરે ! સાહેબ, એ શું બોલ્યા ? આપની વાત સાંભળવા તો આવ્યો છું. સાહેબ, આપની વાત સાંભળવી ન હોત તો સાહેબ હું અહીં આવત જ શું કામ ?’
‘તમે સાંભળવા નહીં, પણ સંભળાવવા આવ્યા હો એમ લાગે છે.’
‘અરે ! એ શું બોલ્યા સાહેબ ? આપની આગળ હું શું બોલું ? મારું ગજું શું ? ક્યાં આપ ? ક્યાં હું ? ક્યાં સૂરજ ? ક્યાં આગિયો ? ક્યાં મણિ, ક્યાં પથ્થર ? ક્યાં હાથી, કયાં બકરો ?’

હું બીજા ખંડમાં ગયો. ત્યાંથી એમની નોટબૂક લઈ આવી મેં એમના હાથમાં, એ મોં ઉઘાડે તે પહેલાં મૂકી દીધી. નોટબૂક હાથમાં લઈ પ્રસન્ન વદને એ એના તરફ જોઈ રહ્યા. પછી મારા તરફ જોઈ કહ્યું : ‘કૃતકૃત્ય થઈ ગયો સાહેબ.’
‘હા, પણ નોટબૂક જરા ઊઘાડી તો જુઓ.’
‘અરે ! સાહેબ, મારું તો ભાગ્ય જ ઊઘડી ગયું. નોટબૂક હવે ઊઘાડું તો ય શું ને ન ઉઘાડું તો ય શું ? આપ, સાહેબ આટલી બધી તસ્દી લઈને મારી નવલકથા વાંચી ગયા એ માટે મારે શું કહેવું ? મને શબ્દો જડતા નથી.’
‘શબ્દો તમારે શોધવા પડતા હોય એમ લાગતું નથી.’
‘બરાબર સાહેબ, બરાબર. આપે તદ્દન સાચું કહ્યું. શબ્દો મારે, બીજા લેખકોની જેમ શોધવા પડતા નથી. શબ્દો પોતાની મેળે મારી પાસે ચાલ્યા આવે છે. હું કલમ ઉપાડું એટલી જ વાર. પેલા કવિ કાલિદાસે કહ્યું છે ને કે માગનારને લક્ષ્મી મળે કે ન મળે પણ લક્ષ્મી જેની પાસે જવા ઈચ્છે તેની પાસે એને પહોંચી જતાં શી વાર ? આપણું સાહેબ એવું છે.’
‘તમારી કલમમાં તો કોણ જાણે, પણ જીભમાં – ’
‘જાદુ છે એમ, સાહેબ, કહેવા માગો છો ને ? આપણે ત્યાં સાહેબ, શું બોલવું ક્યારે બોલવું…’
‘કેટલું બોલવું…’ હું વચ્ચે જ બોલ્યો.
‘હા જી સાહેબ, શું બોલવું ,ક્યારે બોલવું, કેટલું બોલવું, ક્યાં બોલવું એનું સાહેબ, આપણે ત્યાં ઘણાંને ભાન જ નથી. બોલવા બેઠા એટલે બરાબર બોલ્યે જ રાખવાના. જીભ પર જરાય અંકુશ ન મળે. કહ્યું છે ને કે જીભને હાડકું નથી. પણ સાહેબ, કહેનારે સાચું જ કહ્યું છે કે, ભગવાને માણસને જીભ એક અને કાન બે આપ્યા છે, તે એટલા માટે કે માણસે બોલવું ઓછું અને સાંભળવું વધારે. ઓહો ! ઈશ્વરની પણ શી કરામત છે ? કાન એક અને જીભ બે !!’
‘ક્યાં તમારી નવલકથા અને ક્યાં આ નોટબૂક’
‘કેમ એમ કહો છો ? આ નોટબૂકમાં જ મારી નવલકથા મેં લખી છે સાહેબ.’
‘ના. જી.’
‘ના ? એ નવલકથા નથી ? આપને પ્રાચીન પરિપાટીની નવલકથા કદાચ ગમતી નહીં હોય, સાહેબ. આપને સાહેબ, આજકાલની ઘટના વિનાની ને ઘાટ વિનાની નવલકથા ગમતી હશે પણ મને કહેવા દો સાહેબ – ’
‘અત્યાર સુધી મેં બીજું કર્યું છે પણ શું ?’
‘હું સમજ્યો નહીં, સાહેબ.’
‘અત્યાર સુધી, તમે જ કહ્યા જાઓ છો તે તમને કહેવા જ દીધું છે.’
‘સમજ્યો સાહેબ, પણ મારી કહેવાનો મતલબ જરા જૂદો છે. સાહેબ, હું આપને, એમ કહેવા માગતો હતો કે મારી જે નવલકથા આપ કૃપા કરીને વાંચી ગયા છો, તે સાહેબ, સામાન્ય પ્રકારની નવલકથા નથી.’
‘સામાન્ય કે અસામાન્ય – કોઈ પણ પ્રકારની નવલકથા આ નોટબૂકમાં લખાયેલી મને – ’
‘સાહેબ, મારી પાસે ટાઈપરાઈટર થોડું જ છે ? આ મારા અક્ષર, સાહેબ, આપને વાંચતા બહુ મુશ્કેલ નહીં લાગ્યા હોય. છતાં આપની આંખને થોડીક તસ્દી તો પડી હશે તે હું કબૂલ કરું છું. પણ સાહેબ, આપને પડેલી તસ્દી નવલકથાના રસાસ્વાદથી હળવી તો જરૂર બની ગઈ હશે.’
‘મને કશી તસ્દી પડી જ નથી.’
‘તો તો સાહેબ, મારાં અહોભાગ્ય. આપના જેવા આમ કહે એ મારે મન મોટામાં મોટું સૌભાગ્ય. હવે, સાહેબ દુનિયા જખ મારે છે. દુનિયાને જખ મારતી રહેવા દઈને હું એમને કશું કહ્યા વિના…’
‘હેં ?’
‘અરે, ભૂલ્યો સાહેબ ભૂલ્યો. કાન બે અને જીભ એક. આ જોઈને જીભની પણ અવરચંડાઈ ! કહેવા જતો’તો કંઈ ને કહેવાઈ ગયું કઈં. પેલી વાતમાં આવે છે ને સાહેબ, કે મિત્રના પિતાનું મૃત્યું થયું છે એમ સાંભળી એક માણસ એની પાસે ખરખરો કરવા ગયો ને ત્યાં જઈને બોલ્યો : ‘આવા શુભ દિવસો વારંવાર આવતા રહો.’ જીભની વાત, સાહેબ એવી છે. આપણા જેવા તો સાહેબ હજારમાં એક હોય. પ્રસંગને અનુરૂપ, જ્યાં જેટલું ઘટે ત્યાં તેટલું બોલવું. ન વધારે ન ઓછું એવું સમજનારા અને સમયને આચરનારા મારા અને આપના જેવા સાહેબ, આ દુનિયામાં કેટલાં છે ?’

હવે આને બોલતાં અટકાવવા એ મારા ગજા ઉપરાંતનું કામ છે એમ લાગવાથી મેં એમની પાસેથી નોટબુક લઈને ઉઘાડી અને પછી એમના હાથમાં પાછી મૂકી કહ્યું :
‘જુઓ, વાંચો, એમાં શું લખ્યું છે ?’
ઉઘાડી નોટબુક હાથમાં રાખી એના તરફ અહોભાવપૂર્વક દષ્ટિપાત કરી વાંચવાની તસ્દી લીધા વિના જ એ બોલ્યા, ‘મારે એમાં વાંચવાનું શું હોય ? મારું જ લખાણ……’
એમને અધવચ અટકાવી મેં કહ્યું : ‘અંદરનું લખાણ તમારું નથી.’
‘અરે ! અરે આપ એ શું બોલ્યા ? લખાણ મારું નથી ? અરે ! બધું જ મેં લખ્યું છે. સર્જન મારું અને લેખન પણ મારું જ !’

આખરે કંટાળીને નોટબુક એમના હાથમાંથી લઈને મેં વાંચવા માંડ્યું, ‘મોગલવંશના પાંચ મોટા બાદશાહો થઈ ગયા : બાબર, હુમાયુ, અકબર, શાહજહાં અને ઔરંગઝેબ.’
‘આ સાહેબ આપ શું વાંચો છો ?’
‘જુઓ, તમે વાંચી જુઓ.’ કહીને નોટબુક મેં એમના હાથમાં મૂકી.
નોટબુક ઉઘાડી એમાંથી થોડુંક વાંચી જોઈ એ હસી પડ્યા !
‘હા..હા…હા..હા.., તો એમ વાત છે ! ચંપકિયાની નોટબુક મારી નવલકથાની નોટબુક માનીને મેં તમને વાંચવા આપેલી ! બેવકૂફ !’
‘નકામા પોતાને આમ ગાળ ન દો. હોય, ભૂલ તો સૌની થાય.’
‘હું મને નહોતો કહેતો. ‘બેવકૂફ’ તો મેં ચંપકને માટે કહ્યું. હશે, કંઈ નહીં હવે કાલે હું આવીને, બરાબર ખાતરી કરીને મારી નવલકથાની નોટબુક આપને આપી જઈશ.’
‘તમારે જાતે તસ્દી લેવાની જરૂર નથી. કોઈની જોડે મોકલી આપજો.’
‘અરે ! સાહેબ, એમાં તસ્દી શાની ? આપના સત્સંગનો લાભ મળે, એ કંઈ ઓછા પૂણ્યની વાત છે ?’
‘પણ વધારે પડતો સત્સંગ પણ હાનિકારક છે – એમ એક સંતે જ કહ્યું છે.’ મેં કહ્યું.
‘એમ ? કોઈક સંતે એવું કહ્યું છે ? ક્યા સંતે ? આપણે એનું લખણ વાંચવું પડશે. આપની પાસે એનું પુસ્તક છે ?’
‘એમણે પુસ્તક નથી લખ્યા, એ તો પ્રવચન કરતા.’
‘તો આપણે સાંભળવા જવું પડશે. આપણે તો, સાહેબ, એક નિયમ રાખ્યો છે, સંતો અને સાધુપુરુષો, વિદ્વાનો ને વડીલો પાસે જતાં રહેવું, અને એમનાં વચનામૃતોનું નિરંતર પાન કરતાં રહેવું. બાકી આમજુઓ તો બોલનારા તો બહુ છે, પણ સાંભળનારા ક્યાં છે ? હું તો સાહેબ, આપના જેવાની વાણી સાંભળ્યાં જ કરું – મૌનનો પણ મહિમા છે, સાહેબ, બહુ મોટો મહિમા છે.’
‘એવો મોટો મહિમા છે મૌનનો કે એના પર તમારા જેવા બોલતાં થાકે જ નહીં.’
‘નહીં સાહેબ, આપણે તો એક જ નિયમ. બોલવું ઓછું સાંભળવું વધારે. બાકી આ દુનિયામાં તો જે ને તે બસ બોલ્યા જ કરે છે. દરેક જણ જાતે જ એમ ઈચ્છે છે કે હું જ બોલું, તમે સાંભળો.’

અંતે બોલકણા બાંધવોને એક જ વિનંતી :

‘ભલે બોલ્યા કરો ભાઈ,
કારણ કંઠ તમારા છે.
દયા કિંતુ જરા રાખો,
આખર કાન અમારા છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન ઝરૂખે – સંકલિત
પ્રસન્નતા – મણિલાલ દ્વિવેદી Next »   

22 પ્રતિભાવો : હું જ બોલું, તમે સાંભળો – જ્યોતીન્દ્ર દવે

 1. Nilesh Mistry says:

  સર્વ કાલે સદાબહાર

 2. Juzer Hajiwala says:

  baap re baap, pajvi nakhya! bahu maza aavi.

 3. Bhavesh Shah says:

  જ્યોતિન્દ્રભાઈ……..મને કહેવા દો … મારી નવલકથા મોકલાવુ … ભાઈ ભારે કરી…

 4. Parikshit S. Bhatt says:

  મારા અત્યન્ત પ્રિય લેખક છે. આવા લેખ મોકલાવ્યા કરશો.

 5. chirag says:

  This is a repetition. I had read this long time ago on the readgujarati website.

 6. krunal Choksi, NC says:

  mrugeshbhai….i also want to publish a NOVEL……when will u b free to review it???? 😉

  excellent story after a long time…….maja aavi gay savar savar ma,…….

 7. krunal Choksi, NC says:

  mrugeshbhai….i also want to publish a NOVEL……when will u b free to review it???? 😉

  excellent story after a long time…….maja aavi gay savar savar ma,.a……

 8. Dhaval B. Shah says:

  Nice one.

 9. surekh Dahiwadkar says:

  ઈત ઇજ વેરિ નાઈસ આટિકાલ આઈ લાઈક ઈટ વેરિ મજ્.

 10. pragnaju says:

  ‘ભલે બોલ્યા કરો ભાઈ,
  કારણ કંઠ તમારા છે.
  દયા કિંતુ જરા રાખો,
  આખર કાન અમારા છે.’
  પુન: પ્રકાશિત પણ પુનઃ પુનઃ વાંચવાનું ગમે તેવો લેખ. ઘણા સમારંભોમાં શિષ્ટ લોકોની વાતચીતમાં આવી ગમ્મતો ફરી ફરી કહેવાતી હોય છે

 11. બહુ જ સરસ, મ્રુગેશભાઇ, આભાર

 12. mayuri says:

  લેખ મને બહુ ગમ્યો,,,,, હાસ્ય લેખક મને ગ્ મે

 13. Dipen Soni says:

  મને આ લેખક ખુબજ ગમે ચે. સ્કુલ મા પન ાએમ્ના લેખ ભન્યા ચ્હે. બહુ સારુ લખે ચે સાહેબ્.

 14. Atul Jani says:

  જ્યોતિન્દ્ દવે નો લેખ ગમે તેટલી વાર વાંચીઍ, મજા આવે આવે ને આવે જ્.

  જો કોઈના દાંત પીળા હોય ને તે ખડખડાટ હસવામાં શરમ અનુભવતો હોય, તો પણ મનમાં તો તેને હસવું આવે જ .

  Internet માં તો પીળા દાંત વાળાને પણ હસવાની છુટ છે, કારણ કે અહીં તેને ક્યાં કોઈ જોઈ જવાનું છે ?

  માટે હસીયે, ખુબ હસીયે પરંતુ તે પણ યાદ રાખીયે કે ક્યાંક હસવા સમી ન બની જાય જીંદગી.

  બસ આવી જ રીતે ReadGujarati માં વારંવાર હસાવતા રહેજો.

 15. Kantilal Parmar says:

  Shree Jyotindra dave is my first choice.

 16. ઋષિકેશ says:

  superb!! he simply rocks..

 17. Param says:

  અદભૂત !!! સરસ લખ્યું છે.

 18. એમ. એફ. પી says:

  બહુ મજા આવી… મગજનું મંથણ થઈ ગયું…. પણ છતાં, ખૂબ મજા આવી…!!!

 19. Premal says:

  that guy was so irritating. Too much. મગજ નુ દહી કરી નાખ્યુ But Lekh was superb.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.