સ્વપ્નપ્રયાણ – હરિશ્ચંદ્ર ભટ્ટ

[કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ ગઈ સદીની બીજી પચ્ચીસીના આગળ પડતા કવિ હતા. તેમનું જન્મશતાબ્દીવર્ષ ગણતરીના દિવસોમાં પૂરું થશે.(જન્મ-6.12.1906;અવસાન-18.5.1950) કવિએ આત્મહત્યા કરી હતી. એમના મરણોત્તર કાવ્યગ્રંથ ‘સ્વપ્નપ્રયાણ’ના આમુખમાં કાકાસાહેબે લખ્યું છે:…..”આત્મહત્યા એ મહાપાપ છે. જો એ વાત સાચી હોય તો એ પાપ આત્મહત્યા કરનારને ચોંટે છે એના કરતાં એના સમાજને વધારે ચોંટવું જોઈએ, કેમ કે એવી આત્મહત્યા માટે ઘણીવાર સમાજરચના અને સમાજનું માનસ જ જવાબદાર હોય છે.” કવિની સમગ્ર કવિતા ‘સ્વપ્નપ્રયાણ’ નામે ઉમાશંકર જોશીએ સંપાદિત કરી હતી. તેમણે લખ્યું છે: “હરિશ્ચંદ્રની રચનાઓમાં પ્રગટ થતાં છંદકેફ-લયનું નાજુક, કલામય સંયોજન, વાણીની સઘન વેધકતા, બહોળા માનવસંસ્કૃતિવિસ્તારમાંથી યોજેલા સંદરભો-ખ્યાલો અને ઉપાડેલા વિષયો, અભિવ્યક્તિની સચ્ચાઈ સિદ્ધ કરવા માટેનો અથાક કલાશ્રમ, પ્રેમની આરત અને આત્મચિકિત્સકવૃત્તિપૂર્વકનું ધર્મશોધન….આ સદીની બીજી પચ્ચીસીની ગુજરાતી કવિતાના એક ઉત્તમ કાવ્યસંગ્રહ તરીકે ‘સ્વપ્નપ્રયાણ’ને સ્થાપવા પર્યાપ્ત છે.” હરિશ્ચંદ્ર ભટ્ટની કેટલીક ઉત્તમ કવિતાઓ દ્વારા આવો, આપણે તેમને અંજલિ આપવાનો પ્રયત્ન કરીએ. કવિ વિશેની માહિતી તેમજ ઉત્તમ રચનાઓ યોગ્ય સમયે રીડગુજરાતીને મોકલવા બદલ ડૉ. પ્રવીણભાઈ સંઘવી (બોરીવલી, મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર.]

[1] નિર્દોષ ને નિર્મળ આંખ તારી

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !
(અકાળે અવસાન પામેલી બહેનને)

[2] દિગંત મહીં

દિગંત મહીં આથમ્યો સૂરજ, તેમ હૈયે ય તે,
છવાઈ અવ મ્લાનિ, ગ્લાનિ ભરતી દશેદિશ, ને
અફાટ રુદને ધુએ ઉદધિ પાય પૃથ્વી તણા.

[3] પાથેય જીવનનું

પાથેય જીવનનું એક જ છે અખૂટ:
આત્માની આરઝૂ સદા ઝૂરવાની એક
જેનાથી અશ્રુ ચખનાં અનિરુદ્ધ વ્હેતાં.

[4] ઉરદોલ

જાણ્યા ન મુગ્ધ ઉરભાવ, ન પંથ પૂછ્યો,
યાત્રી અમે રખડતા વનમાં, જનોમાં;
પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો
ભૂલ્યા અમે પૂજન-અર્ચનના વિધિઓ.

યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,
ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી
બાળ્યો બધો ધૂપ અમે સુખદુ:ખનો ત્યાં;
યાત્રી હવે જગતમાં ધુમરેખ જેવા.

[5] અનામીને

આંસુ વર્ષ્યા પછી હૈયું પોચું ભીનું થતું જરી,
ચિરાડા ચાસના ઊંડા પડેલા ચિત્તમાં વળી;
ત્યારે તું એકલો આવી ઓરજે બીજ અંતરે.

એકલો મેદની વચ્ચે, એકાંતે હોઉં એકલો,
નિદ્રામાં, જાગતો હોઉં, અંતસ્તલ ઉખેડીને,
પામવો પાક તારે જે, બીજ તેવાં તું ઓરજે.

ધરાની કૂખ ને નારી ક્યારે ક્યારેક જાણતાં
તેમ આપણ બન્ને એ જાણશું; અન્ય કોઈ એ
જાણે ના એમ તું આવી, અનામી ! બીજ ઓરજે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સરપ્રાઈઝ – નટવર મહેતા
એક અત્યંત પ્રશંસનીય કાર્ય – અજ્ઞાત Next »   

1 પ્રતિભાવ : સ્વપ્નપ્રયાણ – હરિશ્ચંદ્ર ભટ્ટ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.