મારી પ્રિય ઈડલી – ચન્દ્રકાન્ત ટોપીવાળા

[‘શબ્દસૃષ્ટિ’ ડિસે.-2006માંથી સાભાર]

idli‘શીરા માટે શ્રાવક થાય’ જેવું તમે કહેવતમાં સાંભળ્યું હશે. હવે મને સાંભળો. હું ઈડલી માટે કેરાલી થવા તૈયાર છું. ત્રણેક દાયકા પહેલાં અમે દક્ષિણ ભારત ઘૂમવા નીકળી પડેલાં. કેરાલા પહોંચતા ને કેરાલામાં ફરતાં ફરતાં લાગ્યું કે કેરાલા જ મારું પિયર છે. કાલેલકર છો કહેતા કે હિમાલય સૌનું પિયર છે. કેરાલા મારું પિયર છે એવું દ્રઢ થવાનું કારણ ઈડલી સાથેનો મારો નાતો છે.

નાનો હતો ત્યારે ઢોકળાંનો ચાહક હતો. ઢોકળાં ને લીલી ચટણી. કોણ જાણે ક્યારે પાડોશમાંથી ઈડલી અને સંભાર આવ્યાં. દાઢે વળગ્યાં. અને પછી ઢોકળાં ભાવે છતાં ઢોકળાં સૅકન્ડ કલાસમાં ધકેલાયાં; તે ત્યાં સુધી કે ઉત્તરમાં બદ્રિનાથ પહોંચીને નીલકંઠ પર્વતને જોવાનો રોમાંચ જેટલો નહોતો થયો એટલો રોમાંચ અદ્દભુત ધાતુપાત્રોમાં ઉત્તરભારતને છેડે પીરસાયેલી દક્ષિણભારતની ઈડલીને જોઈને અને ખાઈને થયો હતો.

કૉલેજમાં હતો ત્યારે મિત્રો સાથે રહી નાના મોટા પ્રવાસોનું આયોજન કરવાનો મને કેફ રહેતો. પણ એ કેફ પાછળ મુખ્ય બળ ઈડલીનું હતું. વસઈનો કિલ્લો હોય, વજેશ્વરી હોય કે કેનેરી હોય, વિહાર લૅક કે પછી પવઈ લૅક હોય, બધા વતી કરંડિયો ભરીને ઈડલી સાથે લેવાની. પહોંચવાનું. પહોંચતાં પહોંચતા જીવને તલપાપડ થવા દેવાનો. સ્થાનનું આકર્ષણ તો તુચ્છ બાબત રહેતી. કરંડિયો ખૂલતો. ઈડલી વહેંચાતી. એક, બે, ત્રણ, કદાચ પાંચેક ઈડલી પૂરી થાય ત્યાં સુધી તો સમાધિમાં આંખ મીંચાયેલી રહેતી. સત્તર ઈડલી તો મારા વડે સહેજમાં ચટ થઈ જતી. એમ કહેવાતું કે રાજકારણી કામરાજ બાર ઈડલીનો નાસ્તો કરતા, પણ હું કામરાજથી પોતાને ચઢિયાતો ગણતો.

એવા જ ઈડલી-રસિયા ભૃગુરાય અંજારિયા પણ ખરા. હું સાન્તાક્રૂઝ પહોંચ્યો નથી ને ભૃગુરાય પીઠ પર થેલી ઝુલાવતા મારી સાથે ઘરબહાર નીકળે. અમે કોઈ હૉટલમાં ગોઠવાઈએ. ઈડલીની બે પ્લેટ આવે. મને ઈડલીમાં રસ, ભૃગુરાયને સંભારમાં. બે-ત્રણ વાટકી તો આમ જ પી જાય. ન્હાનાલાલને કેમ ભૂલું ? આમ તો ન્હાનાલાલની કવિતા મધુર જ છે. પણ જ્યારે એમના કોઈ અન્ય વૃત્તાન્તમાં વાંચ્યું કે એમણે ત્રિભુવનદાસ સાથે રહી, એકવાર બંને કામચલાઉ અ-પત્નીક હતા ત્યારે ઢોકળાં ઉતારેલાં. એક પછી એક થાળી ઉતારવામાં ખાસ્સી જધામણ વેઠેલી, ત્યારથી ન્હાનાલાલની કવિતા સગોત્રરુચિને પ્રતાપે મને વધુ મધુર લાગી છે. આ જ ઈડલીને રાધેશ્યામ શર્માએ એકવાર સાધન બનાવીને મારી સામે વાપરેલી. દાહોદથી શાલિનીના કોઈ ચૅક-અપ માટે અમદાવાદ આવવાનું થયેલું. શાલિની ચૅક-અપમાં ગઈ. હું દુ:ખીદુ:ખી ! સાથે હતા રાધેશ્યામ. કળી ગયા. મને બાજુની રૅસ્ટુરાંમાં ઉપાડી ગયા. ઉપરાઉપરી ઈડલીની પ્લેટો પર પ્લૅટો. મેં ખાધે રાખી. પછી રાધેશ્યામ કહે : ‘ઉદ્વિગ્નતાને દૂર કરવાનું સાધન ખોરાક. એટલે જ સ્તો હું તમને અહીં લઈ આવ્યો છું.’ અલબત્ત, તે દિવસે ઈડલીનો મારા મોંમા કોઈ સ્વાદ નહોતો…..

સ્વાદ જો ઈડલીનો રહી ગયો હોય તો મૈસુર ખાતે યોજાયેલા ‘ધ્વન્યાલોક’ ના એક પરિસંવાદમાં. નરસિંહૈયાની નિશ્રામાં સવારે દક્ષિણ ભારતનો નાસ્તો આવે. ગરમ ઈડલી અને સફેદ ચટણી. સાચું કહું ? પરિસંવાદનો એક શબ્દ આજે યાદ નથી પણ ઈડલીનો એક એક મોંમાં ગયેલો ટૂકડો આજે પણ જીભને ‘રસના’ કહેડાવ્યા વિના છોડતો નથી. અને આ પરિસંવાદની ફલશ્રુતિ એ કે મને કૃષ્ણરાયનનો ભેટો થયો. એ ભાળી ગયા મારો ઈડલીપ્રેમ. અમારી વચ્ચે જેમ જેમ પ્રેમ વધતો ગયો તેમ તેમ એ એમના મુંબઈના ઘરે મને બોલાવી બોલાવીને મારા ઈડલીપ્રેમને પ્રોત્સાહિત કરતા રહ્યા. એમ તો કૃષ્ણરાયનદંપતી અમદાવાદ આવ્યું, ત્યારે શાલિનીએ દક્ષિણ ભારતથી પણ સવાઈ ઈડલીની ગુણવત્તાથી કૃષ્ણરાયનદંપતીને છક કરી દીધેલું !

ઈડલી, અમારા ઘરની આમ તો અઠવાડિયામાં એકવાર થનારી વાનગી છે. પણ એકવાર જ્યારે વાંચેલું કે એક દીકરાને માએ ઢોકળાં ખવડાવ્યાં, પછી એ બીજું કશું ખાતો જ નહોતો. નાસ્તો ઢોકળાંનો, જમણ ઢોકળાંનું, વાળું પણ ઢોકળાનું. આવા દીકરાની મને ઈર્ષ્યા આવે છે. અને મારી લાચારી મને કઠે છે. હું પણ મારું ચાલે તો એમ જ કરું, મારી પ્રિય ઈડલી માટે. પણ એ મને પ્રિય છે, માટે જ શાલિનીને અપ્રિય છે. અઠવાડિયે એકવાર મળે છે તે માત્ર શાલિનીની સારપને આભારી છે.

આહા ! અઠવાડિયામાં એ દિવસ આવે. આગલે દિવસે બધી તૈયારીઓ થવા માંડે. રાત્રે વટાવા માંડે, રાતભર આથો ચડે, સવારે બકરિયું ચૂલે ચડે. ગરમ ગરમ ઈડલીના મણકાઓ પર મણકાઓ પેટમાં પડે. એ મણકા જ મારે તો માળા. એ જ મારો મોક્ષ !

અને એટલે જ બળજબરી કરીને પણ વસિયતમાં લખી જવાનો છું. ધૂમકેતુએ સોનામહોરો પહોંચતી કરવા અને એ માટે કબર રચવા જેમ ‘પૉસ્ટ ઑફિસ’ વાર્તામાં અલીડોસાનું પાત્ર મુસ્લિમ ચીતર્યું છે તેમ હું પણ બળવા કરતાં દટાવા તૈયાર છું. અને તેથી જ વસિયતમાં લખું છું : ‘શક્ય હોય તો મારી પાછળ સૌને ઈડલી ખવડાવજો. મને દાટજો. મારી કબર બાંધજો. કબર પર દરરોજ એક ઈડલી મુકાય એવી વ્યવસ્થા કરજો. એક એક ઈડલીના અમૃત કોળિયે કબરમાં મારો મૃતાત્મા કોઈ દિવસ અમૃતાત્મા બની રહેશે. આમીન.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અદ્દભુત વાતો ! (ભાગ-1) – સંકલિત
અદ્દભુત વાતો (ભાગ-2) – સંકલિત Next »   

15 પ્રતિભાવો : મારી પ્રિય ઈડલી – ચન્દ્રકાન્ત ટોપીવાળા

 1. Satish says:

  This story reminded me of one thing i was looking forward when i was
  travelling from valsad to bombay by flying ranni was idli with chatni and
  coconut water.

 2. Meera says:

  I love Idli too. Thanks for such a juicy article. By sheer chance to
  day I have prepared Idli for dinner and will enjoy the more!

 3. tilak says:

  Sachae ! Modhama pani avi gau ! !!! mane pan idli ne dhosa bhau bhave
  che. Saras lekh.

 4. KRUTI says:

  g8!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 5. Suhas Naik says:

  હુ ત્રણ વર્ષ દક્ષિણભારત મા રહ્યો છુ અને મને પણ ઈડલી અને ઢોસા પ્રત્યે ખાસ લગાવ છે. ખુબ સરસ લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.