દિલાવરી – ઈંદિરા ભણોત

‘ઘણા વખતથી જોઉં છું કે તમારા મનમાં કાંઈ ગડમથલ ચાલે છે. રાત્રે ઊંઘતા પણ નથી. પથારીમાં પાસાં ઘસ્યાં કરો છો, પેટ ભરીને જમતાએ નથી. થયું છે શું ? મને નહીં કહો ?’ પ્રવીણની પત્ની વિશાખા બોલી. ભાગ્યે જ ગુસ્સે થતો પ્રવીણ કડવાશથી બોલ્યો, ‘જેમાં સમજ ન પડે તેમાં માથું ન મારવું જોઈએ. જરૂર જણાશે તો હું જ તને વાત કરીશ.’ એટલું બોલીને પ્રવીણ કપડાં બદલી બેગ લઈ ઑફિસ જવા રવાના થયો.

શાહ ઍન્ડ શાહ એન્જીનીઅરીંગ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવીણ ચીફ એકાઉન્ટન્ટ હતો. જવાબદારીવાળો હોદ્દો હતો. બહારથી આવતાં ટેન્ડરો ઉઘાડવાં, ઝીણવટથી તેમનો અભ્યાસ કરવો અને યોગ્ય તે શેરો લખવો તે કામ પ્રવીણનું હતું. આ વિધિ પત્યા પછી જ ફાઈલ કંપનીના માલિક, શ્રી ઉપેન્દ્રભાઈ ના ટેબલ પર જતી. છેવટનો નિર્ણય ઉપેન્દ્રભાઈ લેતા. સાધારણ રીતે જે ટેન્ડરની ભલામણ થઈ હોય તે ઉપેન્દ્રભાઈ સ્વીકારતાં.

એ એની ઑફિસમાં જઈને બેઠો. પણ જીવને ચેન ન હતું. સરકાર તરફથી પચાસ લાખનો કોન્ટ્રાક્ટ કંપનીને મળ્ય્પ હતો. એક ઠેકાણે નવી ઈન્ડસ્ટ્રી શરૂ કરવાના અનુસંધાનમાં ત્યાં ‘ટાઉનશીપ’ બાંધવાની હતી. જરૂરી લોખંડ અને સિમેન્ટ માટે જાણીતા વેપારીઓ પાસેથી ટેન્ડરો મંગાવ્યાં હતાં. પાંચેક ટેન્ડરો આવ્યા. તેમાં શનાભાઈ ઍન્ડ સન્સનું ટેન્ડર ‘લોએસ્ટ’ હતું. પ્રવીણે એના ઉપર છેવટનો નિર્ણય લેવાનો હતો.

ત્રણેક મહિના ઉપર શનાભાઈ ઍન્ડ સન્સ તરફથી કાંઈ કામે આવેલા મખ્ખનલાલે સાહજિક રીતે કહ્યું કે એમના ખાસ મિત્રની કંપનીના શેરો નીકળ્યા છે. અત્યારે શેરની કિંમત રૂ. 100 છે. પણ બે ત્રણ મહિનામાં એની કિંમત રૂ. 500 થશે. સ્ટાફના થોડા લોકોએ શેર લેવાની ઈચ્છા બતાવી. પ્રવીણને લાગ્યું કે જો આ શેર આજ લેવાય તો બે મહિનામાં શેર દીઠ રૂપિયા 400 નો ફાયદો છે. મુશ્કેલી એ હતી કે રોકડા રૂપિયા એના હાથ ઉપર ન હતાં. મખ્ખનલાલ બોલવામાં મીઠો હતો, એણે પ્રવીણને સીસામાં ઉતાર્યો.

પ્રવીણને શાહ એન્ડ શાહ કંપનીમાં રોકડાની ઘણી ઉથલપાથલ કરવી પડતી હતી. એટલે એણે વિચાર્યું કે હાલ તુરત ઑફિસની સિલકમાંથી રૂપિયા 50,000 ઉપાડે અને ત્રણેક મહિનામાં શેરના ભાવ વધે એટલે જરૂર પૂરતા શેર વેચીને ઑફિસમાં રૂપિયા 50,000 પાછા મૂકી દે. ઑડિટરને આવવાને હજી વાર હતી. આમાં કોઈને નુકશાન નથી, પોતાને ફાયદો છે. કોઈ કાળ ચોઘડિયે પ્રવીણે રૂપિયા 50,000 ના શેર ખરીદ્યાં. લાલચમાં મખ્ખનલાલે રૂ. 3000 નું રિબેટ આપ્યું. પંદર દિવસ પછી મખ્ખનલાલ રૂપિયા 5,00,000 ના લોખંડ અને સિમેન્ટ માટેનું ટેન્ડર લઈને આવ્યો. મખ્ખનલાલે પ્રવીણને ખાનગીમાં કહ્યું કે જો એમનું ટેન્ડર પાસ થઈ જાય તો રૂપિયા 50,000 રોકડા પ્રવીણને એ આપશે. પ્રવીણ ખુશ થઈ ગયો. શેરના પૈસા પાછા મળી જાય. જે એ ઑફિસમાં ભરી દે અને શેર દીઠ રૂ. 500 પ્રમાણે રૂ. 2,50,000 એને મળી જાય. જિંદગીમાં વિચારી પણ ન શકે એટલા પૈસા એને ત્રણ મહિનામાં મળી જાય. તેથી જ શનાભાઈ ઍન્ડ સન્સના ટેન્ડર સંબંધી ઉપેન્દ્રભાઈનો નિર્ણય જાણવા એ આતુર હતો.

પટાવાળો એ જ ફાઈલ ઉપેન્દ્રભાઈના ઓરડામાંથી લાવ્યો અને પ્રવીણના ટેબલ પર મૂકી. ધડકતે દિલે એણે એ ફાઈલ ઉઘાડી. ઉપેન્દ્રભાઈનો નિર્ણય વાંચીને આંખે તમ્મર આવી ગયાં. એના બધાં જ વહાણ ડૂબી ગયાં એવું એને લાગ્યું. લમણે હાથ મૂકીને એ બેસી ગયો. ફરીથી એ જ પટાવાળો આવ્યો ને કહ્યું કે શેઠ બોલાવે છે. પ્રવીણ ઠંડો જ થઈ ગયો. જેમ તેમ કરીને શેઠની ઑફિસમાં ગયો.
‘જુઓ પ્રવીણ, મને આ વખતે નવાઈ લાગી, તમે શનાભાઈ ઍન્ડ સન્સનું ટેન્ડર સ્વીકારવાની ભલામન કેમ કરી ? ખાત્રી કર્યા વગર રૂપિયા 5,00,000નું ટેન્ડર ‘લોએસ્ટ’ હોવાના જ કારણે સ્વીકારવું તે નરી મૂર્ખાઈ છે. ઊલટું, જ્યારે ટેન્ડર ઓછામાં ઓછું હોય ત્યારે ચકાસણી વધારે કરવી જોઈએ. આપણી વિજીલન્સ કમિટિનો શનાભાઈવાળી કંપની માટે રિપોર્ટ છે કે એ કંપની બિલકુલ બેજવાબદાર રીતે કામ કરે છે. કામ લંબાવ્યા કરે એટલે ભાવ વધતા જાય, એક વર્ષમાં કામ પૂરું કરવાને બદલે દોઢ બે વર્ષ કરી નાંખે. પરિણામ એ આવે કે ‘ઓછામાં ઓછા’ ભાવ બતાવ્યાં છતાં આખરે તો ખર્ચો વધી જાય, કદાચ ‘હાઈએસ્ટ’ ટેન્ડર કરતાં પણ. માલ કેવો આપે છે તે પણ મહત્વની વાત છે. મને નવાઈ લાગી કે આટલા ચોક્કસ માણસ છતાં આ વખતે તમે પગથિયું ચૂક્યા કેવી રીતે ? ખેર ! વાંધો નહીં હજી કશું બગડ્યું નથી. આપણે કાંતિલાલ ઍન્ડ સન્સનું ટેન્ડર પાસ કર્યું છે. આગળની કારવાઈ શરૂ કરાવી દો. માલની ચકાસણી બરાબર થાય તે જોજો. કેમ કે આ વખતનો કોન્ટ્રાક્ટ મહત્વનો છે. જો આપણું કામ સારું હશે તો સરકાર બીજો બે કરોડનો કોન્ટ્રાક્ટ આપણને આપશે.’ આટલું બોલીને શેઠ ટેબલ ઉપરના કાગળો વાંચવામાં પડી ગયાં.

લથડતે પગે પ્રવીણ બહાર આવ્યો. ઢગલો થઈને ખુરશી ઉપર બેસી ગયો. આજુબાજુના માણસોને નવાઈ લાગી. ‘પ્રવીણભાઈ, તબિયત તો ઠીક છે ને ? શેઠના ઓરડામાં શું થયું ? ઠપકો આપ્યો ? તમે તો એમના ભરોસાના માણસ છો ? નોકરીમાંથી છુટા કર્યા ?’ સ્ટાફમાંથી એક ભાઈ બોલ્યા, પણ પ્રવીણ જવાબ આપવાની હાલતમાં જ ક્યાં હતો ! અડધા દિવસની રજા લઈને, એના હાથ નીચેના માણસને બાકીનું કામ સોંપીને ઑફિસમાંથી નીકળી ગયો. ઘેર જવાનું મન ન થયું. એક જૂની રેસ્ટોરાંમાં જઈને બેઠો. એક કડક મીઠી ચા નો ઑર્ડર આપ્યો. ચા પીતાં પીતાં વિચારે ચડી ગયો. એણે શું કરવું જોઈએ એ સૂઝતું ન હતું. એક ઘડી તો આપઘાત કરવાનું પણ મન થઈ આવ્યું. વિશાખાના ખ્યાલે એ રોકાઈ ગયો. એણે નક્કી કર્યું કે વિશાખાની સલાહ લેવી જોઈએ. મારા સુખ-દુ:ખની એ જ ભાગીદાર છે ને !

ઘેર જઈને ખુરશીમાં બેઠો. મન થોડું શાંત થયું હતું. વિશાખાને બધી વાત કરી. વિશાખાએ ટીકા ટિપ્પણી વગર વાત સાંભળી.
‘જુઓ, ભૂલ તો તમે કરી છે. કંપનીને દગો જ દીધો કહેવાય, પણ પ્રમાણિકપણે પ્રાયશ્ચિત કરશો તો તમને તો શાંતિ મળશે. ઉપેન્દ્રભાઈ પાસે બધું કબૂલ કરી દો. નોકરીમાં રાખે કે ન રાખે, પણ લખાણ કરી આપો કે રૂપિયા 50,000 હપ્તેથી વ્યાજ સાથે ભરશો.’

બીજે દિવસે પ્રવીણ શેઠને મળવા ગયો. બેસવા કહ્યું પણ પ્રવીણ ઊભો જ રહ્યો. બધી વાત કરી. શિક્ષા માટે ગુન્હેગાર જેમ વાટ જોતો ઊભો રહે તેમ ઊભો રહ્યો. વાત સાંભળીને ઉપેન્દ્રભાઈ અવાક્ થઈ ગયા. ‘પ્રવીણ, મેં તમારી પાસેથી આવી આશા નહતી રાખી. તમે પંદર વર્ષથી કંપનીમાં કામ કરો છો. આ તમારી પહેલી ભૂલ છે. કંપનીમાંથી પૈસા ઉચાપત કર્યા કહેવાય. છતાં તમને એક તક આપવા તૈયાર છું. પહેલી ઠોકરથી ભાંગી પડવાને બદલે ફરીથી એ ઠોકર કદી ન વાગે તેની પ્રતિજ્ઞા લો. પૈસા તમે કહો છો તેમ વ્યાજ સાથે હપ્તેથી ભરી દેજો, લખાણ કરવું પડશે, પણ એ સમજૂતિ આપણી બેની વચ્ચે જ રહેશે.’

કલાક પછી શેઠની ઑફિસમાંથી બંધ કવર પટાવાળો પ્રવીણને આપી ગયો. પ્રવીણે ધ્રૂજતાં ધ્રૂજતાં કવર ખોલીને કાગળ વાંચવા માંડ્યો.

“પ્રવીણ શાહ,
પૈસા સંબંધી લખાણ તૈયાર કરીને એક નકલ મને આપી જાવ. બીજી તમારી પાસે રાખો. ઑફિસની ફાઈલમાં રાખવાની નથી. હપ્તા ભરવાનું આવતે મહિનેથી શરૂ કરજો. દર મહિને 1000 બાર ટકાના વ્યાજ સાથે.

ઉપેન્દ્ર પટેલ.

તા.ક : …. અને હા, આવતે મહિનેથી તમારા પગારમાં રૂપિયા 1120 નો વધારો કરવામાં આવે છે, આ વધારો જ્યાં સુધી રૂ. 50,000 વ્યાજ સાથે ભરાઈ જાય ત્યાં સુધી ચાલુ રહેશે. તમે જે ખાતમાં કામ કરો છો ત્યાં જ કામ કરવાનું છે. આભાર માનવા આવશો નહીં.”

‘ધન્ય છે તમારી દિલાવરીને’ પ્રવીણ મનોમન બબડ્યોને આંખને રૂમાલથી લુછી લીધી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કવિતાનો શબ્દ – શ્રી રાજેન્દ્ર શુક્લ
શ્રી યંત્ર મહિમા – અજ્ઞાત Next »   

14 પ્રતિભાવો : દિલાવરી – ઈંદિરા ભણોત

 1. નાની પણ સરસ વાર્તા.

 2. Pravin V.Patel says:

  જવલ્લે મળતી દિલાવરીનાં દર્શન થાય છે. આવા શેઠ કેટલા? હાલમાં તો સારુ કામ કરતાને ક્યારે પાણીચું પકડાવી દે તે કહેવાય નહીં. સાદી અને સુંદર રજુઆત.
  અભિનંદન.

 3. gopal h parekh says:

  shethni khandanine shat shat naman

 4. Nilehs gajariya says:

  ખુબ જ સરસ વાર્તા.

 5. Vijay Shah says:

  કડવા લીમડાની મીટી ડાળ
  સરસ વાર્તા અને સરસ મંથન
  અભિનંદન.

 6. સરસ બોધવાર્તા…
  આભાર…

 7. DEVEN says:

  ખુબ જ સરસ !!!

 8. RAMESH SHAH says:

  HONESTY IS THE BEST POLICY. TO CONFESS, REQUIRES GUTS AND TO FORGIVE IS A GREATNESS AND THAT’S OUR INDIAN CULTURE. THE PILLERS OF OUR CULTURE ARE SO STRONG WHICH WE CAN SEE NOW A DAYS’ MERA BHARAT MAHAN’ AND IT ACCEPTS BY SUPER POWER AND DEVELOP COUNTRIES TOO AND AS AN INDIAN WE SHOULD PROUD OF IT.

 9. Dhaval Shah says:

  Short and sweet story! I do agree with Mr. Ramesh that “To confess, requires guts”.

 10. anu says:

  sachi jingi ma aam bantu nathi.atyare aatla manas ketla?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.