કવિતાનો શબ્દ – શ્રી રાજેન્દ્ર શુક્લ

rajendra shukla[તા. 16.02.2005 ના રોજ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સંમેલનમાં આપેલા વક્તવ્યના ધ્વનિમુદ્રણ પરથી આલેખન : તારક ઓઝા. ‘વિ’ માંથી ટૂંકાવીને. નવનીતસમર્પણ ડિસે. 2006 માંથી સાભાર. ]

‘શબ્દ’. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ અથવા મૂર્છામાં હોઈએ એ સિવાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં શબ્દ વિદ્યમાન હોય છે. એ આપણો એટલો અતિપરિચિત પદાર્થ છે. કેમ કે જાગૃત અવસ્થામાં ચૈતન્યની નિ:શબ્દ પરિસ્થિતિ આપણે કલ્પી પણ શકતા નથી. સતત શબ્દમય હોઈએ છીએ, પણ ‘અતિ પરિચયાદ્ અવજ્ઞા’ – શબ્દ એટલો પરિચિત છે કે આપણે એને જાણતા નથી, એને જાણવાની ખેવના પણ પ્રગટ કરતા નથી. એ સભાનતા જ મહદ્ અંશે નથી હોતી.

આપણે એ મહામનીષીઓના ઉત્તરાધિકારી છીએ જેમણે 30-30 શતાબ્દી પહેલાં શબ્દને સમજવાનો, શબ્દના સત્વને પામવાનો અવિરત પુરુષાર્થ કર્યો છે. કોઈ આપણને પૂછે કે શબ્દ એટલે શું ? તો આપણે કંઈ જવાબ આપી શકીએ નહીં. કોઈ મહાઋષિએ વેદના શબ્દોનું સંકલન કર્યું કે જે સમજવા માટે જરૂરી લાગ્યા પછી યાસ્ક નામના ઋષિએ એના પર નિરુક્ત લખ્યું. તમને જાણીને આનંદ થશે કે વેદનાં છ અંગો; એમાંના ચાર અંગોને શબ્દ સાથે સંબંધ છે. “ષડંગ વેદ: અધ્યેતવ્ય:” છ અંગોનું અધ્યાયન કર્યા વિના વેદનું અધ્યાયન ન થાય એટલી અનિવાર્યતા છે.

‘શિક્ષા’ એ વેદનું એક અંગ છે. જે અત્યારની પરિભાષામાં Phonetics છે. શબ્દના જે સ્વરૂપથી આપણે પરિચિત છીએ તે શ્રોત્રગ્રાહ્ય છે. શ્રવણથી ગ્રહણ થતો એક પ્રદાર્થ છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ કરી લઈએ કે લિખિત કે મુદ્રિત શબ્દ એ શબ્દનું મૂળ સ્વરૂપ નથી. અત્યારે આપણે શબ્દના લિખિત કે મુદ્રિત સ્વરૂપથી વધારે પ્રભાવિત છીએ. ‘શબ્દ’ એમ બોલતાં તરત જ આપણા મનમાં જે આવે એ એનું લિખિતપણું કે મુદ્રિતપણું. એ તો એનો એક વિસ્તાર છે. લિપિ તો બહુ મોડી આવી. ‘શબ્દ’નું સાચું જે સ્વરૂપ છે એ તેનું ઉચ્ચરિત સ્વરૂપ છે, અને જે શ્રવણેન્દ્રિયથી ગ્રહણ થાય છે એ સ્વરૂપ છે. તો એ સ્વરૂપે એને સમજવાનો પુરુષાર્થ શિક્ષા નામના અંગમાં છે. આજે આપણે એને Phonetics કહીએ પણ એ કેવો પ્રચંડ પુરુષાર્થ હશે કે : એક સ્વર “અ” તો “અ” ના અઢાર ઉચ્ચાર હોય ! એ હદે, અને આપણે અત્યારે હૃસ્વ-દીર્ધને પણ નષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સરલીકરણનું શું પરિણામ આવશે એ ખ્યાલ નથી એટલે આવું કરીએ છીએ.

‘શિક્ષા’ એ શબ્દના ઉચ્ચારનું શાસ્ત્ર છે. ઉચ્ચારનો મહિમા છે જ. ગમે તે શબ્દ ગમે તે રીતે ઉચ્ચારી શકાય નહીં. શબ્દનો જે મહિમા છે કે જેની આપણને ખબર નથી. એ સમજવા બેઠા છીએ ત્યારે યાસ્કે કરેલી એક સરસ વાત કહી દઉં. એમણે એમ કીધું છે કે : ‘એક જ શબ્દ સારી રીતે જાણ્યો હોય, સારી રીતે પ્રયોજ્યો હોય તો તે સ્વર્ગલોકમાં તમારી કામના એની પરિપૂર્તિ કરનારો બને છે. એક જ શબ્દ સ્વરથી કે વર્ણથી મિથ્યા પ્રયુક્ત થયો હોય તો એના પ્રયોગ કરનારનો એ વાણીરૂપી વજ્રથી નાશ કરે છે.’ એમણે ઉદાહરણ આપ્યું છે ‘ઈન્દ્ર શત્રુ’ શબ્દનું – ઈન્દ્રના વિરોધીઓએ ઈન્દ્રનો ઘાત કરવા માટે એનો ઘાત કરે એવા સંતાનની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. સંકલ્પ મૂકવામાં ‘ઈન્દ્ર શત્રુ’ શબ્દ બોલવાનો આવ્યો તો ‘ઈન્દ્ર શત્રુ’ એમ બોલવું જોઈએ. – ઈન્દ્રનો શત્રુ ષષ્ઠી તત્પુરુષ – એના બદલે ઈન્દ્ર શત્રુ એમ બોલાઈ ગયું. અર્થાત ઈન્દ્ર જેનો શત્રુ / ઘાત કરનારો છે, એવો પુત્ર. એટલે ઉચ્ચારને કારણે આટલો ફેર પડી જાય.

નિરુક્ત એ બીજુ અંગ છે. યાસ્કનો જે નિરુક્ત છે એ ઈટીમોલોજી છે. ફોનેટિક્સ – શબ્દને અર્થનો સંબંધ. આ સંબંધ જે છે તે સ્ટેટિક નથી, ગતિશીલ સંબંધ છે. અત્યારે ‘વરૂ’ શબ્દ બોલીએ તે એક પ્રાણી વિશેષનો અર્થ આપણા મનમાં આવે પણ વૈદિક સમયમાં ‘વૃક’ શબ્દ બોલીએ તો ફાડી ખાનાર એવો અર્થ આવે, જે તરત આપણા મનમાં ન આવે. તો એ રીતે શબ્દના અર્થની ગતિ ફર્યા કરતી હોય છે. એને સમજવાનો પ્રયાસ જેણે કર્યો તે નિરુક્તમાં થયો. પછીનું અંગ વ્યાકરણ છે. એના વિશે વધારે વાત નથી કરવી. વ્યાકરણની વાત નીકળી તો એક સરસ વાત કહી દઉં. યાદ રાખવા જેવી છે. શબ્દ આપણને આમ વિના મૂલ્યે મળે છે એટલે એનો યદ્વાતદ્વા ગમે તેમ ઉપયોગ કરવો એમ નહીં. અઢી માત્રાના શબ્દથી ચાલતું હોય તો ત્રણ માત્રાનો શબ્દ નહીં વાપરવાનો. એટલે વૈયાકરકો માટે એમણે એ સંસ્કાર દ્રઢ કર્યો – લાઘવ. જરૂરતથી વધારે કંઈ નહીં. તેને માટે એમ કહેવાય “અર્ધમાત્રાલાઘવેન, પુત્રોત્સવં મન્યન્તે વૈયાકરણા:” અરધી માત્રા બચે તો દીકરો જન્મ્યો હોય એટલો આનંદ થાય. આ સંક્ષેપ માટેનો આગ્રહ કવિઓ માટે પણ કામનો છે. બિનજરૂરી શબ્દો ન આવી શકે કવિતામાં.

બીજી પણ સરસ વાત પતંજલિએ કરી છે. આજે નામસ્મરણ પણ કરવાં છે, પૂર્વપુરુષોનાં. કવિતાનો શબ્દ અને વ્યવહારનો શબ્દ. વ્યવહારમાં પણ કંઈ ગમે તેમ બોલાય નહીં. કવિતા જેટલી કાળજીથી બોલીએ એટલી જ સભાનતાથી વ્યવહારનો શબ્દ પણ બોલાવો જોઈએ. તો જ વ્યવહાર બરોબર ચાલે. વ્યવહારમાં ઘણીવાર short circuit થતી હોય છે. એના કારણમાં ઘણીવાર આ શબ્દ બરોબર ન ઉચ્ચારાયો હોય એ હોય છે પણ એની આપણને ખબરેય હોતી નથી. જેવી રીતે બિલાડી એનાં બચ્ચાને મોઢામાં ગ્રહણ કરીને લઈ જતી હોય તો ન તો બચ્ચું પડી જાય કે ન બચ્ચાંને દાંત બેસે. શબ્દ એમ બોલાવો જોઈએ. – ન તો શબ્દ પડી જવો જોઈએ, ન તો શબ્દ પર દાંત બેસવા જોઈએ. આજે જ્યારે શબ્દને ભચડાતા હોય એ રીતે બોલાતા સાંભળું છું ત્યારે મને ખૂબ પીડા થાય છે અને સાંભળવા પડે છે, ખૂબ સાંભળવા પડે છે !

ચોથું અંગ છે છંદ. એને પણ શબ્દ સાથે સંબંધ છે. કેમ કે છંદ એ લખી શકાય ને માપી શકાય એવું માપ નથી. ઉચ્ચારનું માપ છે છંદ. એ ભુલાઈ જતું હોય છે. ‘છદ્’ ધાતુ છે જેના અર્થ ‘ઢાંકે છે’ એવો થાય, તે છંદ છે. એ કાવ્યના શરીરનું છાદન કરે છે. એક મજાની વાત એ બની છે કે ગુજરાતી ભાષામાં ‘છદ’ ધાતુ આવ્યો છાજવાના અર્થમાં તો એનો અર્થવૈભવ વધ્યો છે. ને એ છંદને લાગુ પડે છે. છાજ, છાજવું અને બહુ છાજે છે – શોભે છે નો અર્થ જે ઉમેરાયો છે તે મજાનું છે. અને એનું ધ્યાન હોવું જોઈએ. છંદ શબ્દ જ્યારે બોલીએ ત્યારે આ બન્ને અર્થો આપણાં મનમાં હોય તો કવિતામાં છંદની અનિવાર્યતા વિશે વિચારણા કરતા હોઈએ તો બહુ સંશય ન થાય કારણકે એ છાદન પણ કરે છે અને એનાથી કવિતા છાજે છે પણ ખરી !

તો આમ, ચાર વેદાંગ છે એ શબ્દના તત્વને સમજવાને પામવાનો પ્રયત્ન કરે છે. જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ એમ એમ બુદ્ધિનું કામ વધતું ગયું અથવા બુદ્ધિની દખલ વધતી ગઈ. એટલે ભાષામાં જે અંત:સ્ફુરણ હતું એને બદલે બુદ્ધિનું તત્વ આવી ગયું. ને પરિણામે શબ્દ સ્થૂળ સ્થૂળ સ્થૂળ થતો ચાલ્યો. જેને તમે સહેલાઈથી એનાલાઈઝ કરી શકો એવો થતો ગયો. – તો એ લોકોએ શબ્દના તત્વને સમજવાનો પ્રયત્ન કર્યો કે આ શબ્દ શું છે ? પણ એ પહેલાં પ્રતિભાજ્ઞાની ઋષિઓને જે દેખાયું હતું ને એની પેલા ઋગવેદના ઋષિને ખબર પડી હતી કે આ વાણી છે ને એને ચાર પાદ છે. જેમાંના ત્રણ પાદ (ચરણ) તો ગુહામાં નિહિત છે અર્થાત ગુફામાં ઢંકાયેલા છે. એનું એક જ ચરણ વૈખરી રૂપે આપણને અનુભવાય છે, ઉપસ્થિત થાય છે. આપણને એ પ્રત્યક્ષ થાય છે. વાણીનાં આગળનાં ત્રણ સ્વરૂપો પરા, પશ્યન્તી અને મધ્યમા એ સૂક્ષ્મ છે. અને એ પછી વૈખરી. આપણો વ્યવહાર બધો વૈખરીમાં જે શબ્દ છે એનું પરાવાણી સાથે અનુસંધાન એ કવિ ઈચ્છે ને સિદ્ધ કરી શકે પણ એ લક્ષ્ય તરફની એની સભાનતા હોવી જોઈએ. બાકી તો મજા પડે અને મજા પડે એટલાથી ચાલી જતું હોય તો એ વાત બનવાનો સંભવ નથી.

જે ત્રણ પાદ અંતરગુહામાં નિહિત છે એમાં જે પહેલું જે પરા છે એ સ્ફૂરણ છે, સ્પંદ છે, એ આત્માનો ધર્મ છે. ત્યાંથી શબ્દ સ્થૂળ થતો થતો આવે અને એ સ્થૂળ થાય ત્યારે પેલું અનુસંધાન જેટલું જળવાય એટલો આપણને લાભ થાય. એટલી કવિની સભાનતા અનિવાર્ય હોવી જોઈએ. કવિતાના શબ્દને પોતાના ઉદ્દગમ તરફ જવું હોય છે. એ એની મથામણ હોય છે. શબ્દનાં અનેક રૂપો છે. શબ્દ નિત્ય છે. શબ્દ ક્ષણિક પણ છે. શબ્દ શાશ્વત પણ છે. શબ્દ કાલગ્રસ્ત છે, શબ્દ કાલજયી પણ છે. તો શબ્દનાં વિવિધ સ્વરૂપોમાંથી કવિતા એનું સૂક્ષ્મ સ્વરૂપ જે છે એની ઉપાસના કરે છે.

અંતમાં એક વાત કહેવાની છે કે આ ઉપક્રમ જે રચાયો છે તે ખરેખર આહલાદ પમાડે તેવો છે. જે વાત મેં આરંભી છે તે તો અધૂરી જ છે ને અધૂરી જ રહેશે કારણકે સમયને પાળ બંધાયેલી હતી. પરંતુ આ કાવ્ય અને સંમિતની વચ્ચે જે અવકાશ છે એ પુરાઈ જાય એમ ઈચ્છીએ. કેમ કે સમાસ શક્ય છે. બે પદ ભિન્ન છે એને બદલે એક પદ બનીને સમાસ બને અને એ સમાસ પણ કાવ્યનું સંગીત એવો ષષ્ઠી તત્પુરુષ, સ્વ સ્વામીભાવવાળો સમાસ નહીં કારણકે એમાં એકનું પ્રભુત્વ આવશે ને બીજું ગૌણ બનશે પણ કાવ્ય એ જ સંગીત એવો કર્મ ધારય સમાસ બને અને એવું નજીકમાં જ બને એમ ઈચ્છીએ.

એક બીજી વાત પણ અંતમાં કહું કે દરેક કવિ શબ્દના સ્વરૂપને પામવા મથતો હોય છે. એની પાસે શબ્દનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો પ્રગટ થતાં હોય છે. તો એ કવિતામાં ક્યારેક આવતું હોય છે એવી એક વાત કરું. શબ્દનું અધિષ્ઠાન આકાશ છે. શબ્દ આકાશનો ગુણ છે. એટલે કે શબ્દને રહેવાની જગ્યા આકાશ છે. તો એ વાત સુધી પહોંચવાની એક ગઝલ સંભળાવીને પૂરું કરું છું.

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે
કમલ જ નહીં આખું સ્વયં જાણે સરોવર ઊઘડે.

આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે
જન્મજન્માંતર બધા આ થર પછી થર ઊઘડે.

રેલાય કેવળ એકઘારો સ્વર મધુર આરંભનો
કોની પુરાતન ઝંખના આ દ્વાર જાજર ઊઘડે.

ઊભો સમય સ્થિર આંખમાં થંભી ગઈ સૌ પરકમા
હું ઊઘડું અંબર ઉપર સામે ચરાચર ઊઘડે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાત પગલાં સર્વરમાં ! – તંત્રી
દિલાવરી – ઈંદિરા ભણોત Next »   

17 પ્રતિભાવો : કવિતાનો શબ્દ – શ્રી રાજેન્દ્ર શુક્લ

 1. સર્જકને વંદન છે…

 2. UrmiSaagar says:

  ખરેખર…. ખુબ જ સરસ આર્ટિકલ છે.. મઝા આવી ગઇ.
  અને છેલ્લી ગઝલ તો… just excellent!!!

 3. ધવલ says:

  અદભૂત વક્તવ્ય … આ તો નકરું અમૃત છે !

 4. સુરેશ જાની says:

  બહુ જ સરસ વક્તવ્ય. તેમની વાણીમાં તેમના વિચારોનો રણકાર હોય છે . તેમને સાંભળવા એ પણ એક લ્હાવો છે.

 5. મુરબ્બીશ્રી રાજેન્દ્રભાઈ શુક્લના આ ‘કવિતાનો શબ્દ’ વિષયક વક્તવ્યના આલેખનને આરોગતાં અંતરમાં ઉપજેલ આનંદોર્મિ માટે હવે અશબ્દ જ રહેવું અનુકૂળ રહેશે. આભાર.

 6. ઉંઝા-જોડણીના પ્રચાર ને પ્રસારમાં સક્રિય એવા લોકોને આ વકતવ્યમાં જોડણી વિષેનાં ઉલ્લેખ પર પોતાનાં વૈગ્નાનિક અને તર્કબધ્ધ અભિપ્રાય પ્રસારિત કરવાનો સુંદર અવસર છે.

 7. સુરેશ જાની says:

  મારા વીચારો વાંચો : –
  http://tankha.sarjeet.com/?p=97#comment-268

 8. સુરેશ જાની says:

  મારા વીચારો વાઁચો –
  http://tankha.sarjeet.com/?p=97#comment-268

 9. વાહ વાંચવા નિ બહુ મજા આવે છે

 10. […] કાઢી હોય એ જ આવું વિરલ પ્રવચન કરી શકે. આ વક્તવ્યને આજે રીડગુજરાતી પર  વાંચવા… રખે […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.