- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શ્રી યંત્ર મહિમા – અજ્ઞાત

[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.]

પ્રસિદ્ધ કથા છે કે એકવાર લક્ષ્મી અપ્રસન્ન થઈને વૈકુંઠ ચાલી ગયા, આથી ધરતી પર જાત-જાતની સમસ્યાઓ જાગી, બ્રાહ્મણ અને વણિક વર્ગ લક્ષ્મી વિના દીન હીન દશામાં ભટકવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠ એવા વશિષ્ઠે નિર્ણય કર્યો કે હું કોઈપણ ભોગે લક્ષ્મીને રીઝવીને ફરી પૃથ્વી પર લાવીશ.

વશિષ્ઠ વૈકુંઠ ગયા, લક્ષ્મીજીને મળ્યા, જોયું ને જાણ્યું કે લક્ષ્મીજી રીસાયાં છે. તે કોઈપણ રીતે પૃથ્વી પર આવવા માંગતા નથી. વશિષ્ઠ ત્યાં જ પોતાનું સ્થાન જમાવી વિષ્ણુની પૂજા કરવા લાગ્યા. વિષ્ણુ પ્રગટ થયાં. તેમને ઋષિમુનિએ કહ્યું, ‘અમો પૃથ્વીવાસીઓ લક્ષ્મી વિના દુ:ખી છીએ, અમારો આનંદ ઉલ્લાસ છીનવાઈ ગયો છે. આપ આમાંથી માર્ગ કાઢો.’ ભગવાન વિષ્ણુ વશિષ્ઠને લઈને લક્ષ્મીજી પાસે જાય છે, તેમને મનાવે છે, પરંતુ માનતા નથી. તેમણે જણાવ્યું કે ‘હું કોઈપણ સંજોગોમાં પૃથ્વી પર આવવા માંગતી નથી.’ હતાશ થઈ વશિષ્ઠ પૃથ્વી પર પાછા આવે છે. ઋષિમુનિઓએ આ બાબત શું કરવું તે માટે વિચાર વિમર્શ કર્યો. દેવતાઓનાં ગુરુ બૃહસ્પતિએ કહ્યું હવે એક જ રસ્તો છે, શ્રી યંત્રની સાધનાનો. જો સિદ્ધ શ્રી યંત્ર બનાવવામાં આવે અને તેની સ્થાપના કરવામાં આવે તો લક્ષ્મીજીને પધારવું પડે. બૃહસ્પતિની વાત મુજબ ધાતુમાં શ્રીયંત્ર બનાવી મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા કરી દિવાળીના બે દિવસ પહેલાં ધનતેરસના દિવસે પૂજા કરી. પૂજા પૂરી થતાં પહેલાં તો લક્ષ્મીજી હાજર થઈ ગયા અને કહ્યું ‘હું કોઈ પણ સંજોગોમાં આવવા તૈયાર ન હતી પરંતુ શ્રીયંત્ર મારો આધાર છે. તેમાં મારો આત્મા છે.’ તેથી સાબિત થાય છે કે, લક્ષ્મીજીને સહુથી પ્રિય યંત્ર શ્રીયંત્ર છે, જ્યાં શ્રીયંત્રની સ્થાપના થાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે.

જ્યાં આ યંત્રની સ્થાપના થાય છે, ત્યાં દરિદ્રતાનો નાશ થઈ જાય છે. દેવામાંથી મુક્ત થવા માટે આ યંત્ર સંપૂર્ણ સફળતા આપનારું છે. આ યંત્ર ખરેખર અદ્દભુત રહસ્યમય, વિશિષ્ઠ સિદ્ધદાતા અને ચોક્કસ જ પ્રભાવશાળી છે. એનું રહસ્ય ઉકેલવાના પ્રયત્નો જેમ જેમ થાય છે તેમ તેમ એ વધુને વધુ ગૂંચવાતા જાય છે. આ યંત્રનું રહસ્ય પામવા માત્ર આપણા દેશમાં જ નહિ વિશ્વભરમાં સંશોધનો થાય છે. પાશ્ચાત્ય યંત્ર વિશેષજ્ઞ વુડરોકે કહેલું છે કે જે દિવસ શ્રી યંત્રનું સંપૂર્ણ પૂજન રહસ્ય હાથ આવી જશે તે દિવસે વિશ્વનું સ્વરૂપ બદલાઈ જશે. તંત્ર વિશેષજ્ઞોએ શ્રી યંત્ર અને એની સાથે સંકળાયેલા શ્રીસુક્તનો પાર પામવામાં પોતાનું જીવન હોમી દીધું છે. છતાં પણ યંત્રરાજની ગૂંચ પૂરેપૂરી ઉકેલવામાં એમને સફળતા મળી નથી.

મંત્ર મહાર્ણવમાં લખ્યા મુજબ શ્રી સુક્તનાં સોળમંત્રો છે. (જે પાઠ અહીં નીચે લેખના અંતે આપેલ છે.) આ મંત્રોમાં સંકેતો રૂપે કોઈપણ ધાતુમાંથી સોનું બનાવવાની વિધિ ગૂંથાયેલી છે. જે દિવસે આ મંત્રોનો ગૂઢ અર્થ સમજાઈ જશે એ દિવસે કોઈપણ ધાતુમાંથી સુવર્ણ બનાવવાની રાસાયણિક પ્રક્રિયાનું વિશ્વને જ્ઞાન થઈ જશે. શ્રી સુક્તની ગૂઢ લિપી ઉકેલવાની ચાવી શ્રી યંત્રમાં છુપાયેલી છે.

ઘણાએ કહ્યું છે કે શ્રીયંત્ર મંત્ર સિદ્ધ હોય તો તેના પર કોઈપણ જાતનો પ્રયોગ કે ઉપાય કરવાની જરૂર નથી, કારણકે સ્વયં જ મંત્ર ચૈતન્ય થઈ જાય છે. અને જ્યાં પણ એની સ્થાપના થાય છે, ત્યાં અનુકૂળ ફળ પ્રભાવ આપવા માંડે છે જેમ અગરબત્તી કોઈ વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી નથી, અને જ્યાં પણ સળગાવવામાં આવે છે ત્યાં સુગંધ પ્રસરાવવા માંડે છે. એ જ પ્રમાણે મંત્ર સિદ્ધ ચૈતન્ય શ્રીયંત્રની જ્યાં પણ સ્થાપના હોય ત્યાં આગળ એ અનુકૂળતા આપવા માંડે છે.

શ્રીયંત્રની સાથે સાથે આપણે શ્રી સવા કેમ લખીએ છીએ તેની પણ વિગત જોઈએ. વેપારીઓ દિવાળીમાં લક્ષ્મીપૂજન નિમિત્તે નવા કોરા ચોપડા લઈને એના પહેલાં પાને કંકુવાળી આંગળીથી ‘શ્રી સવા’ લખે છે. આપણે કોઈનું નામ લખીએ, પત્રમાં ઉલ્લેખ કરીએ ત્યારે શ્રી અમુકભાઈ-શ્રી તમુકભાઈ એમ લખીએ છીએ. પરંતુ કદી વિચાર આવે છે કે આ શ્રી એટલે શું ? શા માટે શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી હરિ એમ બોલીએ-લખીએ છીએ ? સામાન્ય માણસ માટે શ્રી એટલે લક્ષ્મી. ભારતીય સંસ્કૃતિમાં શ્રી શબ્દનો અનેરો મહિમા છે. ચોપડા પૂજન કરતી વેળા શ્રી 1| શા માટે લખાય છે એ જાણવું રસપ્રદ છે. વેપારી માટે શ્રી એ લક્ષ્મીનું પ્રતિક છે. લક્ષ્મી મેળવતી વખતે વિધ્ન ન આવે એ માટે ગણપતિ હાજર જોઈએ. સવાના અંકમાં એકદંતા ગણપતિનું પ્રતીક છે. એકનો આંક ગણેશજીની સૂંઢ છે અને પા ની માત્રા એમનો અખંડ દંતશૂળ છે. આમ શ્રી સવા એટલે લક્ષ્મીજી અને ગણપતિને આહ્વાન છે.

ૐ હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્ત્રજામ્ |
ચંદ્રાં હિરણ્યમયીં લક્ષ્મી જાતવેદો મ આવહ || 1 ||

ૐ તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |
યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ || 2 ||

ૐ અશ્વંપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |
શ્રિયં દેવી મુપહવયે શ્રીર્મા દેવીજુષતામ્ || 3 ||

ૐ કાંસોસ્મિતાં હિરણ્યપ્રાકારમાર્દ્રં જ્વલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ્ |
પદ્મસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહ્વયેશ્રિયમ્ || 4 ||

ૐ ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારમ્ |
તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેઅલક્ષ્મીર્મે નશ્યતાં ત્વાં વૃણે || 5 ||

આદિત્યવર્ણે તપસોઅધિંજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોઅથ બિલ્વ: |
તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ચ બાહ્યાઅલક્ષ્મી: || 6 ||

ૐ ઉપૈતુ માં દેવસખ: કીર્તિશ્ચ મણિના સહ |
પાદુર્ભૂતોઅસુરાષ્ટ્રેસ્મિન્ કીર્તિમૃદ્ધિં દદાતુ મે || 7 ||

ક્ષુત્પિપાસામલાં જ્યેષ્ઠાલક્ષ્મીં, નાશયામ્યહમ્ |
અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાન્નિર્ણુદ મે ગુહાત્ || 8 ||

ગન્ધદ્વારાં દુરાધર્ષાં નિત્યપુષ્ટાં કરીષિણીમ્ |
ઈશ્વરીં સર્વભૂતાનાં તામિહોપહ્વવયે શ્રિયમ્ || 9 ||

મનસ:કામ માકૂતિં વાચ: સત્યમશીમહિ |
પશૂનાં રૂપમન્નસ્ય મયિ શ્રી: શ્રયતાં યશ: || 10 ||

કર્દમેન પ્રજાભૂતા મયિ સમ્ભવ કર્દમ |
શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મ માલિનીમ્ || 11 ||

આપ: સ્ત્રજન્તુ સ્નિગધાનિ ચિક્લીત વસ મે ગૃહે |
નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે || 12 ||

અ ર્દ્રાં પુષ્કરિણીં પુષ્ટિં પિંડ્ગલાં પદ્મ માલિનીમ્ |
ચંદ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ || 13 ||

ૐ આદ્રાં ય: કરિણીં યષ્ટિં સુવર્ણાં હેમ માલિનીમ્ |
સૂર્યાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ || 14 ||

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |
યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોઅશ્વાન્વિન્દેયં પુરુષાનહમ્ || 15 ||

ૐ ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |
સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત || 16 ||

|| ઈતિ શ્રી સૂક્તં સમાપ્તમ્ ||