ગઝલ ગૂંજન – સંકલિત
ગીત ને ગા – તથાગત પટેલ
ભેદ તારો નથી પામવો જા
પૂરતો છે હવે આટલો ઘા.
જો બને તો જરા માનવી થા.
હાથ પ્હોંચી શકે એટલું ખા.
હોય રસ્તા ભલે સાવ ખુલ્લા
જેટલું પગ કહે એટલું જા.
રાહ જો એકધારી ઉપરની
કોઈ માટે નથી સાંભળી ના.
ખેલ સમજણભર્યો જિંદગીનો
આંસુઓ લાવ કે ગીતને ગા.
મનનું મકાન – હરીશ ‘તથાગત’
માર એવી લટાર પોતામાં,
ફૂલ ખીલે અપાર બીજામાં !
જીર્ણ મનનું મકાન કંપે છે –
જીવનાં કોઈ એક ખાંચામાં !
કેમ વેપાર કોઈ કરવો – કે,
શબ્દની છે દુકાન વાંધામાં !
તર્કથી માણસાઈ તરડાશે –
વાત કર લાગણીની ભાષામાં !
મને તો ઘાવની જ અપેક્ષા હતી
ફૂલ દીધું એણે વધારામાં !
સહેલું નથી – રિષભ મહેતા
એટલું સહેલું નથી છૂટા થવું
સાદમાંથી એકદમ પડઘા થવું
જોઈ લે તારી ઉપેક્ષાની અસર
એક આ દરિયાનું પરપોટા થવું !
થઈ ગયા કેવી રીતે ઈશ્વર તમે ?!
કેટલું મુશ્કેલ છે બંદા થવું !
હર યુગે તારી પરીક્ષા થાય છે
કેમ પોસાતું તને સીતા થવું ?!
છાંય મીઠી છે બધા જાણે જ છે
લીમડાને પરવડે કડવા થવું
સંશયો વહેમો ભરેલા વિશ્વમાં
છે કરિશ્મો અન્યની શ્રદ્ધા થવું !
ભોળપણ, અચરજ, અનુકંપા, ગયાં
આપ શું આને કહો મોટા થવું ?!
ઝળહળ – નૈષધ મકવાણા
કશું કહેવાય નહીં સાવ કોરો કાગળ બની આવી ચડું,
તને મળવા તો ભરઉનાળે વાદળ બની આવી ચડું.
ને, તારા ઘરનું સરનામું પણ લખાવી દે, તું મને,
ક્યારેક વળી નિરુદેશે પણ વિહ્વળ બની આવી ચડું.
મન પણ એવું હળવું ફરવાં, કરવાં હો છબછબિયાં,
ઈચ્છા જાગે ત્યારે ઝરણું ખળખળ બની આવી ચડું.
રાગદ્વેષ ને પ્યાર મહોબ્બત, અડખે પડખે વસતાં,
દિલને થાય આરામ ઔષધ નિર્મળ બની આવી ચડું.
મારા મન પર વ્હાલમની એ માયા જબરી ઊંડી છે,
ફરી જનમ જો મળશે તો તો ઝળહળ બની આવી ચડું.
Print This Article
·
Save this article As PDF
એટલું સહેલું નથી છૂટા થવું
સાદમાંથી એકદમ પડઘા થવું
હર યુગે તારી પરીક્ષા થાય છે
કેમ પોસાતું તને સીતા થવું ?!
Very Nice…!!!
મારા મન પર વ્હાલમની એ માયા જબરી ઊંડી છે,
ફરી જનમ જો મળશે તો તો ઝળહળ બની આવી ચડું.
Excellent.. !!
really nice written, all of them
thank you
that is really nice can u please send some more on m id.i really happy reading that.
thanks
સરસ
રિષભ મહેતાની ગઝલ સરસ છે. અભિનંદન.