- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એક ક્ષણ – અમિત પરીખ

[રીડગુજરાતી ને આ કૃતિ મોકલવા માટે શ્રી અમિતભાઈ પરીખનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : Email: amitt.parikh@gmail.com ]

“”હે ભગવાન સાડા આઠ થઇ ગયા! મમ્મી… જલ્દી દે ટિફિન.. મોડું થાય છે મને.”

આમ તો ઑફિસ માટે વિજયને રોજ મોડું થતું, પણ આમ મમ્મી પર ક્યારેય ગુસ્સે નહોતો થતો. છેલ્લાં ચાર વર્ષથી વિજય ફોર્ટમાં આવેલ વકીલ ઍંડ મહેતા શેર દલાલને ત્યાં નોકરી કરે છે. લગભગ રોજ જ એ ઑફિસ મોડો જ પહોંચતો. પણ પોતાની કૂનેહથી થોડા જ વર્ષોમાં બોસને એણે શેરબજારમાં ઘણો ફાયદો કરાવી આપ્યો હતો એટલે બોસ એને કાંઇ કહેતો નહિ. વિજયના મમ્મી મીનાબેન પણ આ વાતથી પરિચિત હતાં એટલે તરત જ દિકરાને ટોણો માર્યો. “તે એતો તું રોજ સાડા આઠે જ તો નીકળે છે. તું જ કહેતો હતો ને.. બોસ આપણને કાંઇ ન બોલે. લાગે છે કોઇક બીજાને ટાઇમ આપ્યો છે!”

મીનાબેને જાણી જોઇને ‘બીજાને’ શબ્દ પર ભાર આપ્યો. છેલ્લા અઠવાડિયાથી વિજયમાં આવેલું પરિવર્તન એમની જાણ બહાર નહોતું. રોજ મમ્મી સાથે ગપ્પા મારવા બેસતો વિજય અઠવાડિયાથી વિચારોમાં ખોવાયેલો રહેતો. 24 વર્ષીય જુવાન છોકરો આમ ધોળે દિવસે સ્વપ્નોમાં ખોવાયેલો રહે એટલે માએ સમજી જવાનું, જરૂર એના પુત્રના પ્રેમમાં ભાગ પડાવવા કોઇ આવી જવાની છે. માની ટકોરથી ઘડીક વિહવળ બની જઇ સ્વસ્થ થતાં વિજય બોલ્યો, “અરે ના યાર.. આજે બોસે મને સાડા નવ સુધીમાં ઑફિસમાં હાજર રહેવા કીધું છે. મારી એમની સાથે અગત્યની મિટિંગ છે.”

બોલતા તો બોલાઇ ગયું પણ પછી વિજયને પોતાની મૂર્ખતા પર હસવું આવ્યું.. સવાર સવારમાં મિટિંગ? મમ્મી પણ મરક મરક હસ્યા, પણ વિજય ખોટો ન પડે એટલે કાંઇ ન બોલ્યા. ઝટપટ ટિફિન વિજયની બેગમાં મૂક્યું અને બેગ વિજયના હાથમાં આપી. “તું આટલી ઉતાવળ કરે છે તો જરૂર મિટિંગ બહુ અગત્યની હશે.” મમ્મીની વાત કરવાની ઢબ પરથી વિજય સમજી ગયો કે એનાથી કોઇ વાત છૂપાવવી મુશ્કેલ છે. એટલે મમ્મી સામું એક મીઠું સ્મિત વેરી એ ઘરની બહાર નીકળી ગયો.

ટ્રેનમાં વિજયનું મન ફરી એ સુંદર છોકરીના વિચારે વળગ્યું. ગયા સોમવારે સાંજે સાત વાગ્યે ચર્ચગેટ સ્ટેશને વિજય એના મિત્રો જોડે બોરીવલી ફાસ્ટની રાહ જોતો ઉભો હતો. ત્યાં એની નજર લેડીઝ ડબ્બા પાસે ઉભેલી એક સુંદર યુવાન છોકરી પર પડી. જીન્સ-ટીશર્ટ પહેરેલી લાંબા વાળવાળી એ ગોરી યુવતીને જોતાં જ પ્રથમ વાર વિજયના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. અંદાજે પોતાના જેટલી જ ઊંચાઇ, નમણી અને માસુમ ચહેરાવાળી એ યુવતીને જોવામાં એ સમય અને સ્થળનું ભાન જ ભૂલી ગયો.

ત્યાં અચાનક ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં, સીટ પકડવા ભાગતાં લોકોની અડફેટમાં આવી વિજય પ્લેટફોર્મ પર પડી ગયો. ઘરે જવાની ઉતાવળ હોવાથી પ્લેટફોર્મ પર ઉભેલાં કોઇએ એની દરકાર લીધી નહિ. બે-ચાર જણાંની લાતો ખાઇને વિજય ઉભો થયો. પણ ત્યાં સુધીમાં પેલી છોકરી ટ્રેનમાં ચઢી ગઇ હતી. ત્યાં વિજય ન દેખાતા એના મિત્ર અતુલે દરવાજા પર આવી વિજયને બૂમ પાડી. વિજય ઘડીક ગડમથલ અનુભવતો આખરે પોતાની મંડળીમાં જોડાઇ ગયો.

બીજા દિવસે અનાયાસે સવારના પોણા દસના સુમારે ફોર્ટના સિગ્નલ પાસે એને એ ફરી દેખાણી.. લાલ રંગના આકર્ષક પંજાબી ડ્રેસમાં એનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું. આજે વિજય પોતાને રોકી ન શક્યો ને એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. પણ રસ્તામાં એના ગ્રાહક રોહિતભાઇ મળી જતાં એણે ત્યાંજ ઉભા રહી જવું પડ્યું. જેમ તેમ પૂરો દિવસ વિતાવી છ વાગ્યાથી ફોર્ટ સિગ્નલ પર વિજ્ય એની રાહ જોતો ઉભો રહી ગયો. આખરે પોણા સાતના સુમારે એના આવતાં જ વિજયનો આખા દિવસનો થાક ઉતરી ગયો. ચર્ચગેટ સુધી એની પાછળ પાછળ ચાલતો, એ એની સુંદરતાને નીરખતો રહ્યો. આમ ને આમ અઠવાડિયું સવાર સાંજ વિજય એનાથી અંતર જાળવી ચર્ચગેટ સ્ટેશનથી ફોર્ટમાં આવેલી એની એડવર્ટાઈઝીંગની ઑફિસ સુધી અને એની ઑફિસથી ચર્ચગેટ સ્ટેશન સુધી એનો સહવાસ અનુભવતો. થોડીઘણી પૂછપરછ કરતાં વિજ્ય એટલું જાણી ગયો હતો કે એનું નામ પ્રિયા દોશી છે અને આ એડવર્ટાઈઝીંગ એજન્સીમાં છ મહિના પહેલાં જ જોડાણી છે અને ગોરેગામમાં કયાંક રહે છે. વધુ પૂછપરછ કરતાં કોઈને વહેમ જશે એમ ધારી એણે આટલાથી જ સંતોષ માન્યો.

પરંતુ આજે શનિવારે એણે ઉઠતાં જ નકકી કરેલું કે હિંમત એકઠી કરી પ્રિયા દોશી સાથે વાત કરવી જ છે. એટલે જ સવારથી બેચેન છે કે ક્યારે પોણા દસ થાય અને પ્રિયાને મળી દિલની વાત કરે. સાડા નવ વાગ્યે ચર્ચગેટ પહોંચી આજુબાજુ નજર કરતો એ ફોર્ટ સિગ્નલ પાસે ઉભો રહી ગયો. પણ આજે નસીબે એને સાથ ન દીધો. સાડા દસ થયા પણ પ્રિયા ન આવી. આખરે ખિન્ન હ્રદયે એણે પોતાની ઑફિસ તરફ પગ માંડયા… ત્યાં જ પ્રિયા ઉતાવળે આવતી દેખાણી. એના મોઢા પર ચિંતા નજર આવતી હતી. કદાચ નવી નવી નોકરીમાં મોડું થઈ ગયું હોવાથી અપસેટ છે એમ ઘારી વિજયે એને હમણાં ન બોલાવવાનું યોગ્ય સમજયું. પ્રિયા એની ઑફિસનાં બિલ્ડિંગમાં પ્રવેશી ગઈ. એટલે વિજયે સિક્યુરિટીવાળાને આજે ઑફિસ અડધો દિવસ ચાલુ છે કે પૂરો દિવસ તેની પૃચ્છા કરી. ઓફિસ પૂરો દિવસ ચાલુ છે એમ જાણી તેણે છ વાગ્યે આ બિલ્ડિંગ પાસે આવી જવાનું નકકી કર્યુ.

સાંજના સાડા પાંચ થતાં જ વિજય ઉતાવળે પગલે પ્રિયાની ઑફિસના બિલ્ડિંગ સામે આવેલી રેસ્ટૉરંટમાં બેસી ગયો. આમેય ભૂખ લાગેલી એટલે ઈડલી સંભારનો ઑર્ડર આપી સામેના બિલ્ડિંગ પર મીટ માંડીને બેઠો. સમયનું ભાન ભૂલેલો વિજય સાડા છ વાગ્યા સુધી રેસ્ટૉરંટમાં બેઠો રહ્યો. પ્રિયાની રાહમાં ઈડલી ઉપર ત્રણ કપ ચા પી ગયો. આખરે હિમત એકઠી કરી એણે પ્રિયાની ઓફિસમાં જવા પગ માંડયા. બીજે માળે આવેલી એડવર્ટાઈઝીંગની ઑફિસમાં પ્રવેશતા જ વિજય દિગ્મૂઢ બની ગયો. ઓફિસનો ઠાઠ કોઈ ફાઈવસ્ટાર હોટેલથી ઓછો નહોતો.

રિસેપશનીસ્ટને “કેન આઈ મીટ મિસ પ્રિયા”, પૂછી તો નાખ્યું પણ જો સાચે જ પ્રિયા સામે આવી જશે તો શું વાત કરવી એની દ્વિઘામાં પડી ગયો. રિસેપ્શનીસ્ટે ઈંન્ટરકોમમાં પ્રિયા જોડે વાત કરીને વિજયને પૃચ્છા કરી “વોટ્સ યોર નેમ?” “જી…… વિજય શાહ ફ્રોમ વકીલ એન્ડ મેહતા.” રિસેપ્શનીસ્ટે પ્રિયાને નામ કહ્યું. રિસેપ્શનીસ્ટે પ્રિયા બહુ બીઝી હોવાથી સોમવારની અપોઈંન્ટમેન્ટ લઈ આવવા કહ્યું. વિજય પાસે પ્રિયાને બહાર બોલાવવા માટે બીજું કોઈ ખાસ કારણ નહોતું. એટલે “ઓ..કે..” કહી એણે ચાલતી પકડી. પણ જતાં જતાં યાદ આવ્યું એટલે એણે ફરી રીસેપ્શનીસ્ટને પૃચ્છા કરી. “ટિલ વોટ ટાઈમ યોર ઑફિસ ઈઝ ઓપન ટુડે?” રીસેપ્શનીસ્ટ બે ઘડી આવા સવાલથી ડઘાઈ વિજય સામું ટગર ટગર જોવા લાગી, પણ વિજયની માસુમ ઉત્કંઠા જોઈ કહ્યું “મે બી ટિલ એઈટ”.

વિજયે નિર્ધાર કર્યો કે આજે ભલે ગમે તેટલું મોડું થાય પ્રિયા સાથે વાત કરીને જ જઈશ. રાહ જોતા જોતા આઠ વાગતા વિજય બેયેન થઈ ગયો. મનમાં પ્રિયાને મળવાની તીવ્ર ઉત્કંઠાને લીઘે એક એક સેકંડ એને એક વરસ જેટલી લાંબી લાગવા લાગી. લગભગ બધી ઑફિસો છૂટી ગઈ હતી. મોડે સુધી કામ કરનારા લોકોના ટોળાને લીઘે ફોર્ટનો વિસ્તાર હજી જીવંત હતો. ઘડિયાળમાં નજર કરતા સાડા આઠ થતા હવે વિજયને પોતાની બેવકૂફી પર હસવું આવવા લાગ્યું. એ હવે રસ્તા પર લટાર મારી મારીને પણ થાકી ગયો હતો.

એક છોકરીને મળવા માટે આટલા કલાકથી ગાંડાની માફક આંટા મારી રહ્યો હતો, એમાં પણ એ છોકરીને એ બરાબર ઓળખતો નથી…. કદાય એ પરણેલી પણ હોય…. આ વિચારથી વિજય નિરાશ થઈ ગયો. જો એ પરણેલી હશે તો… હવે વિજયથી વધુ રાહ જોવી અશક્ય થઈ રહી… પણ એનું દિલ માનવા તૈયાર નહોતું.

વિજયને થયું હવે ઘરે ફોન કરી દેવો પડશે નહિ તો મમ્મી ચિંતા કરશે. એક સ્ટેશનરીની દુકાનેથી વિજયે ઘરે ફોન જોડ્યો. “હલ્લો મમ્મી. જો થોડું મોડું થશે… અહીં હજુ ઘણું કામ બાકી છે એટલે કદાચ અગિયારેક વાગશે. તુ ચિંતા નહિ કરતી.” મીનાબેન પણ જાણી ગયા આજે સવારથી ખોટું બોલે છે. એટલે જરૂર દાળમાં કાંઈક કાળુ છે. વિજયના પપ્પાના ત્રણ વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં મૃત્યુ બાદ મીનાબેન આખો દિવસ ઘરે એકલા રહેતાં… એટલે છેલ્લા એક વર્ષથી એ વિજયની પાછળ હતા કે હવે તો ઘરમાં વહુ લઈ આવ. આમ એકલી હું પાગલ થઈ જઈશ. પણ વિજયને હમણાં પરણીને કરીયર ખરાબ નહોતું કરવું. એણે નિર્ધાર કર્યો હતો કે કરોડપતિ થયા બાદ જ લગ્ન વિશે વિચારીશ!

પણ પ્રિયાને જોઈ એ ઘડીથી એનો વિચાર બદલાઈ ગયો. જો પ્રિયા હા પાડી દે તો….. તો કરીયર કદાચ થોડી રાહ જોઈ શકે છે! અઠવાડિયા પહેલાં વિજયને પૈસા સિવાય કંઈ સુઝતુ નહોતું અને આજ કાલ બઘે પ્રિયા જ દેખાતી હતી!

આજુબાજુ નજર કરતા હવે વિજય ચિંતિત થઈ ગયો. રસ્તા પર એકલ દોકલ વ્યકિત સિવાય કોઈ નહોતું. સાડા દસ થવા આવ્યા. વિજય જાણતો હતો અહીં દસ પછી ફક્ત દારૂડિયા જ ભટકાવાના. રસ્તા પર ટેક્સીવાળા કે ફેરીયાઓ પણ નહોતા. કદાચ પ્રિયા નીકળી ગઈ હશે એમ વિચારી વિજયે છેલ્લી વાર એની ઑફિસ તરફ પગ માંડ્યા. ત્યાં તો પ્રિયાની ઑફિસના બિલ્ડિંગમાંથી સુટ-બુટમાં સજ્જ ત્રણ માણસો બહાર આવ્યા. વિજયે એમના પહેરવેશ પરથી તેઓ કોઈ મોટા હોદ્દા પર હોવા જોઈએ એવો તર્ક લગાવ્યો. ત્યાંજ એમની સાથે પ્રિયાને જોતાં એના શરીરમાં ફરી પાછી નવી ચેતનાનો સંચાર થયો. આખરે આખા દિવસની મહેનત ફળી એમ વિચારતો વિજય પેલા ત્રણના જવાની રાહ જોતો ઉભો રહ્યો.

ત્રણે બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી મારૂતિમાં બેઠા અને પ્રિયાને પણ ડ્રોપ કરવાની ઓફર કરતા હોય એમ લાગ્યું. વિજય હતાશ થઈ ગયો. આજે પણ નસીબે સાથ ન આપ્યો. ત્યાંજ દૂરથી એક ટેક્સી આવતી જોઈ વિજયે કારની પાછળ જવા નક્કી કર્યુ જેથી એ સ્ટેશને તો પ્રિયાને મળી શકે. મારૂતિ એની પાસેથી પસાર થઈ. વિજયનું ધ્યાન પાછળની સીટ પર બેસેલી રૂપરૂપનાં અંબાર સમી પ્રિયા પર પડયું. ત્યાં જ ટેક્સીનો હોર્ન સાંભળતા વિજયે હાથ કરી ઊભી રાખી ‘’કાર કે પીછે લો’’ કહેતો વિજય ઝડપથી બેસી ગયો.

ફોર્ટથી ચર્ચગેટ તરફ વળવાની જગ્યાએ મારૂતિ વી.ટી. તરફના રસ્તા પર ફંટાણી એટલે વિજયના પેટમાં ફાળ પડી. પ્રિયા તો ગોરેગામ રહે છે ને રોજ ચર્ચગેટથી જાય છે. અને આજે… કદાચ કોઈ બીજા સગાને ત્યાં જવું હશે. એમ વિચારતા એણે પણ ટેક્સી વી.ટી. તરફ દોડાવી. વી.ટી. તરફનો રસ્તો સુમસામ હતો. આજુબાજુની નાની ગલ્લીઓ અંધારામાં ભયકંર લાગતી હતી.

ત્યાં તો વચ્ચે મારૂતિ કાર ધીમી પડી અને એક અંધારી સાંકડી ગલ્લીમાં ફંટાણી…. ટેક્સીવાળો થોડા અંતરે રહી ચલાવતો હતો. વિજયે ટેક્સીવાળાને કારની પાછળ ગલીમાં વળાંક લેવા કહ્યું. “વો કારમે પીછે એક લડકી થી ના?” ટેક્સીવાળાનો આવો સવાલ સાંભળી વિજય અંચબામાં પડ્યો. “હા…. લેકીન ઐસા ક્યો પૂછ રહે હો?” “ક્યા સાબ આપ ભી…. ઈતના ભી સમજ મેં નહિ આતા હે… મુજે સાફ દિખાઈ દે રહા થા. પીછે બૈઠે દોનો આદમી લડકી કો છેડ રહે થે. અભી ઈતની રાતકો વો ગલી મેં જાકે મેરેકો કોઈ લફડે મેં નહિ પડના હૈ.”

આ સાંભળતા જ વિજય થરથર કાંપવા લાગ્યો… આવો શક તો એને ગયો જ નહોતો. શું કરવું એ દ્વિધામાં વિજય બેસી રહ્યો. “ભાઈ સાબ જલ્દી કરો…. મુજે ભી ઘર જાના હૈ. ઓર ઈધર કોઈ લફડા હો ગયા તો…” વિજય હિંમત એકઠી કરી ઉતર્યો ને પૈસા ચુકવ્યા. પૈસા મળતાં જ ટેક્સીવાળો પૂરપાટ ઝડપે ટેક્સી ભગાવી ગયો . વિજયે ગલીમાં નજર કરી સુમસામ રસ્તા પર કોઈ જ નહોતું. આગળ ગલ્લી વળાંક લેતી હતી એટલે કાર એ બાજુ ગઈ હશે એમ વિચારી વિજયે ઝડપથી પગ માંડયા.

શિયાળાની રાત હતી એટલે ઠંડકને લીઘે અને ડરને લીઘે વિજય ઘ્રુજતો હતો. વળાંક પાસેથી જોતા વિજયે કારને બીજી અંધારી ગલીમાં પાર્ક કરલી જોઈ. ગાડી એક જર્જરિત મકાન પાસે ઉભી હતી. ત્રણે જણ કારમાંથી ઉતર્યા હતા ને એમણે પ્રિયાને પકડી રાખી હતી. પણ પ્રિયા તરફથી કોઈ પ્રતિકાર નહોતો. કદાચ પ્રિયા ભાનમાં નહોતી. કદાચ નરાધમોએ કાંઈક સુંઘાડયું હશે. વિજયે આજુબાજુ નજર ફેરવી. ગલીમાં કોઈ નહોતું. બૂમ પાડું કે પેલા લોકો પાસે પહોંચીને એમને લલકારું એમ વિચારતો વિજય ઘડી બે ઘડી પૂતળાની જેમ ત્યાં ઉભો રહ્યો.

ત્યાં વિજયની નજર જર્જરિત મકાનથી બહાર આવતા બીજા બે પહેલવાનો પર પડી. હવે વિજય ગભરાયો. એ પાંચ પાંચ જણ અને પોતે એકલો. એનું દિલ પોતાના પ્રથમ પ્રેમને બચાવવા વિજયને યા હોમ કરી કૂદી પડવા પોકારી રહ્યુ હતું, પણ મનમાં બીજા વિચારો ચાલુ હતાં. ‘આ છોકરી માટે હું મારું જીવન શું કરવા બગાડું? આખરે એ કોણ છે મારી? હજી તો એ પરણેલી છે કે કુંવારી એ પણ નથી ખબર… એ તો મને ઓળખતી પણ નથી… પછી શા માટે હું આ ગુંડાઓ જોડે બાથ ભીડી મારી જાન જોખમમાં નાખું…. મારી આ એક ભૂલને લીઘે મારું આખું કરીયર ખલાસ થઈ જશે. અહીંથી ચાલ્યા જવામાં જ શાણપણ છે. વિજય આમ તો પહેલેથી જ કરીયર માઈન્ડેડ હતો. ને આ કારણે એનો પ્રિયા માટેનો પ્રેમ અચાનક ગાયબ થઈ ગયો. વિજય વધુ વિચાર આવે એ પહેલાં પૂર ઝડપે ત્યાંથી ભાગીને મેઈન રોડ પર આવ્યો. હૃદયમાં કોઈ હથોડા મારતું હોય એમ ઘબકારા ચાલી રહ્યા હતા. શિયાળાની રાત્રિની ઠંડકમાં એ પરસેવે રેબજેબ થઈ ગયો હતો. મનમાં સખત ખેંચતાણ હતી… કોઈને મદદ માટે બોલાવું કે આ નકામી ઝંઝટમાં પડવા કરતા ઘર ભેગો થઈ જાઉ?

ત્યાં દૂરથી રાતના પેટ્રોલિંગ કરતી પોલીસની મોબાઈલ વાન આવતી જોઈ. ઉપાય આંખ સામે હતો. ફકત પોલીસને કહેવાની જરૂર હતી, કે અંદર બીજી ગલ્લીમાં કાંઈક ગરબડ છે. છતાં પણ એ હાથ ઊંચો કરીને એ વાનને ઉભી ન રાખી શક્યો. એની જીભ પણ જાણે તાળવે ચોંટી ગઈ હતી. આટલી હદે એ ક્યારેય ભયભીત નહોતો થયો. એનો અંતરાત્મા એને ડંખવા લાગ્યો. વિચારો ને વિચારોમાં એણે વી.ટી. સ્ટેશન તરફ ચાલવા માંડયું. રસ્તામાં દિલને મનાવવા લાગ્યો . ‘આમેય હું વચ્ચે પડત તો પણ કાંઈ એને બચાવી નહોતો શકવાનો. અને આ પોલીસના ચક્કરમાં નકામી હેરાનગતિ થાત….’

ઘરે પહોંચતા જ ‘મને ભૂખ નથી’ કહી એ સીધો પોતાના રૂમમાં જઈ ઢળી પડ્યો. મીનાબેન એને પહોંચતા જ કળી ગયા કે પુત્રને કોઈક વાતનો આઘાત લાગ્યો છે. એમણે પણ એને ન બોલાવ્યો. રાત આખી પોતાની નામર્દાનગીથી દુ:ખી થતો વિજય પ્રિયા વિશે વિચારતો રહ્યો. શું થયું હશે એનું…. એ જીવતી રહેશે કે નરાધમો એને મારી નાંખશે. પરંતુ હવે કશું થઈ શકે એમ નહોતું. વીતેલી ક્ષણ કોઈ પાછી લાવી શકતું નથી!

એ દિવસ પછી બીજુ આખું અઠવાડીયું વિજય ‘તબિયત ખરાબ છે’ કહીને ઘરે જ રહ્યો. એનો અંતરાત્મા પોકારી પોકારીને વિજયને પ્રિયા પર થયેલા અત્યાચારમાં ભાગીદાર હોવાનું જણાવી રહ્યો હતો. વિજય આ આઘાતથી નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયો. મીનાબેનથી આ જોવાતું નહિ “તુ સાચ્ચું કહે વિજય એ રાત્રે શું થયું હતું?” એમ ઘણીવાર પૂછી જોયું પણ વિજયમાં આ નાલેશીભરી વાત કોઈને કહેવાની હિંમત નહોતી. તે દિવસે પ્રિયાની ઑફિસનું કાર્ડ રીસેપ્શનીસ્ટે આપ્યું હતું પણ એને ફોન કરી પ્રિયા વિશે પૂછવાની એની હિંમત ન ચાલી. ધીરેધીરે સમય વીતતો ગયો એમ પ્રિયાની વાત મનમાંથી ભૂંસાવા લાગી. મીનાબેન વારે ઘડીએ લગ્ન માટે દબાણ લાવતા પણ વિજય વાત ટાળી દેતો.

ઑફિસમાં જલ્દી કામ આટોપી આજે વિજય ચાર વાગ્યે નિકળી ગયો. આજે એણે ગોરેગામમાં રહેતા એના ખાસ મિત્ર વિનયને એના ઘરે યોજેલી પાર્ટીમાં સમયસર પહોચો જવા બાંયઘરી આપી હતી. વિનયે એના એક વર્ષના પુત્ર મિહિરના જન્મદિન નિમિત્તે ખાસ મિત્રો, કુટુંબીજનો તેમજ પાડોશીઓને આમંત્રણ આપ્યું હતું. લગભગ પોણા છ ના સુમારે વિજય વિનયના ઘરે પહોચી ગયો. વિજય હંમેશાં મોડો પડતો એટલે વિનયે જાણી કોઈને એને વહેલો સમય કીધો હતો. પોતે સૌથી વહેલો આવી ગયો એ જાણી વિજય ક્ષોભ પામ્યો. વિજયને એકલું ન લાગે એટલે વિનયની બેન રેખા એની જોડે વાતે વળગી. ત્યાં ડોરબેલ વાગી એટલે રેખાએ ઉભા થઈ બારણું ખોલ્યું. “આવ પ્રિયા તારી જ રાહ જાતી હતી .”

વિજયના હોશ ઉડી ગયા. એની આંખ સામે એજ પ્રિયા…. આમ આજે અનાયાસે મળી જશે એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો. પોતે પ્રિયા સાથે આંખ નહિ મેળવી શકે એમ માની સોફા પરથી સફાળો ઉભો થઈ વિજય અંદરની રૂમમાં જવા લાગ્યો. રેખાનું ધ્યાન પડતાં બોલી “અરે વિજય શું થયું? કેમ મારી કંપનીથી બોર થઈ ગયો?”

“ના… આ તો…..” વિજયને શું બોલવું સુઝયું નહિ. “ તો પછી જરૂર પ્રિયાથી શરમાઈ ગયો હોઈશ… બરાબરને?” આ સાંભળી પ્રિયાને પણ હસવું આવી ગયું. વિજય પ્રિયાનું હાસ્ય નીરખતો રહ્યો…. વિજયના આંખની ચમક રેખાના ધ્યાન બહાર નહોતી. એણે પ્રિયાને ઓળખ કરાવતા કહ્યું “વિજય આ છે મારી પાડોશણ ને મારી પ્રિય સખી પ્રિયા; અને પ્રિયા આ છે મારા શરમાળ ભાઈના એનાથી પણ વધુ શરમાળ મિત્ર વિજય….” રેખાની આ ટકોર વિજયને ખટકી. છતાં પણ ખચકાતા મને એણે પ્રિયા સાથે હાથ મિલાવ્યા. “નાઈસ મીટીંગ યુ” પ્રિયાનો મધુર અવાજ અને એની નરમ હથેળીના સ્પર્શથી વિજયનું રોમ રોમ આ અલૌકિક ક્ષણના આનંદમાં ડૂબી ગયું.

વિજયે હાથ ન છોડતાં…. પ્રિયાએ થોડા ક્ષોભથી પોતાનો હાથ છોડાવ્યો… પણ એનાં મનમાં પણ પ્રથમવાર આ પુરુષનો હાથ ન છોડવાના ભાવ જાગ્યા. વિજયનું સાદગીપણું અને શાંત સ્વભાવ તેને સ્પર્શી ગયા. એમાં પણ કદી નહિ ને આજે પ્રથમવાર બીજા પુરુષની આંખોમાં વાસનાની જગ્યાએ પ્રેમ જોયો. રેખા આ બંનેને એકમેકને આમ જોતા “હું તારા માટે પાણી લઈ આવું” કહીને જાણી જોઈને એ બંનેને એકલા મૂકી અંદર ચાલી ગઈ.

વિજય પ્રિયાના શાંત, માસુમ ચહેરા તરફ જોવા લાગ્યો. આખરે આજે હિંમત એકઠી કરીને વિજયે વાતની શરૂઆત કરી “તમે ફોર્ટમાં કામ કરો છો ને?” આ સાંભળતા જ પ્રિયાના મુખના હાવભાવ તંગ થઈ ગયા. ઘડીભર પહેલાંનો તેજસ્વી ચહેરો સૂર્યાસ્ત પછીના સૂરજમુખીના કૂલની જેમ કરમાઈ ગયો. વિજયને પણ વાત પૂછી લીધા પછી પોતાની ભૂલ સમજાઈ. આ તો એણે વગર વિચાર્યે પ્રિયાની દુખતી નસ દાબી દીધી. પણ પ્રિયાએ સવાલ ટાળ્યા વગર જવાબ દીધો, “હા વરસ પહેલાં ત્યાં જોબ કરતી હતી… હવે હું જોબ નથી કરતી. પણ તમે કેવી રીતે ઓળખો મને?” આ સામા સવાલથી વિજય મુંઝાઈ ગયો. ઉતાવળમાં જે જવાબ જડયો એ કહી દીધો , “એ તો એક બે વખત હું મારા કામથી આવ્યો હતો ત્યારે મેં તમને ત્યાં જોઈ હતી. અને તમારા જેવી સુંદર સ્ત્રીની યાદ મનમાંથી જલ્દી ભૂંસાતી નથી.” વિજય પણ વિચારમાં પડી ગયો કે પોતે આ શું બોલી ગયો. વિજયનું આ વાક્ય સાંભળી પ્રિયા હસવા લાગી. “એટલે હું સુંદર છું એટલે જ તમને હું યાદ રહી?” “ના… ના… એમ નહિ પણ… તમારામાં કશુંક…..”

ત્યાં રેખાને પાણી લઈ આવતી જોઈ એમની વાતમાં ભંગ પડ્યો. અને કોઈએ ડોરબેલ વગાડી. રેખાના હાથમાં ટ્રે જોઈ પ્રિયાએ ઉભા થઈ બારણું ખોલ્યું. એક સાથે પંદર-વીસ છોકરાઓનું ધાડું ધસી આવ્યું. ક્ષણભર પહેલાંના શાંત બગીચામાં જાણે વાંદરાઓનું ટોળું ઉમટી પડયું. પછી તો એક પછી એક મહેમાનો આવતા ગયા અને વિજય તેમજ પ્રિયા પાર્ટી પૂરી થવાની રાહ જોતાં ઘડીયાળનાં કાંટા તરફ જોવા લાગ્યા.

આખરે સાડા આઠે પ્રિયાને જતી જોઈ વિજય પણ એની પાછળ બાહર નીકળયો. હિઁમત એકઠી કરી વિજયે પ્રિયાને બોલાવી. “પ્રિયા…. આ મારું કાર્ડ” પાર્ટી દરમ્યાન વિજય પ્રિયા સાથે શું વાત કરવી એજ વિમાસણમાં હતો. આખરે એને શેરબજારમાં ઈન્વેસ્ટમેંટ વિશે પૂછી પોતાની ક્લાયંટ બનાવવાનો તુકકો સુઝયો. “જો તને કે તારા કોઈ રીલેટીવને શેરબજારમાં ઈન્વેવેસ્ટ કરવામાં રસ હોય તો બંદો હાજર છે. અને હા આજ સુધી મારા કોઈ ક્લાયંટને શેરબજારમાં નુકસાન નથી થયું…” પોતાના જ વખાણ પોતાના મોઢે કર્યા બાદ વિજયને અજુગતું તો લાગ્યું પણ પ્રિયા સાથે વાત કરવા બીજો કોઈ વિષય જડયો નહિ. “સોરી પણ અમારા ફેમિલીમાં કોઈને શેરબજારમાં રસ નથી.” પ્રિયાની વાત સાંભળી વિજય થોડો નિરાશ થયો. “નો પ્રોબ્લેમ… આ તો જસ્ટ ઈન કેસ…” વાત વાતમાં નીચેના માળે આવેલી પ્રિયાના ફ્લેટ પાસે બંને પહોચ્યા. પ્રિયાએ બેલ મારી અને વિજયને સ્મિત આપતા પૂછ્યું, “આપને મોડું ન થતું હોય તો…” ત્યાં તો પ્રિયાના પપ્પાએ દરવાજો ખોલ્યો. એમને જોઈ પ્રિયાએ વિજયની ઓળખાણ આપતાં કહ્યુ, “પપ્પા આ વિજય…. વિનયના મિત્ર છે.” પ્રિયાની આંખમાં વિજય બોલતાં આવેલી ચમક જોઈ હસતાં મુખે હસમુખભાઈએ વિજયને આવકાર આપ્યો. “આવો આવો…… અંદર આવો.”

આવા માન સહિત આવકારથી વિજય ખુશ થયો પણ ખરાબ ન લાગે એટલા ખાતર આનાકાની કરી “નહિ… અંકલ મને મોડું થાય છે. બીજી કોઈ વાર.”

“પસ્તાશો!” હસમુખભાઈના આ વાક્યે વિજયને ચોંકાવ્યો. “જી…. હું સમજ્યો નહિ.” “અરે પ્રિયાના હાથની લાજવાબ ચા પીવાનો ચાન્સ ગુમાવી રહ્યા છો તમે.” પછી ધીમેથી ઉમેર્યુ, “યાર તમારે બહાને મને પણ પીવા મળશે… આવોને!” હસમુખભાઈના સ્વભાવને જોઈ વિજય પણ હસતા મુખે ઘરમાં પ્રવેશ્યો. “આવો બેસો અહીં” કહી હસમુભાઈએ વિજયને પોતાની પાસે સોફા પર બેસવા કહ્યું. “પ્રિયા જરા મસાલેદાર ચા બનાવજે… એટલી વાર અમે પણ જરા મસાલેદાર વાતો કરીએ” કહી હસમુખભાઈ વિજય સામે જાણે વાર્તા સંભળાવવાના હોય એમ બેઠા. પ્રિયા હસતી હસતી ચા મુકવા ગઈ. બોલો “શું કીધું તમારુ નામ? હા વિજયભાઈ…! શું કરો છો તમે?”

“જી શેરબજારમાં વકીલ એન્ડ મહેતાને ત્યાં સર્વિસ કરું છું.” ”અચ્છા અચ્છા…. અમારી પ્રિયા પણ ફોર્ટમાં જ જોબ કરતી હતી. સરસ જોબ હતી પણ ગાંડીએ છોડી દીધી. એક દિવસ અચાનક કહેવા લાગી મને જોબમાં કંટાળો આવે છે, હવે હું કોઈ જોબ નહિ કરું… મેં એને કેટલી સમજાવી… આમ ભણીગણીને ઘરે જ બેસવું હતું તો ભણી શું કામ? બરોબરને?” આ વાતથી વિજયનો ચહેરો સુકાઈ ગયો. ફરી મનમાં એ રાતનો બનાવ આંખ સામે આવી ગયો. “શું થયું વિજયભાઈ? શું વિચારમાં પડી ગયા?” ”જી… જી…. કંઈ નહિ .”

તમારા ધ્યાનમાં કોઇ એડવર્ટાઇઝીંગ એજંસી છે નજીકમાં? “જી નહિ.” પ્રિયા કિચનમાંથી બહાર આવી, “શું પપ્પા તમે પણ? જે આવે એને મારા જોબ વિશે પૂછ્યા કરો છો. હું ઘરે બેઠી છું તો શું નડું છું તમને?” પ્રિયા થોડા ગુસ્સા સાથે પપ્પાને ખીજાણી. “ના બેટા.. હું તો તારા ભલા માટે…”

“પ્લીઝ પપ્પા તમને કેટલીવાર કહું… મને જોબ કરવામાં બિલ્કુલ રસ નથી. તમને મારા સમ છે હવે આ વિષય ફરી કાઢ્યો છે તો!” પ્રિયાની નારાજગી જોઇ હસમુખભાઇ સમજી ગયા. “ઓ.કે.!” એટલું બોલી ચૂપ થઇ ગયા. પ્રિયા ચાના કપ લઇ આવી. મસાલેદાર ચાના બે ઘૂટડાં પેટમાં જતાં હસમુખભાઇનો મૂડ ફરી બદલાણો… “તમારા લગ્ન થઇ ગયા?”

સવાલ સાંભળી વિજય અને પ્રિયા બંને ચોંકી ગયા. “જી ના.. હજુ વાર છે” વિજયે જવાબ આપ્યો. “લો.. આ તો તમે પ્રિયા જેવો જ જવાબ આપ્યો… પ્રિયાને પણ જ્યારે લગ્ન વિશે પૂછો એટલે કહેશે.. વાર છે.. બરાબરને પ્રિયા?”
“પપ્પા પ્લીઝ… તમને બીજા કોઇ સારા વિષય નથી મળતા વાત કરવા?” “ઓહ સમજ્યો.. આઇ એમ સોરી બેટા.. તમે બે જુવાનિયાઓની વચ્ચે હું આમ બડબડ કરું તો તમે બોર તો થવાના જ… નો પ્રોબ્લેમ હું અંદરની રૂમમાં જઇ ચાનો આનંદ માણું”.. કહી હસમુખભાઇ ઉભા થયા.

“ના અંકલ એવું કાંઇ નથી… બેસોને” આ સાંભળી હસમુખભાઇએ ફરી હસીને જવાબ આપ્યો.. “પસ્તાશો!” આ વખતે જવાબ સાંભળી વિજય પણ શરમાઇ ગયો. હસમુખભાઇ હસતાં હસતાં અંદર ગયા. બે મિનિટ ખંડમાં સ્મશાન જેવી શાંતિ છવાઇ ગઇ. આખરે વિજયે પૃચ્છા કરી “તમારા મધર નથી દેખાતા..” સાંભળીને ખિન્ન હ્રદયે પ્રિયાએ જવાબ આપ્યો “એ તો હું પંદર વર્ષની હતી ત્યારે જ મને મૂકીને ચાલી ગઇ…” પ્રિયાના ચહેરા પર વિષાદ જોઇ વિજય સમજી ગયો, “આઇ એમ સોરી પ્રિયા… મારા પપ્પા પણ હું દસ વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયા..”

“ઓહ.. કહી પ્રિયા ફરી ચૂપ થઇ ગઇ. “તો હવે હું નીકળું? મમ્મી મારી રાહ જોતી હશે”. કહી વિજય ઉભો થયો. “મેં તો તમારા ઘરની ચા પીધી… હવે તમારે પણ મારા ઘરે આવવું પડશે.” ત્યાં હસમુખભાઇ બહાર આવ્યા, “હા.. હા.. એ તો હું પણ જરૂર આવીશ. તમને વાંધો ન હોય તો.”

“અરે અંકલ શું તમે પણ..” “બીજી એક વાત છે વિજય.. જો તમે માનવાના હો તો એક રિકવેસ્ટ છે.” “અરે અંકલ તમારે હુકમ કરવાનો હોય, રિકવેસ્ટ નહિ.” “અરે વાહ, તો સાંભળો મારો હુકમ… આજે બરાબર એક વર્ષ બાદ પ્રિયાના મુખ પર મેં હાસ્ય અને આનંદ જોયા છે. એટલે હું ચાહુ છું કે તમે પ્રિયાને મળવા રોજ આવો.” “પપ્પા આ શું બોલો છો?” પ્રિયા ગુસ્સામાં બોલી. હસમુખભાઇની વાતથી વિજય મલકીને બોલ્યો, “મને તો કોઇ વાંધો નથી.. પણ” “પણ શું જેંટલમેન?” “પણ પ્રિયાને તમારી વાત ગમી નથી લાગતી.” આ સાંભળી પ્રિયા શરમાઇને અંદર ચાલી ગઇ. પોતાનું તીર નિશાના પર લાગ્યું છે જોઇ હસમુખભાઇ અને વિજય બંને હસતા હસતા વિખૂટા પડ્યા.

વિજય અને પ્રિયા લગભગ દરરોજ મળવા લાગ્યા. વિજયના કહેવાથી પ્રિયા મીનાબેનને પણ મળી આવી. મીનાબેન તો સુંદર અને સુશીલ પ્રિયાને જોઇ ખુશ થઇ ગયા. હવે એમના અને હસમુખભાઇના માથેથી લગ્નની ચિંતાનો ભાર નહિવત થઇ ગયો. વિજય અને પ્રિયાનો એક બીજા માટે પ્રેમ જોઇ લગ્ન હવે નિશ્ચિત જ હતાં. આમ ને આમ લગભગ બે મહિના વીતી ગયા.

એક રવિવારની સાંજે મઢના દરિયા કાંઠે બેઠા બેઠા વિજય અને પ્રિયા દરિયા પરથી આવતી ઠંડી હવાનો આનંદ માણી રહ્યા હતા. બહારથી આનંદિત દેખાતી પ્રિયાના મનમાં ઘૂઘવાતા દરિયાની જેમ વિચારોના વમળ સર્જાઇ રહ્યા હતા. ‘હું વિજયને પેલી રાતની વાત કરી દઉં? પણ પછી એ મને આટલો જ પ્રેમ કરશે કે મને છોડી દેશે?’
આખરે પ્રિયાએ વિજયને આ વાત કરીને હ્રદય હલકું કરી નાખવાનો મક્ક્મ નિર્ણય કર્યો.

પ્રિયાએ તે દિવસે ઑફિસથી નીકળ્યા બાદથી લઇ પોતાને બેહોશ કર્યા સુધીની વાત કહેતાં સુધીમાં વિજયના મનમાં માંડ દબાવી રાખેલા વિચારો બંધ તૂટતાં જેમ પાણ ધસી આવે એમ ધસી આવ્યાં. છતાં પ્રિયાને બોલતાં ન અટકાવી. “મને બેહોશ કર્યા બાદ મારા નરાધમ બોસે મારા પર બળાત્કાર કરવા પ્રયત્ન કર્યો અને તેજ સમયે ત્યાંથી પસાર થતી મોબાઇલ પોલીસ વાન આવી પહોંચી. અવાવરૂ મકાન પાસે કારને પાર્ક કરેલી જોઇ અને પેલા બે મવાલીઓને દરવાજા પાસે ઉભેલા જોઇ એમને શંકા જતા તેઓ બિલ્ડિંગ પાસે આવ્યા અને મને ઉગારી લીધી.”

“બીજે દિવસે હૉસ્પિટલમાંથી હું સીધી ઘરે ગઇ અને ઑફિસમાં ઘણું કામ હોવાથી ત્યાં જ રોકાવું પડ્યું એવા બહાના કાઢી મેં એ વાત કોઇને કરી નહિ પણ તમારાથી આ વાત છુપાવવી યોગ્ય નહોતી એટલે મેં મારું હ્રદય હળવું કરી નાખ્યું. હું જાણું છું આ વાતથી તમને ઠેસ પહોંચી હશે પણ હવે આપણા ભવિષ્યનો નિર્ણય હું તમારા પર છોડું છું.”

વિજય અવાક થઇ ગયો. આ બહાદુર સ્ત્રીએ તો પોતાની આપવીતી જણાવી દીધી પણ હવે એને પોતાની વાત કેમ કરીને કહેવી, આમ તો વિજય ન જણાવે તો પ્રિયાને એ વાત ખબર પડવાની નહોતી પણ વિજય પણ ઘણા વખતથી હ્રદય પર આ અસહ્ય બોજો લઇને ફરતો હતો, એટલે હવે વાત કરવા વગર છુટકો જ નહોતો.

“પ્રિયા મારે પણ તને એક વાત ઘણા વખતથી કહેવી હતી.” આ સાંભળી પ્રિયાને કુતૂહલ થયું. એ તો વિજય હવે શું ફેંસલો કરશે એના વિચારોમાં ખોવાયેલી હતી. “પ્રિયા તે જે વાત કરી એ હું પહેલેથી જાણતો હતો.” આ સાંભળી પ્રિયાની નવાઇનો પાર ન રહ્યો. “શું વાત કરો છો? આ શક્ય જ નથી. આ વાત મારા ને ઘટના સ્થળ પર આવેલ પોલીસ સિવાય કોઇને જ ખબર નથી. પછી તમને… તમને કેવી રીતે ખબર પડી?” આખરે વિજયે ઘટસ્ફોટ કર્યો, “આ બનાવ બન્યો ત્યારે હું ત્યાં હાજર હતો.” “શું તમે ત્યાં… તમે ત્યાં? પણ તમે ત્યાં શું કરતા હતાં?”

“જો પ્રિયા મને ખબર છે કે મારી આ વાત સાંભળી તને મારા પરથી માન ઘટી જશે… કદાચ તું ફરી પાછું મારું મોઢું સુદ્ધા ન જોએ. પણ હવે આ વાત મારે કહેવી જ પડશે. હું તને વિનયની પાર્ટીમાં મળ્યો એ પહેલાંથી જાણતો હતો. ફોર્ટના રસ્તા પર તને પહેલીવાર જોઇ ત્યારથી હું તારા પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. એટલે જ તારી રાહ જોતો ઘટનાના દિવસે સવારથી તને મળવા હું ફાંફા મારતો હતો. કલાકોની પ્રતિક્ષા બાદ આખરે તું ઑફિસની બહાર આવી ત્યારે ફરી મારી કિસ્મતે દગો દીધો. તું તારા બોસની કારમાં બેઠી એટલે હું પણ તારી પાછળ ટેક્સીમાં આવ્યો. તમારી કારને સુમસામ ગલીમાં પ્રવેશતા જોઇ ટેક્સીવાળો પણ સમજી ગયો કે જરૂર કંઇક ગરબડ છે. એટલે એણે મને મેઇન રોડ પર જ છોડી દીધો. હું હિંમત એકઠી કરી ગલીમાં પ્રવેશ્યો ને ત્યાં તારા ત્રણ બોસ ને બીજા બે પહેલવાનોને જોયા. પાંચ જણને જોઇ હું ગભરાયો, મને થયું કે હું વચ્ચે પડીશ તો પણ આ પાંચને તો નહિ પહોંચી શકું. એટલે આખરે ડરના માર્યા મેં પીછેહઠ કરી… આઇ એમ સોરી પ્રિયા હું વિવશ હતો…”

પ્રિયા આ આઘાત સહન ન કરી શકી… “બસ! હવે આગળ કાંઇ ન બોલતા.” આટલું કહેતા પ્રિયા ઉભી થઇ ગઇ. “એક સ્ત્રી, જેની પાસે તમે પ્રેમનો એકરાર કરવા જઇ રહ્યા છો… એના પર બળાત્કાર જેવું હિચકારું કૃત્ય થવાનું છે, એ જાણતા હોવા છતાં તમે કાંઇ જ ન કર્યું? ધિક્કાર છે તમારી મર્દાનગી પર.” વિજય પ્રિયા સાથે આંખ ન મળાવી શક્યો. નીચા મોઢે એણે પોતાનો બચાવ કરવા પ્રયત્ન કર્યો. “પણ.. પ્રિયા…”

“મારે કાંઇ નથી સાંભળવું.” પ્રિયાની આંખમાં અશ્રુ આવી ગયા. હું તો તમારી હુંફમાં આખી જિંદગી વિતાવવાનો નિર્ણય કરી ચૂકી હતી. પણ તમારા જેવા ડરપોક માણસ સાથે જિંદગી વિતાવવા કરતાં હું કુંવારી રહેવાનું પસંદ કરીશ. આજ પછી મને મળવાની કે ફોન કરવાની હિંમત ન કરતા.” રડમસ અવાજે પ્રિયા ઝડપભેર વિજયથી દૂર ચાલી ગઇ. વિજય ન કાંઇ બોલી શક્યો.. ન ઉભો થઇ પોતાના જીવનથી હંમેશાં માટે દૂર જતી પ્રેયસીને અટકાવી શક્યો…

કિનારાની માટીને ઘડી બે ઘડી ભેટીને પાછા ફરી જતા સમુદ્રનાં મોજાને નીરખતો રહ્યો. મનમાં એક જ વિચાર ચાલુ હતો… ‘એ ક્ષણે આ દગાબાજ મનની વાત ન માનતા દિલનો પોકાર સાંભળી એ ગુંડાઓ પર હું તૂટી પડ્યો હોત તો? કદાચ હું આજે જીવતો ન હોત… કદાચ….’