શીલાનો અજય – ડૉ. નવીન વિભાકર

[રીડગુજરાતીને આ કૃતિ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર.]

શીલાનાં માતાપિતા વિચિત્ર મૂંઝવણમાં પડી ગયા હતાં. શીલાનું શું કરવું એ જ તેઓને સમજાતું નો’તોં. આખો દિવસ ડાહીડમરી બની રહેતી શીલાને સાંજ પડતાં શું થતું કે દોડીને સાગરતટે પહોંચી જતી. બોલવાનું પણ ઓછું કર્યું હતું. આખો દિવસ શૂન્ય નજરે, બધું કામ કર્યા કરતી, પરંતુ સાંજના છ વાગતાં તે પોતાના રૂમમાં જઇ તૈયાર થઇ નીકળતી. રોજ સાંજના એ જ સાડી પહેરી, એ જ જ્ગ્યા એ પહોંચી જતી. આઠ વાગતાં ભાવહીન, શૂન્ય નજરે ઘરે પાછી ફરતી. ઉદાસીથી ઊભરાઇ પડતી આંખો જોઇ માતાપિતા દુઃખી થતાં.

ઘણું સમજાવવા છતાં છેલ્લાં બે વર્ષથી શીલાની એ જ સ્થિતિ જોઇ માતાપિતા તેણીને ડોક્ટર ભરત પારેખ –‘PsyCo-Neuro Surgeon’ – પાસે લઇ ગયાં. સાંજનો ટાઇમ હતો, વિગત સમજાવતાં છના ટકોરા થયા ને શીલા, સડપ કરતી ઊભી થઇ ને બહાર દોડી ગઇ: ‘ડોક્ટર, રોજનું આમ છે. સાંજે છ વાગ્યે આમ જ દોડી તે બહાર ચાલી જાય છે. એ જ કપડાં ને એ જ સમય. છેલ્લાં બે વર્ષથી આ સ્થિતિ છે.’

‘મિસિસ પટેલ, મને તમે વિગતથી કંઇ સમજાવો તો સમજ પડે.’
‘ડોક્ટર, વાત એમ છે કે શીલા તથા અજયના વિવાહ, તેમની પસંદગીથી બે વર્ષ પહેલાં કરેલા. રોજ સાંજે તેઓ સાગરાકિનારે ફરવા જતાં. એક સાંજે તેઓ ફરવા ગયેલાં ત્યારે મારી જયશ્રી પણ હઠ કરી તેમની જોડે ગયેલી. લગભગ સાંજ ના સાત સવાસાત થયેલા, જયશ્રી દોડતી આવીને અમને બોલાવી ગઇ. શીલાનો ફેરફાર જોઇ અમે સ્તબ્ધ થઇ ગયેલાં. અજય ક્યાંય દેખાતો નહોતો. જયશ્રી પૂછતાં માલૂમ પડ્યું કે સાડા છ સુધી તેઓ સાથે જ હતાં. પણ રોજ જેમ તેઓ હસીબોલીને વાતો કરતાં નો’તાં. કંઇ ગંભીરપણે ચર્ચા ચાલી હતી. એ પછી જયશ્રી ચણામમરા લેવા ગ ઇ ને દસેક મિનિટ પછી પાછી આવી ત્યારે અજય નો’તો. શીલા શૂન્યમનસ્ક બેઠી હતી. જયશ્રી એ તેને બેચાર વાર બોલાવી, પણ જવાબ ન મળતાં તે દોડીને અમને બોલાવી ગ ઇ. અમે ત્યાં દરિયા સામે જ રહીએ છીએ. અજયના ઘરે તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે નો’તો. રાત આખી અમે વ્યગ્રતાથી કાઢી ને સવારે અજયનો દેહ સાગરતટે પડેલો જોવામાં આવ્યો. બસ ત્યારથી શીલા રોજ સાંજે ત્યાં રોજની જ્ગ્યાએ જઇ બેસે છે ને આઠ વાગ્યે પાછી ઘેર આવે છે. શરૂઆતમાં તો મોડી આવતી. કોક વાર બોલાવવા જવું પડતું. ત્યારે બસ ‘’હમણાં આવશે , હમણાં આવશે.” કહી કમને ઘરે આવતી. ડોક્ટર ગમે તે ઉપાયે તેની આ સ્થિતિ દૂર કરો. તેને ઘણી સમજાવે પરંતુ તે કંઇ જ સમજી શકતી હોય તેમે નથી લાગતું.’

‘મિસિસ પટેલ, કદાચ આઘાતને લીઘે આમ બનવા પામે તે સ્વાભાવિક છે. મારાથી બનતું બધું જ કરીશ. તેને મારી હોસ્પિટલમાં દાખલ કરવી પડશે.’

અને શીલાને ડૉ. ભરતને ત્યાં દાખલ કરવામાં આવી. તેનાં માતાપિતા ગમે ત્યારે મળી શકે તેવી ગોઠવણ કરી આપવામાં આવી.

થોડાક દિવસો સુધી ડૉ. ભરતને શીલાની દરેક હિલચાલ પર બારીકાઇથી નજર રાખી. આખો દિવસ શીલા બહુ આરામથી કાઢતી. કોઇ ન કહે કે તેને કંઇ બીમારી હશે, પણ સાંજના છ વાગતાં તેના રૂમમાંથી ભાગતી ને નિયત જગાએ પહોંચી જતી. રોજનો આ ક્રમ જોઇ ડોક્ટર મૂંઝવણમાં પડી ગયા. હવે શું કરવું ? આઘાત લાગ્યો હોય તો માનવીનું મન મૂરઝાઇ જાય ને પરિણામે શારીરિક સ્વાસ્થ્ય પર તેની અસર થયા વગર ના રહે. અહીં તો શીલા ખૂબ તંદૂરસ્ત રહેતી ને ઉપરાંત ખૂબ જ ડાહી લાગતી. ફક્ત સાંજના છ વાગતાં ને ઉશ્કેરાટથી ભાગતી. સાંજે આઠ ને સમયે પાછી ફરી જતી.

એક દિવસે, સાંજના શીલા છ વાગ્યે તેના રૂમમાંથી નીકળી. ડૉક્ટર પણ ધીમે ધીમે તેની પાછળ ગયા. સાગરકિનારો છોડી શીલા નાની એવી એક ભેખડ તરફ આગળ વધી. ભેખડનો ઉપરનો ભાગ સાગરમાં ધસી જઇ છાપરા જેવો લાગતો હતો. નીચે સાગરનાં પાણી ભેખડને સ્પર્શી જતાં હતાં. પરંતુ સ્પર્શ, ધીમો ન હતો, પાણી ભટકાવાથી મોજાંઓનો ખળભળાટ સંભળાતો.

શીલા આરામ થી બેઠી ને ક્ષિતિજ તરફ અનિમિષ નયનોથી જોઇ રહી. તેનો હાથ બાજુની જગ્યા પર ધીમે ધીમે મૃદુતાથી ફરતો હતો. સાડા સાત થતાં ડોક્ટરે શીલાને પાછા ફરવા કહ્યું. આજુબાજુ કોઇ ન હતું. ડૉકટરના હાથનો સ્પર્શ થતાં શીલાએ તે પકડી લીધો ને તીવ્ર તાથી બોલી: ‘ અજય તું આવી ગયો? ‘ ને ડોક્ટર તરફ જોતાં તેનો અવાજ તરડાઇ ગયો. ‘ ઓહ માફ કરજો, એ હમણાં જ આવવાનું કહી ગયો છે.’ વ્યર્થ હસવાનો પ્રયાસ કરવા જતાં તેનાથી રડી પડાયું. મોને હાથ વચ્ચે ઢાંકી તે ડૂસકાં ખાવા લાગી. ડોક્ટરે તેને રડવા દીધી. હ્ર્દય હલકુ થતાં તે સ્વસ્થ થઇ ને એ જ ભાવહીન આંખોથી પાછી ફરી. ડોક્ટર તેની ઉદાસપૂર્ણ આંખો જોઇ ન શક્યા. કેટલી ઉદાસી ! જાણે ચાંદની ચાંદની પ્રતીક્ષામાં ફિક્કી પડી ગઇ ન હોય !! આંખો પણ કેટકેટલા ભાવો પ્રદર્શિત કરી શકે છે !

પંદર પંદર દિવસ થયા હોવા છતાં તેઓ કંઇ નિર્ણય પર આવી શકતા નો’તા. વ્યગ્રતા થી તેઓ ઘરે આવ્યા. ‘ચાલો જમવાનું તૈયાર છે,’ ઇલાએ બૂમ પાડી. ડોક્ટર ટેબલ પર જઇ બેઠા પણ તેમનું ચિત્ત વ્યગ્ર બની ગયું હતું. વારે વારે પેલી બે ઉદાસ આંખો નજર સામે આવી જતી હતી. ‘શું વિચાર કરો છો ? નિંરાતે ખાવાનું પણ નહીં ? બસ જ્યારે જુઓ ત્યારે કંઇ ને કંઇ વિચારવાનું જ. ખરેખર ડોક્ટરો એ પરણવું જ ન જોઇએ’ ઇલા રોષ સહીત બોલી.

‘ઇલા,’ ડોક્ટર વેદનાપૂર્ણ અવાજ થી બોલી ઉઠ્યા. ઇલા જાણતી હતી કે ડૉક્ટર તેને કેટલુ ચાહતા હતા ! પણ શું થાય ધંધો જ એવો હતો ફુરસદ બહુ ઓછી મળતી.

‘માફ કર ભરત , અકળામણમાં બોલાઇ જય, નિરાંતે જમે નહીં તેથી શું થાય ? તારા કામ આડે મારે જોડે બોલે નહી.’ ફરવા કે પિકચર માં ન આવે તે હું સમજી શકું, પણ દરેક વસ્તુને મર્યાદા હોય છે. ઢાંકણું ખૂલી જતાં કદીક તો ઊભરો આવે ને ? છેલ્લાં કેટલા દિવસથી પૂરું ખાતો પણ નથી. શી વાત છે મને તો કહે ?’

‘ ઇલા, હમણાં એક છોકરી દર્દી તરીકે આવી છે. પંદર પંદર દિવસથી મહેનત છતાં હું કઇ પરિણામ લાવી શક્યો નથી. કાલે તેના બ્રેનનું ઇ ન્વેસ્ટિગેશન કરવું છે. ડાહીડમરી છોકરી સાંજના ભાગમાં કેમ વિચિત્રતાથી વર્તે છે તે જ નથી સમજાતું.’ ડોક્ટરે ઇલા ને વિગત આપી.

‘તું અત્યારે વ્યગ્ર છે તેથી કંઇ નહીં થાય, શાંત, ચિત્તે તું વિચારીશ તો કંઇક ઉકેલ જડી આવશે. તું ન્યુરો સર્જન છે પરંતુ વધુ તું ધ્યાન તારું ન્યુરો સર્જરી પાછળ જ જાય છે. સાઇકોલોજીનો એકાદ રૂલ સિદ્ધાંત લાગુ પાડશે તો જરૂર ઉકેલ આવશે. કાલે ઓપરેશન કરવાને બદલે અઠવાડિયું આ નિયમોમાંથી એકાદ પ્રયત્ન કરી જો સફળ થવાય તો સારું નહીં તો પછી ઓપરેશન કે બ્રેન ઇન્વેસ્ટિગેશન કરજે.’

બીજી સવારે ડોક્ટરે ઇલાને કહ્યું, ‘સાચી વાત છે ઇલા, શાંત ચિત્તે વિચાર કરતાં મને લાગ્યું કે એકાદ પ્રયત્ન કરી જોઉં. આઘાર જે સમયે, જે સ્થળે, જે રીતે થયો હોય તેનું પુનરાવર્તન કરવામાં આવે તો એ આઘાતની અસર દૂર થઇ શકે. હમણાં આવશે, આવશેનું રહસ્ય કદાચ ઉકેલી શકાશે.’

ભરત, તું સાચું કહે છે. આજે સાંજે હું પણ તારી સાથે આવીશ. અને શીલા આવે તે પહેલાં બંનેએ જગ્યા બરાબર તપાસી લીધી. શીલા આવીને પોતાની જગ્યા પર બેઠી. થોડી વાતે ઇલા તેની બાજુમાં ગઇ. બાજુમાં જતાં જ તેણે શીલાનો ફેરફાર નોંધ્યો. શીલાએ ચમકીને તેની તરફ જોયું ને તેને પકડવા હાથ લંબાવ્યો ને બોલી ‘અજય!’ પણ અજાણી સ્ત્રીને જોઇ તેણે મોં ફેરવી લીધું. ને એ જ શૂન્ય નજરે પાછી ક્ષિતિજ તરફ જોઇ રહી તેનો હાથ ભેખડની ધાર પર ફરી રહ્યો.

ઘરે આવી જમવાના ટેબલ પર ભરતે વાત છેડી : ‘ઇલા મારો અભિપ્રાય કદાચ ખોટો હોય છતાં પ્રયત્ન કરવામાં કંઇક નુકસાન નથી. એ રહસ્યનો ઉકેલ સાવ સીધો લાગે છે. “કન્ડિશન રિફલેક્સ” નિયમ પ્રમાણે તેના મન પર ચોટ લાગી છે ને તેના મનની ગતિ એક જ બાજુ વહેવા માંડી છે, જો, એ સાંજે શીલા ને અજય એ જગ્યા પર બેઠાં હશે. કંઇ કારણસર અજય “હમણાં આવું છું” કહી ઊભો થયો હશે ને નીચે લપસી પડ્યો હશે. કંઇ પણ કારણથી શીલાનું મન વ્યગ્ર હશે. જયશ્રીના કહેવા પ્રમાણે બંને વચ્ચે રોજની જેમ હસીબોલીને વાતો નો’તી થતી. કંઇક ઝઘડો થયો હશે ને એ ખ્યાલમાં શીલાના મન પર “હમણાં આવું છું” શબ્દો જડાઇ ગયા. પરંતુ અજયના પડવાથી પાણીમાં થતો ધડાકો તેણે ગણકાર્યો નહીં, કારણ કે પાણીનાં મોજાં નીચે અફળાતાં ઘણો ખળભળાટ થાય છે. તેથી તે અજયના આવવાની રાહ જોતી બેઠી રહે છે. સાંજે છ વાગતાં જ કેમ ભાગે છે તેનું કારણ પણ “કન્ડિશન રિફલેકસ” છે. અજય રોજ બોલાવવા છ વાગ્યે જતો એ આપણને શીલાની માતાએ કહ્યું હતું, પરંતુ હવે તો ફક્ત છના ટકોરા સાંભળીને જ એ ભાગે છે. એ તો પેલો વૈજ્ઞાનિક “પાવલો” કરતો તેવું છે. એક કૂતરાને તે ખાવાનું ધરતો ને કૂતરાને થૂંકનું સ્ત્રવણ થતું. એ ઢોલ વગાડતો ને પછી ખાવાનું ધરતો, કૂતરાના કાન અવાજથી એવા કેળવાઇ ગયા કે પહેલા ખાવાનું જોઇ જે થૂંકનું સ્ત્રવણ થતું તેનું સ્ત્રવણ ફક્ત ઢોલના અવાજથી જ થતું. તે સમજ્યો કે અવાજ પછી ખાવાનું ધરવામાં આવશે. એમ શીલા હવે છના ટકોરે ભાગે છે તેના મનની ગતિ એક બાજુ દોડે છે. તેથી તે આ બધું ભૂલી શકતી નથી. જો આખા બનાવનું પુનરાવર્તન કરવામાં આવે તો શીલા જેવી હતી તેવી જ થઇ જાય ?’

‘ભરત, જોખમ છે. હમણાં આવું છું કહી પડવાનો ડોળ કરવા જતાં પડી જવાય તો ?’

‘કંઇ નહીં થાય, ઇલા ગભરાઇશ નહીં.’ ને બીજે દિવસે વિચારણા અનુસાર ભરતે દાવ અજમાવ્યો. શીલા બેઠી. તે ક્ષિતિજ તરફ જોઇ તલ્લીન થઇ ગઇ હતી. તેનો હાથ ભેખડ પર ફરતો હતો. ભરત ધીમેથી આવ્યો ને તેનો હાથ હાથમાં લીધો. શીલાએ પણ કંઇ વાંધો ન લીધો, પણ પછીથી એકદમ હાથ ખેંચી લીધો. બાજુમાં નજર પણ ન કરી કે કોણે હાથ પકડ્યો છે. ભરત ખૂબ મૃદુતાથી બોલ્યો : ‘શીલા આવી ગયો છું.’ શીલાએ ચોંકીને એ તરફ જોયું. પહેલાં તો તે તેને તાકી રહી. ‘હું આવી ગયો છું.’ સાંભળતાં તેની આંખો ચમકી. ઓળખાણ તેની આંખમાં આવેલી જોઇ ભરતે વિલંબ ન કર્યો.

‘શીલા, હું હમણાં આવું છું.’ તે ઊભો થયો ને લપસવાનો ડોળ કર્યો. ‘હમણાં આવું છું.’ શબ્દોએ ધારેલી અસર ઊપજાવી. શીલા અર્ધી બેઠી થઇ વળગી પડી. ‘નહીં અજય, નહીં હવે નહીં નહીં જવા દઉ.’

ભરત-ઇલા શીલાની મગજની સ્થિતિ સુધરી ગયેલી જોઇ ઘણાં ખુશ થયાં. બીજી સાંજે શીલા આવી, ‘અજય, ચાલ ફરવા જઇએ.’ ડૉ. ભરત મૂંઝાઇ ગયા. ‘શીલા, હું અજય નથી.’

‘જો અજય હવે તું મારી પાસેથી છટકી નહીં શકે. ચાલ please.’ ને ચીલા તેને ફરવા ખેંચી ગઇ. આ તો ‘આવ બલા પકડ ગલા’ જેવું થયું. શીલા ભરતને અજય માની બેઠી તેનું કારણ આ હતું. ડૉ. ભરત એક બાજુથી જોતા અજયને ખૂબ મળતા હતા ને તે દિવસે લાગ અજમાવતા તેઓ એ બાજુએ હતા, જ્યાંથી તેઓ અજય જેવા જ લાગે છે ને તે બાજુ જ શીલાની નજર પડે તેમ હતું. તેથી શીલા તેને અજય સમજી બેઠી ને આઘાતની અસર નીકળી જતાં ભરત એ અજય છે તેવી અસર તેના મન પર છવાઇ ગઇ.
‘ઇલા, હવે શું કરવું ? આ તો શીલા મને અજય સમજી બેઠી છે ; તેનાં માતાપિતા પણ મૂંઝાઇ ગયાં છે.’
‘સાચી હકીકત કહી દો ને !’
‘ઇલા, એક વાર કહેવા પ્રયત્ન કરેલ, પરંતુ પૂરું સાંભળ્યા પહેલાં જ તે મને બહાર ખેંચી ગઇ. ને હવે સાચી હકીકત કહેતાં ડર લાગે છે. એક આઘાતમાંથી માંડ માંડ ઊભી થઇ છે ત્યાં બીજો આઘાત આપીશ તો તેનું શું થશે એ જ કલ્પના નથી થઇ શકતી. યોગ્ય સમયે બધું થઇ રહેશે. અત્યારે કહીશ તો પ્રત્યાઘાતની પ્રબળ અસર તેને ભાંગી નાખશે. આઘાત તેને જરા હળવો બનવા દેવો જોઇએ. જેટલો આઘાત નબળો તેના પર થશે, તેટલી પ્રત્યાઘાતની અસર ધીમી થવાની. થોડા દિવસ પછી તેને બધું કહીશું, જેથી તેનામાં સહન કરવાની શક્તિ આવી જશે.’

ને થોડા દિવસ ડૉ. ભરત શીલા જોડે ફરવા ગયા. નિયમિત રીતે એ જ ભેખડ પર જતાં ને શીલા ખૂબ ઉત્સાહથી ‘અજય’ જોડે વાતો કરતી. તેના ગાલોમાં સુરખી છવાઇ જતી. ડોક્ટર શીલાના રતુંબડા ગાલોમાં ખંજન જોઇ તેના રૂપની મનોમન પ્રશંસા કરતા. થોડા દિવસ પછી શીલાએ એક દિવસ વાત કરી : ‘અજય, તો આપણે હવે લગ્નની વાત આપણાં માતાપિતા પાસે મૂકીએ.’
ડોક્ટર ચોંકી ગયા, પણ સ્વસ્થતાથી જવાબ આપ્યો :
‘શીલા, શી ઉતાવળ છે ? કાલે સાંજે મારે ત્યાં ચા પીવા આવ. આપણે આરામથી વાતો કરીશું.’

ડોક્ટર મૂંઝવણમાં ઘરે આવ્યા : ‘ઇલા, હવે તારી ખરી જરૂર પડી છે. શીલા મને અજય સમજી બેઠી છે ને આજે તેણે લગ્નની માગણી રજૂ કરી. કાલે મેં તેને ચા માટે બોલાવી છે. મને લાગે છે કે સત્ય હકીકત કહેવી જ પડશે. શું કરશું ?’

‘એમાં કરવાનું શું છે ભરત ! એક સ્ત્રીના જીવનનો સવાલ છે. ક્યાં સુધી આમ તેની જોડે ફરી, તેને આશા આપ્યે રાખીશ ? હવે વધુ સમય જવા દઇ તું વાત કરીશ તો તેનું હૈયું ભાંગી જશે. કેટલી ઊર્મિલ છે, તેની તો તને ખબર છે ! કાલે તેને બોલાવી છે તો મારી ને દિવ્યાની ઓળખાણ આપી દે. તેનો આઘાત નબળો થઇ ગયો હશે તેથી પ્રત્યાઘાત સહન કરવાની તેનામાં શક્તિ આવી ગઇ હશે ને આમેય એ છે તો સંસ્કારી, ને સુશિક્ષિત એટલે સમજી જશે. નહીં તો “દુઃખનું ઓસડ દા’ડા.” ધીમે ધીમે બધું ભૂલી જશે. આગ સાથે રમત રમવી સારી નહીં.’

‘ભલે, તું કહે છે તેમ કરીએ પણ મને ડર છે કે ક્યાંક ફરી…’
‘અત્યારથી એ વિચારો કરવા અસ્થાને છે ભરત !’
બીજ દિવસે સાંજે પાંચેક વાગ્યે શીલા આવી. ઇલા તો જોઇ જ રહી, આ એ જ શીલા છે ! જે થોડા દિવસ પહેલાં ફિક્કી ચાંદની જેવી લાગતી હતી ! વિભાવરી ને શશી મળતાં તેનો શ્યામ વર્ણ ધોવાઇ જતાં જેમ રૂપેરી પ્રકાશ રેલાઇ રહે તેમ શીલા સૌષ્ઠવભરી લાગી. શીલા દીપી રહી હતી. ઇલાએ તેનો ભાવપૂર્વક સત્કાર કર્યો. ‘અજય’ ના ઘરમાં કોઇ અજાણી સ્ત્રીને જોઇ શીલા જરા ખચકાઇ. કંઇ નહીં. કોઇ મિત્રને પણ ચા માટે બોલાવી હશે સમજી કંઇ બોલી નહીં.

‘હલ્લો, અજય !’ ને પ્રશ્નભરી નજરે ઇલા તરફ જોઇ રહી. ‘બેસ, શીલા. મારે આરામથી તને વિગતવાર વાતો કરવી છે. બેસ, જો હું અજય નથી, પણ ડૉક્ટર ભરત પારેખ છું. આ મારા વાઇફ ઇલા ને અરે દિવ્યા, ક્યાં ગઇ ?’ દિવ્યા બાજુના રૂમમાંથી દોડી આવી, ‘આ મારી પુત્રી દિવ્યા, દિવુ, માસીને પ્રણામ કરો.’ ભરતે સાવ સાહજિકતાથી એવી રીતે વાત કરી કે શીલાને કદાચ આઘાત લાગે તોપણ ઘણો જ હળવો બની જાય. શીલા સ્તબ્ધ બની જોઇ રહી. ભરતને દહેશત લાગી કે ફરી શીલા હતી તેવી ન થઇ જાય. થોડી ક્ષણો જતાં ભરત તથાં ઇલા બંને એકબીજા તરફ જોઇ રહ્યાં. બંનેની નજરમાં ભય તરી આવ્યો હતો ત્યાં તો શીલાની આંખોમાં અશ્રુઓ ધસી આવ્યાં.

‘નહીં, નહીં, અજય, તેં આ શું કર્યું. અજય !’ કહી તે બાજુના સોફા પર બેસી ગઇ. મોં હાથમાં સંતાડી તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી. ડૉક્ટર ઊઠીને તેની પાસે ગયા.
‘અજય, તું શા માટે મારી પાસેથી ચાલ્યો ગયો. હમણાં આવું છું કહી બે વર્ષ ક્યાં સંતાઇ રહ્યો, અરે ! મારી રાહ તો જોવી હતી ? અજય, તેં મને લગ્નનો કોલ આપ્યો હતો. મારું અરમાનભર્યું દિલ તોડી નાખતાં તારું જિગર કેમ ચાલ્યું.’
ભરતે જોયું કે શીલાના મનની અસર કઇ રીતે નહીં જાય. તેથી તેણે બીજો દાવ અજમાવ્યો. કદાચ શીલાની સંસ્કારિતા પર તેને દ્રઢ વિશ્વાસ હશે.

‘શીલા, મને માફ કર. તારી પાસેથી ગયા પછી સંજોગવશાત્ મને ઇલા મળી ને અમે પરણી ગયાં. મને માફ કર શીલા. શીલા, તું મને ચાહે છે ખરું ને !
તારા અજયને માફ નહીં કરે ?’ ભરતનો ગળગળો સ્વર સાંભળી શીલા ભરત તરફ જોઇ રહી. ધીમે ધીમે તે શાંત થઇને આંખો લૂછતાં બોલી, ‘અજય ખેર ! બનવાનું હતું તે બની ગયું. મારું સ્નેહધામ છીનવાઇ ગયું. કેટલા અરમાનથી તારી રાહ જોતી બેઠી હતી ? કંઇ નહીં, હવે તને દુઃખી કરવાથી શો ફાયદો ? તું સુખી છે એ જોઇ હું આનંદ પામીશ – ઇલાબહેન મને માફ કરશો.’

ઇલાએ તેને પાણી આપ્યું. આગ્રહથી ચા પીવડાવી. નાસ્તા માટે ખૂબ આગ્રહ કર્યો પણ શીલાએ કંઇ લીધું નહીં ‘ઇલાબહેન, મને વધુ આગ્રહ ન કરો ક્યા ભાવથી હું ખાઇ શકું ?’ ફરી તેની આંખોમાં અશ્રુઓ ધસી આવ્યા. ને ઝડપથી ઊભી થઇ ચાલવા લાગી. ત્યાં તો દિવ્યા બોલી, ‘બા, માસી ક્યાં જાય છે !’ શીલા ઉંબર પર ઊભી રહી ગઇ. કલકલ મધુર અવાજ સાંભળી તેણે પાછળ જોયું, દિવ્યા તરફ જોઇ તે હસી ઊઠી. અશ્રુભર્યા ચહેરા પર હાસ્ય આવતાં તે અધિક સુંદર લાગ્યો. જાણે જલબિન્દુથી શોભતું કમળ !! પાછા ફરી તેણે દિવ્યાને ઊંચકી લીધી ને ચૂમીઓથી ભીંજવી દીધી. ધીમેથી તેને નીચે મૂકી, ભરત પાસે ગઇ ને આવેશથી તેનો હાથ પકડી લઇ બેત્રણ ચૂમીઓ ભરી લેતાં બોલી ‘અજય.’ ને એ ચાલી નીકળી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફળતા જિંદગીની…. – ‘બેફામ’
માનસિક સ્વાસ્થ્ય માટે – સં. બંસીધર શુક્લ Next »   

19 પ્રતિભાવો : શીલાનો અજય – ડૉ. નવીન વિભાકર

 1. gopal h parekh says:

  bhavthi bhinjavati vart, aabhar

 2. Vijay Shah says:

  નવિનભાઇ
  ઘણીજ સુન્દર વાર્તા

 3. KavitaKavita says:

  touchey.

 4. ashalata says:

  ભાવથી ભરપુર સુન્દેર કહાનિ
  આભાર

 5. Dipika D Patel says:

  પ્રોફેસર : શું તેં ક્યારેય
  ઈશ્વરનો સ્પર્શ કર્યો છે ?
  સ્વાદ માણ્યો છે ? સુગંધ માણી
  છે ? શું તને કદી પણ તેનો અનુભવ
  થયો છે ?

  જવાબઃ હાં, ફૂલની સુગંધમાં,
  બાળકના સ્પર્શમાં,
  કેરી-સફરજનના સ્વાદમાં, મારા શરીરની
  અંદર , આ વ્રુક્ષો, પર્વતો,
  નદી, સાગર, આકાશ, માટી, પાણી, હવા,
  અગ્નિમાં , આસ – પાસ ચોપાસ
  વિશ્વપતિનો વાસ હું અનુંભવું
  છું.

 6. chetna bhagat says:

  સુન્દર વારતા પણ ઝઙપી અન્ત….

 7. jagruti says:

  Nice Story

 8. JITENDRA TANNA says:

  વાહ ડોક્ટરસાહેબ,

  ખુબ સરસ, ભાવુક વાર્તા.

 9. jagruti says:

  wah nice story navin bhai

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.