- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવન ધારા – જીતેન્દ્ર તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી જીતેન્દ્રભાઈનો (વેરાવળ, સૌરાષ્ટ્ર) ખૂબ ખૂબ આભાર.]

આપણે ઘણી વખત જોઇએ છીએ કે આપણી સામે બીજા કોઇના ઘણા ઘણા અઘરાં કામ થઇ જતા હોય છે જ્યારે આપણું નાનું કામ પણ અટકતુ હોય છે. ત્યારે આપણને એમ થાય કે હું એવુ તે શું કરું કે સામેવાળો વ્યક્તિ મારું કામ રાજીખુશીથી કરી આપે. દરેક જગ્યાએ પૈસા આપીને કામ થઇ શકતા નથી. એટલે આપણે ઘણી વખત વિચારીએ કે એવો કોઇ રસ્તો મળે કે જેમાં આપણે આપણું કામ કરાવી શકીએ.

તો મિત્રો, એવો એકજ રસ્તો છે અને એ છે કે સામેવાળો માણસ પોતાની રાજીખુશીથી આપણી ઇચ્છા મુજબનું કામ કરે એવી લાગણી એના દિલમાં પેદા કરવી. હા, આપણે એના માથા પર રિવોલ્વર રાખી એના ઇચ્છા વિરુધ્ધનુ કામ કરાવી શકીએ પરંતુ એ માત્ર જે-તે વખત પુરતું જ. હવે સામેવાળી વ્યક્તિ પોતેજ દિલથી આપણુ કામ કરવા તૈયાર થઇ જાય તો તો બધા પ્રશ્નોનો અંત આવે પરંતુ એના દિલમાં આવે લાગણી કેમ ઉત્પન્ન કરવી ?

હવે આનો તો એક જ રસ્તો છે કે સામેવાળાને જે ગમે તે આપવાનું એ પછી પૈસા કે જે કાંઇ પણ હોય. આપણે પોતેજ વિચારીએ કે આપણે અત્યારે કોઇનુ કાંઇ કામ કરી આપવુ હોય તો એ આપણને શું આપે કે આપણે એનુ કામ કરી આપીએ.. દરેક માણસને શું જોઇએ છે ? પૈસા, પૈસા અને માત્ર પૈસા ? ના…પૈસા તો જોઇએ જ છે પરંતુ સાથે સાથે બીજુ પણ જોઇએ છે અને એ છે આપણે જે કાંઇ કામ કરીએ એમાં આપણા વખાણ થાય એવી લાગણી. કંઇ પણ કરીએ એ આપણે ખુબ જ સરસ રીતે કરીએ છીએ એમ બીજા કહે એવી લાગણી. આપણે ખુબ સારા, સ્માર્ટ, હેન્ડસમ, પૈસાવાળા, વ્યવહારુ, હોશિયાર, ડાહ્યા છીએ એવું આપણે તો માનીએ જ છીએ પણ આપણી સાથેની દરેક વ્યક્તિ આપણા વિશે એવું માને એવી લાગણી.

હવે જો આપણને આવું થાય તો દરેક વ્યક્તિને પણ આવુ જ થવાનું એ સ્વાભાવિક છે. દરેક માણસના જીગરની ઊંડામાં ઊંડી લાગણી મહત્તા મેળવવાની ઇચ્છા છે. (THE DESIRE TO BE IMPORTANT). અથવા મહત્વના બનવાની ઇચ્છા છે. આપણે એમ કહી શકીએ કે દરેક માણસ પોતાની કદર થાય એ માટે રીતસરના વલખાં મારે છે.

વરસો પહેલા માત્ર ચાર્લ્સ શ્વેબ જ એક એવી વ્યક્તિ હતી કે જેનો પગાર દસ લાખ ડોલર કરતાં પણ વધારે હતો. એ સ્ટીલના કારખાનામાં કામ કરતો હતો. એ પોતે કબૂલ કરતો કે એની નીચે કામ કરનારાં કારીગર માણસોને સ્ટીલ વિશે એના કરતા ઘણું જ જ્ઞાન હતુ. તો શા માટે એને આટલો પગાર મળતો હતો? માત્ર બીજા લોકો પાસેથી કામ લેવાને એની આવડતને કારણે. ચાર્લ્સ શ્વેબ કહેતો કે “બીજા મણસોમાં ઉત્સાહ જાગૃત કરવાની મારી શક્તિને હું મારી અમૂલ્ય મિલ્કત સમજુ છું, દરેક માણસમાં રહેલુ ઉત્તમ તત્વ ખિલવવાનો રસ્તો તેની પ્રશંસા કરી તેને ઉત્તેજન આપવાનો છે. પોતાના ઉપરીઓની ટીકાથી માણસની અભિલાષા જેટલી મરી જાય છે તેવી કોઇ ચીજથી મરતી નથી. માટે હું કોઇનો દોષ શોધતો નથી. કોઇની ટીકા કરતો નથી. માણસને કામ કરવાનો ઉત્સાહ આવે એવી રીતે તેની સાથે વર્તન રાખવામાં મને શ્રદ્ધા છે અને તેથી હું પ્રશંસા કરવાને આતુર રહુ છું અને ખોડ કાઢવાનું પસંદ કરતો નથી. મને કંઇ પણ પસંદ પડે તો હું ઉદારતાથી દિલોજાન જીગરથી તેની તારીફ કરું છુ.”

શ્વેબ આ રીતે કામ લે છે પરંતુ સામાન્ય માણસ તેનાથી ઉલટી રીતે જ વર્તે છે. જો તેને કોઇ ચીજ નહિ ગમે તો તરત બબડવા માંડે છે – ઠપકો આપે છે – સામેવાળાના દોષ કાઢે છે અને જો તેને કોઇ ચીજ જો ગમી જાય તો તે તદન મુંગો રહે છે. કોઇ પણ માણસ ગમે તેટલો મહાન દરજ્જો ધરાવતો હોય છતા તેની ટીકા કરવાને બદલે તેના કામની તારીફ કરવાથી તે જેટલુ સારું કામ આપી શકે છે તેટલું સુંદર કામ બીજી કોઇ પણ રીતે આપી શકતો નથી.

અમેરીકામાં એક ભાગીદારી પેઢીને એના બે પાર્ટનરમાંના એકની ભુલને લીધે દસ લાખ ડોલરનુ નુકશાન થયેલુ. બીજો પાર્ટનર ધારત તો પેલા પાર્ટનરનો દોષ કાઢી શકત. પરંતુ નહિ. પેલાએ બીજા પાર્ટનરને એ સોદામાં 60 ટકા રકમ બચાવી લેવા માટે મુબારકબાદી આપી. મતલબ કે માત્ર 40 ટકા જ નુકશાન થયુ અને પેલા પાર્ટનરની હોશિયારીને લીધે 60 ટકા રકમ બચી ગઇ. બોલો, આનાથી વધારે સારુ શું હોય શકે?

આપે ક્યારેય ઉપવાસ કર્યો છે? આપ કેટલો સમય સુધી ભુખ્યા રહી શકો? અચ્છા, આપે ક્યારેય આપના કુટુંબીજનો, મિત્રો કે આપના માણસોને ભુખ્યા રાખ્યા છે? કેટલા દિવસ સુધી? જો આપ કોઇને એક પણ ટાઇમ માટે ભુખ્યા ન રાખી શકતા હોય તો જે લોકો પોતાના વખાણ માટે વરસોથી ટળવળે છે એનુ તમે કેમ કાંઇ નથી કરતા? જે લોકો ખોરાક કરતા પણ જે ચીજ માટે વધારે ટળવળે છે એ ન આપવાના ગુન્હાને શી ઉપમા આપવી? આ અતિ જરૂરી વસ્તુ તે તેઓની દિલોજાનની તારીફ છે. આપને આપણા બાળકો, મિત્રો અને માણસોના શરીરનું પોષણ કરીએ છીએ, પણ તેઓના આત્મસન્માનનું પોષણ કરવાની ક્યારેય કાળજી રાખીએ છીએ ?

હવે અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ પ્રશંસાની વાત છે, ખુશામતની નહિ. આપણે ધીમે ધીમે સારી-સારી વાતોની, વ્યક્તિના ગુણોની, સારી સારી વસ્તુઓની પ્રમાણિકપણે પ્રશંસા કરવાની ટેવ પાડવાની વાત છે અને એ પણ દીલથી. ખુશામતથી કદાચ ટુંકા ગાળા માટે ફાયદો રહે પરંતુ અંતે આપણને જ નુકશાન થાય છે માટે દરેક માણસની અંદર રહેલ સારા ગુણોની નોંધ કરી તેની પ્રશંસા કરવી જોઇએ…..

[આ લેખના કેટલાક અંશો ડેલ કાર્નેગીના પુસ્તક “જિંદગી જીતવાની જડીબુટ્ટી”માંથી લેવામાં આવ્યા છે.]