- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મનની માયાનો મલક – મણિલાલ પટેલ

માણસને વ્યગ્ર અને વ્યાકુળ કરી દેનારા અનુભવો તો ઘણા થતા રહે છે. વળી પ્રસન્નતા પ્રસંગોય પાર વિનાના આવે જ છે, પણ બધાં જ સુખોમાં અને સર્વ દુ:ખોમાં જો કોઈ ન્યારું હોય તો તે છે પ્રેમનું સુખ; પ્રેમનું દુ:ખ ! જિંદગી આખી જેની વેદનામાં જાય; જે વેઠતાં વ્હાલું લાગે તે જીવતર પણ જેની વિરહ-યાદોમાં વીતી જાય એ તો છે પ્રેમ, માત્ર કાયાનો પ્રેમ છે એ ? ના, એ તો છે એક ભીતરી ચેતનાનું બીજી માંહ્યલી ચેતનાને થતું પરમ આકર્ષણ. પ્રેમ કંઈ પીડા વિનાનો થોડો હોય ! પ્રેમનું નામ જ વેદના છે – સમવેદના !

આમ તો, કાયાની માયા લાગે છે સૌ કોઈને, પણ ખરો પ્રેમ પછી કાયાને ઓળંગી જાય છે. ઊતરી જાય છે કાયાના કણેકણમાં વ્યાપ્ત ચેતનાની અંદર. નળ અને દમયંતીનો પ્રેમ, દુષ્યંત અને શકુંતલાનો પ્રેમ તથા જીવી અને કાનજીનો પ્રેમ શરૂ તો થયેલો કાયાના આકર્ષથી, પણ છેવટે કસોટીની કઠોર એરણે ચઢીને એ ત્રણે યુગલોનો પુન: મેળાપ થાય છે. પ્રેમ તાવે છે. પ્રેમ કસોટી કરે છે. કસોટીઓને અંતે જે ભાવ બચે છે તેનું નામ છે પ્રેમ.

પ્રેમ તો સમપર્ણ કરે છે. પ્રેમ ‘પ્રેમ’ – સિવાય કશું ઝંખતો નથી. ભક્તો અને કવિઓ આવા જ પ્રેમની આરાધના કરે છે. ભક્તો-સંતોની સાધના પણ આવા જ પ્રેમ માટે છે. કવિઓની કવિતામાં જે માનુષી પ્રેમનું આલેખન આવે છે એ પ્રેમ પણ સમવેદના ચાહે છે. જે પામીએ છીએ એ તો હાથોના સ્પર્શથી મેલું થઈ જાય છે, પણ જે નથી પામતા, જે આપણું પ્રિયજન છે, પણ આપણી સન્મુખ નથી એને માટેનો ઝુરાપો-ભીતરમાં એની સતત હાજરી…. એ સ્તો છે પ્રેમ ! વહાવેલાં આંસુનું મૂલ્ય છે ખરું, પણ પ્રેમમાં તો કોઈને માટે સાચવી રાખેલાં – નહિ વહાવી શકાયાં તેવાં આંસુનું જ મૂલ્ય હોય છે. કોઈ દૂરદેશાવર વસતા પ્રિયજન માટે આપણી આંખના ખૂણામાં અને એ પ્રિયજનની આંખના ખૂણામાં આપણા માટે સચવાયેલાં એકાદ બે અશ્રુઓનું જ મૂલ્ય વધારે થાય છે. પ્રેમ તો ચિરવિરહ છે. એના વિના પ્રેમની પ્રતીતિ થતી નથી. આપણને આપણી ઓળખ આપે છે પ્રેમ – છેક અંદરની ઓળખ છે આ પ્રેમ !

પ્રેમ માટે ઝૂરતી એક કિશોરીની સંવેદના રમેશ પારેખ આ રીતે મૂકે છે :

પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી –
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળિયું ને –
કંઈ તો ખોયાનું સુખ આપો.
આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો રોયા-નું આપો ?

પ્રેમમાં રુદનનો કેવો તો મહિમા છે – ગુપ્ત રુદન; હૈયાનું રુદન ! પ્રેમ તો હજી બરાબર પાંગર્યોય નથી અને સૈયર ચીડવે છે – ચૂંટીઓ ખણીને પજવે છે ત્યારે નાયિકા કહે છે :

આઘે આઘે રે ક્યાંક સૂરજ વરસે
ને મારા આંગણામાં સોનેરી પાણી
પગને બોળું તો શે’ય પાની ભીંજાય ના
ને આમ મને જાય સાવ તાણી
મારું ઊગ્યા વિનાનું એક ઝાડવું સુકાય –
એમ કહેવાયે કેમ જવું કોઈને ?

હા, હજી પ્રેમનું ઝાડ ઊગ્યુંય નથી ત્યાં તો એના સુકાવાની વેદના થાય છે….. આવું વૈચિત્ર્ય છે પ્રેમનું !! પછી નાયિકાને ખરેખરો પ્રેમનો અનુભવ થાય છે –

અમને મોહ્યાં’તાં અમે તાકાતમાં જોઈ
એવાં તમને ભાળીને અમે મોહ્યાં
મુખની વરાંસે કરું તક્તાને ચાંદલો
એવાં રે સાનભાન ખોયાં…..

પ્રેમીના રટણમાં નાયિકા દર્પણમાં જોઈને ચાંલ્લો કરવા જાય છે – ને પોતાને ચાંલ્લો કરવાને બદલે તક્તામાં-દર્પણમાં દેખાતા પ્રતિબિંબને ચાંલ્લો થઈ જાય છે – સાનભાન જ હવે સરખાં નથી ! એ તો થઈ બધી પ્રથમ પ્રેમના અનુભવની રંગીલી-ચટકીલી વાતો. પણ બીજો – એ પ્રથમ અનુભવ પછીનો – આગળ વધેલો પ્રેમ નિતાંત વેદનામય હોય છે. પ્રેમ રૂપાંતર કરી નાખે છે – આપણું ! આપણને – આપણા દ્રવ્યને એ બદલી નાખે છે. પ્રેમ આપણને વધારે શાણા અને સમજણા બનાવે છે. સાચો પ્રેમ સમર્પણ માગતો નથી, એ તો સમર્પિત થવામાં જ સાર્થક્ય સમજે છે.

નરસિંહ-મીરાં-દયારામે મધ્યકાળમાં ગોપીભાવે કૃષ્ણની ભક્તિ કરેલી. એમનાં એવાં પદોમાં ગોપી કૃષ્ણને સર્વસ્વ સમર્પિત કરી દે છે. આધુનિક કાળમાં રમેશ પારેખે મીરાંના મુખમાં કેટલાંક ગીતો મૂક્યાં, આ ગીતો પ્રેમ-ભક્તિનાં છે. ચાર-છ ગીતોની થોડીક પંક્તિઓ જુઓ-માણો :

મારા સપનામાં આવ્યા હરિ
મને બોલાવી, ઝુલાવી, વ્હાલ કરી,
સામે મરકત મરકત ઊભા
મારા મનની દુવારિકાના સૂબા
મારાં આંસુને લૂછ્યાં જરી… મારાં સપનામાં…
આંઘણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી…’

સમજાશે કે પ્રેમ અને ભક્તિ બેઉ શરત વિનાનાં સમર્પણ જ છે. પ્રેમમાં શરત નથી હોતી. હા, ‘સરત’ હોય છે – સૂરતા ખબર – સભાનતા ! સૂરતા એટલે કે સભાનતા જ સાચી પ્રીતિ છે. મરીઝની ગઝલોમાં ખુદા ભક્તની પણ ખબર રાખે છે – એની સુંદર વાત આવે છે.

રમેશ પારેખની જ આવી બીજી રચના છે. એય આસ્વાદ્ય છે.

મારા ઓરડામાં આવ્યા હરિ
મને આંખોથી ચાખીને એંઠી કરી
મારાં કુંવારકા વ્રત બટક્યાં
હરિ રૂંવે રૂંવે એવું ચટક્યા
એની સોડે અવશ હું સરી….મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સૂરતમાં કૂણી કૂણી પીંછી ફરી
ઘડી હું ફૂંક ને હું જ બંસરી
ઘડી હું જ હરિવર નકરી
મને ખબર્યું ના પડતી ખરી…

પ્રિયજનની, ખુદાની કૃપા તો અદશ્ય છે – કવિ કહે છે : ‘એક જ ઘર પર મેઘ વરસતો, ગામ કશું ના જાણે….’ ખુદા હંમેશાં બંદાઓ તરફ નજર રાખે છે – પણ એમની કસોટીય કરે છે. એમને એ પોતે કંઈ આપતો નથી ને બીજા પાસે માગવા દેતોય નથી ! દૂર જવા દેતોય નથી ને પાસે સરકતોય નથી. છતાં સંભાળ તો એની જ ! પ્રેમ એટલે આવો – પ્રિયજનનો, ઈશ્વરનો, ખુદાનો પ્રેમ !! હાથ ફેલાવવાથી નહિ એ તો મનને પાથરવાથી મળે છે !!