પ્રાણીઓની સભા – ડૉ. પ્રીતિ જરીવાલા
[રીડગુજરાતીને આ કટાક્ષકૃતિ મોકલવા બદલ ડૉ. પ્રીતિબહેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]
આજે શહેરમાં રહેતા પશુ-પક્ષીઓએ સભા ભરી હતી. બધા પશુપંખીઓ માનવપ્રાણી સામે રોષે ભરાયા હતા. સભાના પ્રમુખશ્રી અશ્વલાલજી અને મુખ્ય મહેમાન ગજાનનજી હતા. શ્વાનભાઈ, ભેંસબેન વગેરે વક્તાઓએ પોતાના મંતવ્યો રજૂ કરવાના હતા.
સૌ પ્રથમ સભાના પ્રમુખશ્રી અશ્વલાલજી આવ્યા. તેમણે સભાનો હેતુ જણાવતાં કહ્યું કે, ‘આ મનુષ્ય નામનું પ્રાણી એમ માને છે કે આપણે તો કોઈ ભાષા બોલતા નથી અને એમની ભાષા જાણતા નથી પણ ભઈ, આપણને તો બધી સમજ પડે છે. મનુષ્ય જાણે પોતે મોટો વિદ્વાન હોય એમ કહે છે કે ‘વિદ્યાવિહીન નર તે પશુ…’ તો શું આપણામાં કંઈ બુદ્ધિ નથી ? અરે, જ્યારે અમને ડરબીમાં દોડાવવા હોય ત્યારે સારું સારું ખવડાવીને અમને અલમસ્ત બનાવે. અમે અશ્વદોડ સ્પર્ધામાં તેજ દોડીને ઈનામ જીતીએ તો માન અમારા જોકીને મળે. અમારા પર દાવ લગાડનાર જોરજોરથી તાળીઓ પાડીને ખુશ થાય…..પણ જેવા અમે ઘરડા થયા કે અમને ઘોડાગાડીવાળાને વેચી દે. ઘોડાગાડીનો માલિક ખાવાનું તો બરાબર આપે નહીં અને ઉપરથી તેજ દોડાવવા માટે અમને ચાબુકથી ફટકા મારે. મનુષ્ય જેવો સ્વાર્થી તો ભઈ આપણે જોયો નથી. હવે જ્યારે આપણામાંનું કોઈ પ્રાણી પરોપકારની ભાવના ભૂલી જાય તો આપણે એની સરખામણી મનુષ્ય સાથે કરવી અને કહેવું, ‘આ તો મનુષ્ય જેવો સ્વાર્થી છે.’
બધાજ પશુઓ… ‘હા બરાબર છે, સાવ સાચી વાત છે.’ વગેરે પ્રતિભાવ સાથે અશ્વલાલજીના પ્રસ્તાવ સાથે સંમત થયા.
હવે શ્વાનભાઈ પોતાનું વક્તવ્ય રજૂ કરવા ઊભા થયા. તેમણે કહ્યું, ‘જ્યારે એક માણસને બીજા માણસ પર ગુસ્સો આવે તો એને મારા નામથી બોલાવે, જેમ કે ‘સાલા કુત્તા’. કોઈ માણસ જક્કી હોય તો એને એમ કહેશે કે ‘કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી.’ પણ હું તો એમ કહું છું કે મારી તો પૂંછડી જ વાંકી છે, ઘણાં માણસોનું તો બોલવાનુંય વાંકુ હોય છે. શું તેઓ પીઠ પાછળ એકબીજાનું વાંકુ નથી બોલતા ? વળી, મનુષ્યો કહે કે ‘ભસ્યા શ્વાન કરડે નહીં.’ તો ચૂંટણી પહેલાં જે બધા મોટા ભાષણો કરે છે તેમાંથી કેટલું અમલમાં મૂકે છે ? ત્યારે આપણે શું કહેવું ?…… અરે, જ્યારે ઝઘડાઝઘડી થાય ત્યારે પોતાને ડાહ્યો માનનાર એકાદ માણસ કહેશે, ‘આમ કૂતરાબિલાડાંની જેમ ઝઘડો નહિ.’ તો હું કહું છું કે હવે આપણા પ્રાણીઓમાં કોઈ તકરાર ઊભી થાય ત્યારે આપણે પણ કહેવું કે ‘આમ લોકસભાની મિટિંગમાં ભેગા થયેલા નેતાઓની જેમ ઝઘડો નહિ.’ બોલો શું માનવું છે ?
– અને શ્વાનભાઈના પ્રસ્તાવને બધાએ તાળીઓથી વધાવી લીધો.
હવે શ્રીમતી ભેંસબેન બોલવા ઊભા થયા. તેમણે કહ્યું, ‘મારી ઉપર પણ મનુષ્યે ઓછી કહેવતો નથી કહી. જેમ કે “ભેંસના શિંગડા, ભેંસને ભારે…”, “ભેંસ ભાગોળે, છાશ છાગોળે”, “મૂઈ ભેંસના મોટા ડોળા” અરે, હું કાળી એટલે કોઈ અભણ માટે એમ પણ કહે કે “કાળાઅક્ષર ભેંસ બરાબર.” પણ હું તો કહું છું કે મારો તો ફકત વાન જ કાળો છે, પણ કેટલાક મનુષ્યના તો કર્મો જ કાળા હોય છે અને કેટલાક શ્રીમંતોના તો નાણાં પણ કાળા હોય છે, એનું શું ? વળી કોઈ અણસમજુને ઉપદેશ આપવો નકામો હોય તો એમ કહેશે કે “ભેંસ આગળ ભાગવત”. પણ મનુષ્યને હું એટલું પૂછું છું કે એમનામાંના કેટલા ભાગવત વાંચીને અમલમાં મૂકે છે ? – અરે, હું તો પરોપકારનો ધર્મ જાણું છું. મારા બચ્ચાને ભૂખ્યા રાખીને મનુષ્યજાતિને દૂધ આપુ છું. અમારા દૂધ થકી તો આજે મનુષ્યોએ ‘ધોળી ક્રાંતિ’ કરી છે. મનુષ્યે તો જાણે મોટો કોયડો કાઢ્યો હોય એમ ‘અક્કલ બડી કે ભેંસ’ એમ કહેતો ફરે છે. એ તો હું જ બડી ને, એમાં કોયડો શું છે ? અમારા દૂધ પીને તો એમનામાં અક્ક્લ આવી છે.’
ભેંસબેનના અભિપ્રાય સાથે સૌ સંમત થયા. પછી ગજાનનભાઈ કહ્યું, ‘મારા માટે તો એમ કહેવાય છે કે “દેખાડવાના જુદા અને ચાવવાના જુદા.” તો આ વાત તમે આજકાલના નેતાઓને જઈને કેમ નથી કે’તા ? એમની કથની અને કરનીમાં મનુષ્યોને ફર્ક નથી દેખાતો ? કોઈ સ્થૂળ શરીરવાળાને જોઈને કહેશે ‘હાથી જેવો જાડો છે’ કે ‘મદનિયા જેવો છે.’ આવી તો બીજી કેટલીય ફરિયાદો છે. માત્ર મારા માટે નહિ, બધા પ્રાણીઓ માટે ફરિયાદો છે. જેમકે મનુષ્યો કહે છે કે, “લુચ્ચુ શિયાળ, ‘તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં, બીકણ સસલું, સો ચૂહે મારકર બિલ્લી હજકો ચલી…” વગેરે અગણિત ઉદાહરણો છે. પણ મારી તમને સૌને એક જ સલાહ છે કે આપણે આપણી ફરજ બજાવવી. મનુષ્યને જે કહેવું હોય તે કહે. આપણે સૌ પશુઓ આંખ આડા કાન કરતાં શીખીએ તો જ આ સ્વાર્થી મનુષ્યજાત સાથે રહી શકીશું. જેવા સાથે તેવા આપણે નથી થવું. આખરે આપણું પણ પોતાનું એક સ્વમાન છે.” બધા જ પશુઓએ ગજાનનભાઈ સાથેની વાતમાં ‘હા’ ભરી.
સમયના અભાવે બધા પ્રાણીઓ તો પોતાના વક્તવ્યો દર્શાવી ન શક્યા પણ એમનું કહેવું હતું કે ‘આપણે તો ઘણાં કામ બાકી છે, માનવીની જેમ નવરાં થોડાં છીએ !’
Print This Article
·
Save this article As PDF
પ્રિય પ્રીતિ,
કૃતિને કટાક્ષરૂપમાં સહજતાથી ઢાળી શકે છે. સરસ.
સરસ કટાક્ષ્લેખ વંચવા મળ્યો…આભાર! મનવંત પટેલ
તરફથી સૌને નાતાલ મુબારક !
સ્વાર્થી મનુષ્ય સ્વભાવ ને સારી લપડાક મારી છે.
જેમ મનુષ્યો મા પ્રાણી વિશે નિ કહેવતો પ્રચલીત છે તેમ શું પ્રાણી જગત મા પણ મનુષ્ય ને લગતી કહેવતો હશે ?
જેમકે…..
……………………………………………………………
મનુષ્ય ની કહેવત્
ભેંસના શિંગડા, ભેંસને ભારે
પ્રાણી ની કહેવત્
માણસ નો સ્વભાવ માણસ ને ભારે
…………………………………………………………….
મનુષ્ય ની કહેવત્
કાળાઅક્ષર ભેંસ બરાબર
પ્રાણી ની કહેવત્
ગોરો માણસ કળા કર્મો…….
…………………………………………………………….
very funny and sarcastic worth reading