તત્ક્ષણ – નરેન્દ્ર વેગડા

[આ તમામ ગઝલો ‘તત્ક્ષણ’ નામના ગઝલસંગ્રહમાંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગઝલકાર શ્રી નરેન્દ્રભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. ]

શેરી

અચાનક સ્તબ્ધ થૈ ઊભી રહે શેરી.
નવા પગરવ તરફ તાકી રહે શેરી.

તમાશા રોજ ચાલે છે અહીં કેવા ?
અસર ક્યાં કેટલી ? જોતી રહે શેરી.

કલાકોના કલાકો એક અફવા પર,
અમસ્તી ઓટલે બેસી રહે શેરી.

હતી એ લાડલી’ને જીવથી વ્હાલી !
વળાવીને પછી રોતી રહે શેરી.

પડી છે શ્વાન જેવી ટેવ એને પણ,
બપોરે ઘોરતી સૂતી રહે શેરી.

અરમાન

જિંદગીના અવસરો મેં એમ ટાળ્યા.
લો બધા શમણાં તમારા તરફ વાળ્યા.

રોજ મારી આંખ ખૂલે’ને નિહાળું,
દુ:ખના કિસ્સા ભલે મેં આજ ખાળ્યા.

યાર સઘળાં વચન તારા પોકળ હતાં,
રાહમાં બાકી વરસ બેકાર ગાળ્યા.

એક ઘટના ભૂલવાનું ક્યાં સરળ છે ?
દર્દ ઘૂંટી શેષ દિવસો એમ ઢાળ્યા.

અટકળોમાં રાચતા એ દોષ કોનો ?
લો, પત્રો સાથે ઘણાં અરમાન બાળ્યા.

પંખી

સ્હેજ અડકી ક્યાંક ઊડી જાય પંખી.
આંખ સામે આમ ઊભી જાય પંખી.

છોડશે માળો ફરીથી સાવ ખાલી,
સ્મૃતિ વરસોવરસ મૂકી જાય પંખી.

પ્રેમની આખી નદીને પાર કરતું,
હૃદય પાસે આવી ડૂબી જાય પંખી,

નજર સહુની ચૂકવીને, લો અચાનક;
આંગણાની ધૂળ ચૂમી જાય પંખી.

ક્યાંક ચકરાવે ચડેલું હોય મન’ને,
દશ્યમાં જીવંત ઘૂમી જાય પંખી.

સર્જક

શબ્દમાળા ફેરવીને આજ બેઠાં.
અર્થ સઘળા સેરવીને આજ બેઠાં.

ના અનુભવ છે અને ના કોઈ પદવી,
લાગણીઓ કેળવીને આજ બેઠાં.

ગ્રંથમાંથી નીકળી ક્યાં અક્ષર ચાલ્યો ?
નજર સામે ટેકવીને આજ બેઠાં.

મૌનમાં મળ્યું તરસનું માછલીઘર,
વાચા ભીની મેળવીને આજ બેઠાં.

માત્ર ભાષા નામનો લઈને મહિમા,
અલખ ધૂણી ચેતવીને આજ બેઠાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રાણીઓની સભા – ડૉ. પ્રીતિ જરીવાલા
વીસ વર્ષ પછી – અનુ. પરાગ ત્રિવેદી Next »   

11 પ્રતિભાવો : તત્ક્ષણ – નરેન્દ્ર વેગડા

 1. gopal h parekh says:

  નરેન્દ્રભાઈને અભિન્ંદ્દન

 2. Neeta kotecha says:

  નરેન્દ્ર ભાઈ
  ખુબ જ સરસ . બહુ ગહેરાઈ ચે એક એક વાત મા. અભિનન્દન.

 3. એક ઘટના ભૂલવાનું ક્યાં સરળ છે ?
  દર્દ ઘૂંટી શેષ દિવસો એમ ઢાળ્યા.

  ,,,

  સુંદર રચનાઓ…
  અભિનંદન નરેન્દ્રભાઇ…

 4. કલાકોના કલાકો એક અફવા પર,
  અમસ્તી ઓટલે બેસી રહે શેરી.

  પડી છે શ્વાન જેવી ટેવ એને પણ,
  બપોરે ઘોરતી સૂતી રહે શેરી.

  ક્યાંક ચકરાવે ચડેલું હોય મન’ને,
  દશ્યમાં જીવંત ઘૂમી જાય પંખી.

  ના અનુભવ છે અને ના કોઈ પદવી,
  લાગણીઓ કેળવીને આજ બેઠાં.

  -મજાની ગઝલો… અભિનંદન, નરેન્દ્રભાઈ…. આટલી સુંદર ગઝલોમાં છંદશિથિલતા થોડી ખૂંચે છે. એના કારણે સુંદર મજાના છોડવાની ડાળો ક્યાંક ક્યાંક બટકતી હોય એમ લાગે છે.

 5. R V BAGDA says:

  નરેન્દ્રભાઈ….
  મજાની ગઝલ છે.
  બહુ ગહેરાઈ ચે એક એક વાત મા.
  અભિનંદન.

 6. Abhijeet Pandya says:

  અરમાન

  જિંદગીના અવસરો મેં એમ ટાળ્યા.
  લો બધા શમણાં તમારા તરફ વાળ્યા.
  યાર સઘળાં વચન તારા પોકળ હતાં,
  રાહમાં બાકી વરસ બેકાર ગાળ્યા.
  અટકળોમાં રાચતા એ દોષ કોનો ?
  લો, પત્રો સાથે ઘણાં અરમાન બાળ્યા.

  ઉપરોકત શેરમાં સુધારાની જરુર જણાય છે. તરફ નો ગા લ તરીકે ઉપયોગ થયો છે જેનો
  લ ગા તરીકે જ ઉપયોગ કરી શકાય. યાર સઘળા વચન વાળો શેર પણ સુધારો માંગે છે.
  લો પત્રો ગા ગા ગા થાય છે જે ગા લ ગા હોવું જોઇએ.

 7. Abhijeet Pandya says:

  પંખી

  છોડશે માળો ફરીથી સાવ ખાલી,
  સ્મૃતિ વરસોવરસ મૂકી જાય પંખી.

  પ્રેમની આખી નદીને પાર કરતું,
  હૃદય પાસે આવી ડૂબી જાય પંખી,

  નજર સહુની ચૂકવીને, લો અચાનક;
  આંગણાની ધૂળ ચૂમી જાય પંખી.

  ગઝલનું બ્ંધારણ ગા લ ગા ગા ગા લ ગા ગા ગા લ ગા ગા છે.
  ઉપરોકત શેરમાં સુધારાની જરુર જણાય છે. વરસોવરસ એ ગા ગા લ ગા છે જેનો ગા ગા ગા લ
  તરીકે ઉપયોગ થયો છે. હૃદય લ ગા છે જેનો ગા લ તરીકે ઉપયોગ થયો છે. તેવી જ રીતે
  નજર એ લ ગા છે જેનો ગા લ તરીકે ઉપયોગ થયો છે.

 8. Abhijeet Pandya says:

  સર્જક

  ગ્રંથમાંથી નીકળી ક્યાં અક્ષર ચાલ્યો ?
  નજર સામે ટેકવીને આજ બેઠાં.
  મૌનમાં મળ્યું તરસનું માછલીઘર,
  વાચા ભીની મેળવીને આજ બેઠાં.
  માત્ર ભાષા નામનો લઈને મહિમા,
  અલખ ધૂણી ચેતવીને આજ બેઠાં.

  ગઝલનું બ્ંધારણ ગા લ ગા ગા ગા લ ગા ગા ગા લ ગા ગા છે. પરંતુ ઘણાં છંદદોષ જોવા મળે છે.

  નજર નો લ ગા તરીકે જ ઉપયોગ થઇ શકે જેનો ગા લ તરીકે ઉપયોગ થયો છે. મળ્યું નો લ ગા

  ને બદલે ગા ગા તરીકે ઉપયોગ થયો છે. અલખ ધુણી એ લ ગા ગા ગા છે જેનો ગા લ ગા ગા તરીકે

  ઉપયોગ થયો છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.