વીસ વર્ષ પછી – અનુ. પરાગ ત્રિવેદી

[લેખકશ્રી ‘ઓ’ હેન્રી’ એ લખેલ વાર્તાનો ભાવાનુવાદ. ]

વૃક્ષોથી છવાયેલા પહોળા રસ્તા ઉપર એક પોલીસ ઑફિસર રુઆબભેર હૉર્ન મારતો હતો. તે રુઆબ દેખાડો નહોતો પણ ટેવરૂપ હતો કેમ કે તેને જોવાવાળા નહિવત્ હતા. હજુ તો રાત્રિના માંડ દસ થયા હતા, પણ ઠંડા હિમ જેવા વરસાદી પવનના સુસવાટાએ રસ્તા લગભગ ખાલી કરી દીધા હતા.

પોતાની લાકડી ફક્કડ અદાથી ગુમાવતો, પોતાની સાવધાન આંખો વડે શાંત જગ્યાઓમાં નજર કરવા થોડી થોડી વારે આમથી તેમ ફરતો એ પોલીસ ઑફિસર તેનાં મજબૂત બાંધા અને ગર્વભરેલી અક્કડ ચાલથી શાંતિરક્ષકની સુરેખ છાપ પાડતો હતો. તેની આજુબાજુનો વિસ્તાર વહેલો જંપી જતો હતો. અહીં તહીં ક્યાંક તમે સિગાર-સ્ટોર કે ‘ઓલનાઈટ લન્ચ-કાઉન્ટર’ ની લાઈટ જોઈ શકો, પણ મોટેભાગે તો ત્યાં દુકાનો જ હતી, જે બંધ થયાને ઠીક-ઠીક સમય વીતી ગયો હતો.

પોલીસ જ્યારે દુકાનોના એક સમૂહ વચ્ચે પહોંચ્યો, ત્યારે અચાનક તેણે પોતાની ચાલ ધીમી પાડી. અંધારાથી ઘેરાયેલા એક હાર્ડવેર-સ્ટોરનાં બારણાં પાસે એક માણસ મોઢામાં સળગ્યા વિનાની સિગારેટ રાખી, અઢેલીને ઊભો હતો. પોલીસ એની પાસેથી નીકળ્યો કે તરત તે બોલ્યો,
‘બધું બરાબર છે, સાહેબ.’ અને પછી ખાતરી કરાવવા માગતો હોય તેમ ઉમેર્યું, ‘હું એક મિત્રની રાહ જોઈને ઊભો છું. આ વીસ વર્ષ પહેલાં લીધેલી ઍપોઈન્ટમેન્ટ છે. તમને આ થોડું હાસ્યાસ્પદ લાગશે, બરાબરને ? વારુ, તમારે ખાતરી કરવી હોય તો હું તમને સમજાવીશ. જ્યાં આ સ્ટોર છે ત્યાં એ સમયે એક રેસ્ટોરન્ટ હતું – ‘બીગ જો બ્રાડી’નું રેસ્ટોરન્ટ.
‘પાંચ વર્ષ પહેલા સુધી..’ પોલીસ બોલ્યો, ‘પછી તે પાડી નખાયું હતું.’

પેલા માણસે દીવાસળી કાઢી સિગારેટ સળગાવી. દીવાસળીના અજવાળામાં તેનો ફિક્કો અને ચપટાં જડબાવાળો ચહેરો દેખાયો. તેની આંખો તીક્ષ્ણ હતી અને જમણી આંખ પાસે એક સફેદ નાનું ચાઠું હતું. તેની સ્કાર્ફપીનમાં એક મોટો હીરો કઢંગી રીતે લગાડેલો હતો.

પેલા માણસે વાત આગળ વધારી : ‘વીસ વર્ષ અગાઉ આજના દિવસે મેં મારા લંગોટિયા યાર અને દુનિયાના સૌથી સુંદર છોકરા જિમી વેલ્સ સાથે અહીં ‘બીગ જો બ્રાડી’ ના રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન લીધું હતું. અમે બંને ન્યૂયોર્કમાં એકસાથે બે ભાઈઓની જેમ મોટા થયા હતા. હું અઢાર વર્ષનો હતો અને જિમી વીસનો. બીજા દિવસે હું પશ્ચિમ તરફ મારું નસીબ અજમાવવા નીકળવાનો હતો. તમે જિમીને ન્યૂયોર્કની બહાર લઈ જઈ ન શકો, કારણકે તેને તે દુનિયાની ઉત્તમ જગ્યા માનતો હતો. હં….અં… તો પછી અમે બંનેએ નક્કી કર્યું કે અમે આ જ જગ્યાએ, આ જ સમયે, આ જ તારીખે, વીસ વર્ષ પછી મળીશું, પછી ભલેને અમારી હાલત ગમે તેવી હોય કે પછી અમારે ગમે એટલા લાંબા અંતરેથી આવવું પડે તેમ હોય. અમારાં પોતપોતાનાં ભાગ્ય ઘડવા માટે અને નસીબ અજમાવવા માટે વીસ વર્ષ પૂરતાં હતાં.’

‘તમારી વાત ખૂબ રસપ્રદ છે.’ પોલીસ ઑફિસરે કહ્યું : ‘બે મુલાકાત વચ્ચેનો સમયગાળો ખૂબ લાંબો કહેવાય એવું મને લાગે છે. તમારા મિત્રથી છૂટા પડ્યા પછી એના વિશે કંઈ સાંભળવા મળ્યું છે ?;’ ‘હા, થોડો સમય અમારે સંપર્ક રહ્યો હતો.’ પેલો માણસ બોલ્યો : ‘પણ એકાદ-બે વર્ષ પછી અમારો સંપર્ક છૂટી ગયો. તમને ખબર છે કે પશ્ચિમનો વિસ્તાર ઘણો મોટો છે અને હું ત્યાં ખૂબ આનંદથી ફર્યો પણ હું જાણું છું કે જિમી જો જીવતો હશે તો તે જરૂર અહીં આવશે; કારણકે તે હંમેશા દુનિયાનો સાચામાં સાચો અને સૌથી વફાદાર માણસ હતો. તે કદી ભૂલે નહિ. હું લગભગ એક હજાર માઈલ દૂરથી આજે અહીં પહોંચ્યો છું. અને તે આવશે તો મારું આવ્યું લેખે લાગશે.’

રાહ જોતા માણસે એક સુંદર ઘડિયાળ કાઢી, જેનું ઢાંકણું નાના નાના હીરાથી સુશોભિત હતું. ‘નવ ને સત્તાવન’ તે બોલ્યો : ‘અમે અહીંથી છૂટા પડ્યા હતા ત્યારે બરાબર દસ વાગ્યા હતા.’
‘પશ્ચિમ તમને ફળ્યું લાગે છે, કેમ ?’ પોલીસે પૂછ્યું.
‘હાસ્તો ! મને આશા છે કે જિમીએ મારાથી અડધું તો મેળવ્યું હશે. તે સારો માણસ હતો, પણ ખૂબ મહેનતથી અને ધીમેથી આગળ વધનારો માણસ હતો. મારે મિલકત ભેગી કરવા માટે કેટલાક અતિબુદ્ધિશાળી માણસો સાથે સ્પર્ધા કરવી પડી હતી. ન્યૂર્યોકમાં માણસ એક ઘરેડમાં બંધાઈ જાય છે. પશ્ચિમ માણસને તેજતર્રાર બનાવે છે.’
પોલીસ ઑફિસરે તેની લાકડી ફેરવી અને એક-બે ડગલાં ચાલ્યો. ‘ચાલો હું મારા રસ્તે પડું. આશા રાખું છું કે તમારો મિત્ર સાજોસમો આવશે. તમે થોડો સમય રાહ જોઈ નીકળી જશો, કેમ ?’
‘ના, ના ! મારે તેને ઓછામાં ઓછી અડધી કલાક આપવી જોઈએ. જિમી જો જીવતો હશે તો ત્યાં સુધીમાં આવી જશે.’
‘ગુડનાઈટ સાહેબ.’ એટલું બોલી પોલીસ ઑફિસર પાછો રોનમાં નીકળી પડ્યો.

હવે મજાનો ઝરમર વરસાદ પડી રહ્યો હતો. અચોક્કસ સુસવાટાની જગ્યાએ હવે એકધારો પવન ફૂંકાઈ રહ્યો હતો. તે વિસ્તારમાં ચાલતા એકલદોકલ રાહદારીઓ કૉલર ઊંચા ચડાવી, હાથ ખિસ્સામાં રાખી, કંઈક ઉદાસીથી અને ચુપકીદીથી પણ ઝડપથી જતા હતા. અને હાર્ડવેર સ્ટોરનાં બારણાં પાસે એક હજાર માઈલ દૂરથી પોતાના યુવાનીના મિત્ર સાથેની ઍપોઈન્ટમેન્ટ પૂરી કરવા આવેલો પેલો માણસ થોડે બેવકૂફભરી અનિશ્ચિતતા સાથે સિગારેટ ફૂંકતો રાહ જોતો ઊભો હતો.

આ રીતે લગભગ વીસેક મિનિટ વીતી હશે. એટલામાં કાન સુધી કૉલર ઊંચા ચડાવેલો લાંબો ઓવરકોટ પહેરેલો એક ઊંચો માણસ ઝડપથી રસ્તાની સામેની બાજુથી આવ્યો. તે સીધો જ રાહ જોતા માણસ પાસે ગયો.
‘શું તું બોબ છે ?’ તેણે કંઈક શંકાથી પૂછયું.
‘તું જિમી વેલ્સ તો નહિ ?’ બારણા પાસે ઊભેલો માણસ બોલી ઊઠ્યો.
‘ઓહ !’ નવો આવેલો માણસ પેલાનાં બંને હાથ પકડી બૂમ પાડી ઊઠ્યો, ‘નક્કી તું બોબ જ છે. મને ખાતરી હતી કે જો તું જીવતો હોઈશ તો તું મને અહીં ચોક્કસ મળીશ. આ…હા…આ ! વીસ વર્ષ… ઘણો લાંબો સમય છે. બોબ, હવે પેલું રેસ્ટોરન્ટ નથી રહ્યું. તે હજુ હોત, તો મને ગમત. આપણે તે રાત્રિની જેમજ ડિનર લઈ શકત. હં…. તો પશ્ચિમમાં કેમ રહ્યું, દોસ્ત ?’
‘અરે, જોરદાર ! મારે જે કંઈ જોઈતું હતું તે બધું જ પશ્ચિમે મને આપ્યું છે. તું બહુ બદલાઈ ગયો છે. જિમી, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તું બે-ત્રણ ઈંચ જેટલો ઊંચો થઈ ગયો હોઈશ.’
‘હા, વીસ વર્ષની ઉંમર પછી પણ હું થોડો વધ્યો.’
‘ન્યૂયોર્કમાં કેમ રહ્યું, જિમી ?’
‘ઠીક ઠીક, શહેરના એક ખાતામાં હું સર્વિસ કરું છું. ચાલ બોબ, મને પરિચિત એક જગ્યાએ આપણે જઈએ અને આપણા જૂના સમયની નિરાંતે વાતો કરીએ.’

બંને જણ હાથમાં હાથ પરોવી ચાલી નીકળ્યા. સફળતાની અસરથી વધી ગયેલ અહંકાર સાથે પશ્ચિમમાંથી પધારેલ મહાશય તેની કારકિર્દીના ઈતિહાસની રૂપરેખા આપી રહ્યા હતા. ઓવરકોટથી સંપૂર્ણ ઢંકાયેલો પેલો રસથી સાંભળી રહ્યો હતો. એક ખૂણા પર લાઈટથી ઝળહળતી દવાની દૂકાન હતી. તેઓ જ્યારે અજવાળામાં આવ્યા ત્યારે એકબીજાનું મોં જોવા એકસાથે સામસામા ફર્યા. અચાનક પશ્ચિમમાંથી આવેલા માણસે તેનો હાથ છોડાવી લીધો.
‘તું જિમી વેલ્સ નથી.’ તે ચિડાઈને બોલ્યો, ‘વીસ વર્ષ લાંબો સમય છે, પણ એથી કંઈ માણસનું અણિયાળું નાક ચીબું ન થઈ જાય !’

‘ક્યારેક સારો માણસ ખરાબ થઈ જાય’ પેલા માણસે કહ્યું અને ઉમેર્યું : ‘તારી હું દસ મિનિટ માટે ધરપકડ કરું છું, સિલ્કી બોબ! તારી વાત સાચી છે, હું જિમી નથી. શિકાગોવાળા માને છે કે તું અમારા વિસ્તારબાજુ આવ્યો છે, અને અમને ફોન દ્વારા જણાવ્યું છે કે તેઓ તારી સાથે વાત કરવા માગે છે. તું શાંતિથી આવીશ, ખરું ને ? હં…અ… આ સમજદારીભર્યું કામ છે. હવે આપણે પોલીસ સ્ટેશન જઈએ તે પહેલાં આ ચિઠ્ઠી વાંચી લે, જે મને આપવામાં આવી છે. અહીં બારી પાસે તે વાંચી લે. તે પેટ્રોલમેન જિમી વેલ્સ તરફથી છે.’

પશ્ચિમમાંથી આવેલ માણસે ચિઠ્ઠી ખોલી. તેણે જ્યારે વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેનો હાથ સ્થિર હતો; પણ ચિઠ્ઠી પૂરી કરતાં સુધીમાં તેનો હાથ ધ્રૂજી ગયો. લખાણ ટૂંકું હતું.
‘બોબ, હું આપણે નક્કી કરેલ જગ્યાએ સમયસર આવી ગયો હતો. જ્યારે તે સિગારેટ સળગાવવા માટે દીવાસળી પેટાવી, ત્યારે મેં જોયું કે તારો ચહેરો શિકાગોના ‘મોસ્ટ વોન્ટેડ’ શખ્સનો હતો. ગમેતેમ પણ હું પોતે તો તે કરી શક્યો નહિ. આથી હું ત્યાંથી નીકળી ગયો અને એક સાદા વેશવાળા માણસને એ કામ કરવા મોકલ્યો.

જિમી વેલ્સ…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તત્ક્ષણ – નરેન્દ્ર વેગડા
મનુષ્ય થવું – કુન્દનિકા કાપડીઆ Next »   

15 પ્રતિભાવો : વીસ વર્ષ પછી – અનુ. પરાગ ત્રિવેદી

 1. પરેશ ભેદા says:

  સરસ..!!!

 2. Biren, Dhara says:

  સરસ

 3. chirag jhala says:

  quite old story…why a repeatition? anyways….

 4. સુરેશ જાની says:

  અદભૂત વાર્તા

 5. rajeshwari says:

  અદભૂત……ખૂબ જ રોમાંચક વાર્તા.

 6. Pravin V. Patel says:

  ફરજ પહેલી. રોમાંચક-નક્કર સત્ય.

 7. Mital says:

  when i was in 9th std, this short story from O’Henry, used to come in our English Text Book as a part of acedemic exercise.

  William Sydney Porter (O’Henry) was born in Greenboro,South Carolina.
  O’Henry was a prolific American short-story writer, a master of surprise endings, who wrote about the life of ordinary people in New York City. A twist of plot, which turns on an ironic or coincidental circumstance, is typical of O’Henry’s stories.

  This short story reminded me of my childhood, that being naive was not considered old-fashioned and no body used to ask status report from me every Friday.
  Thanks a lot for reminding my glorious childhood.

  Rgds,
  Mital

 8. jeetesh muchhadia says:

  ઓ હેન્રિ નિ વાર્તા ઑ ખુબજ નાનિ પન હ્રદય નિ આરપાર જતિ રહેતિ હોય વ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.