ક્રિસમસ ગિફ્ટ – જયશ્રી

Chirasmas Gift[‘નવનીત સમર્પણ-ડિસે.’06’ માંથી સાભાર.]

સાત વર્ષીય બૉબી ઘરની પછીતે આવેલા આંગણામાં ઠંડીમાં ઠૂંઠવાતો બેઠો હતો. એણે કાતિલ ઠંડીથી બચવા બૂટ નહોતા પહેર્યા, કારણકે તેને ગમતા નહીં. ખરી વાત તો એ હતી કે એની પાસે બૂટ હતા જ નહિ. એણે જે લાંબી બાંયવાળુ સ્વેટર પહેર્યું હતું એમાં પણ ઠેકઠેકાણે કાણાં હતાં. આથી આવી કાતિલ ઠંડીથી એને કોઈ રક્ષણ મળતું નહતું. બૉબી આ બધા અભાવથી ટેવાયેલો હતો. લગભગ એક કલાકથી એ પાછળના આંગણામાં બેઠો હતો અને આવતીકાલે ક્રિસમસના દિવસે મમ્મીને ભેટમાં શું આપવું એની મનમાં ગડમથલ કરતો હતો. અને કંઈ જ સૂઝતું ન હતું. એનું બાળહૃદય દુ:ખી દુ:ખી થઈ ગયું.
‘જો પપ્પા જીવતા હોત તો મને એમણે કેટલા બધા પૈસા આપ્યા હોત. પછી તો હું મમ્મી માટે સરસ ગિફ્ટ લાવી શક્યો હોત ! છટ્, છટ્, આ તે કેવી વિડંબણા ? હું શું કરું ? ક્યાં જાઉં ? કોને કહું ?’ આ બધું વિચારતાં વિચારતાં એનું કોમળ હૃદય રડી ઊઠ્યું અને આંખો વાટે વહેવા લાગ્યું.

બૉબીના પપ્પા એ ફક્ત ત્રણ વર્ષનો હતો ત્યારે એક જીવલેણ બીમારીમાં પટકાઈ પડ્યા અને ગુજરી ગયા. મા બિચારી એકલી પડી ગઈ. બૉબીની બે મોટી બહેનો, એક દસ વર્ષની અને બીજી બાર વર્ષની, આમતેમ થોડું કામ કરીને પૈસા મેળવી લેતી હતી. પણ બૉબી એટલો નાનો હતો કે કોઈ એને કામ આપવાને તૈયાર જ ન હતું. મમ્મી બિચારી કેટલું કામ કરતી અને રાતના એક હૉસ્પિટલમાં રાતપાળી કરતી. તોય ચાર જણનું પેટ ભરવાનાં ફાંફા પડતાં હતાં. આટલી મુશ્કેલી હોવા છતાં ભાઈબહેનો કદી ઝઘડતાં નહીં, બધાં એકબીજા માટે ઘસાઈ છૂટવા મથતાં.

પાર્થિવ વસ્તુઓની અછત હોવા છતાં પણ એમના ઘરમાં પ્રેમ અને સંપનું વાતાવરણ હતું. માની ગેરહાજરીમાં બંને બહેનો બૉબીનું બહુ જ ધ્યાન રાખતી અને એને કોઈ જાતનું ઓછું ન આવે તેની તકેદારી રાખતી હતી. બૉબીને ખબર હતી કે બહેનોએ મમ્મી માટે કંઈક ગિફ્ટ બનાવીને સંતાડી રાખી છે. ‘આ તો સરાસર અન્યાય કહેવાય. આજે ક્રિસમસની પૂર્વસંધ્યા છે. જો આજ રાત સુધીમાં હું ગિફ્ટ નહીં મેળવી શકું તો આવતી કાલે મમ્મીને શું આપીશ ?’

આમ વિચારતો અને આંસુ લૂછતો બૉબી પગેથી બરફનાં ઢેફાં ઉછાળતો ગલીના નાકા સુધી પહોંચી ગયો. નાકા પર જાત જાતની દુકાનો હતી. વીજળીની બત્તીઓથી ઝાકઝમાળ આ દુકાનો કેટલી સુંદર રીતે શણગારેલી હતી ! એની બારીઓમાં ગોઠવેલી વિવિધ વસ્તુઓ બૉબીને અત્યંત આકર્ષિત કરી રહી હતી. પણ હાય નસીબ ! આમાંનું કંઈ પણ બૉબી ખરીદી શકે એવી પરિસ્થિતિમાં ન હતો. અને અત્યારે પપ્પાની ગેરહાજરી બહુ જ પીડી રહી હતી. અને અત્યારે કોઈ મોટેરાનો સંગાથ જોઈતો હતો. પણ કોઈને ક્યાં ફુરસદ હતી એની સામેય જોવાની ? સાંજ પડી રહી હતી. અંધારું થવા આવ્યું હતું. નિરાશ બૉબી ઘર તરફ પાછો જઈ રહ્યો હતો. ત્યાં તો એક વળાંક આગળ એણે કશુંક ચળકતું જોયું. કુતૂહલવશ બૉબી એ તરફ ખેંચાઈ ગયો. આથમતા સૂર્યનાં કિરણો એ વસ્તુને એવી ઝગમગાવી રહ્યાં હતાં કે જાણે કોઈ દૈવી સંપત્તિનો ખજાનો ન હોય !

બૉબી ઝડપથી એ વસ્તુની પાસે ગયો. અને એણે શું જોયું ? દશ શિલિંગનો એક ચળકતો સિક્કો ! બૉબીના આનંદનો પાર ન રહ્યો. જાણે કોઈ મોટો ખજાનો પ્રાપ્ત થયો હોય એટલો હરખ બૉબીને થયો. એના આખા શરીરમાં જાણે સિક્કાની ગરમી ફરી વળી અને કોઈ મોટા માલેતુજારની અદાથી એ દુકાનો તરફ પાછો વળ્યો. પણ એનો ઉત્સાહ ઊભરાયેલા દૂધની જેમ થોડીવારમાં શમી ગયો. એણે પહેલી દુકાનમાં પ્રવેશ કર્યો અને પોતાનો સિક્કો બતાવીને પૂછ્યું : ‘મને આ સિક્કામાં કઈ ગિફટ મળી શકશે ?’ સિક્કો જોઈને દુકાનદાર હસી પડ્યો અને કહ્યું, ‘આ સિક્કામાં વેચવા જેવી કોઈ વસ્તુ અમારી પાસે નથી. તું પેલા ફૂલવાળાની દુકાને જા, કદાચ એ તને એકાદ ફૂલ આપી શકશે.’

બિચારો બૉબી ! એ હતાશભર્યા હૈયે ફૂલની દુકાનમાં પેઠો. ત્યાં લોકોની લાઈન લાગી હતી. એ પણ કતારમાં ઊભો રહ્યો. જ્યારે એનો વારો આવ્યો ત્યારે દુકાનદારે એને પૂછ્યું, ‘શું જોઈએ છે દીકરા ?’ દીકરાનું વાત્સલ્યપૂર્ણ સંબોધન સાંભળીને બૉબીનું હૈયું ઊછળી ઊઠ્યું. એણે પોતાની હથેળી ખોલીને દુકાનદાર સામે સિક્કો ધર્યો અને ગભરાતાં ગભરાતાં પૂછ્યું : ‘અંકલ, મારે મારી મમ્મી માટે ક્રિસમસ ગિફ્ટ લેવી છે. આ સિક્કામાં જેટલાં ફૂલ આવી શકે તેટલાં મને આપવા મહેરબાની કરશો.’ બૉબીએ પણ ‘દીકરા’ ના સંબોધનનું સાટું ‘અંકલ’ કહીને વાળી દીધું. દુકાનદારે, કે જેનું નામ પીટર હતું, બૉબીના ખભા પર પ્રેમથી હાથ મૂક્યો અને બોલ્યો : ‘દીકરા, તું જરા આ બાજુ આવીને બેસ. હું આ ગ્રાહકોને પતાવીને તારી પાસે આવું છું. પછી જોઉં છું કે હું તારા માટે શું કરી શકું એમ છું ?’ બૉબી બાજુએ ખસી જઈને એક ખૂણામાં ઊભો રહ્યો. ત્યાંથી એને જાત જાતનાં અને ભાતભાતનાં સુંદર ફૂલો દેખાતાં હતાં. હવે બૉબીને ખબર પડી કે છોકરીઓને અને મમ્મીઓને ફૂલો શા માટે વહાલાં લાગતાં હશે. બૉબી પોતાની કલ્પનાની દુનિયામાં ખોવાઈ ગયો. છેલ્લો ઘરાક ગયો અને પીટરે બારણું બંધ કર્યું. એના અવાજથી બૉબી ચમકી ગયો અને સફાળો આ દુનિયામાં પાછો આવ્યો.

પીટર અંદરના ભાગમાં ગયો. બૉબી એકલો પડી ગયો અને ગભરાવા લાગ્યો. થોડી વારમાં પીટર પાછો આવ્યો. એના હાથમાં ઘણાં બધાં લાલ તાજાં ગુલાબ લીલાં પાંદડા સહિત અને બીજાં નાનાં નાનાં સફેદ ફૂલોથી બનાવેલ એક સોનેરી રિબનથી બાંધેલો એક સરસ ગુચ્છો હતો. પછી પીટરે એક લાંબુ સફેદ બૉક્સ લીધું અને બહુ જ કાળજીપૂર્વક, હલકા હાથે એ બુકેને (ગુચ્છાને) બૉક્સમાં ગોઠવી દીધો. ઉપર એક પારદર્શક પ્લાસ્ટિકનું ઢાંકણું મૂક્યું અને તેને બીજી સોનેરી રિબનથી બાંધીને તૈયાર કર્યું. બૉબી આ બધું આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો. ‘આવ દીકરા, આ જો તારી મા માટે ક્રિસમસ ગિફ્ટ. પસંદ પડીને ? ક્યાં છે તારા દસ શિલિંગ ?’

બૉબીએ સંકોચપૂર્વક હાથની મુઠ્ઠી ખોલી અને દસ શિલિંગનો સિક્કો પીટરના હાથમાં મૂક્યો.
‘શું આ સાચું છે ? હું સ્વપ્ન તો નથી જોતો ને ?’ બૉબીના મનમાં સવાલ ઊઠ્યો. ‘દસ શિલિંગમાં મને કોણ આવી ગિફ્ત આપવાનું હતું ?’
બૉબીનો ડઘાયેલો અને આશ્ચર્યમંડિત ચહેરો જોઈને પીટરે ખુલાસો કર્યો : ‘મારે આ ગુલાબનાં ફૂલ દસ શિલિંગમાં જ વેચવાનાં હતાં. તને ગમ્યાં કે નહીં ?’ હવે બૉબીના ચહેરા પર આનંદભર્યું સ્મિત ફરકી ઊઠ્યું અને કોઈ પણ જાતના સંકોચ વગર પૂર્ણ આત્મવિશ્વાસથી બૉબી આગળ વધ્યો. પીટરે સાચવીને એ લાંબો ડબ્બો બૉબીના લંબાયેલા નાનકડા હાથમાં મૂક્યો. બૉબીને ખાતરી થઈ ગઈ કે આ સ્વપ્ન નહીં પણ હકીકત છે.

પીટર દરવાજા તરફ ગયો અને બારણું ખોલીને બૉબીના પસાર થવાની રાહ જોતો ઊભો રહ્યો. જેવો બૉબીએ બારણાની બહાર પગ મૂક્યો કે પીટરે એના માથા પર વહાલસોયો હાથ મૂકીને કહ્યું : ‘હેપી ક્રિસમસ, દીકરા !’ ‘થેંક યું અંકલ, હેપી ક્રિસમસ ટુ યુ ઓલસો.’ બૉબીએ ગદગદિત સ્વરે આભાર માન્યો.

પીટર બારણું બંધ કરીને અંદર આવ્યો. ત્યાં જ એની પત્ની મેરીએ એને પૂછ્યું : ‘તું કોની સાથે વાત કરતો હતો ?’ આંખે આવેલ ઝળઝળિયાં છુપાવતાં અને બારીની બહાર નિહાળતાં પીટરે જવાબ આપ્યો : ‘ડિયર મેરી, આજે એક વિચિત્ર ઘટના ઘટી. સવારના જ્યારે હું દુકાન સજાવતો હતો ત્યારે મેં મારી અંદર અંતરમાંથી એક અવાજ સાંભળ્યો, ‘પીટર, એક ડઝન ઉત્તમમાં ઉત્તમ ગુલાબનાં ફૂલ અલગ કરીને રાખજે. એ કોઈની સ્પેશિયલ ગિફટ માટે હશે.’ હું વિચારમાં પડી ગયો. મને થયું કે હું દિવાસ્વપ્ન જોતો હોઈશ. ત્યાં તો વળી પાછો એ જ અવાજ સંભળાયો અને એ જ આદેશ મળ્યો. મને થયું કે મારું ભેજું ગેપ થતું જાય છે પણ તોય કોઈ અદશ્ય શક્તિનો પ્રેર્યો હું સારામાં સારાં એક ડઝન ગુલાબ સાચવીને અંદર મૂકી આવ્યો.

થોડી વારમાં પહેલાં એક નાનો છોકરો સાતાઆઠ વર્ષનો હશે, દસ શિલિંગનો સિક્કો લઈને મારી પાસે આવ્યો અને કહ્યું કે આ પૈસાથી એને એની માતાને માટે ક્રિસમસ ગિફટ ખરીદવી છે. મેં એની સામે ધ્યાનથી જોયું. એની આંખોમાં મને મારું પ્રતિબિંબ નજર આવ્યું. ઘણાં વર્ષો પહેલાં હું પણ જ્યારે નાનો હતો, આ છોકરા જેવડો જ હોઈશ ત્યારે મારી પાસે પણ મારી મા માટે ક્રિસમસ ગિફ્ટ ખરીદવાના પૈસા ન હતા. ત્યારે એક દાઢીવાળા વૃદ્ધ સજ્જને જેમને હું ઓળખતો પણ ન હતો, મને ઊભો રાખ્યો અને કહ્યું કે ક્રિસમસ નિમિત્તે તેઓ મને દસ પાઉન્ડ આપવા માગે છે. હું તો ખુશખુશાલ થઈ ગયો અને મારી મા માટે સરસ ગિફ્ટ ખરીદીને ઘેર ગયો.

આજે જ્યારે મેં આ છોકરાને દસ શિલિંગમાં એની મા માટે ગિફટ શોધતો જોયો ત્યારે મને તરત જ ખ્યાલ આવી ગયો કે પેલો અવાજ કોનો હતો અને મેં પેલાં ઉત્તમ ગુલાબ કેમ અલગ તારવી રાખ્યાં.’ પીટરની પત્નીએ ખુશ થઈને એને પ્રેમભર્યું દઢ આલિંગન આપ્યું અને બંને દુકાન બંધ કરીને બહાર આવ્યાં. આવી કડકડતી ઠંડીમાં પણ એમણે ગજબની ઉષ્મા અનુભવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનુષ્ય થવું – કુન્દનિકા કાપડીઆ
શ્રવણને પણ એક ભાઈ હોત તો ? – વિનય કવિ Next »   

24 પ્રતિભાવો : ક્રિસમસ ગિફ્ટ – જયશ્રી

 1. સરસ વાર્તા …
  રીડ ગુજરાતી.કોમ ના સર્વ વાચકોને મારા તરફથી Merry Christmas… !!

  – જયશ્રી ભક્ત
  http://tahuko.com

 2. Vikram Bhatt says:

  Merry Christmas to all the readers & Mrugeshbhai.
  Nice story & befitting to occasion.
  Vikram Bhatt

 3. Devdutt says:

  ખુબ સરસ

 4. Virendra Pandya says:

  મઝા આવી. સુંદર વાર્તા.
  તમે જયશ્રી ભક્ત(LA) છો?

 5. Pratik Kachchhi says:

  Nice Story.. Good gift for Gujarati lovers .. I just send link to some one special to me.. Thanks again..

 6. shetal says:

  વાહ વાહ ખુબ જ સુન્દર વાર્તા ……..
  વાન્ચિ ને બહુ સારુ લાગ્યુ

 7. પરેશ ભેદા says:

  ખુવ જ સરસ વાર્તા હતી. ઇન્ટરનેટ પર ગુજરતી સાથે મેળાપ કરાવવા બદલ હું સદા તમારો ઋણી રહીશ. લખતા રહેશો.

 8. Harish Desai says:

  આન્ખો અશ્રુભિનિ થઇ ગઇ. ખરેખરે ખુબ જ સુન્દર.

 9. ashalata says:

  નવનિત—–મા આ વારતા વાચી હતી આજે ફરીથી
  વાચી ઘણો આનન્દ થયો
  આભાર

 10. Nima says:

  Khub j saras varta…… Ekdam touchy chhe.

 11. Anitri says:

  બહુ સરસ વર્તા.

 12. Pravin V.Patel says:

  શબ્દોની આડશે અશ્રુ તોરણો આવ્યાં. હૃદયસ્પર્શી ઘટના.
  અભિનંદન્.
  ક્રિસમસની શુભેચ્છાઓ.

 13. Ishvar R Darji says:

  Christmas Gift is a very touching story. Lekhika na sabdo ma bhavna sabhar vicharo no pravah jova male chhe. Sabdo dwara sampurna drashya tamara manas pat par chitrit karva ni shaili kharekhar abhinandan ne patra chhe. My compliments to Jayashreeben for presenting such a emotionally packed story to the readers. My emotions were flowing freely through my eyes on this Christmas day.

 14. Bhavesh Shah says:

  Very Touchy Story…. These are in similar lines to the stories by Leo Tolstoi

 15. rajeshwari says:

  ખૂબ જ સરસ અને હ્રદયસ્પર્શી વાર્તા છે.અભિનંદન

 16. Amit Patel says:

  Thanks to Author,

  This is really “Touch to Heart” story,

  Merry Christmas and Happy New Year to all readers.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.