- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એ અંધારી રાતે – પદ્મા ફડિયા

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

અખિલ ભારતીય નારી નિરક્ષરતા નિવારણ, દિલ્હીની એક સમિતિ તા.27-28 માર્ચના રોજ સાપુતારા- ઋતંભરા વિશ્વવિદ્યાપીઠમાં ભરાઈ હતી. બે દિવસની એ કૉન્ફરન્સનું કામકાજ પતાવી બુધવારે સવારે હું, નિર્મળાબહેન અને જયશ્રીબહેન પંપાસરોવર માતંગ ઋષિનું સ્થાન અને શબરી ભીલડીનું મંદિર જોવા ગયાં અને એમાં ખાસ્સો એવો સમય વીતી ગયો.

પાછાં ફરતાં સાંજ પડી ગઈ. સૂર્યદેવ પશ્ચિમાકાશમાં ધીરે ધીરે ડૂબતા જતા હતા. ચારે દિશાઓમાં પળે પળે અંધકાર છવાતો જતો હતો ત્યારે વહેલામાં વહેલું ઘેર જવા માટે એકસપ્રેસ હાઈવેનો રસ્તો (Ahmedabad-Baroda Expressway ) લેવાનું અમે ડ્રાઈવરને સૂચન કર્યું. અમારી ગાડી હાઈવે ઉપર પાણીની જેમ દોડવા લાગી. રસ્તો નિર્જન હતો. મોટર 120 ની ઝડપે ઘેર જવા ઊછળતી હતી. ક્યારે ઘેર પહોંચીએ અને બાળકોને સ્ટ્રોબરી ખવરાવીએ એ ઉમળકાના આનંદમાં અમે સૌ મસ્ત હતાં.

ત્યાં જ એક મોટા આંચકા સાથે મોટર ફટ લઈને ઊભી રહી. અમે ત્રણેય બહેનો ગભરાઈ. મોટરને કંઈ થયું. ઝટપટ બહાર નીકળીને જોયું તો મોટરનું ટાયર ફાટી ગયું હતું.
‘શું કરવું ?’ અમે ત્રણેય બહેનો વિચારમાં પડી ગયાં. શું કરીશું ? કોને કહીશું ? કોને બોલાવીશું કે પછી કોઈની ગાડીની મદદ માગી એમાં જ બેસીને ચાલ્યા જઈએ ? એવા કેટલાયે વિચારો આવી ગયા. એક તો અમાસની અંધારી રાત. ચોતરફ અંધકાર. મહિસાગરનાં કોતરો. ક્યાંય ન દીવો દેખાય કે ન કોઈ માણસ દેખાય. હા, હાઈવે ઉપર દૂર…..દૂરથી…. આવતી મોટરોની લાઈટો દેખાય અને પળવારમાં પાછો અંધકાર. એવે સમયે અમે બે-ચાર મોટરોને થોભાવવા હાથ ઊંચો પણ કર્યો પણ કોઈ કરતાં કોઈએ ન તો મોટર ઊભી રાખી કે ન તો કોઈ હમદર્દી બતાવી. મને તો એવો ગુસ્સો મનમાં ચડ્યો કે એમના ઘરમાં શું મા, બહેન, પત્ની, દીકરી નથી કે સભ્યતા દેખાડતાંય ડરે છે ?

અચાનક નિર્મળાબહેન, જયશ્રીબહેનને યાદ આવ્યું કે એક્સપ્રેસ હાઈવે ઉપર ઠેરઠેર પોસ્ટરો લગાડેલાં છે. એમાં લખ્યું છે કે એક્સપ્રેસ હાઈવે હેલ્પલાઈન અને નંબર. તરત જ નંબર લગાવ્યો અને કહ્યું અમારી મોટરનું ટાયર મહીસાગરનાં કોતરો પાસે જ ફાટી ગયું છે. અમે ત્રણે બહેનો જ છીએ. અમારે તમારી મદદની જરૂર છે. સર્વત્ર અંધકાર છે. કોતરોમાંય ક્યાંયે દીવા દેખાતા નથી.

ટેલિફોન મૂકી દીધો. અમે આગળ ક્યાંક બીજું વિચારીએ તે પહેલાં તો એક સફેદ મોટર આવીને ત્યાં ઊભી રહી. મને જરા ગભરામણ થઈ. કારણકે ચાર દિવસ પહેલાં પણ બહેનોને લૂંટવામાં આવી હતી. પણ એ મોટરમાંથી બે માણસો ઊતર્યા; પૂછ્યું, અમે હકીકત જણાવી.
એક ભાઈએ અમને પૂછ્યું : ‘ટાયર તો સાવ ફાટી ગયું છે. નવું ટાયર ખરીદવું છે કે જૂનું ટાયર સાંધવું છે ?’
‘નવું આવે તો વધુ સારું.’ અમે જવાબ આપ્યો. અને થોડી વારમાં જ અમારા બાબુ ડ્રાઈવરે ટાયર કાઢ્યું અને તે સૌ અમારા ડ્રાઈવરને લઈને એમની જ મોટરમાં ચાલ્યા ગયા. હવે અમે ત્રણેય એકલાં પડ્યાં.

અંધકારનાં ઓળાં નીચે ને નીચે ઊતરતાં જતાં હતાં. કોતરો ભૂત જેવાં બિહામણાં લાગતાં હતાં. કોઈની અવરજવર તો હતી જ નહિ. એક માત્ર ક્યારેક કોઈક મોટર આવતી ને સડસડાટ ચાલી જતી. મને લાગ્યું આ તો માણસ કહેવાય…હું મનમાં બબડી…. મારું હૈયું કંપી ઊઠયું : કેવા કઠોર, હૈયા વિનાના માણસો ? જરાય સભ્યતા નહિ !

હું જરા આમ પણ ભીરુ હતી. મને ડર લાગતો હતો. આખું યે વાતાવરણ ભૂતાવળું લાગતું હતું. મહિસાગરની ટેકરીઓ જાણે કાળાં કપડાં ઓઢેલી ભૂતાવળ જેવી જણાતી અને રસ્તે જતી-આવતી-દોડતી મોટરોની લાઈટો જાણે એ રાક્ષસોની લાલ લાલ આંખો. અમારાં બે બહેનો તો નિરાંતે વાતો કરતાં ઘડીકમાં વડોદરા તો ઘડીકમાં અમદાવાદ ફોન કરતાં અમારી પરિસ્થિતિ સમજાવી રહ્યાં હતાં. અને ઘડીકમાં મને પૂછતાં ‘તમારે ઘેર જવું છે ? તો કોઈની મોટર ઊભી રાખીએ.’
‘તમને બન્નેને મૂકીને હું એકલી જાઉં ? એ તો ક્યાંથી બને ? હું તમને એકલાં તો ન જ મૂકું. ભલેને ગમે તે થાય.’ મેં કહ્યું.
‘ડર તો નથી લાગતો ને ?’
‘ના રે ના. આમ તો સામાજિક કાર્યકર કહેવાઈયે અને આમ મિયાં ફુસકી !’ હું મોટેથી બોલી પરંતુ હૈયામાં ગભરાટ તો હતો જ.

ભૂતપ્રેત, ચોર, લૂંટારા આવે તો હથિયાર વિનાનાં અમે ત્રણ જણાં શું કરી શકવાનાં ? દૂર….દૂર ઝાડનાં પાંદડાં હાલે તો ય જાણે પ્રેતોની ભૂતાવળ ચાલી આવતી ન હોય ! એવું લાગતું. એવામાં દૂર દૂરથી એક દોડતો આવતો યુવાન દેખાયો. એના હાથમાં લાકડી હતી. અમે ત્રણે ઊભાં થઈ ગયાં.
‘કોણ છો ભાઈ ?’ બહેને પૂછ્યું.
‘હું સિપાઈ છું આ હાઈ-વેનો. અમારા અધિકારીએ મને મોકલ્યો છે. તમારી મોટરનું એ ટાયર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મારે અહીં જ રહેવાનું.’
‘તારું નામ શું ?’
‘વિક્રમ’
‘ઓહ ! પેલો વિક્રમરાજા ! રાત્રે ઘોડા પર બેસી નગરચર્યા જોવા નીકળતો હતો તે ?’ હું હસી.
‘ના, બહેન ! હું ઘોડા પર નહિ પણ પગે દોડતો આવ્યો છું. મારા અધિકારીની આજ્ઞા છે.’
નાનાંમોટાં કોતરો, નાનીમોટી ખીણો…. આકાશમાં તારા ટમટમતા હતા. સપ્તર્ષિ, ગાલ્લી વગેરે જોઈ જોઈને હું મન વાળતી હતી અને ચાલતી હતી. ત્યાં જ આ વિક્રમ આવ્યો. એની સાથે એની જિંદગીની વાતો કરવામાં અમે થોડો સમય ગાળ્યો.

ત્યાં જ એક ગાડી સામેના રસ્તા પર ઊભી રહી. હું પણ ઊભી રહી. અમારી બન્ને નીડર બહેનો તો ત્યાં બેસી જ રહી. એ ગાડીમાંથી એક પછી એક ત્રણ માણસો ઊતર્યા. અને વળી પાછો ડર લાગ્યો : ચોર-લૂંટારા તો નહીં હોય ને ? હું બહુ ધીમે ગણગણી.
ત્યાં જ પેલો સિપાહી બોલ્યો : ‘બહેન, ચાર દિવસ પહેલાં જ આવું બન્યું હતું.’
મને થયું : ‘અમારી પાસે તો કોઈ સાધન જ ન હતું અને આ સિપાઈ પાસે એક જ લાકડી…. અમે શું કરી શકીશું ? અમે ત્રણેય ત્યાં જ ઊભા થઈ ગયાં. પણ ત્યાં તો એક બહેન બોલી ઊઠી :
‘અરે, આ તો આપણો બાબુ ! જુઓ કાંઈ નવું ટાયર લઈને આવ્યો છે.’
‘હા…હા, નવું જ ટાયર લઈને આવ્યો છું.’ કહેતા પેલા અધિકારીભાઈ બોલી ઊઠ્યા.
‘તમને કોઈ મુશ્કેલી તો નથી પડી ને ?’
‘ના…ના… અમે તો સામાજિક કાર્યકરો છીએ. અમે ડર રાખીએ તો કામ ન કરી શકીએ, ભાઈ !’ બહેન બોલી ઊઠ્યાં.
‘તમારી એ બહાદુરી છે. અમારે તમને અભિનંદન આપવા જોઈએ.’

બાબુએ મોટરને ટાયર ચઢાવી દીધું. અમે હસતાં હસતાં મોટરમાં બેસવા લાગ્યાં. હેલ્પલાઈનના અધિકારીઓનો અમે આભાર માનતાં બોલ્યાં : ‘આ એક્સપ્રેસ હાઈ-વે ઉપર જે હેલ્પ-લાઈન રાખી છે તે ખરેખર દરેક માટે ઉપકારી છે. અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વધુમાં તમે આ હાઈ-વે પર ફરજ બજાવનારને પણ મોકલ્યો તેનો બેવડો આભાર.’

તેઓ સૌ હસી પડ્યાં અને ચાલ્યા ગયા. વિક્રમને અમારી મોટરમાં બેસાડી આણંદમાં ઉતારી દીધો. મારાથી બોલાઈ જવાયું : ‘આવી જ વફાદારીથી નોકરી કરજે.’
અને બાબુએ મોટર મારી મૂકી.

અમને થયું આવી હેલ્પલાઈનો અને આવા ચોકીદારો હોય તો અર્ધી રાતે પણ બહેનોને કોઈ ભય જ ન રહે. પણ સારુંતો એ થયું કે અમે એ હેલ્પલાઈનનો નંબર લખી રાખ્યો હતો.

[રીડગુજરાતી – નોંધ : આ લેખ વાંચીને રાત્રી મુસાફરી કરનારને મદદરૂપ થઈ શકે એ હેતુથી મારા એક મિત્ર પાસેથી ‘એક્સપ્રેસ-વે હેલ્પલાઈન’ નો એ નંબર મેળવીને ત્યાં કૉલ કરીને ગઈકાલે ખાત્રી કરી હતી. તેથી હવે આપ પણ જો રાત્રે મુસાફરી કરવાનું વિચારતા હોવ તો આ હેલ્પલાઈન નંબર નોંધી રાખશો. +91 9825026000 – તંત્રી ]