- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શ્રવણને પણ એક ભાઈ હોત તો ? – વિનય કવિ

પ્લેટફોર્મ નંબર બે પરની ટ્રેન ઉપડવાને હજુ દસ મિનિટની વાર હતી. સુમનરાય અને કમળાબેનની સીટો તો એકબીજીને અડીને હતી; છતાં બંનેને લાગતું હતું કે એમની વચ્ચે જોજનોનું અંતર ફેલાયું છે. ડબ્બામાં દાખલ થયે પાંચ મિનિટ વહી ગઈ હતી, તોય એક શબ્દની આપ-લે થઈ ન હતી. કહેવાનું તો ઘણું હતું, પણ બધું ક્યાં જીભ પર આવે છે ?

આખરે કમળાબેને પહેલ કરી, ‘મોટાનોય વાંક કેમ કઢાય ? આટલાં વરસ ભેળાં રાખ્યાં, હવે છોકરાં મોટાં થયાં છે.’ સુમનરાય કંઈ કહેવા જતા હતા, કિંતુ ચૂપ જ રહ્યા. થોડીવારે વાતને બીજે પાટે ચઢાવતાં બોલ્યા, ‘આ ગાડી ઠેઠ ગ્લાસ્ગો સુધી જાય છે, એટલે તારે ક્યાંય બદલવી નહીં પડે. ત્યાં સ્ટેશન પર રસિક લેવા આવશે ને ઘેર તો પછી એની કારમાં જવાનું છે.’
‘બહુ લાંબી વાટ છે, નહીં ? મોટી કહેતી’તી કે આઠ-દસ કલાક થશે; વાંધો નહિ, ભાગવત સાથે લાવી છું તે વાંચ્યા કરીશ.’
‘કેટલું વાંચીશ ? આંખ મળી જાય તો થોડું ઊંઘી લેજે; અહીંયા રેલ્વેમાં કશો ભય ના હોય.’ પાછાં બંને મૂંગા થઈ ગયાં’ જો કે પરસ્પરના મનમાં શું ચાલતું હતું તેની બેઉને પૂરેપૂરી જાણ હતી.

મોટો દીકરો પારસ ઘણા વખતથી મનમાં મૂંઝાતો હતો. આખરે એક સાંજે મા-બાપ આગળ એણે વાત છેડી હતી, ‘બાપુ, જગ્યાની તાણ પડે છે. નીરજ અને રેખા ઉંમરમાં આવ્યાં છે, એમને માટે અલગ-અલગ રૂમ જોઈએ.’ સુમનરાયે હકાર ભણ્યો હતો, ‘તારી વાત સાચી છે. એમ કરીએ અમે બંને થોડા મહિના નાના પાસે રહેવા જઈએ.’
કમળાબેને જોયું હતું કે એક-બે મહિનાથી મોટી વહુ તોબરો ચઢાવીને ફરતી હતી; એટલે નાના દીકરા રસિકને ત્યાં રહેવા જવા એ તૈયાર થયાં હતાં. સ્કોટલેન્ડમાં ઠંડી વધારે હોય છે, પણ એને તો પહોંચી વળાશે. તેમ છતાં પારસે જે ખુલાસો કર્યો તે પરથી તો સાફ સમજાય છે કે સ્કોટલેન્ડના દરવાજા ય બંધ છે.
‘ત્યાં પણ આ જ સવાલ છે. રસિક સાથે ચર્ચા કરી હતી તો એણે રાખી અને રાજનો પ્રશ્ન ઊઠાવ્યો. અહીં મકાન એટલાં નાનાં હોય છે કે બધાંનો સમાસ ના થાય.’

સુમનરાયે કાઉન્સિલનો ફલેટ કે મકાન મળે તે માટે અરજી કરવાનું સૂચવ્યું હતું, પરંતુ પારસને એ સૂચન સ્વીકાર્ય ન હતું, કેમકે માતાપિતા એક જ શહેરમાં છતાં અલગ રહે છે એ વાતની સગાંસ્નેહીઓને ખબર પડે તેમાં એને પોતાનું નીચાજોણું દેખાતું હતું. છેવટે અઠવાડિયાની માથાકૂટ બાદ બંને ભાઈઓએ આ તોડ કાઢ્યો હતો કે બાપ મોટાની સાથે લંડનમાં રહે અને મા નાના દીકરા ભેળી ગ્લાસ્ગોમાં. આ વ્યવસ્થામાં એમને કશું અનુચિત નહોતું જણાયું.

વ્હીસલનો અવાજ સાંભળી સુમનરાય વિચારતંદ્રામાંથી જાગ્યા. ડબ્બામાંથી બહાર નીકળતાં બોલ્યા, ‘લે હવે હું જાઉં. શરીર સંભાળજે અને ત્યાં બધાંને મારા આશિષ કહેજે.’
‘તમે પણ બહાર નીકળો ત્યારે ગળે મફલર વીંટાળવાનું ના ભૂલતા; અને મારી ફિકર ના કરશો. હું ફોન નહીં કરું, તમે કરતા રહેજો. સાંજે કે પછી શનિ-રવિએ કરજો એટલે બિલ ઓછું આવે.’

સુમનરાય ડબ્બાની બહાર આવ્યા ને પત્ની હતાં તે બારી પાસે ઊભા રહ્યા. બારી ઉઘાડી શકાય તેવી ન હતી, એટલે બોલ્યું તો ના સંભળાય; માત્ર બારીના કાચની આરપાર એકમેકને જોઈ રહ્યાં. શું હતું એ આંખોમાં ? આંસુ ન હતાં; કેમકે આંસુના દરિયા તો એકાંતમાં બેઉ આ અગાઉ ખાલી કરી ચૂક્યાં હતાં. ગાડી ઊપડી….. કમળાબેને હાથ ઊંચો કરી, ‘આવજો’ કર્યું. સુમનરાય એ હાથને, એ મુખને જોઈ શકાય ત્યાં સુધી જોતા રહ્યા.

બંનેમાંથી કોઈએ ઉરમાં ઘોળાતી, કાળજાના કટકા કરતી વાતને વાચા નહોતી આપી. સત્તર-અઢારની વયે પરણ્યાં અને હાલ સાઠીમાં આવ્યાં એ બધાં વરસો દરમ્યાન કદી જુદાં નથી થયાં. દેશમાં એક ઓરડીમાં સંસાર માંડ્યો હતો; આફ્રિકામાં ભાડાના બે રૂમવાળા મકાનમાં બાળકોને જન્મ આપ્યો હતો, ઉછેર્યા હતાં, ભણાવ્યાં હતાં, પરણાવ્યાં હતાં. રહેવા માટે જગ્યા ઓછી હતી, પૈસાની સતત અછત વર્તાતી હતી; પરંતુ એ કપરા દહાડામાં એક સુખ હતું, બેઉ ભેળાં હતાં.

આજ લીલી વાડી છે, ત્યારે ભાગ્યમાં આવ્યું છે છૂટાં પડવાનું. હંમેશા એકમેકની પડખે રહેલા બે માનવી વિખૂટાં પડ્યાં છે અને તે પણ ઘરડેઘડપણ કે જ્યારે પરસ્પરના સથવારાની જરૂરત વિશેષ હોય છે. જીરવી શકાશે આ જુદાઈ ? સહી શકશે ભરી ભીડ વચ્ચે અંતરની એકલતા ?