બાળકોને નમસ્કાર ! – કલ્પેશ ડી. સોની

[ આ કૃતિ તાજેતરમાં પ્રકાશિત થયેલા લેખકના પુસ્તક ‘જીવન સ્નેહ’ માંથી લેવામાં આવી છે. લેખકે પોતે લૉજીક અને ફીલોસોફીમાં ‘એમ.એ’ કર્યું છે તેમજ તેઓ ગુજરાતની વિવિધ કૉલેજોમાં તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપે છે. ભારતીય સંસ્કૃતિ પર તેમણે ઊંડું સંશોધન કરેલું છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9898561271 રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી કલ્પેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]

નમો અર્ભકેભ્ય: | નાના (બાળક)ને નમસ્કાર. વેદમાં બાળકને નમસ્કાર કરતો આ મંત્ર છે. બાળકને નમસ્કાર શા માટે કરવાના ? કારણકે બાળક પાસે કેટલાક ગુણો છે જે લેવાના છે, આપણા જીવનમાં લાવવાના છે – માટે બાળકને નમસ્કાર. બાળકમાં ક્યા ગુણો છે ? (1) બાળક વાસનાશૂન્ય છે. (2) બાળક નિર્વિકાર છે. (3) બાળક અદ્રૃષ્ટ મેળવે છે. (4) બાળક જીવનદીક્ષા આપે છે. આ ચારેય ગુણોને એકસાથે સમજીએ. બાળકનું જીવન આનંદથી ભરેલું છે. શાથી બાળકના જીવનમાં આનંદ છે ? તે વાસનાશૂન્ય છે તેથી તેને કોઈ વાસના (ઈચ્છા) નથી, અને તેથી તેને ઈચ્છાઓ પૂરી થશે કે નહિ તેવી ચિંતા જ નથી ! વળી, બાળકમાં કોઈ વિકાર નથી, તેથી નિર્દોષ છે. વિકારી માણસ દોષભાવથી પીડાય છે તેથી તેના જીવનમાં રહેલો આનંદ ચાલ્યો જાય છે. બાળક આ પ્રકારના વિકારોથી અલિપ્ત છે તેથી તે સદૈવ આનંદમાં રહે છે. બાળક અદ્રૃષ્ટ મેળવે છે કારણકે અન્ય માણસને તેની પાસેથી કંઈક મળે છે. માણસ સમજી-વિચારીને કોઈનું ભલું કરે છે અને પુણ્ય કમાય છે. જ્યારે બાળકને જોવા માત્રથી સામો માણસ ખીલે છે, પ્રેરણા મેળવે છે. તે માણસના થાક, ચિંતા, કલેશો દૂર થાય છે, એનું પૂણ્ય બાળકને મળે છે.

નૉબેલપ્રાઈઝ વિજેતા ટેનીસન લખે છે કે પોતે એક સમયે જીવનમાં હતાશ-નિરાશ થઈને આત્મહત્યા કરવા ગયા હતા. જીવનનો અંત આણવાની ક્ષણોમાં તેઓએ એક છ માસના બાળકને પોતાની સામે ખિલખિલાટ હસતું જોયું. ટેનીસન વિચારે છે કે બાળકની પાસે કંઈ જ નથી છતાં તેના જીવનમાં આનંદ છે, પ્રસન્નતા છે જ્યારે પોતાની પાસે ઘણું-બધું હોવા છતાં પોતે જીવનથી હતાશ-નિરાશ થઈને તેનો અંત આણવા તૈયાર થયા છે. ટેનીસન આત્મહત્યાનો વિચાર પડતો મૂકે છે અને જીવનમાં આનંદની શોધ કરવા તૈયાર થાય છે.

આ રીતે બાળક કંઈ પણ ન કરતાં અન્યને કંઈક આપે છે. જીવનદીક્ષા આપે છે. જીવન શા માટે છે, જીવનમાં ખરેખર શું કરવાનું છે તેની સમજ બાળક આપે છે. પોતાની પાસે કંઈ જ ન હોવા છતાં આનંદી રહી શકાય છે, આનંદ એ જ માણસનો સ્વભાવ છે. આનંદ જીવનનો પર્યાયવાચી શબ્દ છે – આવું બ્રહ્મજ્ઞાન આપણને બાળક પાસેથી મળે છે. ઘણું-બધું મેળવવામાં આનંદ નથી પરંતુ સર્વસ્વનો ત્યાગ કરવામાં આનંદ છે, આવું જ્ઞાન આપણને બાળક આપે છે.

મન, બુદ્ધિ, ટેવો અને પ્રકૃતિ – આ ચાર મળીને સ્વભાવ બને છે. શરીરની અશુદ્ધિ મનની મજબૂતાઈ ખલાસ કરે છે. મજબૂત મન કોને કહેવાય ? સંઘર્ષોની સામે લડવાનું પસંદ કરે, બલ્કે સામે ચાલીને જે વધુ સંઘર્ષવાળો રસ્તો પસંદ કરે છે તેનું મન મજબૂત કહેવાય. બુદ્ધિએ લીધેલા નિર્ણયોને વિપરીત સંજોગોમાં પણ જે વળગી રહે તેનું મન મજબૂત કહેવાય. સફળતા-નિષ્ફળતાની વિપરીત અસરોથી મુક્ત રહીને જે પોતાના કાર્યને વળગી રહે છે તેનું મન મજબૂત ગણાય. આ પ્રકારની મનની મજબૂતાઈ માટે મનને શુદ્ધ શરીરનો સાથ મળે એ અત્યંત અનિવાર્ય છે. મન મજબૂત હશે પરંતુ શરીર શુદ્ધ નહિ હોય તો મનની મજબૂતાઈ ખલાસ થાય છે. રોગગ્રસ્ત શરીર મનને સાથ આપવામાં પાછું પડે છે. તેથી બાળકનું શરીર શુદ્ધ એટલે કે રોગમુક્ત અને તંદુરસ્ત હોવું અનિવાર્ય છે.

હાલરડાં મનને મજબૂત કરે છે. મન તેની સહજાવસ્થામાં જેટલો સમય રહે તેટલું તે મજબૂત બને છે. હાલરડાં બાળકના મનને તેની સહજાવસ્થામાં સ્થિર રાખે છે. મનની સહજાવસ્થા માટે મનને નિર્વ્યાપારાવસ્થામાં રાખવું અનિવાર્ય છે. જાગ્રતાવસ્થામાં બાળકના મનમાં અનેક મનોવ્યાપારો (mental interactions) ચાલતા હોય છે. આ મનોવ્યાપારોમાં વ્યાપારક્ષમતા આવે એટલે કે બાળક આત્મવિશ્વાસપૂર્ણ બને, ઉત્કૃષ્ટ રીતે અન્ય સાથેના સંબંધો વધારી શકે, વિકસાવી શકે, સંબંધોમાં ભાવ-પ્રેમ ટકાવી શકે તે માટે મનને વધુમાં વધુ સમય નિર્વ્યાપારાવસ્થામાં રાખવું જરૂરી છે.

નિર્વ્યાપારાવસ્થા એટલે મનની શાંત અવસ્થા, મનમાં ચાલતા વ્યાપારોના શમનની અવસ્થા. બીજા શબ્દોમાં કહીએ તો સ્વપ્નરહિત મનની ગાઢ નિદ્રાની અવસ્થા. જેટલો વધુ સમય બાળક ગાઢ નિદ્રામાં રહી શકે તેટલો ઉત્કૃષ્ટ મનોવ્યાપાર તે જાગ્રતાવસ્થામાં કરી શકે. નિર્વ્યાપાર અવસ્થા એ મનની સહજાવસ્થા છે અને હાલરડાં મનને સહજાવસ્થામાં સ્થિર કરે છે. ધ્વનિ મનની સહજાવસ્થા ટકાવે છે આથી જ હાલરડાં બંધ થતાં બાળક રડે છે. આજે બધાં એમ માને છે કે બાળકને સારું ગાવાનું, સારો અવાજ સાંભળવા મળતો બંધ થાય છે તેથી બાળક રડે છે, પરંતુ આ વાત સાચી નથી. હાલરડાંનો ધ્વનિ બાળકના મનને સહજાવસ્થામાં લઈ જાય છે, પરંતુ હાલરડાં બંધ થતાં બાળક સહજાવસ્થામાં જઈ શકતું નથી તેથી તે રડે છે. આથી હાલરડાં ગાવા અત્યંત અનિવાર્ય છે.

હાલરડાં મનની પ્રતિકારકશક્તિ વધારે છે. મનને તે મજબૂત બનાવે છે. મનની પ્રતિકારશક્તિ વધે તો કોઈ પણ પરિસ્થિતિ મન પર સવાર થઈ શકતી નથી. પ્રત્યેક પરિસ્થિતિમાં મન તેની સ્વસ્થતા જાળવી શકે છે. પ્રતિકારશક્તિ ધરાવતું મન પ્રલોભનને ઠુકરાવી શકે છે, બાળક દોરવાઈ જતું અટકે છે. તે પોતાના નિર્ણયો કોઈની અસરમાં આવ્યા વગર, સ્વસ્થ ચિત્તે અને પૂર્ણ વિચાર કરીને લઈ શકે છે. હાલરડાંના અભાવમાં મન દુર્બળ, ડરપોક અને વિકારી થઈ જાય છે. દુર્બળ મન વિપરીત સંજોગોમાં શરણાગતિ સ્વીકારીને ગુલામ થઈ જાય છે. ડરપોક મન જીવનને કોઈ વેગ આપી શકતું નથી કે નથી તે જીવનને ઊંચાઈ પર લઈ જતું. વિકાર મન જીવનમાં વિકૃતિ નિર્માણ કરે છે. પરિણામે બાળક ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા માંડે છે. તે લઘુતાગ્રંથિના કારણે સ્વપીડનવૃત્તિ પરપીડનવૃત્તિનો શિકાર બની જાય છે. તેથી હાલરડાં બાળકના મનના સ્વાસ્થ્ય માટે અત્યંત અનિવાર્ય છે.

આજે સભ્યતા અને સંકોચના કારણે હાલરડાં ખલાસ થયાં. ભણેલી માતા હાલરડાં ગાવામાં અસભ્યતા કે સંકોચનો ભાવ અનુભવે છે. બાળકની પાસે હાલરડાં ગાતી, બીજાને પોતે કેવી લાગશે ? એમ વિચારીને ભણેલી માતા હાલરડાં ગાતી નથી. બીજાને જેવું લાગવું હશે તેવું લાગશે, પોતાના બાળકને તે કેવું લાગે છે તેનો વિચાર નહિ કરવાનો ? મધુર સ્વરે ગવાતાં હાલરડાં ઉત્તમ બાળકના નિર્માણ માટે અત્યાવશ્યક છે.

શબ્દવેધથી સ્મરણશક્તિ વધે છે અને વસ્તુનિરીક્ષણથી વિચારશક્તિ વધે છે. માટે જ સુતકી મા ને ચાર મહિના એકાંતવાસ કરવાનો કહ્યો છે. બાળકના જન્મથી લઈને તે ચાર મહિનાનું થાય ત્યાં સુધી બાળક અને તેની માતાએ એકાંતમાં રહેવાનું કહ્યું છે. બાળકના કાને કોઈનોય શબ્દ પડવો જોઈએ નહિ. કારણકે બાળકના કાને શબ્દ સંભળાય તો તે શબ્દનું બાળક સ્મરણ કરવા લાગશે, પરિણામે તેની નિરીક્ષણશક્તિ ખીલશે નહિ અને નિરીક્ષણના અભાવમાં તેની વિચારશક્તિ કુંઠિત થઈ જશે. નવજાત શિશુ પોતાની આંખો ખોલે છે અને ચારેય બાજુનું નિરીક્ષણ કરે છે. શાંત ઓરડામાં જ્યાં જ્યાં તેની નજર ફરે છે ત્યાં ત્યાં તે વસ્તુનિરીક્ષણ કરે છે અને તેના પર વિચારક્રિયા શરૂ થાય છે. આથી ઓરડાની દિવાલો પર મહાપુરુષોના ચિત્રો રાખવાના હોય છે. મહાપુરુષોના ચિત્રો બાળક જુએ અને તેના પર વિચાર કરતાં-કરતાં તેની જિજ્ઞાસા જાગૃત થાય. શબ્દ કે અવાજ તેની વિચારક્રિયામાં ખલેલ પહોંચાડે છે. શબ્દ કાને પડતાં જ તે શબ્દને યાદ રાખે છે. તે શબ્દને ફરીથી સાંભળવા તે તત્પર બને છે. આમ, તેની સ્મરણશક્તિ તો વિકસે છે પણ વિચારશક્તિના અભાવે ! ચાર મહિના સુધી નવજાત શિશુને વસ્તુનિરીક્ષણ અને તેના પરથી વિચારક્રિયાની તાલીમ મળે ત્યારબાદ તેની બુદ્ધિશક્તિ ખીલે છે. આજે તો બાળકના જન્મની સાથે જ અનેક સગા-સંબંધીઓ બાળકને જોવા માતા-પુત્રના ખબર અંતર પૂછવા જાય છે, બાળકને ઊંચકે છે, શોર-બકોર કરે છે – પરિણામે બાળકની બુદ્ધિનો વિકાસ થતો નથી. ચાર મહિના બાદ બાળકના કાને પવિત્ર શબ્દો, વેદમંત્રો, મહાપુરુષરચિત સ્તોત્રો, પ્રાર્થના, ઈશ્વરનું નામ વગેરે પડવાં જોઈએ. સ્મરણશક્તિ વધારવા માટે શબ્દવેધ અનિવાર્ય છે.

Genetic Theory of Emotions માં લેખક આ પ્રકારના વિચારોનું આલેખન કરે છે. તે કહે છે કે પ્રથમ પ્રસુતિ પિયરમાં શા માટે કરવાની ? તેના ઘણાં બધાં કારણોમાંનું એક કારણ એ છે કે પ્રસૂતા તેના પતિથી દૂર રહે એ ઈચ્છનીય છે. આપણને એમ છે કે નવજાત શિશુને કાંઈ ખબર પડતી નથી. પરંતુ કોઈ પુરુષ (બાળકના પિતા) પોતાની પત્ની (બાળકની માતા) ને બાળકથી દૂર કરે એ બાળક સહન કરી શકતું નથી. પતિ પોતાની પત્નીને જાતીય સુખ માટે તેના બાળકથી આઘી લઈ જાય છે. આથી પિતા પ્રત્યે વેરભાવ કે વૈમનસ્યનાં બીજ બાળકના મનમાં અહીંયા રોપાય છે. પિતા-પુત્ર/પુત્રી વચ્ચે ભાવનામય સંબંધો ટકવા જોઈએ. તેથી પ્રથમ પ્રસુતિ પિયરમાં કરવાની કહી છે. માતા-બાળકને પિયરમાં સંપૂર્ણ એકાંત મળી શકે છે. પરિણામે તેજસ્વી બુદ્ધિ તેમજ તીવ્ર સ્મરણશક્તિ ધરાવતું બાળક પરિવારને તેમજ સમાજને રાષ્ટ્રને મળે છે. આપણે સહુ આપણા બાળકના ઉછેર માટે આ પ્રકારની કાળજી રાખતા થઈએ અને અન્ય સુધી આ વિચારો પહોંચે તે અંગે તકેદારી રાખીએ તો આપણે આપણા બાળકોને થતા અન્યાયને અટકાવી શકીશું. બાળકની બુદ્ધિને કુંઠિત કરવાનો કે તેના મનને મારી નાખવાનો આપણને ક્યો અધિકાર છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્ત્રી-પુરુષ સમાન પણ નહિ એક – જયવતી કાજી
પ્રેમપત્ર – શરદ જોષી Next »   

14 પ્રતિભાવો : બાળકોને નમસ્કાર ! – કલ્પેશ ડી. સોની

 1. Pravin V. Patel says:

  માબાપ કે પપ્પામમ્મીને અત્યંત આવશ્યક માહિતીપ્રદ અમલ કરવા યોગ્ય સચોટ લેખ.
  નવજાત શિશુઓને મળતાં પહેલાં આપણે સહુએ કેવી કાળજી રાખવી એ માર્ગદર્શન ઉપયોગી છે. કલ્પેશભાઈને અભિનંદન અને મૃગેશભાઈનો આભાર.

 2. URMILA says:

  Thank you very much for this article – we need more of these articles published

 3. gopal h parekh says:

  વડીલો એ ખાસ આ લેખ વાચવો જોઈ એ લેખક તથા તમને અભિનંદન

 4. દર્શન ત્રિવેદી says:

  ખૂબ સરસ લેખ. પાંડુરંગ શાસ્ત્રી ના વિચારો પર આધારિત.

 5. divi says:

  very very very good story. Thanks and god bless you.

 6. Dipika D Patel says:

  ખુબ જ સુંદર લેખ છે. વેદ અને ઉપનિષદના દાદા પુજ્ય પાંડુરંગ શાસ્ત્રીના વિચારો પર આધારિત.

 7. Dipika D Patel says:

  પાંડુરંગ શાસ્ત્રી એ કેનોપનિષદમાં કહ્યું છે તે મુજબ.

 8. rajeshwari says:

  દરેક સગર્ભા સ્ત્રીએ અને નાના બાળકના માતાપિતાએ વાચવા અને અમલમાં મૂકવા જેવો લેખ છે.અભિનંદન કલ્પેશભાઈ.

 9. Krupa says:

  ખુબ જ સરસ, એક નવજાત શિશુની સાર-સંભાળ માટે ઘણી બધી અગત્ય ની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

 10. ashalata says:

  ખુબ સરસ લેખ
  કલ્પેશભાઈને અભિનંદન
  આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.