સરવાળો – ગિરીશ ગણાત્રા

ઝીણી ઝીણી બાબતો જીવનમાં કેવો મહત્વનો ભાગ ભજવે છે એનું મહત્વ જગદીશને એ દિવસે બરાબર સમજાઈ ગયું. નાની નાની નજરે પડતી વાતો આપણે ગણકારતા નથી પણ એનો સરવાળો કાં સફળતા અપાવે કાં નિષ્ફળતા અપાવે. જગદીશને આવી નિષ્ફળતાનો અનુભવ થઈ ગયો.

એક મોટી કંપનીની જાહેરાતના પ્રતિભાવમાં જગદીશે પણ અરજી કરેલી. સરસ જગ્યા હતી, મોટો પગાર હતો અને છ મહિના માટે વિદેશમાં તાલીમ અને અનુભવ લેવાનાં હતાં. કંપનીને જે વ્યક્તિની જરૂર હતી એની લાયકાતો પેલી જાહેરખબરમાં વર્ણવેલી. એ તમામ લાયકાતો કરતાંયે વિશેષ લાયકાત અને અનુભવ જગદીશ પાસે હતાં. કંપનીની પ્રતિષ્ઠાની જાળવણી એ આ જગ્યાનું મહત્વનું પાસું હતું.

જગદીશે કરેલી અરજીના અનુસંધાનમાં એક કંપની તરફથી એને ઈન્ટરવ્યૂનો પત્ર મળ્યો. કંપનીના આ પત્રમાં મોંઘો કાગળ વપરાયો હતો, એનો લેટર-હેડ એટલો નયનરમ્ય હતો કે વારંવાર એને જોયા કરવાનું મન થાય. ખૂબ જ સુંદર, સ્વચ્છ ટાઈપિંગવાળા પત્રની ભાષા નમ્ર, વિવેકી અને સુરુચિપૂર્ણ હતી. ઈન્ટરવ્યૂ અંગેની માહિતી આપતા આ પત્રની સાથે એક બીજો પણ પત્ર જોડેલો હતો, જેમાં જગદીશે થોડી વિશેષ માહિતીઓ આપવાની હતી અને ઈન્ટરવ્યૂમાં નિયત સમયે ઉપસ્થિત રહેવાની જાણ પણ કરવાની હતી.

જગદીશે એ પત્રના કેટલાક પ્રશ્નો સામે માહિતી ભરી નાખી અને ‘કંપનીની પ્રતિષ્ઠા, આબરુ જાળવવા માટે એ શું શું કરી શકે અને કેવાં કેવાં પગલાં લઈ શકાય’ એ અંગે સો શબ્દોમાં એક ફકરો લખી, કંપનીને આ બીજો પત્ર પરત પાઠવી દીધો. આવી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મળી જાય એ માટે એણે તૈયારીઓ આરંભી દીધી.

નિયત દિવસે અને સમયે સજ્જ થઈ જગદીશ કંપનીની ઑફિસમાં પહોંચ્યો. અન્ય છ-સાત ઉમેદવારો સાથે એનું પણ સુંદર પીણાથી સ્વાગત થયું. દરેકને કંપનીનું બ્રોશર આપવામાં આવ્યું, જેથી કંપનીની વિગતો ઈન્ટરવ્યૂ માટે મદદરૂપ થઈ શકે. ઈન્ટરવ્યૂ આપનાર દરેક ઉમેદવારે ઉપલા મજલે આવેલા એક વિશાળ ખંડમાં ઈન્ટરવ્યૂ આપવાનો હતો. કંપનીએ એવી વ્યવસ્થા કરેલી કે જેવો ઉમેદવાર ઈન્ટરવ્યૂ આપીને નીકળે કે એને લિફટમાં બેસાડી નીચલા ખંડમાં લઈ આવવામાં આવે અને ત્યાં ને ત્યાં જ એને ભાડું-ભથ્થું ચૂકવી એને પસંદગી-નાપસંદગી અંગે જાણ કરી દેવામાં આવે. ઈન્ટરવ્યૂ આપીને પાછા ફરતી વખતે પેનલના સભ્યોએ એને શું શું પૂછ્યું એની જાણ અન્ય બાકી રહેલા ઉમેદવારોને ન થઈ શકે.

જગદીશનો વારો આવ્યો. એના સર્ટિફિકેટની ફાઈલ લઈ એ ઉપરના મજલે ગયો. ઈન્ટરવ્યૂ ખંડની બહાર ઊભેલા એક અધિકારીએ એનું અભિવાદન કર્યું અને ખંડનો દરવાજો ખોલી આપ્યો. લાંબા પહોળા ખંડના છેક છેલ્લા છેડે ત્રણ વ્યક્તિઓ એક સુસજ્જ ટેબલ પર બેઠી હતી. બારણાં અને ટેબલ વચ્ચે ખાસ્સું અંતર હતું. બારણું ખૂલતાં જ જગદીશે અંદર પ્રવેશ કર્યો. ઝડપથી ટેબલ પાસે પહોંચી સસ્મિતવદને ત્રણેય વ્યક્તિઓનું અભિવાદન કર્યું અને ટેબલ સામે રહેલી ખુરશી પર ટટ્ટાર થઈને બેઠો.

જેવો એ બેઠો કે વચલી પ્રૌઢ વ્યક્તિએ એને પૂછ્યું :
‘કંપનીની ઑફિસ સુધી પહોંચવામાં કોઈ તકલીફ તો પડી નહોતી ને ?’
‘જી, ના.’
‘બહાર રિસેપ્શનિસ્ટ યુવતીએ તમારું સ્વાગત બરાબર કર્યું હતું ?
‘જી, હા.’
‘આપને અમારી કંપનીનું બ્રોશર આપવામાં આવેલું ?’
‘જી, હા.’
‘હવે આપ જઈ શકો છો.’

જગદીશ વિચારમાં પડી ગયો. માત્ર ત્રણ જ પ્રશ્નો અને એ પણ ઔપચારિકતાભર્યા જ ? એની મુલાકાત પૂરી થઈ કે શું ?
‘આપને અમારા બહાર ઊભેલા પર્સોનેલ અધિકારી કંપનીના એકાઉન્ટ વિભાગમાં લઈ જશે અને આપના વાહન-ખર્ચ અને ડાયમ એલાવન્સનો ચેક આપી દેશે.’ કહી એ અધિકારી ઊભા થયા. જગદીશ પણ ઊભો થયો. અધિકારીએ એની સાથે હસ્તધૂનન કરી વિવેકપૂર્ણ ઈશારાથી ખંડની બહાર જવાનું સૂચન કર્યું. જેવો એ બહાર નીકળ્યો કે એક અધિકારી એને લિફટ તરફ દોરી જઈ એને સૌથી નીચલા મજલે આવેલા એકાઉન્ટ્સ વિભાગમાં લઈ ગયો, એને ખર્ચનો ચેક અપાવ્યો, વાઉચર પર સહી લીધી અને પછી એને એક ખંડમાં લઈ ગયો. ત્યાં ચારેક ઉમેદવારો ઈન્ટરવ્યૂ આપીને બેઠા હતા. એમની સાથે કંપનીનો એક અધિકારી પણ બેઠો હતો. સામેની ટિપોય પર મેગેઝિનો પડેલાં હતાં અને સૂચનાનું નાનકડું ડિસ્પ્લે હતું, જેના પર લખેલું હતું : ‘કૃપા કરી અહીં વાતો કરશો નહિ.’

આ બધું એટલું ઝડપથી બની ગયું કે જગદીશને સમજણ પણ ના પડી કે એના વિશે કે પછી કોઈ મુદ્દો ઉપસ્થિત કરી એની જોડે કોઈએ ચર્ચા ન કરી અને માત્ર ત્રણ જ ફાલતુ પ્રશ્નો પૂછી એને રવાના કરી દેવામાં આવ્યો ! હવે અહીં બીજા ઉમેદવારો સાથે તો વાતચીત થઈ શકે એમ નહોતી, કારણકે ખુદ કંપનીનો અધિકારી ત્યાં બેઠો હતો અને વાતચીતમાં મનાઈ હતી.

એકાદ-દોઢ કલાક પછી ઈન્ટરવ્યૂ લેનાર પેનલની એક વ્યક્તિ આ ખંડમાં દાખલ થઈ અને સૌની સામે બેસી પરિણામ જાહેર કર્યું – એક મહિલાને આ માટે પસંદ કરાઈ હતી, તેને અભિનંદન આપવામાં આવ્યા. એને જુદી તારવી એક અધિકારી એને પર્સોનેલ વિભાગમાં લઈ ગયા અને બાકીના ઉમેદવારોને કંપનીની એક નાનકડી ગિફટ આપી વિદાય-સૂચક-હસ્તધૂનન કરાયું. બીજા ઉમેદવારો તો ચાલ્યા ગયા પણ જગદીશને ઈંતેજારી થઈ. એણે પેલા અધિકારીની સમીપ જઈને પૂછયું :
‘સાહેબ, મને તો આપે કોઈ સવાલ પૂછ્યા જ ન હતા. માત્ર ત્રણ ઔપચારિક સવાલો. મારો રો ઈન્ટરવ્યૂ જ લેવાયો ન હતો. આટલી લાયકાતો પછી પણ મને નાપસંદ કરાયો એનું કારણ હું જાણી શકું ?’
‘ શ્યોર, તમે મારી કેબિનમાં આવો.’

જગદીશ એની પાછળ પાછળ એ અધિકારીની કેબિનમાં ગયો. અધિકારીએ એની ખુરશીની સામે બેસવાનું કહ્યું અને પછી ઉમેદવારોની ફાઈલ કાઢી એના પેપર્સ બહાર કાઢ્યા, એ પેપર્સ સામે નજર નાખી એણે કહ્યું
: ‘મિ. જગદીશ સન્યાલ, તમારા ઈન્ટરવ્યૂની શરૂઆત તો અમે તમને ઈન્ટરવ્યૂ કોલનો પત્ર પાઠવ્યો ત્યારથી જ થઈ ગઈ હતી. એ પત્રની સાથે તમને અમે આ પત્ર પાઠવ્યો હતો જે ભરીને તમે અમને પરત પાઠવ્યો’ કહી એણે જગદીશની સામે એ પત્ર ધર્યો.
એ પત્રની સામે નજર નાખતાં જગદીશ બોલ્યો : ‘આમાં તમે માગેલી દરેક માહિતીઓ મેં વિગતવાર ભરી છે. હા, કંપનીની ઈમેજ સુધારવા, જાળવવા કે વધુ વિકસાવવા શું શું યોજના હાથ ધરી શકાય એ અંગેનો ફકરો થોડો લંબાઈ ગયો છે. સો શબ્દોને બદલે સવાસો જેટલા શબ્દો છે.’
‘તમે આપેલી માહિતી સામે અમારે કશું જ કહેવાનું નથી પણ અમે તમને જે આ પત્ર પાઠવ્યો હતો એ જોયો ?’
‘હા.’
‘તમારો એ વિશેનો શું અભિપ્રાય છે ?’
‘સરસ છપાઈકામ છે. ખૂબ જ નીટ ઍન્ડ કલીન કહેવાય એવો પત્ર છે. દરેક પ્રશ્નની સામે વિગતવાર જવાબ લખી શકાય એટલી જગ્યા પણ રાખી છે.’
‘એ સિવાય ?’
‘એટલે ?’
‘જુઓ મિ. સન્યાલ, આ પત્રમાં અમે જાણી જોઈને બાવીસ છાપ ભૂલ રાખી છે. કંપનીના નામમાં જ ત્રણ ભૂલો છે. અમારા ઈન્ટરવ્યૂ કોલમાં અમે જણાવેલું કે બધું વ્યવસ્થિત લખી અમને આ પરત પાઠવો. તમે એ ભૂલો સુધારી કેમ નહીં ? જે મહિલા ઉમેદવાર પસંદ થયાં તેણે લાલ શાહીથી એ ભૂલો સુધારી સાથે કવરીંગ-લેટર પણ લખેલો કે આવી મોટી કંપનીના પત્રમાં આવી ભૂલો કંપનીની પ્રતિષ્ઠાને ખરડાવે છે. તમારો આ પ્રથમ ઈન્ટરવ્યૂ. બીજો ઈન્ટરવ્યૂ જ્યારે તમે ખંડમાં દાખલ થયા ત્યારે થયો. તમે જોયું હશે કે હૉલના મધ્ય ભાગમાં અમે બે-ત્રણ કાગળના ડૂચા રાખેલા. તમે એ લઈ લીધા હોત. ચોખ્ખાઈ માટેનો આ ઈન્ટરવ્યૂ હતો. પેલી મહિલાએ શું કર્યું હતું ખબર છે ?
‘ના.’
‘એની સામે આવા જ ડૂચા રખાયેલા. એ એણે લઈ એની પર્સમાં મૂકી દીધા. અમે એનું કારણ પૂછ્યું તો બોલી – આવા સરસ ખંડમાં એ અસ્થાને છે. મારા પછીના ઉમેદવારો અહીં મુલાકાત આપવા આવશે તો તમારી કંપનીની ઈમેજ જળવાશે નહીં. – અને હવે ત્રીજી બાબત. અમે તમને બેસવાનો વિવેક નહીં કરેલો. તમે અમારી અનુમતિ વિના જ ખુરશી પર બેસી ગયા. સભ્યતા જળવાઈ નહોતી. અમારે કંપનીની પ્રતિષ્ઠા માટે તમારા શબ્દો નહીં તમારા કાર્યની પણ ચકાસણી કરવી હતી. જે વ્યક્તિ આવી ઝીણી ઝીણી બાબતો અંગે સજાગ ન હોય એની પાસેથી અમે શી અપેક્ષા રાખી શકીએ ?’

જગદીશને થયું – કેટલી નાની વાત છે, છતાંયે કેટલી અગત્યની છે ? આ રીતે પણ વ્યક્તિનો ઈન્ટરવ્યૂ લઈ શકાય એનો તો એને ખ્યાલ જ નહોતો. પણ આ નિષ્ફળતા પછી જગદીશ એના જીવનમાં ખૂબ જ સજાગ થઈ ગયો. સ્વચ્છતા, સભ્યતા, નાની નાની હકીકતો પ્રત્યે ધ્યાન આપતો થઈ ગયો. આવી ઝીણવટ એને એના જીવનમાં અને કાર્યમાં ખૂબ જ ઉપયોગી બની ગઈ. એ પછી તો એણે ધંધો શરૂ કર્યો. ધંધામાં પણ નાની નાની લાગતી વાતો તરફ જે ધ્યાન આપ્યું એ ખૂબ જ ઉપયોગી સાબિત થયું અને એના પરિણામે તેમાં પણ તેણે સફળતા મેળવી. કમાયા પછી એ સમાજસેવા તરફ ઢળ્યો અને તેના સામાજિક કાર્યોની સુવાસથી પ્રેરાઈને મોટા મિત્રવર્તુળે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો આગ્રહ કર્યો. ચૂંટણીના ક્ષેત્રમાં પણ તેણે સર્વેક્ષણ કર્યું, નાનામાં નાની વ્યક્તિઓની મુલાકાત લીધી, અહેવાલો તૈયાર કર્યા, જનસંપર્ક કર્યો અને ખૂબ ઝીણી ઝીણી બાબત પર ધ્યાન આપીને તેણે ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો.

જગદીશે એના અભિવાદન સમારોહમાં પેલી કંપનીએ એને શીખવેલા પદાર્થપાઠની વાત કરી સૌને ચમકાવી દીધા. પણ આ જ હતી જગદીશની જીવનશૈલી.કોઈ નાની વાતને લક્ષ્યની રેખામાંથી બહાર ન કાઢો. સફળતા તો આ નાની વાતોના સરવાળામાંથી જ પ્રાપ્ત થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમપત્ર – શરદ જોષી
એવું પણ થઈ શકે – સંધ્યા ભટ્ટ Next »   

28 પ્રતિભાવો : સરવાળો – ગિરીશ ગણાત્રા

 1. Neeta kotecha says:

  ખુબ સરસ. ગજબ ચે. કે આવિ રિતે પન interview લઇ લેવાય ચે. સારિ વાત જાનવા મલિ. મે આ વાત તરત મારિ દિકરિ ને કરિ. કે એને પન ઝિન્દગિ કામ લાગે.

 2. Ritesh says:

  ખુબ જ સરસ ..

 3. Vikram Bhatt says:

  Fantacy.
  Nowadays Interviews in this manner can not be done. Story is good to upkeep civic sense of reader.
  Vikram Bhatt

 4. Nilehs gajariya says:

  The lession of story is very useful in the life

 5. rajeshwari says:

  ખૂબ સરસ.ઘણી ઉત્તમ કંપનીઓમાં આ રીતે ઈન્ટરવ્યુ લેવાતા હોય છે.નોકરી શોધતા લોકો માટે પ્રેરણાદાયક છે.

 6. malay oza says:

  સરસ, મને ઘણુ જાણવા મળ્યુ.

 7. malay oza says:

  Very nice, really i impressed bcoz i am student till now and i am being one job seeker in few days. This story will really teach me manything.

  good luck,
  Malay

 8. Trupti Trivedi says:

  Actually not only in interviews but also in our daily life this type of precision matters much. Author shri Girish Ganatra has given good example of it.

 9. Dhaval Shah says:

  Nice story. In fact I have heard about such interviews being taken in case of IAS officers and IIT students. Definitely, “Perfection is not a small thing but small things make perfection”.

 10. JITENDRA TANNA says:

  ગિરીશ ગણાત્રા પહેલેથી જ મારા ફેવરિટ લેખક છે. એમના લખેલા લેખો જન્મભુમિ પ્રવાસી તથા મુંબઇ સમાચારમાં ઘણા બધા વાચ્યા છે. ગુજરાતિ સાહિત્યમાં સંસ્કારા સભર લેખો ગિરિશભાઇ ખુબ સારી રીતે લખે છે. આભાર .

 11. JITENDRA TANNA says:

  ગિરીશ ગણાત્રા પહેલેથી જ મારા ફેવરિટ લેખક છે. એમના લખેલા લેખો જન્મભુમિ પ્રવાસી તથા મુંબઇ સમાચારમાં ઘણા બધા વાચ્યા છે. ગુજરાતિ સાહિત્યમાં સંસ્કાર સભર લેખો ગિરિશભાઇ ખુબ સારી રીતે લખે છે. આભાર .

 12. rajesh trivedi says:

  Really this is a very nice example of the little little things which are really to be taken care by each and every one, not only during the interviews for the job but also in all the fields of the life. Dear Shri Girishbhai keep it up..

 13. deven says:

  it was simply great.i came to now that how much even a little thing does matter…

 14. hitesh c. shah says:

  above article is a great inspiration for all the people.

 15. hitisha says:

  very good,
  mane amthi to ganu bhdu sikhva maliu ke nanama nani vato nu pan dhyan rakhvu joye
  thanxs girishbhai

 16. Shetal says:

  ખુબ ઉમદા વાત કહિ …………
  નવા જમાનામા સારિ નોકરિ માટે નિ જરુરિ માહિતિ માટે આભાર્……..

 17. Viren Shah says:

  More of the time this it is really wrong.
  When a person tries to pay attention in thousands of small things, he/she forgets the big goals or big tasks. An executive if keeps on paying attention on the dusts or spelling errors then he will lose the vision of the company and will keep on cleaning the floors instead of moving further company.

  Let us say you have to make a small machine that fits into a satellite which is scheduled to be launched at 5 pm. But you are so busy making this machine perfect to the level of 100% accuracy. In doing such thing, you really miss the deadline and it becomes ready at 6 pm. And satellite already launched. What happens is that satellite falls down without such important machine and you lose all the investment done so far. The small machine could be okay if its color was not perfect or if it had some irritating shape for which you may have spent time delaying it instead of 5pm. to 6 pm. The fact is that the important things shall never be forgot at the price of doing small things. Small things does have their importance but at the end the results matter the most.

  I completely disagree on this story that author wants to convey. It doesn’t fit to any time of human progress.

 18. Gargi says:

  excellent article………..truly nice one………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.