ખાનદાની – બહાદુરશાહ પંડિત

અમે અમારા વતનથી અમદાવાદ આવ્યા ત્યારે ત્યાંના મકાનમાલિકો અંગે અમે એવું સાંભળેલું કે એ લોકો વધુમાં વધુ ભાડુ લઈ ઓછામાં ઓછી સગવડ આપવાના અમદાવાદી સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કરી, વ્યક્તિ કરતાં પૈસાને વધારે મહત્વ આપે છે, પણ અમને અમારા મકાનમાલિકનો એવો અનુભવ થયો કે અમારે કબૂલ કરવું પડ્યું કે અમને મળેલી માહિતી અંશત: જ સાચી છે.

વાત એમ બની કે ખાડિયામાં સરકારી રાહે એક મકાન સાઠ રૂપિયામાં ભાડે રાખી અમે ચાર ભાઈઓ સાથે રહેવા લાગ્યા. એક વર્ષ બાદ રૅશનિંગ બંધ પડતાં મારા બે ભાઈઓ એ ખાતામાંથી છૂટા થયા અને મારે એક શાળામાંથી (સંખ્યા ઘટવાથી) છૂટા થવું પડ્યું.

એક ભાઈને રૅશનિંગના જૂના માણસ તરીકે નડિયાદમાં નોકરી મળી ગઈ અને અમે બીજા બે ભાઈઓ જુદાં જુદાં ગામોની શાળાઓમાં શિક્ષકો તરીકે જોડાયા. હવે અમદાવાદના અમારા સાઠ રૂપિયાના ભાડાના મકાનમાં સૌથી મોટાભાઈ એમના કુટુંબ સાથે રહ્યા. પણ એમના ટૂંકા પગારમાં અમારી મદદ છતાં એમનાથી એ મકાનમાં રહી શકાય એમ નહોતું. એથી એમણે મકાનમાલિકને અમારી પરિસ્થિતિ સમજાવી અને મકાન ખાલી કરી આપવાની તૈયારી બતાવી. પણ મકાનમાલિકે કહ્યું : ‘એકાબ બે વર્ષે તમારા નાના ભાઈઓ અમદાવાદ પાછા આવશે ત્યારે તમને શહેરમાં આટલું મકાન ક્યાંથી મળશે ? માટે મારી સલાહ તો એવી છે કે તમે ઘર ખાલી ના કરશો. પણ જ્યાં સુધી તમારા ભાઈઓ પાછા ના આવે ત્યાં સુધી ભાડું અરધું જ આપજો !’ મોટાભાઈ તો મકાનમાલિકની આ ખાનદાનીથી મુગ્ધ થઈ ગયા. એમને અમે બે વર્ષ સુધી અરધું ભાડું આપ્યું. એ પછી અમે ત્રણે ભાઈઓ અમદાવાદ પાછા આવી ગયા. એટલે મૂળ ભાડું આપવાનું શરૂ કરી દીધું.

આવી ખાનદાનીનાં દર્શન જવલ્લે જ થાય છે, પણ જ્યારે જ્યારે આવા વિરલ માણસોનો અનુભવ થાય છે, ત્યારે માનવતા માટેની આપણી શ્રદ્ધામાં ઉમેરો થાય છે. આવી ખાનદાની એ કેળવણીની નીપજ નથી, તાલીમનું ફળ નથી; એ જન્મજાત છે, સંસ્કારગત છે. કવિઓ જન્મે છે એમ આવા ખાનદાન પણ જન્મે જ છે.

શ્રીમદ્દ રાજચંદ્રે એક વેપારી સાથે હીરાના વેપારનો સોદો કર્યો હતો. એ પછી હીરાના ભાવમાં એટલી બધી તેજી આવી ગઈ કે એ વેપારી જો એ ભાવે હીરા આપવા જાય તો એની આખી મિલકત વેચવી પડે અને એને રસ્તા પર ઊભા રહેવું પડે. શ્રીમદ્દ રાજચંદ્રને હીરાના વધેલા ભાવની ખબર પડી એટલે એ પેલા વેપારીની દુકાને ગયા. એમને જોઈને પેલો વેપારી નરમ પડીને બોલ્યો, ‘રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા સોદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયો છું. મારું જે થવાનું હોય એ ભલે થાઓ પણ તમે એ બાબતની ખાતરી રાખજો કે હું આપણા લખાણ પ્રમાણે તમને હીરા આપીશ જ. તમે જરાય ચિંતા ના કરશો.’
શ્રીમદ્દ રાજચંદ્રે કરુણાભર્યા સ્વરે કહ્યું : ‘વાહ ! ભાઈ, વાહ ! હું ચિંતા શા માટે ના કરું ? તમને સોદાની ચિંતા થાય તો મને કેમ ના થાય ? પરંતુ આપણા બંનેની ચિંતાનું મૂળ કારણ તો એક કાગળિયું જ છે ને ? એનો નાશ કરીએ તો ચિંતાનું કોઈ કારણ નહિ રહે.’ એમ કહી રાજચંદ્રે સહજ ભાવે પેલો દસ્તાવેજ ખિસ્સામાંથી કાઢીને ફાડી નાખ્યો. પેલો વેપારી તો આશ્ચર્યચકિત થઈ ગયો ને કૃતજ્ઞભાવે એમની સામે જોઈ રહ્યો.

રાજચંદ્રે એ વેપારીને કહ્યું : ‘આ ખતપત્રના લીધે તમારા હાથપગ બંધાયેલા હતા. હીરાના બજારભાવ વધવાથી તમારે મને 60-70 હજાર રૂપિયા આપવાના થતા હતા. પરંતુ હું તમારી સ્થિતિ જાણું છું. એટલા બધા પૈસા હું તમારી પાસેથી લઉં તો તમારી શી દશા થાય ? રાજચંદ્ર દૂધ પી શકે, લોહી નહિ.’

ખાનદાની હમેશા પૈસા કરતાં માનવતાને, પ્રેમને વધારે મહત્વ આપે છે. એને મન કાયદો કે ન્યાય મહત્વનાં છે, સ્નેહ અને સહાનુભૂતિ, કરુણા અને ઉદારભાવ મહત્વનાં છે. આવા ખાનદાન માણસો પોતાની ઉદારતા જાહેર કરવામાં માનતા નથી. એમને મન દયા કે સહાનુભૂતિ સહજ હોય છે. એનું પ્રદર્શન કરવાની એમને આદત હોતી નથી. દાન પણ એ લોકો ગુપ્ત રીતે કરતા હોય છે.

નિઝામ સરકારના હોદ્દેદાર મહારાજા સર કિશનપ્રસાદ એકવાર રાજ્યના પ્રવાસે નીકળ્યા હતા, ત્યારે એક ગામમાં એક ગરીબ સ્ત્રીએ પોતાની કન્યા એમના ચરણોમાં નાખી કહ્યું : ‘માબાપ, આનો બાપ તમારો સૈનિક હતો. એનાં લગ્ન કરવાં છે, પણ બ્રાહ્મણને આપવાના પૈસા નથી. તમે તો કર્ણ જેવા છો. એનાં લગ્ન કરાવી આપો.’ સરકારી કામે નીકળેલા મહારાજાએ હસીને કહ્યું : ‘થઈ રહેશે બધું. ચાર હાથવાળો ભગવાન બેઠો છે ઉપર, એના પર શ્રદ્ધા રાખો.’ ને એ ચાલતા થયા. પેલી સ્ત્રીને લાગ્યું કે મહારાજાની ઉદારતા અંગેની લોકોની વાતો ખોટી છે.

થોડા સમય પછી એ જિલ્લાના સૂબા પર મહારાજાએ પત્ર લખીને સૂચના આપી કે ‘એ બાઈની દીકરીને મારી પુત્રી જેવા ઠાઠમાઠથી પરણાવી અને એ બાઈને જીવે ત્યાં સુધી વર્ષાસન આપજો પણ એ સાથે યાદ રાખજો કે આ મદદ મારા તરફથી મળી છે એવો એને અણસાર પણ આવવો ના જોઈએ.’ આવી ખાનદાની રાજામહારાજાઓ કે સંતો-મહાત્માઓમાં જ હોય એમ માનવાને કારણ નથી. ઘણીવાર સાવ નાના માણસોમાં પણ આવી ઉચ્ચ કક્ષાની ખાનદાનીનાં દર્શન થતાં હોય છે. ઘણીવાર છાપામાં વાંચીએ છીએ કે, અમુક રિક્ષાવાળો પોતાની રિક્ષામાં ભુલાઈ ગયેલું પાકીટ કે કીમતી માલસામાન માલિકને શોધીને પહોંચતાં કરી આવ્યો. એસ.ટી. ની બસમાં એક કંડકટર મેં એવો જોયેલો કે જે દરેક વૃદ્ધ વ્યક્તિને હાથ પકડીને બસમાં ચડાવતો અને એને ઉતારતો.

બલ્ખના બાદશાહ સુલતાન ઈબ્રાહીમ ફકીરનું જીવન જીવતા હતા. એક વાર કોઈએ એમને પૂછ્યું : ‘સાંઈ, આપને આજ સુધીમાં મોટામાં મોટો ધર્માત્મા-ખાનદાન માણસ કોણ મળ્યો છે ?’ સુલતાને કહ્યું કે, ‘એક હજામ.’ એ હજામને મેં કહ્યું કે ‘ભાઈ, ખુદા ખાતર મારી હજામત કર.’ તેણે જે ભાવથી બાદશાહ કે અમીરની હજામત કરે તે કરતાં પણ વધુ ભાવથી મારી હજામત કરી. મેં કહ્યું કે, ‘હમણાં તો મારી પાસે કંઈ નથી. પણ મને સૌથી પહેલાં જે કંઈ મળશે તે તને આપીશ.’ એટલામાં મારા એક શિષ્યે મને સોનામહોરની થેલી મોકલી. એ મેં પેલા હજામને આપવા માંડી ત્યારે એ બોલ્યો : ‘સાંઈ, તમે નહોતું કહ્યું કે, ખુદાની ખાતર હજામત કર ?’ પણ મેં કહ્યું : ‘ભાઈ, જો તો ખરો. આ તો હજાર સોનામહોરની થેલી છે.’ હજામે મને હસીને જવાબ આપ્યો : ‘સાંઈ, ખરી સોનામહોરો એ થેલીમાં રહેલી નથી, પણ ખુદા ખાતર કામ કરવામાં રહેલી છે.’

આમ ખાનદાની એ સદ્દગુણોનો ખજાનો છે. ઉદારતા, ક્ષમા ત્યાગ, દયા, પરોપકાર અને સહાનુભૂતિ જેવા ગુણોનો સરવાળો એ ખાનદાની છે. આત્માનો એ એવો ઉચ્ચ ભાવ છે જેની કિંમત પૈસાથી થઈ શકતી નથી, એનાં દર્શન વિરલ હોય છે પણ એનું અસ્તિત્વ છે એથી જ માનવજાત ટકી રહી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓનલાઈન ચૅટ – તંત્રી
નહીં જવા દઉં – યોગેશ જોષી Next »   

14 પ્રતિભાવો : ખાનદાની – બહાદુરશાહ પંડિત

 1. gopal h parekh says:

  samajman kankra karta ghaun vadhare chhe e shraddha ne aavi vatothi bal malechhe, tamaro ne lekhakno khubkhub aabhar

 2. Pravin V. Patel says:

  આ સત્ય પ્રસંગો દીવાદાંડી સમા છે. સત્ય અને માનવતાની જ્યોત ઝળહળતી રાખે છે. આપણને સાચા માનવ બનવાની પ્રેરણા આપે છે.
  શ્રી પંડિતની હંસ નજરને વંદન.

 3. વંદન છે આવી માનવતાને…

 4. biren says:

  ખરેખર ખુબ જ સરસ ..એક્દમ હ્રદય સ્પર્શી વાત છે….. સત સત સલામ… આવી માનવતા ને….

 5. Swati Dalal says:

  I like this story very much. I love this kind of people, and strongly believe in manavata. We need money to live, but money is not everything for life. Life is love, prem,karuna and daya that’s what I believe.
  Thanks.

 6. MAHASVIN says:

  સરસ ખુબ સરસ… વન્દન કરુ હુ આવિ માનવતા ને…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.