નહીં જવા દઉં – યોગેશ જોષી

વિમાન પસાર થવાનો અવાજ આવ્યો.
બા એ નિસાસો નાખ્યો.
મીની વધારે મોટેથી રડવા લાગી.
‘ચાલ મીની’, રૂપા બોલી, ‘હવે રડવાનું બંધ બિલકુલ બંધ. સહેજે અવાજ ના આવવો જોઈ, સમજી ?’
‘પણ પપ્પા મને કેમ ના લઈ ગયા ?’ હીબકાં ભરતી મીની બોલી, ‘મારે પપ્પા પાસે જવું છે…’
‘જો મીની, તને કેટલીવાર સમજાવી કે પપ્પા અમેરિકામાં સેટલ થશે પછી આપણને બધાંયને લઈ જશે.’
‘મેં કીધું’તું કે પપ્પા, પપ્પા; હું તમને સેજ્જે નઈ વિતાડું. સવારે ઊઠીને તરત બ્રશ કરી લઈશ. દુધ્ધુય ઝટ પી લઈશ, ‘છી’ પણ જાતે ધોઈશ…. સેજ્જે કજિયા નઈ કરું… મને લઈ જાવ… તોય ના લઈ ગયા….’ કહેતાં વળી અવાજ રડમસ થઈ ગયો.
‘તો એમ કર, મીની’ બા એ કહ્યું ‘પપ્પાની કિટ્ટા જ પાડી દે, હોં !’

બાની આ વાત મીનીને ગમી.
એ બોલી, ‘પપ્પાની કિટ્ટા… પપ્પાની કિટ્ટા…. પપ્પાની કિટ્ટા…..’ પપ્પાને ગયે બે દિવસ થયા છતાં મીનીનું થોબડું હજીય ફૂલેલું જ રહેતું. આંખો મેંશ વિનાની, નાનકડું નાક રાતુંચોળ અને રીસ ચડવાના કારણે નીચલો હોઠ સહેજ લાંબો રહેતો.

પપ્પા ઑફિસ જાય ત્યારે રોજ મીની પપ્પાને ‘ટાટા’ કરતી. ‘પપી’ કરતી. ઑફિસ છૂટવાના ટાઈમે રોજ પપ્પાની રાહ જોતી ને પપ્પા આવતાં જ સામી દોડતી… ને પપ્પા એને તેડી લેતા… પછી સ્કુટર પર આંટો ખવડાવતા. ઑફિસ જતી વખતે તો, સ્કુટર છેક સોસાયટીના ઝાંપા બહાર નીકળે ને પપ્પા દેખાતા બંધ થાય ત્યાં લગી મીનીના ટહુકા સતત ચાલુ જ હોય – પપ્પા ટાટા…. પપ્પા ટાટા… પપ્પા ટાટા…. પણ પપ્પાને મૂકવા ગયા ત્યારે ?!
રૂપા કહી કહીને થાકી કે પપ્પાને ટાટા કર તો મીની….. પપ્પાને ટાટા કર તો…. પણ પ્લેન ઊપડ્યું ને થોડી વારમાં તો પ્લેનનું ટપકુંય દેખાતું બંધ થયું તોય મીનીએ ‘ટાટા’ ન કીધું એ ન જ કીધું !

તેજસનું અમેરિકા જવું બાનેય નહોતું સમજાતું. એ તો કાયમ કહેતા, ‘ચાર લાખનો બંગલો છે. ગાડી છે. આટલી સારી નોકરી છે. શું કામ જવું પડે અમેરિકા ? આટલે દૂર ? ઓચિંતાની હું માંદી પડું તો તો મરતાં પહેલાં તારું મોં જોવાની ઈચ્છાય પૂરી ના થાય…. કંઈ નથી જવું આપણે અમેરિકા.’
‘પણ બા ઈન્ડિયામાં હવે કંઈ નથી. અમેરિકા જઈએ તો કેરિયર બને, લાઈફ બને…..’

તેજસ એકનો એક દીકરો. શહેરની કૉમ્પ્યુટર બનાવતી કંપનીમાં પ્રોડકશન એન્જિનિયર. સારો પગાર- ચાર લાખનો બંગલો – કાર, સ્કુટર…. શું ખોટ છે તે જવું પડે વધારે કમાવા માટે છે…ક અમેરિકા ? બાને આ વાત સમજાતી જ નહીં. બાની ના છતાંય તેજસે અમેરિકા જવાનું નક્કી કર્યું ત્યારથી, પોતાના બંગલા ઉપરથી જ્યારે જ્યારે વિમાન પસાર થતું ત્યારે ત્યારે તેનો અવાજ સાંભળતાં જ બા નિસાસો નાખતાં.

તેજસ અમેરિકા ગયો એના આગલા પંદર દિવસ તો કેટલી ધમાલ રહી ! બા પાસે બેસી ઘડીક વાત કરવાનોય ટાઈમ ના રહ્યો. બધાં સગાના ઘેર વારાફરતી રોજ જમવા જવાનું હોય. અમેરિકા જતાં પહેલાં, કૉમ્પ્યુટર કંપનીનાંય પોતે કમીટ કરેલાં કામો આટોપવાનાં, અમેરિકા જવા માટેની તડામાર તૈયારીઓ… ને ઘેર પણ આખોય વખત મહેમાનોનો ધસારો.
તેજસ અમેરિકા જવાનો છે એ સાંભળીને શુભેચ્છાઓ આપવા માટે ગામડેથી આવતાં કેટલાંક સગાંઓ તો નારિયેળ-રૂપિયો લઈને આવતાં ! ને વિદાયવેળાએ તો કેટકેટલા ફૂલહાર ! તેજસ અમેરિકા નહીં, પણ જાણે ચંદ્ર પર ના જવાનો હોય !

બધી તૈયારીઓ મીની ચૂપચાપ જોયા કરતી. તેજસના નિર્ણયથી દુ:ખી થયેલા બા પણ તેજસની અમેરિકા જવાની તૈયારીઓમાં લાગી ગયેલાં. ત્યાં મારા તેજસને ઓસાવેલી સેવો ક્યાંથી મળશે ? આવો વિચાર આવતાં જ બા એ બે દિવસ સેવો પાડી ને ત્રણથી ચાર વાર શીખવ્યું, તેજસને, કે સેવો કેમ ઓસાવવાની. તેજસને ત્યાં આ મળશે કે નહિં, તે મળશે કે નહિં… એને મારા હાથનું ખાટું અથાણું બહુ ભાવે અને છૂંદોય… એને આ બહુ ભાવે, તે બહુ ભાવે – કહી યાદ કરી કરીને બધું નાની નાની બરણીઓમાં ભર્યું.

મીની એની બહેનપણીઓને કહેતી, ‘અમારે છે ને…. અમેરિકા જવાનું, પ્લેનમાં બેસીને !’ પણ જ્યારથી એને ખબર પડી કે પપ્પા એકલા જ જવાના છે; મમ્મી નહીં, બા ય નહીં, દાદાય નહીં ને પોતે પણ નહીં…. ત્યારથી એને પપ્પા પર રીસ ચડેલી… એ કહેતી અવારનવાર, થોબડું ફૂલાવીને, ‘પપ્પા, મનેય અમેરિકા લઈ જવાની હોં !’
‘મીની, તું સમજ. યૂ આર અ ગુડ ગર્લ. હું અમેરિકા જઉં અને આપણને રહેવા માટે ત્યાં ઘર રાખીને પાછો આવું ને, પછી તને લઈ જઈશ, હોં !’
‘ના પપ્પા, મને અમેરિકા લઈ જાવ, અત્યારે….. એં એં એં…..’
‘અત્યારે તો એને હા પાડો. એનો કકળાટ બંધ થાય.’ રૂપા કહેતી.
‘સારું, તને લઈ જવાની.’ પપ્પા કહેતા.
‘ના, એમ કહી તમે મને બકાવો છો. સાચ્ચે મને લઈ જવાની, હોં !’
‘હા.’
‘અને બા-દાદાનેય સાથે લઈ જવાનાં,’
‘સારું.’
‘મમ્મીને નૈં લઈ જવાની, મમ્મી તો મને મારે છે…..’
બાપ-દીકરીનો આવો સંવાદ અવારનવાર થતો.

જતાં પહેલાં તેજસ મીની માટે ઢગલોએક રમકડાં લઈ આવેલો. રમકડાં આપ્યા એ દિવસે તો મીનીએ ઉત્સાહથી બધાં રમકડાં જોયાં. પણ પછી ? એની જૂની ઢીંગલીને છાતીએ વળગાડીને, મોં ફુલાવીને ફર્યા કરતી. વારે વારે એ પપ્પાને કહેતી, મનેય અમેરિકા લઈ જવાની હોં. પપ્પા હા પાડતાં. છતાં મીનીને અંદરથી ખબર પડી ગયેલી કે પપ્પા ખોટું બોલે છે.

એક વાર તો, મીનીએ પૂછ્યું, ‘પપ્પા, મને અમેરિકા લઈ જશો ?’
‘હા, બેટા.’
‘ના, મને ખબર છે. તમે મને નથી લઈ જવાના. તમે જુઠ્ઠું બોલો છો. તમને પાપ લાગશે.’
એક વાર તો મીની એ કેવી દલીલ કરેલી !
‘પપ્પા’, લાડ કરતાં મીની બોલેલી, ‘હું તમારું કહ્યું કરું છું ને ?’
‘હા, મીની, યુ આર અ ગૂડ ગર્લ.’
‘તો પછી, તમે કેમ મારું કહ્યું નથી કરતા ? મને કેમ નથી લઈ જતા તમારી સાથે ?’

પપ્પાના ગયા પછી, પપ્પા પોતાને સાથે કેમ ન લઈ ગયા એ મીનીને સમજાતું જ નહોતું. પપ્પાની કિટ્ટા પાડ્યા પછી માંડ થોડો સમય શાંત થયેલી મીની વળી કજિયે ચડી – ‘પણ પપ્પા મને કેમ ના લઈ ગયા, બા ?…. કો ને બા, પપ્પા મને શું કામ ના લઈ ગયા ?’
‘મીની બેટા, થોડા જ દિવસમાં પપ્પા તને લેવા આવશે હોં ! જો, આટલું બધું રડીએ નહીં. જે છોકરા રડે ને, એ છોકરાંઓ પરીઓને ના ગમે. જો તને પરીની વાર્તા કહું ?’
‘ના, નથી સાંભળવી મારે વાર્તા.’

થોડી ક્ષણ પછી મીની બોલી : ‘હું મારી આ ઢીંગલીને એકલી મૂકીને ક્યાંય જાઉં છું ? તો પછી, પપ્પા કેમ મને મૂકીને ગયા ? પપ્પા કેમ મને ના લઈ ગયા ?’ વળી એનું રડવાનું શરૂ.
‘હવે એ માર્યા વિના નહીં માને !’ રૂપાએ ઊંચા અવાજે કહ્યું, ‘બે દિવસથી ચલાવ્યું છે…. મોં બંધ જ નથી કરતી…. કજિયાળી…. આટઆટલાં રમકડાં અપાવતા ગયા છે પપ્પા, પણ રમવાનું નામ નહીં.’ અકળાયેલી રૂપાએ મીનીને બે-ત્રણ થપ્પડ લગાવી દીધી. મીની રડવા લાગી. રડતાં રડતાં, ટી.વીની ઉપર મૂકેલા પપ્પાના ફોટા સામે જોતાં મીનીને થયું, મને આટલો માર પડે છે ને પપ્પા ફોટામાં બેઠા બેઠા હસે છે !

મકાન ઉપરથી વિમાન પસાર થયું.
બાએ વળી નિસાસો નાખ્યો.
રડતી મીનીને ખોળામાં લીધી, થપેડી. એનાં ડૂસકાં ધીમાં થતાં ગયાં ને એ ઊંઘી ગઈ…. મીનીની સાથે બા ય રડતાં હતાં, અંદરથી; મનોમન.

તેજસ ગયો તે દિવસે તો કેવું કરેલું મીનીએ ? –
સામાન પૅક થઈ ગયો.
ઘરમાંથી બહાર નીકળવાની ક્ષણ આવી.
મીની ઊભી રહી ગઈ, બેય નાનકા હાથ પહોળા કરીને બારણાંની વચ્ચે; હુકમ કરતી, ‘નહીં જવા દઉં !’
પપ્પાએ એને ફોસલાવી.
બા એ મનાવી.
મમ્મીએ ઘાટો પાડ્યો.
છતાંય એ માની નહીં.
‘નહીં જવા દઉં… નહીં જવા દઉં…. નહીં જવા દઉં.’
અને પછી તો ખિજાયેલી મીનીએ પપ્પાના કાંડા પર બચકું ભરી લીધું ! ને મમ્મીએ એને બે-ત્રણ થપ્પડ ચોડી દીધી. તો રડતાં રડતાં એ બોલી, ‘મને મારવાનું નૈં કંઈ, મારામાંય જીવ છે !’

અને મહેમાનો સુદ્ધાં હસી પડેલાં. બા એ કહ્યું, ‘મીની જીવડાંને મારતી હોય ત્યારે હું એને કહું ને, જીવડાંને મારીએ નહીં, એનામાં જીવ હોય. તે કેવું યાદ રાખ્યું છે એણે !’
‘રૂપા’, બાએ કહ્યું, ‘હવે મીનીને મારતી નહીં, અને તારા ઈંગ્લિશ સ્પીકીંગના કલાસમાં જવાનુંયે બંધ રાખજે બે દા’ડા.’
‘પણ બા, તમે જુઓ છો ને, કેવા કજિયા કરે છે એ ?’
‘બે-ચાર દિવસ કજિયા કરશે, પછી ભૂલી જશે ને રમવા લાગશે. એ કંઈ થોડું સમજે છે ! વળી તેજસ પણ અત્યાર સુધી એને મૂકીને એક દિવસ માટે ય ક્યાંય ગયો નથી. મીનીને કેટલી માયા છે પપ્પાની ! તે થોડા દિવસ તો લાગે જ ને ! મને, આવડી મોટીનેય, લાગી આવે છે ને ક્યારેક. માંડ મન મનાવું છું. તોય હજીય સમજાતું નથી કે અમેરિકામાં બળ્યું શું દાટ્યું છે ?’ કહેતાં બાએ પાલવના છેડાથી આંખો લૂછી.

રૂપાનેય રાત્રે પથારી જોણે ખાવા નહોતી ધાતી ! તેજસની ગેરહાજરીથી ડબલ બેડ ખૂબ મોટ્ટૉ લાગતો. તેજસ અમેરિકા જવાનું વિચારતો, ગયો, વિમાનનું ટપકુંય દેખાતું બંધ થયું, ઘરે પાછી આવ્યાં ત્યાં સુધી રૂપાને એવું કંઈ ખાસ લાગી નહોતું આવ્યું, પણ રાત્રે…. પથારીમાં કેવું સૂનું સૂનું લાગતું ?!

‘પપ્પા….!’ મીનીએ એકદમ ચીસ પાડી. એ ઝબકીને જાગી ગઈ.
‘સૂઈ જા, મીની…બેટા… સૂઈ જા’ કહેતાં બા એના કપાળે ને માથે હાથ ફેરવવા લાગી. થોડીવાર મીની પડી રહી, પછી ઊભી થઈ, ને જતાં પહેલાં પપ્પાએ લાવેલાં નવાં રમકડાં ફેંદવા લાગી. બા એ તથા રૂપાએ કંઈક ‘હા…શ’ અનુભવી, કે ચાલો, હવે મીની રમતે ચઢશે. પપ્પા ગયા એ પછી અત્યાર સુધી મીની જાણે રમવાનું જ ભૂલી ગયેલી !

નવાં રમકડાં બધાં એમ જ ખુલ્લાં રહેવા દઈને મીની રસોડામાં ગઈ, સાણસી લઈ આવી. પછી નવાં રમકડાંમાનું નવુંનક્કોર વિમાન સાણસીથી તોડી નાખ્યું.

‘અરે ! આણે તો નવું નક્કોર વિમાન તોડી નાખ્યું !’ રૂપા બોલી. અને મીનીને ધમકાવે એ પહેલાં બાએ કહ્યું, ‘વઢીશ નહીં, મીનીને. એ એની જિદ્દ નહીં છોડે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખાનદાની – બહાદુરશાહ પંડિત
સમજાવી નથી શકતો – ‘મરીઝ’ Next »   

19 પ્રતિભાવો : નહીં જવા દઉં – યોગેશ જોષી

 1. વાર્તા તો સરસ છે…!! પણ કંઇક અધુરી ના લાગી ? મીની પછી કેટલા દિવસો સુધી આવું કરતી રહી ? પપ્પા પાછા ક્યારે આવ્યા ??

 2. Devdutt says:

  જયશ્રી ની વાત સાચી છે,

  — દેવદત્ત

 3. Kanan says:

  According to Anton Chekhov when you ommit the start and end it makes a beautiful short story!!! So Jayshreeben, sometimes its about flow and emotions!!

 4. Koik Ajanbi says:

  ખુબ જ રસથી જે નવલકથા વાંચતા હોયએ અને એના છેલ્લા પાના ફાટી ગયા હોય અને જે અનુભવ થાય એવો થયો …

  પોતપોતાને ગમતો અંત મુકી લેવો.

 5. biren says:

  ખરેખર સાચે જ અન્ત અધુરો છે..વાર્તા સારી છે.. પણ કૈક ખુટે છે…

 6. Vivek says:

  What ????

  This story is certainly missing something. I agree with Jayshree.

 7. My opinion differs……A good story creating full pity upon a small innocent girl is depicted which needs no additions or alterations.Thanks to the writer and our dear Mrugeshbhai….Man.

 8. jayant shah says:

  આ વાર્તાનો અન્ત સરસ.મીની ની ખૂબ જ લાગની દેખાડે છે.
  આ અન્ત જ શરુઆત છે.

 9. keyur vyas says:

  storry is still not finished.

 10. kruti joshi says:

  hi pappa .lol………..

 11. ritesh says:

  good emotional story…. good for those who stays abroad, leaving everything behind…i think story tells something about person leaves so much to for his careers,…

 12. Prashant Oza says:

  વેલ્ બહુ જ સરસ.
  ek nankadi chokri no pita pratye prem darshayuo.

 13. ઋષિકેશ says:

  આપણા માંથી ઘણા લોકો ને આ વાત relevant લાગશે. ઘર છોડતી વખતે આપણે વિચાર કર્યો હતો કે આપણાં મા-બાપ, પત્ની, બાળકો.. હસતાં મોઢે વિદાય તો આપે છે, પણ અંદર થી રડે છે ?

  મોટા ભાગે કર્યો જ હશે, પણ જો ના કર્યો હોય તો આજે સમય છે. Also, let your loved ones know what you feel for them. It will soothe their hearts.

 14. ભાવના શુક્લ says:

  જે વિમાન પોતના “પ્રિય પપ્પા” ને દુર લઈ ગયુ તેના પર ગુસ્સો ઉતારી મીનીએ પોતાની બિલકુલ ના સમજી શકાતી વ્યથાને કઈક દુર હડસેલવા પ્રયાસ કર્યો. મને યાદ જે પ્રથમ વખતે વિદેશની ધરતી પર પગ મુક્યો પછી દિવસો – મહિનાઓ સુધી આકાશમા જ્યારે પણ વિમાન દેખાતુ ત્યારે “સ્ટુપિડ!!!” એવુ અનાયાસે દિલ માથી નિકળી જતુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.