- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

લક્ષ્મી પતિ !! – રવીન્દ્ર ઠાકોર

[ પ્રકાર.. હળવું નાટક : તખતો બે ખંડમાં વહેંચાયેલો છે. પડદો ખૂલે છે ત્યારે તખતાના જમણા ભાગ પર અંધારું. ડાબા ભાગ પર પ્રકાશ. પ્રકાશમાં સ્વર્ગમાંનો વિષ્ણુનો આવાસ દષ્ટિગોચર થાય છે. એક પુરાણા સિંહાસન પર વિષ્ણુ મ્લાન વદને વિરાજમાન છે, એકલા. ત્યાં જ નારદનો પ્રવેશ.]

નારદ : (પ્રવેશતાં) નારાયણ ! નારાયણ !
વિષ્ણુ : (મ્લાન વદને, ખિન્ન સ્વરે) પધારો, મહર્ષિ નારદ ! કેમ, આજ એકાએક આપનું આગમન થયું ?
નારદ : પૃથ્વીની પરિક્રમાએ નીકળ્યો છું. થયું કે પરિક્રમા પ્રારંભતાં પહેલાં લક્ષ્મીપતિ વિષ્ણુનાં તથા દેવી લક્ષ્મીનાં દર્શન કરી તેમના આશીર્વાદ પામું. આમે ય જે સત્સંગ થયો તે ખરો.
વિષ્ણુ : અનુગૃહીત કર્યો મને. શા વૃતાન્ત છે સ્વર્ગનાં ?
નારદ : સવિશેષ તો કૈં નહિ, પણ હમણાં હમણાં સ્વર્ગમાં તો એવી વાત પ્રસરી છે કે આપે આપના આવાસમાં જ આપની જાતને બંદિની કરી છે. ક્યાંય પણ આપની ઉપસ્થિતિ વરતાતી જ નથી અને દેવી લક્ષ્મીજીનાં દર્શન પણ થતાં નથી. શું આપને અને લક્ષ્મીજીને સ્વર્ગ પ્રતિ અનાદર કે ઘૃણા જન્મ્યાં છે કે શું ?
વિષ્ણુ : ના રે ના. સ્વર્ગ છોડીને અન્યત્ર ક્યાં જવાનું છે ? પૃથ્વી પરના શાસનનો દોર પણ અહીંથી જ ચલાવવાનો. ક્યારેક માનવી ધા નાખે તો જ પૃથ્વી પર જવાય, પણ આજકાલ તો માનવીય મને જાણે કે વિસ્મરી ગયો છે.

નારદ : એટલે આપ ઉદાસ છો ? નાહકની આ ઉદાસી ખંખેરી નાંખો લક્ષ્મી પતિ !
વિષ્ણુ : (સ્વગત, સનિ:શ્વાસ) લક્ષ્મી પતિ !
નારદ : આમ નિ:શ્વાસ શા માટે ? દેવી લક્ષ્મીજી આવાસમાં નથી ?
વિષ્ણુ : ના. આ આવાસમાં તો એની ઉપસ્થિતિ અલપ-ઝલપ. હમણાં હમણાં એ ક્યાં વસે છે તેનીય મને જાણ નથી. હમણાં હમણાં મારો તો ભાવ નથી પુછાતો પૃથ્વી પર કે મારા ગૃહમાં પણ.
નારદ : શું વાત કરો છો, પ્રભુ !
વિષ્ણુ : મહર્ષિ, મારી ખિન્નતાનું કારણ એ જ. સમુદ્રમંથન પછી જે મને હોંશેહોંશે વરી, જે સદૈવ મારી સહચરી, અનુસારિણી બની તે જ હવે મને આમ તરછોડે ?
નારદ : તરછોડે ?
વિષ્ણુ : એવું જ ને ! હું જાગું ત્યારે એ આવાસમાં ન હોય. રાતે ક્ષણ-બે ક્ષણ મળીએ. તો એ કહે કે એ વ્યસ્ત છે.
નારદ : વ્યસ્ત ? સ્વર્ગમાં તો એમનું દર્શન નથી થતું તો પછી …… ?
વિષ્ણુ : એના કહેવા પ્રમાણે પૃથ્વીવાસીઓ વચ્ચે એ વ્યસ્ત છે, તેમને કાજે. કેમ કે પૃથ્વીવાસીઓ એનો મહિમા કરે છે.
નારદ : તો તો આ પૃથ્વી પરિક્રમાએ દેવીનાં દર્શન થશે. મને જે વૃતાન્ત પ્રાપ્ત થશે તે આપને નિવેદિત કરીશ, પણ દેવ, આ ખિન્નતા, એકલતા ખંખેરી નાંખો નહિતર વેદના વેંઢારવી પડશે. દેવ, સ્વસ્થ થાવ. અનુજ્ઞા આપો, દેવ !
વિષ્ણુ : શાન્તાનુકૂલ પવનશ્ચ શિવાસ્તે પન્થા: ||

(ડાબા ભાગ પર અંધારું, જમણા ભાગ પર પ્રકાશ. શાળાના આચાર્યાની ચેમ્બર. ચેમ્બર પર ‘આચાર્યા શ્રીમતી અક્કડ, સરસ્વતી વિદ્યાલય’ એવું બોર્ડ વંચાય છે. ચેમ્બરના બારણા પાસે ઊભેલો પટાવાળો બહારની ભીડને હડસેલી રહ્યો છે.)

પટાવાળો : લાઈનમાં ઊભા રહો. જ્યારે જેનો વારો આવશે ત્યારે અંદર જવા દેવામાં આવશે.
એક જણ : પણ આટલી બધી વાર ?
પટાવાળો : અંદર એક જણ છે. બહેન તેની પૂછતાછ તો કરે ને ? (ભીડને હડસેલતો) શાંતિથી ઊભા રહો. નહિતર આ – (ઑર) ઊંચકીને દર્શાવે છે.)
બીજો જણ : આજકાલ તો બધી જ નિશાળોમાં એડમિશનની ભીડ, ભીડ ને ભીડ. પૈસા લેવાય પાછા એડમિશનના અને પૈસા આપતાંય એડમિશન ન મળે.
પટાવાળો : વસ્તી વધે એટલે ભીડ થાય ને મુસીબત પણ સરજાય.
ત્રીજો જણ : આ કેટલો વખત વીતી ગયો ? મને તો લાગે છે કે થોડાં વર્ષો પછી બાળક જન્મે કે તરત તેના પ્રવેશ માટે નામ નોંઘાવવું પડશે.
એક જણ : આપણી વખત તો મ્યુનિસિપાલિટીની નિશાળો હતી, હવે નિશાળો વધી તોય…
બીજો જણ : હવે નિશાળ એટલે ધંધો, આ જમાનો જ પૈસાનો છે. જે તરીકાથી લક્ષ્મી પ્રાપ્ત થાય તે તરીકાથી મેળવી લેવાની. (થોડી વાર પહેલાં આવેલા નારદ આ જોઈ વેદના અનુભવે છે.)
નારદ : આટલી મુશ્કેલી અને તે વિદ્યાપ્રાપ્તિ માટે ? વિદ્યાલયો તો આશ્રમો હોય. (ચેમ્બરમાંથી વીલે ચહેરે એક વ્યક્તિ બહાર નીકળી પસાર થઈ જાય છે.)

એક જણ : ડોનેશન આપવાની ના પાડી હશે તે એડમિશન નહિ મળ્યું હોય.
બીજો જણ : અરે, આજકાલ તો બધી નિશાળોમાં ડોનેશન લેવાય છે. ટ્યુશનો, ડોનેશનો… વિદ્યાનો વેપલો. શિક્ષકોથી માંડી સંચાલકો લક્ષ્મી ભક્તો…. (નારદના કાન સરવા થાય છે. ચેમ્બરમાંથી ઘંટડી વાગે છે. પટાવાળો એક વ્યક્તિને પ્રવેશ આપે છે. નારદ પણ અદશ્યરૂપે પ્રવેશે છે. આચાર્યાની ખુરશી પાછળ લટકાવેલો લક્ષ્મીજીનો ફોટો નીરખી આશ્ચર્ય અનુભવે છે. અદશ્યરૂપે તે ચેમ્બરમાં થતી વાતચીત સાંભળે છે.)
આચાર્યા : જુઓ, તમારા પાલ્યના ગુણો સારા છે એટલે પ્રવેશ તો આપું, પણ અમારી સંસ્થાના નિયમ મુજબ તમારે રૂપિયા પચાસ હજાર ડોનેશન તરીકે આપવા પડશે.
વ્યક્તિ : ડોનેશન કે ડિપોઝીટ ?
આચાર્યા : ડોનેશન. ડિપોઝીટ પાંચ હજાર જુદી.
વ્યક્તિ : ચૅક આપું કે રોકડા ?
આચાર્યા : ડોનેશનના રૂપિયા રોકડા. તેની રસીદ નહિ મળે. ડિપોઝીટની રસીદ મળશે ને તે તમારું પાલ્ય શાળા છોડે ત્યારે એટલે કે બાર વર્ષે પરત થશે.
વ્યક્તિ : (સ્વગત) જો રસીદ ત્યાં સુધી સચવાઈ હોય તો –
આચાર્યા : બોલો, કબૂલ છે ?
વ્યક્તિ : હા, પણ કાલ સવારે આપું તો ?
આચાર્યા : ચાલશે. તમારા પાલ્યનો પ્રવેશ મંજૂર, થેંક્યુ !

(વ્યક્તિ ઊભી થઈ હાથ મિલાવવા હાથ લંબાવે છે ત્યાં જ નારદનો અવાજ – ‘મુંડાયો, કપાયો.’ સહુ ચમકે છે, ચારેકોર જુએ છે પણ નારદ દેખાતા નથી.)
નારદ : (સ્વગત, લક્ષ્મીના ફોટાને ઉદ્દેશીને અદશ્યરૂપે, આછા પ્રકાશમાં) આ આપનો મહિમા દેવી ? આપ પ્રસન્ન પ્રસન્ન છો કે નહીં ? આ જગતની આવી ભક્તિ આપને આનંદે છે ને ? શી આપની લીલા ?
(તખતાના જમણા ભાગ પર અંધારું. ડાબા ભાગ પર પ્રકાશ. વિષ્ણુનો આવાસ)

વિષ્ણુ : લક્ષ્મીનો આવો મહિમા ! પૃથ્વીવાસીઓ આવા લક્ષ્મીભક્ત બન્યા ?
નારદ : હા અને આ ભક્તોને વરદાન આપવા દેવી સદૈવ વ્યસ્ત હોય જ ને ?
વિષ્ણુ : પણ શિક્ષણ ક્ષેત્રે આવું ? આપણા ઋષિમુનિઓ તો પોતાના આશ્રમમાં શિષ્યોને રાખી નિ:શુલ્ક અભ્યાસ કરાવતા, ઉપનિષદો રચાતાં….
નારદ : ગુરુપત્નીઓ શિષ્યો પાસે ગૃહકાર્ય કરાવતી, કૃષ્ણને પણ લાકડાં કાપવા જવું પડ્યું’તું ને ? કૃષ્ણને એટલે આપને જ, ખરું ? અભ્યાસમાં આપણા સમયમાં પણ દક્ષિણા તો આપવી જ પડતી’તી ને ? અને ગુરુ દ્રોણે તો વગર વિદ્યા દીધે એકલવ્યનો અંગૂઠો કાપી લીધો’તો. આજે જગતમાં દ્રોણ-એકલવ્યનો સિલસિલો ચાલે છે, આપના જ વારસા રૂપે.
વિષ્ણુ : પણ આજે તો હદ થાય છે…
નારદ : એ જ લક્ષ્મીનો મહિમા, એની મહેર.

[ ડાબા ભાગ પર અંધારું. જમણા ભાગ પર પ્રકાશ. એક દુંદાળા લક્ષ્મીવાન શેઠ લક્ષ્મીજીની આરતી ઉતારી, આશકા લઈ ઉચ્ચારે છે : મમ અલક્ષ્મી નાશય નાશય હું ફટ્ સ્વાહા (ત્યાં જ ટેલિફોનની ઘંટડી રણકે છે, શેઠ રીસિવર ઉપાડી) : શું કહ્યું ? ના પાડી દો. મને ખબર છે કે આપણી પાસે માલ છે, પણ અછત ઊભી કરો. અછત ઊભી થશે એટલે કાળા બજારો ઊભા થશે. અને કાળા બજારો ઊભા થશે પછી લક્ષ્મી જ લક્ષ્મી… અને આપણે લક્ષ્મીપતિ. (રીસિવર મૂકી દે છે. ક્ષણવાર અંધારું. પ્રકાશ થાય ત્યારે દુકાન. પાટિયું મારેલું છે ‘માલ નથી.’ લોકોની ભીડ-કોલાહલ. ‘સામાન્ય જનનું કોઈ સાંભળતું જ નથી. એ તો વીતી હોય તે જાણે, પણ આમ જીવવું કેવી રીતે ? વગેરે અવાજો સંભળાય.) ]

શેઠ : (મુનીમ ને) આમને દૂર કરો ને દુકાન બંધ કરી દો. આ ટોળું ન જાય તો પોલીસને બોલાવો. (મુનીમ દુકાન બંધ કરે છે. લોકોનો આછો કોલાહલ સંભળાય છે. ફોન રણકે છે.)
શેઠ : (રીસિવર ઉપાડી) હા, હા, અરે, શેઠ તમને ના પડાય. માલ છે. કહો એટલો મોકલું પણ મારા ભાવે. આવે અવસરે જ બે પૈસા કમાવાય ને ? (ત્યાં એક ખુલ્લા રહી ગયેલા બારણામાંથી નારદને ડોકિયું કરતાં જોઈ) અરે, આ કોણ સાધુડો ડોકિયું કરે છે ?
નારદ : બીજાને આપો છો તો આ સામાન્ય લોકની તો આંતરડી ઠારો. ભગવાનની કૃપા ઊતરશે.
શેઠ : હટ હટ ! સાધુ થયા પછી તને સંસારની શી ફિકર ? ભગવાનની કૃપા ઘેર ગઈ. અત્યારે તો અમારા પર લક્ષ્મીજીની કૃપા ઊતરે છે એ જ બસ. ચાલ, ચાલ્યો જા. જય મા લક્ષ્મી !

(ડાબા ભાગ પર પ્રકાશ, જમણા ભાગ પર અંધારું. વિષ્ણુનો આવાસ)
વિષ્ણુ : નારદજી, આપ શી વાત કરો છો ?
નારદ : લગીરે, ખોટી-અસત્ય નહિ.
વિષ્ણુ : પણ સામાન્યજનનાં આક્રંદો પણ ન સંભળાય આ યુગમાં ? માનવી આવો લક્ષ્મીનો દાસ ?
નારદ : યુગના રંગ છે દેવ ! પણ આ યુગને જ શા માટે ઉપાલંભ આપીએ ? વીતેલા યુગને સંભારો ને, દેવ ?’
વિષ્ણુ : વીતેલા યુગને ?
નારદ : જુગટુમાં પાંડવો દ્રોપદીને હારી ગયા, કર્ણે દ્રોપદીનો ઉપહાસ કર્યો, દુર્યોધને ન બોલાવાનાં વેણ ઉચ્ચાર્યા, દુ:શાસને દુર્યોધનની આજ્ઞાથી દ્રૌપદીનાં ચીર હર્યા ત્યારે દ્રૌપદીનું આક્રંદ કોણે સાંભળ્યું હતું ? દ્રૌપદીએ ધા નાંખી ત્યારે પિતામહ ભીષ્મ નહોતા બોલ્યા કે પુરુષ અર્થનો દાસ છે. તો પછી લોકોનાં આક્રંદ અવગણી આજેય માનવી અર્થદાસ બને તો શી નવાઈ ? શાશ્વત સત્ય તો એ છે કે સર્વ સમર્થ, સર્વત્ર, સર્વ ક્ષેત્રે માનવી અર્થદાસ રહ્યો છે. માનવી સ્વયં લક્ષ્મીનું દાસત્વ સ્વીકારે પછી લક્ષ્મીજી નિજના મહિમાની વૃદ્ધિ અર્થે માનવ વચ્ચે જ વસે ને ?
વિષ્ણુ : નારદ ! નારદ !
નારદ : આપ આપના ભક્તની વ્હારે દોડી જતા’તા તો દેવી કેમ ન દોડે ? આજે પૃથ્વી પર એમના ભક્તોનો ક્યાં તોટો છે ? આપનું શાસન તો હવે –
વિષ્ણુ : (ક્રોધથી) નારદ !

(નારદનું મોં બંધ કરે છે. અંધારું, જમણા ભાગ પર પ્રકાશ. સુખી કુટુંબનો ડ્રોઈંગરૂમ. પતિ-પત્ની આગંતુકની પ્રતીક્ષા કરતાં હોય તેમ લાગે છે. ત્યાં જ સ્ત્રી-પુરુષનો પ્રવેશ.)

પતિ : આવો, આવો તમારી જ રાહ જોતાં’તાં અમે તો.
સ્ત્રી : આમને ઑફિસથી આવતાં મોડું થયું. માફ કરજો, એટલે સમય ન સાચવી શક્તાં.
પત્ની : કંઈ વાંધો નહિ. અમે તો તમારી જ વાટ જોતાં’તાં.
પુરુષ : તમારો સદ્દભાવ. હા, તો પછી આપે શું વિચાર્યું ? અમારી દીકરી આમ તો સુશીલ, શિક્ષિત છે.
સ્ત્રી : અને ઘરકામમાં પણ હોંશિયાર છે. હમણાં હમણાં તો કમ્પ્યુટરનું શીખે છે. બોલ્યે-ચાલ્યે તો એનો જોટો ન જડે.
પત્ની : એવો ક્યાં કશો વાંધો છે ? વળી અમારા દીકરાએ તો અમારાથી પહેલી એને પસંદ કરી લીધી છે.
પતિ : અને આજકાલ તો છોકરા-છોકરીની પસંદગી પર જ મહોર મારવાની અને તેમાંય આ પ્રેમમાં પડેલા ને ના પાડીએ તો તો ભાગી ને કરે પાછા…
સ્ત્રી : તો પછી નક્કી જ ને ?
પત્ની : હાસ્તો. ના પાડવાનો અવકાશ ક્યાં છે ?
પતિ : બસ તો, અમારે તો એટલું જ જોવાનું કે દીકરી દુ:ખી ન થાય.
પત્ની : દુ:ખી અમે શું કામ કરીએ ? તમારી દીકરીને તમારે આમ સુખી જોવી હોય તો અમારા દીકરાને એક વેલ ઈક્વિપ્ડ ફલેટ લઈ આપવાનો. ફોન, ફ્રીઝ, સેન્ટ્રો સહિતનો. એટલે બંને પોતાના સંસારમાં સુખે જીવે.
સ્ત્રી : એટલે ?
પત્ની : આ તો તમારી દીકરીના સુખ માટે. બાકી અમારે તો કંકુને કન્યા જ લેવી છે. અમારા આ તો સુધારક વિચારના. દીકરો તો વળી ચાર ચાંદ ચઢે એવો. એટલે દહેજ તો અમને ન પરવડે. નહિતર બીજા હોય તો વાંકા વળીને….
પુરુષ : (ચમકીને) ના, ના. દીકરીના સુખ માટે અમે આ બધું સમજીને જ કરીને ને…
પત્ની : તો સગપણ કબૂલ. કરો મોં મીઠાં.

(અંધારું. ડાબી બાજુ પ્રકાશ. વિષ્ણુનો આવાસ)
નારદ : આ દહેજ નહિ તો દહેજ નો બાપ.
વિષ્ણુ : પણ મહર્ષિ ! આ આપે સાંભળ્યું ?
નારદ : સાંભળ્યું નહિ, અદશ્ય રહીને નિહાળ્યું. નિહાળ્યો લક્ષ્મીજીનો પ્રભાવ – પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ.
વિષ્ણુ : જગત આટલું લક્ષ્મીઘેલું ? ધારો કે દીકરીનાં મા-બાપ ખમતીધર ન હોય તો ?
નારદ : તો દેવું કરે. તેમ ન થાય તો દીકરીને ન પરણાવે અથવા તો –
વિષ્ણુ : એટલે અકિંચન જીવી જ ન શકે ?
નારદ : ક્યાં જીવે છે દેવ ? થોડા ઘણા લક્ષ્મી ભક્તો, ધનિકો જ સર્વ ક્ષેત્રે સર્વાંગ જીવન માણે છે કારણકે તે માને છે કે બધું જ ખરીદી શકાય છે લક્ષ્મીકૃપાથી. મોટા ભાગના અકિંચનો મરવાને વાંકે જીવે છે. યમની જો એમના પર કૃપા ઊતરે તો એ બધા ધનધન બને.

વિષ્ણુ : લક્ષ્મીનો આ પ્રભાવ ? આ લીલા એની ? એણે ઊભા કર્યા આવા ભેદ ?
નારદ : ક્ષમસ્વ દેવ ! આ ભેદ તો છે આદિકાળના. વર્ણવ્યવસ્થા આપણે રચી, ઊંચ-નીચ, સ્પૃશ્ય-અસ્પૃશ્યના ભેદનો વારસો આપણે આપ્યો. અકિંચનતા રાખવા દ્રોણે કૌરવોનું દાસત્વ નહોતું સ્વીકાર્યું ? રામે જ શંબુકને નહોતો માર્યો ? એકલવ્યનો અંગૂઠો નહોતો કપાયો ? સ્ત્રી તો માણસ નહિ પણ હોડમાં મૂકવાની વસ્તુ, એવી પ્રતીતિ પાંડવોએ નહોતી કરાવી ? અને મનુમહારાજે સ્ત્રીને સ્વતંત્રતા ન આપવાની વાત નહોતી કરી ?
વિષ્ણુ : પણ સ્ત્રીઓ તો હવે –
નારદ : સ્વતંત્ર દેખાય છે, પુરુષ સમોવડી દેખાય છે તે રહ્યું જ. નહિતર સ્ત્રી એટલે સ્ત્રી. હા, આ ભેદ તો આપણો વારસો. ફેર માત્ર એટલો કે લક્ષ્મીજીએ તેને રૂપાળો ઢોળ ચડાવ્યો અને કોને પોતાનો પ્રભાવ ન ગમે ? પૃથ્વી પર તો નારીઓ શાસન કરતી થઈ ગઈ છે, દેવ ! ત્યારે લક્ષ્મીજીનો –
વિષ્ણુ : કશું વધુ મારે નથી સાંભળવું.
નારદ : સ્વસ્થ થાવ દેવ ! આવો મારી સાથે પૃથ્વી પરિક્રમાએ. જરા મનફેર થશે.

(ડાબા ભાગ પર અંધારું. જમણા ભાગ પર પ્રકાશ. વિષ્ણુ તથા નારદ પૃથ્વી પર વિહરે છે. દોડતો દોડતો છાપાનો ફેરિયો પ્રવેશે છે.)
ફેરિયો : સંસદમાં આવતી કાલે રજૂ થનારો લઘુમતી શાસક પક્ષ સામે વિરોધ પક્ષોનો અવિશ્વાસનો પ્રસ્તાવ. સંસદમાં મચેલી ભારે હલચલ (ફેરિયો પસાર થઈ જાય છે.)
વિષ્ણુ : આ શું, મહર્ષિ ?
નારદ : છેલ્લાં ચાર વર્ષથી લઘુમતી શાસકપક્ષ રાષ્ટ્રનું શાસન ચલાવે જ છે.
વિષ્ણુ : પણ આપ તો કહેતા હતા ને કે ભારતમાં હવે લોકશાહી છે અને લોકશાહીમાં તો બહુમતીનું શાસન હોય ને ?
નારદ : દેવ, આપની વાત સાચી, પણ બહુમતી કોઈ પણ પક્ષને ન મળી હોય અને વિરોધ પક્ષો વહેંચાયેલા હોય ત્યારે મોટામાં મોટો પક્ષ લઘુમતીમાં હોવા છતાં અન્યના ટેકાથી શાસન કરે એટલે લઘુમતી પક્ષનું શાસન.
વિષ્ણુ : તે હવે ચાર વર્ષ તેનો વિરોધ ?
નારદ : એ તો ચાલ્યા કરે. ક્યારેક તો હથેળીમાં ખંજવાળ આવે ને ?
વિષ્ણુ : તો આ સઘળા વિરોધ પક્ષો અવિશ્વાસ રજૂ કરે એટલે શાસક પક્ષનું શાસન નહિ રહે ને ?

નારદ : ના ટકશે. રાતે પેટીઓ ફરતી થશે. (વિષ્ણુ ભગવાન આશ્ચર્યમુગ્ધ) આ શાસકપક્ષને કેટલાયે દાયકાઓનો શાસનનો એકચક્રી અનુભવ છે. સામ, દામ દંડ, ભેદની નીતિમાં નિપુણ છે. એટલે સત્તા જાળવવા પેટીઓ –
વિષ્ણુ : એ શું ?
નારદ : લક્ષ્મીજીએ આપેલો શબ્દ. એક પેટી એટલે લાખ રૂપિયા. હૉર્સ ટ્રેડિંગ થશે, એટલે કે ઘોડાઓ નહિ પણ એવા જ સાંસદો ખરીદાશે. આ તો એક ઊપડેલી ચળ. થોડા કલાકોની જ વાર છે. જોજોને, દેવ ! (ક્ષણ અંધારું, પ્રકાશ, ફેરિયાનો પ્રવેશ….)
ફેરિયો : સંસદમાં શાસકપક્ષનો વિજય. વિરોધ પક્ષોનો અવિશ્વાસનો પ્રસ્તાવ ઊડી ગયો. પાંચ અપક્ષોના ટેકાથી શાસકપક્ષે મેળવેલો વિજય.
વિષ્ણુ : આવું કપટ લક્ષ્મીની લાલચે ?
નારદ : લાલચે નહિ પ્રભાવે. પણ દેવ ! રાજકારણમાં આપણા સમયમાં પણ કપટ ક્યાં નથી થયાં ? આપના કૃષ્ણાવતારમાં કર્ણવધ, દુર્યોધનવધ, અભિમન્યુવધ, આદિમાં આપે જે કર્યું, તે ભૂલી ગયા ?
વિષ્ણુ : પણ આ નથી જીરવાતું ! ત્યારે તો ધર્મકાજે… અને આ તો જો….
નારદ : લક્ષ્મી પ્રભાવે થાય છે એટલે ને ? ત્યારે ધર્મના રૂપાળા નામનો પ્રભાવ હતો આપનો કે આપના પ્રતિનિધિઓ કે સહકર્મીઓનો.
વિષ્ણુ : પણ લક્ષ્મી આમ.. ? નથી જીરવાતુ, મહર્ષિ….

(અંધારું, ડાબા ભાગ પર પ્રકાશ. વિષ્ણુનો આવાસ.)
વિષ્ણુ : મહર્ષિ, નથી જીરવાતું – નથી સહેવાતું.
લક્ષ્મી : (આધુનિક વેશ પરિધાનમાં પ્રવેશી) દેવ ! શું નથી જીરવાતું ? પૃથ્વી પર આપના મહિમાનો અસ્ત કે મારો પ્રભાવ ?
નારદ : દેવી ! આપ ?
લક્ષ્મી : હું તો આવી છું આપને મળવા જ. મહર્ષિ ! આપ બંને કાલે પૃથ્વી પર પધાર્યા હતા તેની મને જાણ છે. મેં આપને દીઠા હતા. દેવે આપ દ્વારા પૃથ્વી પરના મારા પ્રભુત્વની વાત જાણી છે. નવાઈ ના પામશો. દીવાલોને પણ કાન હોય છે અને આ આવાસમાં હજી મારી આવનજાવન છે. શું નથી જીરવાતું ? શું નથી સહન થતું ? બોલોને દેવ ! મારો પ્રભાવ કે હું ?
વિષ્ણુ : તમે મારી સહચારિણી, તમારો પ્રભાવ વિસ્તારવા આવો અધર્માચાર આચરો !
લક્ષ્મી : તે સત્યથી એટલે કે આપથી કેમ જીરવાય ? પણ આ કળિયુગમાં પણ જે ગઈ કાલે થતું તેનો જ વિસ્તાર થાય છે. ફેર માત્ર એટલો કે ત્યારે આપનું – સત્યનું અવલંબન હતું એટલે તે ધર્માચાર હતો. આજે મારો લક્ષ્મીનો પ્રભાવ એટલે અધર્માચાર, ખરું ને ? આપને જો એમ લાગતું હોય કે મારે કારણે આપની પ્રતિભા ખરડાય છે તો આપણે ડિવોર્સ લઈએ…
વિષ્ણુ : ડિવોર્સ ?
લક્ષ્મી : પૃથ્વીનો શબ્દ છે, સ્વર્ગનો નહિ. લગ્નવિચ્છેદ. પતિ-પત્ની તરીકેના આપણા સંબંધોનો અંત.
વિષ્ણુ : આમ કહેવાનું સાહસ –
લક્ષ્મી : યુગ પલટાયો છે અને પૃથ્વી મને તલસે છે. તેમ કરવામાં મને વાંધો નથી પણ હાનિ આપને છે. પૃથ્વીમાંથી આપની ભક્તિ, આપની સ્મૃતિ અદશ્ય થશે. આજેય પૃથ્વીવાસીઓ આપને પૂજે છે એટલા માટે કે આપની પૂજા દ્વારા તે મને પ્રાપ્ત કરશે. મારા દ્વારા પ્રાપ્ત થતાં સુખોને પ્રાપ્ત કરશે. લક્ષ્મીપતિ મટી જશો એટલે પૃથ્વી પરના આપના અસ્તિત્વ પર છેકો.
વિષ્ણુ : (વિહ્વળ બની) મહર્ષિ… મહર્ષિ….
લક્ષ્મી : આજે જગતના પાયાઓ છે અર્થ, કામ, ધર્મ. મોક્ષને તો તેણે વેગળો મૂક્યો છે. પ્રથમ સ્થાને હું, દ્વિતિય સ્થાને કામ એટલે મારા દ્વારા પ્રાપ્ત થતાં સુખો. તૃતીય સ્થાને, મારે કારણે હજીય આપ છો. પરંતુ લક્ષ્મી પતિ મટી જશો એટલે એ સ્થાન પણ… વિચારી જોજો.

(ઝડપભેર ચાલી જાય છે. વિષ્ણુ તથા નારદ એકમેકને ટીકી રહે છે. તખતા પર આછો પ્રકાશ. નેપથ્યે સૂર સંભળાય છે….)
લક્ષ્મી આધારે છે પૃથ્વી, લક્ષ્મીથી તપનું તપ !
લક્ષ્મી આધારે છે પૃથ્વી, લક્ષ્મીથી તપનું તપ !

(પડદો પડે છે…. સમાપ્ત)