- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

દેખતી મા નો કાગળ… – રમેશ શાહ

[ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ માં પ્રકાશિત થયેલ એક સત્ય ઘટના પર આધારિત. લેખક શ્રી રમેશભાઈ શાહ નાટ્યક્ષેત્રે સક્રીય સાહિત્યકાર છે. ગુજરાતી નાટ્યક્ષેત્રમાં સંજીવકુમાર, પ્રવિણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી અને કાંતી મડીયા જેવા સુપ્રસિદ્ધ નાટ્યકારો સાથે તેમણે કામ કરેલું છે. તેમણે 28 એકાંકી અને 3 ત્રિઅંકી નાટકો ગુજરાતી નાટ્ય જગતને આપેલા છે. તેમના નાટકો ‘ગુજરાત’ તેમજ અન્ય સુપ્રસિદ્ધ સામાયિકોમાં પ્રકાશિત થયેલા છે. તેઓ હાલ અમેરિકા સ્થિત છે. આપ તેમનો shah_ramesh2003@yahoo.com પર સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. ]

એમનું નામ અન્નામ નારાયણન. ગોકુલદાસ વિદ્યાલય માં શિક્ષિકા. કઈ કેટલી તડકી-છાયડી જોઈ છે એમણે એમના જીવન માં, કેટકેટલાં અનુભવોનું ભાથું તેમણે બાંધ્યુ છે. બાકી જન્મથી જ અંધબાળકની વ્યથા, એની તકલીફો નજરની સામે જ જોઈને આવતી કાલ માટે દીકરાને સજ્જ કરવો એ કામ નાનું સુનું તો નથી જ. એ જાણતાં હતા કે મક્કમ થઈને ગોવિંદને એ રીતે તૈયાર કરવો પડશે કે પોતાનો રસ્તો એ પોતે જ શોધી લે. ખુલ્લી સડક ઉપર ઊભા રહીને ગોવિંદે આજીજી ન કરવી પડે ‘કોઈ આ આંધળા ને રસ્તો પાર કરાવો.’ એણે કોઈને કહેવું ન પડે કે ‘દયા કરો હું આંધળો છુ.’

ગોવિંદ આજે પગભર છે. રજાઓમાં ઘરે મા ની પાસે જરૂર આવતો. હંમેશા અમ્માના ચરણ-સ્પર્શ કરીને જ ઘરની બાહર પગ મુકે. આજે પણ રોજની માફક એણે ચરણ સ્પર્શ કર્યો અને અમ્માને લાગ્યું કે ગોવિંદ સ્પર્શની ભાષામાં કશુક વાંચી રહ્યો છે. એના આંગળા જાણે બ્રેઇલ લીપી વાંચતા હતાં અને અમ્માના શબ્દો એનાં કાન માં પડઘાતા હતા –
‘શ્વાસમાં છે ટેરવાંનું દળ કટક,
પુષ્પને પામી શકું રંગો વગર.
સપ્તરંગી મારાં આકાશો નથી,
ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર’

એ વખતે ગોવિંદ ચાર મહિનાનો હતો. એના પપ્પા હાથમાં ઘુઘરો લઈને એની આજુબાજુ ફરતાં ફરતાં એનું ધ્યાન પોતાની તરફ દોરવાનો અથાગ પ્રયત્ન કરતા પણ ગોવિંદ બીજે જ જોયા કરતો. ડોક્ટરને પુછ્યું તો ‘અરે એવું નહીં કરતા કોઈક વખત છીંક આવી જશે ને તો એની આખો કાયમ માટે ફાંગી થઈ જશે.’ તરત જ ઘુઘરો ફેંકી દીધો. ગોવિંદ ઘુંટણીયે ચાલતો થયો…અને ગબડતો થયો. અન્નામને મનમાં ઊંડે ઊંડે ડર લાગ્યો પણ ‘ના…. ના… એવું કાંઈ નથી’ કહીને ડરને ભગાડ્યો.
ક્રિષ્નનને ખાત્રી થઈ ગઈ કે ‘એવું જ છે, કોઈ સ્પેશીયાલીસ્ટને બતાવવું જ જોઈયે.’
‘હજુ તો ચાર મહીનાનો છે .ડોક્ટર પણ કંઈ ન કહી શકે.’

આમ બીજા ચાર મહીના વીત્યા.પણ પછી તો સ્પેશ્યાલીસ્ટ પાસે ગયા વગર જ બંન્નેએ સમજી લીધું કે એમના ગોવિંદને આ જન્મ અંધારામાં જ વીતાવવાનો છે. ક્રિષ્નનની ટાટા ઓઈલ મીલની નોકરી એને નવરો પડવા જ ન દેતી. સતત બાળકના ભૂત-વર્તમાન અને ભવિષ્યના વિચારો એને આવ્યાં કરતા પણ ત્યારે અન્નામ ધીરજ અને પ્રેમથી બાપ-દિકરાને સાચવી લેતી. ધીરજ બંધાવતી કે ‘હું મારા ગોવિંદને એટલું ભણાવીશ…એટલું ભણાવીશ કે એ કોઈનો ઓશિયાળો નહીં રહે.’ આમ કહેતી વખતે એને પણ રસ્તો તો નહોતો જ સુજતો પણ એનું મનોબળ મક્કમ હતું.

બે-અઢી વર્ષનો થયો પણ ગોવિદને તો અંધારા-અજવાળા બધું જ સરખુ. મા-બાપ એને રેઢો મૂકતાં જ નહી. ધીરે ધીરે એની જરૂરીયાતોને સમજીને ખુબ જતનથી દરરોજની ક્રિયાઓ શીખવી. જુદાંજુદાં અવાજો, આકારોને હવે ગોવિંદ ઓળખવા લાગ્યો. આંખ ન હોવા છતાં અમુક ગંધને પારખી શકતો. સ્પર્શથી મા-બાપ અડોશી-પડોશીને ઓળખતો થયો પણ હજુ તો મંજીલ દૂર હતી.

આટલાં વર્ષોની સ્કુલની નોકરીમાં ક્યારેય ન થયો હોય એવો એક પ્રસંગ તે દિવસે બન્યો.
‘મારા દિકરાને તમે ઘરે ટયુશન આપશો?’ આમ પૂછતાં એક સજ્જન સ્ટાફ રૂમમાં આવ્યાં. અન્નામના સિદ્ધાંત વિરુદ્ધની આ વાત હતી.
‘કેમ સ્કુલમાં સરખુ નથી ભણાવતાં કે પછી તમારા સુપુત્ર ને ભણવું ગમતું નથી?’
‘એ જન્મથી અંધ છે ને એટલે બ્લાઈન્ડ સ્કૂલમાં દાખલ કર્યો છે.’ અન્નામના શરીરમાંથી આછી ધ્રૂજારી પસાર થઈ ગઈ. એની નજર સામે પોતાનો ગોવિંદ દેખાયો.
‘મારો છોકરો બહુ જ હોશીયાર છે અને તમારા પાસે ભણવા મળશે એ એનું અને મારૂ સદ્દભાગ્ય.’
અન્નામ મનમાં વિચારવા લાગી કે કદાચ ગોવિદના ભાવી માં પણ આ જ લખ્યુ હોય તો ? અંધ બાળકને ભણાવવાનો અનુભવ પહેલી વારનો જ હોય. અન્નામ પોતાની જાતને માનસીક તૈયાર કરવા લાગ્યા. સ્કુલમાં ઈતિહાસના ટીચર, પણ આમ બધા વિષય શીખવી શકવાની ક્ષમતા.

પાંચ માં ધોરણમાં ભણતો સ્વામી, દફ્તર લઈને પોતાના બાપની સાથે નારાયનન ને ત્યાં આવ્યો. જોઈ નથી શકતો એ જો જાણતા ન હોઈએ, તો થાપ ખાઈ જવાય એવી ચપળતા હતી એનામાં. અન્નામને ગોવિંદનું ભવિષ્ય દેખાયું. પણ આ શું આ કેવા ચોપડા છે એના ? સ્વામીની નોટબૂક, તેની પેન્સીલ, રબર, રૂલર, બધું જ જુદું. એના ઉપર નાના અનેક ટપકાં જોઈને એમને લાગ્યું આ તો દરરોજ સવારના આંગણા માં રંગોળી પૂરવા હુ કરું છુ એવું લાગે છે.
‘ચાલ, તને હું નોટ્સ લખાવું છું એ લખવા માંડ.’ એ બોલતાં ગયા અને સ્વામી કંઈક ગજબની ઝડપથી લખતો ગયો પણ એના તો અક્ષર પણ કંઈક જુદા જ લાગ્યા. જાણે શોર્ટ-હેન્ડમાં લખ્યું હોય !’ આ તેં શું લખ્યું?’
‘આ મારી લીપી છે.’

બસ આ હતી અંધજનોની લીપી બ્રેઈલ સાથે અન્નામની પહેલી ઓળખાણ. સ્વામીએ અમ્માને સમજાવ્યું કે એ લખે છે એ પેન ને ‘સ્ટાયલસ’ કહેવાય, એનું રબર લાકડાંનુ છે. મનમાં ઘણાં સવાલો ઉઠતાં કે અંધની લીપી માં ‘હીટલર’ શી રીતે લખતાં હશે ?

આ બધું વીસ વર્ષ પહેલાં બન્યું હતું. ગોવિંદને ભણાવવાનો રસ્તો એમણે શોધી લીધો. સાંજના પોતાની સ્કુલમાંથી છુટી આ શિક્ષિકાએ દિકરાને ભણાવવા પોતે ભણવા માંડયું. ‘નેશનલ એસોસીએસન ફોર ધ બ્લાઈન્ડ’ ની નજીકની શાખામાં જવા લાગી, જન્મજાત પ્રજ્ઞાચક્ષુ સંતાન માટે મા ભણવાં બેઠી. એસોસીયેસનમાંથી એને એક ચોપડી અને વાયર જોડેલું એક ટાઈપરાઈટર ઘરે લઈ જવા આપ્યા. ફક્ત છ જ ‘કી’ અને એક ‘સ્પેસબાર’ વાળા આ ટાઈપ મશીનમાં અક્ષરની કોઈ ‘કી’ નહોતી આ ટાઈપરાઈટર માફક વપરાતું ‘બ્રેઈલર’ હતું. અમ્માએ એમની જીદંગીમાં ક્યારેય ટાઈપ રાઈટર વાપર્યું ન હતું. ‘બ્રૈઇલી’ માં રૂપાંતર થયેલા ઈંગ્લીશ-હિંદી બારાખડી નું એક પુસ્તક શરૂઆત કરવામાં કામ આવ્યું. જ્યારે અન્નામે ટાઇપ કરીને પહેલું પાનુ પુરું કર્યુ ત્યારે ગોવિંદને પ્રેમથી બચ્ચી કરીને ઉંચકી લીધો.

બસ, ત્યારથી લઈને આજ પર્યંત અન્નામ એ મશીન ઉપર ટાઈપ કરતાં જ રહ્યા છે. પોતાના અંધ પુત્ર જેવાં અસંખ્ય નેત્રહીનો માટે એમની આંખ અને આંગળીઓ ચાલતી જ રહી છે. તે દિવસે ગોવિંદ પગે લાગીને ઊભો થયો. અન્નામે હાથમાં એક કાગળ મૂકતાં કહ્યું : ‘બેટા કદાચ તું પાછો રજામાં ઘરે આવે ત્યારે હું આ દુનિયામાં ન હોઉ. આ એક દેખતી મા નો કાગળ…આંધળા દિકરા ને… વાંચજે અને તારી મા ને યાદ કરજે, શરત એટલી કે યાદ કરીને રડીને બેસી ન રહેતો. હંમેશા બીજાને મદદ કરજે. મારા તને આશીર્વાદ છે.

ગોવિંદે કાગળની ગડી ખોલી.

‘આભાર માનું ? તારું ઋણ ચુકવવા આવતાં જન્મમાં ફરી મા-દિકરા બની ને જ જન્મ લઈએ પણ હું ગોવિંદ અને તું મારી મા તરીકે અવતરીયે. મા તો દિકરા ને બધું જ આપે પણ દિકરો માને શું આપે ? દ્રષ્ટિવિહીન છતાં તેં તો મને મંજીલ આપી છે.

હું તારે માટે ‘તારી લીપી’ માં બ્રેઈલમાં ટાઈપ કરતાં શીખી અને પછી તો મને નવો રાહ મળ્યો. તારા જ્ઞાન માટે મેં અસંખ્ય પુસ્તકો વાંચ્યાં, દિવસ રાત વાંચતી રહી અને તને કામ આવે એવું બધું ટાઈપ કરતી રહી. મારી સ્કુલની લાયબ્રેરી, છાપાંઓ, ફુટપાથ પર વેચાતી ચોપડીયો બધું જ વાંચતી રહેતી. તારા નોલેજ માટે તારા પપ્પાની મદદને તો કેમ ભુલાય ? નોકરી પરથી આવીને રાતનાં મોડે સુધી એ વાંચતા જતા અને હું ટાઈપ કરતી.

ધીરે ધીરે મારી સ્પીડ વધી અને હું દરરોજના 15-20 પેજીસ પુરા કરતી. તારા પિતાશ્રીના મરણ પછી એક દિવસ બારી માં થી એક પોસ્ટ-કાર્ડ ઊડીને મારી કાળા કવર વાળી ડાયરી ઉપર પડ્યું. સાઈંબાબાનો ફોટો અને પાછળ લખેલું વાક્ય મને હંમેશા યાદ રહે એટલે મારી ડાયરીમાં જ મુકી રાખ્યું. સવારના ડાયરીમાં થી એ પોસ્ટ-કાર્ડના દર્શન કરી કામ ચાલુ કરતી. જેમાં લખ્યુ હતું ‘Holier are the hands that help then lips that pray’

હવે આ હાથમાં તાકાત નથી રહી પણ ભૂતકાળની એકેક પળનો હિસાબ છે મારી પાસે. કંઈ કેટલી સંસ્થાઓ, બ્લાઈન્ડ સ્કુલો ઘણા બધાં અંધ વિદ્યાર્થીઓ માટે હું એક પાઈ પણ લીધા વગર બ્રેઇલ ટાઈપ કરી આપતી.. એક કોરો કાગળ એક રૂપિયાનો થાય અને એક પણ કાગળ બગડે એ ન પોસાય એટલે એક પણ ભૂલ ન પડે તેનું ધ્યાન રાખતી. ઘણાંયે અંધ વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર ટાઈપ કરતી પણ કોઈ જવાબ ખોટો લખાવે તો પણ હું ફક્ત એટલું જ કહેતી કે ફરી એક વાર વિચારીને જવાબ લખાવો. બિચારા નાપાસ ન થાય ને એટલે જ. મારી આ સેવા યજ્ઞનો અગ્નિ તારા નિમિત્તે જ પ્રગટ્યો છે અને એ જ તારું માતૃતર્પણ. મારા પ્રજ્ઞાચક્ષુ દિકરા, અંધ હોવા છતાં તેં મારી પ્રજ્ઞા જગાડી છે. સુખી થાઓ.

લિ.
તારી દેખતી મા ના આશીર્વાદ.