માનસિક પરિપકવતા એટલે શું ? – પ્રકાશ મહેતા

હમણાં એક અનામી અંગ્રેજી કવિનું કાવ્ય વાંચવામાં આવ્યું. એમાં એણે મનુષ્યની માનસિક પરિપકવતાનાં લક્ષણો સુંદર રીતે વર્ણવ્યાં છે. કવિ કહે છે : ‘એ વ્યક્તિને પરિપક્વ કહેવાય કે જે ધૈર્યવાન છે, જે લાંબા ગાળાના લાભ માટે તાત્કાલિક સુખને જતું કરવા તૈયાર છે, જે ક્રોધ કે વિરોધ દર્શાવ્યા વિના, બીજા સાથેના મતભેદને નિવારી શકે છે, જે નિષ્ફળતાઓ મળવા છતાં પોતાના ધ્યેયને વળગી રહે છે, જે જાણે છે કે પૂર્વગ્રહો, અસહિષ્ણુતા, ધિક્કાર અને વેરમાં વેડફી નાખવા માટે જિંદગી બહુ ટૂંકી છે; જે નિરાશાઓ અને વિપત્તિઓનો સામનો કડવાશ વિના કરી શકે છે, જે પરગજુ છે અને બીજાની જરૂરિયાતોને, સહાનુભૂતિપૂર્વક પૂરી પાડી શકે છે, જેનામાં ‘હું ખોટો હતો.’ એમ કહેવાની નમ્રતા છે અને પોતે સાચો હોય ત્યારે, ‘મેં તો તમને કહ્યું હતું’ એમ ન કહેવા જેટલો આત્મસંયમ હોય, જે ‘ગુલાબને કાંટા હોય છે’ એવી ફરિયાદ નથી કરાતો, પણ કાંટા વચ્ચે પણ ગુલાબ ઊગે છે એનો આનંદ અનુભવે છે. જેની ક્રિયા વિચાર અને વાણી સાથે સુસંગત હોય છે; જે મરી ચૂકેલા ભૂતકાળની કે વણજન્મેલા ભવિષ્યની જંજીરોમાં જકડાયા વિના વર્તમાનમાં જીવે છે, જે બદલી શકાય એવી વસ્તુઓને બદલવા મથે છે અને ન બદલી શકાય એવી વસ્તુઓને અનુકૂળ થતાં શીખે છે અને જે પોતાની જાતને સતત પૂછ્યા કરે છે કે ‘શું હું પરિપક્વ છું ?’

મનોવિજ્ઞાનીઓ કહે છે કે માનસિક પરિપકવતાનું પહેલું લક્ષણ છે પોતાની લાગણીઓ પરનો કાબૂ. એ લાગણીઓ આહાર, નિદ્રા, ભય અને મૈથુન જેવી શારીરિક ઈચ્છાઓ હોય કે પછી ક્રોધ, વેર, ઈર્ષ્યા કે ધિક્કાર જેવી માનસિક વૃત્તિઓ હોય, પણ પરિપક્વ વ્યક્તિ હંમેશાં એના પર સંયમ પ્રાપ્ત કરવા મથે છે, અને લાંબા ગાળાના લાભ માટે તરત જ મળતા સુખને જતું કરવા એ તૈયાર હોય છે. બીજી બાજુ, અપરિપક્વ વ્યક્તિ તત્કાળ મળતા સુખ ખાતર ભવિષ્યના કલ્યાણનો ભોગ આપી દે છે.

આ અંગે અમેરિકામાં ડૉ. અરિકફોર્મ અને ડો. અર્જે એક બિલાડી પર પ્રયોગ કર્યો. એ તો જાણીતી વાત છે કે જીવમાત્રના મગજમાં અમુક કેન્દ્ર સુખની લાગણી અને અમુક કેન્દ્ર દુ:ખની લાગણી અનુભવે છે અને વીજળીનો પ્રવાહ પસાર કરવાથી આ સુખ કે દુ:ખના કેન્દ્રને ઉત્તેજિત કરી શકાય છે. આ બે વિજ્ઞાનીઓએ બિલાડીના મગજ પર ‘ઈલેકટ્રોડ’ બાંધીને બિલાડીને એવી તાલીમ આપી કે લીલા રંગનું બટન દબાવવાથી મગજમાં સુખની લાગણી ઉત્પન્ન થાય ને લાલ રંગનું બટન દબાવવાથી દુ:ખ અનુભવાય. પેલી બિલાડી તો રાતદિવસ સુખનું લીલું બટન દબાવ્યા જ કરે. ચોવીસ કલાકમાં એણે છ હજાર વખત સુખનું બટન દબાવ્યું ! બિલાડીને બટનથી દૂર લઈ ગયા તો તે તરત જ દોડીને પાછી આવીને સુખનું બટન દબાવવા લાગી ! પછી તો બિલાડીને સુખની એવી તો ઘેલછા થઈ ગઈ કે એમાં ને એમાં એ ગાંડી થઈ ગઈ, ને છેવટે અકાળ મૃત્યુ પામી ! આપણે મનુષ્યો પણ આ બિલાડી જેવા જ છીએ. આપણી આગળ સુખનું લીલું અને દુ:ખનું લાલ બટન હોય છે, અને આપણે દુ:ખના બટનથી દૂર ભાગીએ છીએ ને સુખનું બટન દબાવવાની ઘેલછામાં વિવેકબુદ્ધિ અને પ્રમાણભાન વીસરી જઈએ છીએ.

તો પરિપક્વ મનુષ્યનું સૌથી પહેલું લક્ષણ એ છે કે તે પોતાના જીવનમાં સુખ અને દુ:ખ એ બંનેને તટસ્થ ભાવે સ્વીકારે છે. મનુષ્યમાત્ર સ્વભાવથી જ સુખ માટે ઝંખે છે એ ખરું, પણ સુખની ઝંખના રાખવી અને સુખ માટે હવાતિયાં મારવા એ બંનેમાં ફેર છે. સુખ અનેક પ્રકારનાં હોય છે. આહાર, નિદ્રા, મૈથુન વગેરે શારીરિક સુખ, સંતાન સુખ જેવા કૌટુંબિક સુખ કે પછી લક્ષ્મી, કીર્તિ, સત્તા વગેરે સામાજિક સુખ અને ભક્તિ, પૂજા, સમાધિ વગેરે જેવા આધ્યાત્મિક સુખ – દરેકેદરેક વ્યક્તિ પોતપોતાના સંસ્કાર અને લાયકાત પ્રમાણે આ સુખોને ઝંખે છે. પણ અપરિપક્વ વ્યક્તિ આ સુખો વચ્ચે સમતુલા જાળવતી નથી. એ પેલી બિલાડીની જેમ ઈષ્ટ સુખની પાછળ દોડી દોડીને છેવટે શારીરિક નહિ તો આધ્યાત્મિક અવસાન પામે છે. જ્યારે પરિપક્વ વ્યક્તિ જુદાં જુદાં સુખો વચ્ચેનું પ્રમાણભાન જાળવીને જીવનના અવિયોજ્ય અંગ તરીકે સુખ અને દુ:ખ એ બંનેને સાક્ષીભાવે સ્વીકારે છે.

કેટલીક વાર આપણે ધાર્યું હોય એના કરતા સાવ ઊલટું જ વર્તન કોઈ વ્યક્તિ કરે, ત્યારે પણ આપણે દુ:ખથી આઘાત આપનાર મનુષ્ય પર ક્રોધે ભરાઈએ છીએ, પણ પરિપક્વ વ્યક્તિ એ મનુષ્યે આવુ વર્તન કેમ કર્યું હશે એનાં કારણો સમજવા મથે છે. દાખલા તરીકે બીજા પર રૂઆબ છાંટનાર મનુષ્યો ઘણી વાર ઊંડી લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે અને રૂઆબ છાંટીને તેઓ પોતાની ગ્રંથિને શિથિલ કરવા માગે છે. આવા મનુષ્ય પ્રત્યે નફરત ન રાખતાં એની લઘુતાગ્રંથિને સમજવા મથવું જોઈએ.

આપણા પરિચયમાં આવેલી પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં અમુક ખ્યાલ બંધાયો હોય છે. એ ખ્યાલ આપણને આઘાત પહોંચાડે એવું વર્તન એ વ્યક્તિ જ્યારે કરે છે, ત્યારે આપણે દુ:ખી થઈ જઈએ છીએ. આ અંગે મન્સૂર અને હસનનો પ્રસંગ બહુ સચોટ છે. મન્સૂરને મોતની શિક્ષા ફરમાવવામાં આવી. એના પર ક્રોધે ભરાયેલા લોકોએ પથ્થર મારી મારીને મન્સૂરને લોહીલુહાણ કરી નાખ્યો, પણ મન્સૂર તો દુ:ખી થવાને બદલે ખડખડાટ હસતો હસતો માર ખાતો જાય. હસનને તો મન્સૂર માટે ભારે આદર હતો, પણ એને થયું કે એ જો ટોળાની સાથે મન્સૂર પર હુમલો કરવામાં નહિ જોડાય તો વિફરેલું ટોળું એના પર તૂટી પડશે, એટલે હસને મન્સૂર પર ફકત એક ફૂલ ફેંક્યું, પણ પોતાના પર ફૂલ ફેંકતા હસનને જોઈને મન્સૂર રડી પડ્યો ! કારણકે, એણે હસન પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી રાખી. પરિણામે પથ્થરમારાને હસી કાઢનારો મન્સૂર ફૂલના સ્પર્શથી રડી પડ્યો.

આપણા સહુના જીવનમાં પણ આવું બને છે, જે વ્યક્તિ પાસેથી આપણે કઠોર શબ્દો કે વર્તનના પથ્થરની ધારણા રાખી હોય કે વ્યક્તિ આપણને આઘાત નથી પહોંચાડતી, પણ જે વ્યક્તિ પાસેથી નિ:સ્વાર્થ પ્રેમ કે ઉલટભર્યા આદરની અપેક્ષા રાખી હોય, એ વ્યક્તિ જ્યારે અનાદરનું ફૂલ પણ ફેંકે, ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. આવે વખતે પરિપક્વ મનુષ્ય સામી વ્યક્તિના સંજોગોનો વિચાર કરે છે. વ્યભિચારી સ્રીને પથ્થર મારનાર લોકો ને ઈશુએ કહ્યું હતું કે જેણે પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. એમ પણ વિચારી શકાય કે પરિપક્વ મનુષ્ય પથ્થર તો નથી જ મારતો પણ સ્ત્રીને વ્યભિચારી બનાવવાના સંજોગો કેવા હશે એનો વિચાર કરીને, એના પ્રત્યે સમભાવપૂર્વક વર્તે છે, કારણકે પરિપક્વ મનુષ્ય જાણે છે કે ‘ગુલાબને કાંટા કેમ છે ?’ એવી ફરિયાદ કરવાને બદલે કાંટા વચ્ચે પણ ગુલાબ ઊગી શકે છે એનો આનંદ માણવો એ જ જીવન પ્રત્યેની સમ્યક દ્રષ્ટિ અને સાર્થક દ્રષ્ટિ છે. લેંગબ્રિજ નામના કવિએ સરસ કહ્યું છે કે બે કેદીઓ કારાગારના સળિયા પાછળથી જુએ છે. એકને કાદવ દેખાય છે અને બીજાને દેખાય છે આકાશના તારા. અપરિપક્વ મનુષ્યને જીવનમાં ચારે બાજુ માત્ર કાદવ જ દેખાય છે. પરિપક્વ મનુષ્ય કાદવના અસ્તિત્વનો સ્વીકાર તો કરે છે, પણ સાથે સાથે જમીન પરથી દ્રષ્ટિ ઊંચી લઈને તારાઓના સૌંદર્યને પણ નિહાળે છે. કાદવ અને તારા એ બંને જીવનની નરી વાસ્તવિકતા છે, પણ કાદવથી ખરડાયા વિના તારાઓની શોભા જોવી, એટલું જ નહિ, પણ તારા પાસેથી સાચી દિશાનું માર્ગદર્શન પામવું એમાં જ જીવનનો પુરુષાર્થ રહેલો છે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે આદર્શો તો તારાઓ જેવા હોય છે. આપણે ક્યારેક એને આંબી શકવાના તો નથી જ, પણ એમની પાસેથી દિશાસૂચન તો પામી શકીએ ને ?

આમ, પરિપક્વ અને અપરિપક્વ વ્યક્તિ વચ્ચેનો મુખ્ય ભેદ એ છે કે પરિપક્વ મનુષ્યના વ્યક્તિત્વમાં લાગણી, બુદ્ધિ, ભાવના, વ્યવહાર વગેરે વિવિધ ઘટકો વચ્ચે પૂરેપૂરી સંવાદિતા ને સુમેળ સધાય છે, જ્યારે અપરિપક્વ મનુષ્યના વ્યક્તિત્વમાં કોઈ એક જ તત્વ બેકાબૂ બની જઈને વ્યક્તિત્વના બીજા તત્વોને દાબી દે છે. અથવા તો વ્યક્તિત્વનાં જુદાં જુદાં અંગો વચ્ચે વિસંવાદ કે વિરોધ સર્જાય છે. માણસની ઉંમર એનાં વર્ષોથી નહિ, પણ એની માનસિક પરિપક્વતાથી ગણાય છે. વૃદ્ધનું વ્યક્તિત્વ પણ ઘણી વાર નાદાન બાળક જેવું હોય છે, જ્યારે ભરયુવાનીમાં પણ માણસ વૃદ્ધનાં ડહાપણ ને સમજણ કેળવી શકે છે. ‘એવું જીવ્યું, જીવ્યું સાચું ગણાય, લાંબે ટૂંકે જિંદગી ના પમાય.’ એ કવિશ્રી મનસુખલાલ ઝવેરીની પંક્તિ વ્યક્તિની પરિપકવતા પરત્વે પણ એટલી જ અર્થપૂર્ણ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લક્ષ્મી પતિ !! – રવીન્દ્ર ઠાકોર
દેખતી મા નો કાગળ… – રમેશ શાહ Next »   

22 પ્રતિભાવો : માનસિક પરિપકવતા એટલે શું ? – પ્રકાશ મહેતા

 1. Saurabh desai says:

  story tells bitter but realistic truth.
  very nice.

 2. કલ્પેશ says:

  આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો ઉપર જણાવેલ માપ-દંડ પ્રમાણે પરિપક્વ ગણાશે (ગાંધીજી, ગૌતમ બુદ્ધ, મહાવીર , ક્રુષ્ણ વિગેરે )

  હજી ઘણુ શીખવાનુ બાકી છે.

 3. tatvachintak says:

  aa dhanu saru aapyu te badal mara abhinndan pathavu chu patel

 4. સુરેશ જાની says:

  બહુ જ પ્રેરણાદાયી લેખ આપવા માટે આભાર …
  આ લેખના અંશ મારા બ્લોગ ‘ અંતરની વાણી’ પર 10 જાન્યુઆરીએ પ્રસિધ્ધ થશે.
  http://antarnivani.wordpress.com/2007/01/10/prakash_mehta/

  જીવનમાં આવું જોમ લાવી દે તેવું વાંચન માણવા આ બ્લોગની મુલાકાત લેવા આમંત્રણ છે.
  ક્લ્પેશભાઇ,
  લોકોત્તર માનવીઓ તો આવા હોય જ છે, પણ આપણા જેવા સામાન્ય માનવી પણ ધારે તો આવી સમતા પોતાના જીવનમાં પ્રગટાવી શકે છે. મને યાદ છે કે સાંઇ કવિ શ્રી. મકરંદ દવેનો એક લેખ રીડ ગુજરાતી પર પ્રસિધ્ધ થયો હતો, જેમાં એક વૃધ્ધ માણસ વગડામાં તેણે રોપેલ એક છોડને પાણી પીવડાવવા ગાઉ છેટેથી પાણી ઊંચકીને લાવતો હતો, તેની બહુ પ્રેરણાદાયક સત્ય કથા વાંચવા મળી હતી. આવાં જીવન જ જીવન કહેવાય; નહીં તો પોતાના માટે તો ઢોર પણ ચરે છે !!

 5. સુરેશ જાની says:

  શ્રી. મકરંદ દવેનો એ લેખ …..
  http://www.readgujarati.com/sahitya/?p=284

 6. ashalata says:

  સુન્દર લેખ !
  અભિનંદન
  આભાર

 7. Chirag says:

  ખુબ જ સરસ લેખ હતો
  too good.
  thanks.

 8. કલ્પેશ says:

  આભાર સુરેશકાકા

 9. shantu says:

  બહુ જ સરસ લેખ છે.

 10. jasama says:

  આભાર્,દરેક વ્ય્ક્તએ વિચાર્વા જેવુ . જિવન જિવવા જેવુ બને.ક્લેશ રહે જ નહિ. જયશરિક્રિશ્ન્.

 11. jasama says:

  આભાર , દરેક જને વિચારવા જેવુ સન્ઘર્શ રહે જ નહિ . જય્શ્રરિ ક્ર્રુશ્ન.

 12. hardik says:

  લેખમા કડવી પણ સાચી વાત કરી છે,જે મુજબ પરિપક્વતા કેડવવી પડે છે.જે ખુબ અધરી છે.

 13. Alkesh Kansara says:

  Fill that after a long time I read a very very good thing. Keep it continue.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.