બગાસું : એક કળા – રમેશ પટેલ ‘ક્ષ’

કોઈ પણની વ્યાખ્યા કરવામાં અમારું વલણ હંમેશા ઉદાર અને ઉમદા રહ્યું છે. આ કારણે, જે વ્યક્તિ કેવળ ટેપ કે રેડિયો વગાડી જાણે છે, એને પણ અમે ‘સંગીતકાર’ તરીકે ઓળખીએ છીએ ! આ જ વલણને કલાના ક્ષેત્રમાં અખત્યાર કરીએ, તો જે વ્યક્તિ પોતાની આગવી અને આકર્ષક શૈલીમાં મઝેદાર બગાસું ખાઈ શકે છે, તેને પણ અમે ‘કલાકાર’ તરીકે ઓળખીએ છીએ !

તમે આજ દિન સુધીમાં જે મહાનુભાવોને મળ્યા હો, તેઓએ તમારી સમક્ષ સંવાદ કરતી વખતે ખાધેલાં બગાસાંઓનું વૈવિધ્ય તમે માણવાનો પ્રયત્ન કર્યો હોય; તો તમને અવશ્ય લાગશે કે બગાસું અર્થાત્ ખાધેલું બગાસું પણ આપણને અફલાતૂન મનોરંજન આપી શકે છે !

આપણા સાર્થ ગુજરાતી ( કે ગૂજરાતી ?) જોડણીકોશમાં ‘બગાસા’ નો અર્થ – ‘ઊંઘ ભરાતાં કે કંટાળાના વખતે દીર્ધ શ્વાસ લેતાં મોં ફાડવું.’ – એવો આપવામાં આવ્યો છે. આ અર્થઘટનને ધ્યાનમાં લેતાં બગાસું ખાવાનો શુભ અવસર બે સ્થિતિમાં ઉપસ્થિત થાય છે. એક તો આપણને ઊંઘ આવતી હોય ત્યારે અને બીજો આપણને કંટાળો આવતો હોય ત્યારે….

આપણે ત્યાં ‘જ્યાં’ જાય ત્યાં આનંદ ફેલાવી દેતા લોકો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એને બદલે ‘જ્યાંથી’ જાય ત્યાં આનંદ ફેલાવી દેતા લોકો વિપુલ પ્રમાણમાં છે, જેઓ આપણને બગાસું ખાવાની કળામાં પારંગત કરીને જ રહે છે ! કેટલીક વાર બગાસું ખાવા માટેના બંને શુભ અવસર એક જ ક્ષણે પણ સર્જાતા હોય છે. ઉદાહરણ તરીકે બગાસા વિશેનો આ લેખ વાંચીને તમને એક જ સમયે કંટાળો અને ઊંઘ એક સાથે આવે એવું બની શકે ! (અલબત્ત, એવી અનન્ય અને આહલાદક ભાવાનુભૂતિ સંપાદકશ્રીને ન થાય ત્યાં સુધી અમે સલામત છીએ !)

એ નિર્વિવાદ છે કે, મનુષ્ય તરીકે આપણે સામાજિક પ્રાણી છીએ. આપણામાં અસામાજિક તત્વો રહેલાં હોય તે અલગ વાત છે, પરંતુ વિચારશીલ સામાજિક પ્રાણી હોવાને કારણે જ આપણને ઊંઘ આવે છે, કંટાળો પણ આવે છે ને એ બંને પ્રક્રિયાઓની પ્રસ્તાવના સ્વરૂપ બગાસું પણ આવે છે ! જે વ્યક્તિ બગાસું ખાઈ શકે છે તેને અમે તો કલાકાર કહી દીધા…. પરંતુ ‘હાઈ સોસાયટી’ તરીકે ઓળખાતો સભ્ય સમાજ એ વાત સાથે સંમત થશે કે નહિ એ હકીકત છે. એ લોકો તો એવું માને છે કે, બગાસું ખાવું ને વિશેષ કરીને જાહેરમાં બગાસું ખાવું એ અસભ્યતાની નિશાની છે ! તેઓ માને છે કે સભ્ય અને વિનયશીલ વ્યક્તિઓ કદી જાહેરમાં બગાસું ખાતી નથી ! (બગાસું તો ઠીક, એવી વ્યક્તિઓ જાહેરમાં પતાસું પણ ખાતી નથી !) અલબત્ત, અનિવાર્ય સંજોગોને કારણે જો વિનયશીલ વ્યક્તિ બગાસું ખાતી હોય તો તે ધન્ય ક્ષણે અન્ય વિનયશીલ વ્યક્તિએ તે પરત્વે આંખ આડા કાન કરવા જોઈએ !

અંગત રીતે અમે એમ માનીએ છીએ કે, બગાસું ખાવું એ પ્રત્યેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. એ અધિકારમાં વિનય કે સભ્યતાના નામે રૂકાવટ ઊભી કરવાનું કૃત્ય ગેરબંધારણીય ગણાવું જોઈએ ! હરકોઈ એ જાણે છે કે, કુદરતી આવેગને પરાણે રોકવાથી યોગ થવાને બદલે રોગ થાય છે. આ કારણે, બગાસું જ્યાં અને જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે ખાવું એ આપણું પરમ કુદરતી કર્મ છે ! આ કારણે, જે કોઈ વ્યક્તિએ જ્યારે અને જ્યાં, જેટલા પ્રમાણમાં બગાસાં ખાવાં હોય તેટલાં બગાસાં ખાવાની તેને છૂટ હોવી જ જોઈએ. આપણે ત્યાં કોઈ ખાવાની ચીજ બિલકુલ વિશુદ્ધ અને ભેળસેળ વિનાની મળતી હોય તો તે (આપણું પોતાનું) બગાસું જ છે !

અન્ય રીતે પણ બગાસું આપણને અત્યંત ઉપયોગી છે. તમારી સન્મુખ તમારી અનિચ્છાએ સંવાદ (કે વિસંવાદ) અર્થે ઉપસ્થિત થયેલા, સવા નવ ને પાંચ સરીખા સજ્જ્ન, અનંતકાળ લગી સંવાદ કરે છે… તમે હકારમાં કેવળ તમારી નાજુક ડૉક હલાવ્યા કરો છો… તમારું ચિત્તતંત્ર અન્યત્ર ભટકે છે – છતાં પણ પેલા સજ્જનને ખ્યાલ નથી આવતો કે વાત કરવાનો સમય પૂરો થઈ ગયો છે ! આ નાજુક ક્ષણે, એક કલાકારની અદાથી તમારા લિજ્જતદાર બગાસાથી તમારા મનોભાવ પ્રસ્તુત કરી પેલા સજ્જને અલવિદા કરી શકો છો ! આપણી માતૃભાષામાં જેને આપણે ‘લપ’ તરીકે ઓળખીએ છીએ, તેને સાંકેતિક ભાષામાં ‘સવા નવ ને પાંચ’ કહે છે. સવા નવ ને પાંચ ને આંકડામાં લખીને શબ્દોમાં વાંચવાથી ‘લપ’ વાંચી શકાય છે, પરંતુ આ લપને વાંચવાનું જેટલું સહજ અને સરળ છે તેટલું જ તેને સમજવાનું ને સ્વીકારવાનું જટિલ છે ! દિનપ્રતિદિન ભટકતી અને ભટકાતી આ ‘લપ’ માંથી આપણને આપણું જ મઝેદાર બગાસું મુક્ત કરે છે ! આ સ્થિતિથી સમીક્ષા કે ઉપસંહારના ભાગ રૂપે એક મહાનુભાવે (બગાસું ખાતાં ખાતાં જ કદાચ !) એવું કહ્યું છે કે, તમે અનેક શબ્દોના ઉપયોગ પછી પણ તમારી જે લાગણી વ્યક્ત કરી શકતા નથી તે માત્ર એક મઝેદાર બગાસાથી કરી શકો છો !

એમાં ય વળી, પરિણીત પુરુષો માટે અર્થાત્ પતિદેવો માટે તો બગાસું એ આશીર્વાદરૂપ બને છે. પત્નીના અસ્ખલિત અને પ્રચંડ વાણીના ધોધની સામે બગાસાની મદદથી જ પતિને પોતાનું મુખ ખોલવા માટે અવકાશ મળે છે ! (અહીં લેખક સ્વાનુભવ પ્રગટ કરે છે તેવી ગેરસમજ ન કરવા અનુરોધ છે !)

બગાસું એ કુદરતે મનુષ્ય જાતિને આપેલી અમૂલ્ય બક્ષિસ છે. માઈક પર બરાડતા નેતાજીને, વર્ગખંડમાં વ્યાખ્યાન આપતા શિક્ષક કે અધ્યાપકને, વ્યાસપીઠ ઉપરથી ઉપદેશ આપતા ઉપદેશકને કે આપણને નહિ ગમતા તમામે તમામને આપણે સહન કરી શકીએ છીએ અને સહન કરી લઈએ છીએ, તેનું એકમાત્ર કારણ છે બગાસું ! બગાસાં દ્વારા જ આપણે સંબંધકર્તા પ્રતિપક્ષને માહિતગાર કરી શકીએ છીએ કે હવે કંટાળો આવે છે, ઊંઘ પણ આવે છે….. હવે ખમૈયા કરો ! આપણે ત્યાં ઘણા બધા નવરાઓ જિંદગીમાં એક જ કામ કરતા હોય છે – ઉંમર વધારવાનું ! પરંતુ આપણો સુધરેલો સમાજ એને કામ નથી ગણતો ! આ કારણે, આ પ્રકારના નવરાઓને બગાસાં ખાવાના કામે લગાડી દેવા જોઈએ. એમ થવાથી પ્રત્યેક વ્યક્તિને ‘કર્મનો સિદ્ધાંત’ સમજવાનું, સરળ થઈ પડશે એ નિર્વિવાદ છે !

રમત-ગમતના ક્ષેત્રે આપણે જ્યારે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકયા નથી, ત્યારે બગાસાં ખાવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વિશે આપણા નાગરિકોને રમતો રમાડીને એ ક્ષેત્રે પણ ઝળહળાટ કરી શકીએ તેમ છીએ ! જ્યારે આપણે સહુ એક સાથે અને એક અવાજે, ચહેરાને અને શરીરને ઉચિત મરોડ આપીને, જોરદાર, મઝેદાર અને લિજ્જતદાર બગાસું ખાઈશું ત્યારે અન્ય રાષ્ટ્રો પોખરણના અણુધડાકા વેળાએ થઈ ગયાં હતાં એવાં જ સ્તબ્ધ થઈ જશે એ નિ:શંક છે !

ઉપસંહારમાં એટલું જ કહેવાનું કે બગાસું ખાવું એ કળા ન હોય તો પણ વિનય-વિવેક ને સભ્યતાને ગોળી મારીને, બેશરમ થઈને જ ખાવું જોઈએ…. અને સમય આવે બરાડવું પણ જોઈએ કે બગાસું ખાવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે !

બાય ધ વે, તમે તો આ લેખ વાંચતાં – વાંચતાં જ તમારો ‘જન્મસિદ્ધ અધિકાર’ ભોગવવા લાગ્યા – એનું શું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દેખતી મા નો કાગળ… – રમેશ શાહ
કંકોતરી પછીના કાગળો – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય Next »   

19 પ્રતિભાવો : બગાસું : એક કળા – રમેશ પટેલ ‘ક્ષ’

 1. Manisha says:

  hahah ! Rameshbhai… Great …… વાચતા જ બગાસુ આયુ…..અને પતાસુ પડયુ……..મજા આઈ…

 2. બગાસુ એ ગંભીર ચેપી રોગ છે…

 3. ashalata says:

  લાગે છે કે હવે “જ્ન્મસિધ્ધ હક્ક ભોગવવો જ પડસે”
  લગે રહો રમેશભાઈ—-
  મજા પડી.

 4. Pravin V. Patel says:

  ભાઈશ્રી ”ક્ષ”, આપના કિરણોએ સમગ્ર માનવ સમાજના આંતરિક લક્ષણોનું ભાવવાહિ દર્શન કરાવ્યું.
  જ્યોતીન્દ્ર દવેના પગલે પગલે પદાર્પણ કર્યું હોય એવાં શરમાતાં શરમાતાં ચરણોનાં હાસ્ય ધ્વનિ સંભળાય છે.
  સહુને શુભમ શુભમ મલકાટ માથે મારો એવી અંતરની શુભેચ્છાઓ.
  મૃર, આપનો આભાર.

 5. hitu pandya says:

  મજા પડિ ગઈ..પન તમે બોસ સામે બગાસા ખાવા પર કોઇ ટિપ્પણિ ન કરિ.એવુ કેમ? પન લેખ બહુ જ સરસ છે,હુઁ પણ પ્રવિણ ભાઇ સાથે સહમત છુઁ.

 6. Champions league final tickets 2008….

  Champions league final tickets 2008….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.