જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ

એક વાર ગામના એક જુવાને વેપારધંધા અંગે કાયમી દિલ્હી રહેવાનું થયું એટલે આગલે દિવસે એ કરસનકાકા પાસે આશીર્વાદ લેવા આવ્યો. કાકાએ કહ્યું, ‘બેટા, જીવનમાં માત્ર સફળ જ ન થજે !’ સૌ ચોંક્યા, ‘આ તે કેવા આશીર્વાદ !’ કાકા આગળ બોલ્યા, ‘પણ મારી આશિષ છે કે તારું જીવન સાર્થક થાઓ !’

યુવકોના ચહેરા પરનો ભાવ કાકા કળી ગયા એટલે બોલ્યા, ‘જરા મારી વાત સમજાવીને કહું. એ તો દેખીતું છે કે દરેક માણસ સુખી થવા ચાહે છે. પહેલાં એને થાય છે કે હું ભણીગણીને હોશિયાર થાઉં તો સુખી થાઉં. ભણી લે એટલે થાય કે કામધંધે લાગી જાઉં તો સુખ આવ્યું જ સમજો. પૈસા કમાતો થાય એટલે થાય કે હવે પરણીને ઘરસંસાર માંડું તો સુખની વર્ષા થાય. પછી થાય કે બાળકોને ઉછેરીને મોટાં કરું અને એમને માટે કાંઈક રોકડ થાપણ મૂકતો જાઉં તો જીવને નિરાંત થાય. પછી થાય કે પોતરાનું મોઢું જોતો જાઉં તો મારા જેવો કોઈ સુખી નહીં. એની આ અને આના જેવી બીજી ઈચ્છાઓ પણ પૂરી થાય, તેમ છતાં છેવટે તો એને એક જાતનો અભાવ જ સાલવાનો. એને થશે કે હું જ્યાં જવા માગતો હતો, તે આ જગ્યા નહીં. હું જવા નીકળ્યો હતો ક્યાંક, ને પહોંચી ગયો ક્યાંક.’

યુવકો એમની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. થોડી વાર રહીને કાકા બોલ્યા, ‘એનું કારણ છે. એની આ બધી સિદ્ધિ બાહ્ય છે. એનો કુટુંબકબીલો, એનો બંગલો, એની મોટરો, એ ગમે એવડી ફાંટ બાંધેને – પણ આ બધી કમાણી બહારની છે. આ બધાથીયે સુખ મળે; પણ અધૂરું. માણસની અંદર એનો આત્મા પણ છે. વચ્ચે વચ્ચે એ કહેતો રહે છે, ‘અમારી માંગ પૂરી કરો !’ જ્યાં સુધી માણસ એના આત્માની માંગ પૂરી નથી કરતો, ત્યાં સુખી એને સુખ નથી મળવાનું. આત્માને અવગણવો સહેલો છે; અવગણીને સુખી થવું મુશ્કેલ છે.’
‘તો શું માણસે પરણવું નહીં ? ઘરસંસાર ન માંડવો ? પૈસા પેદા ન કરવા ?’ કિશોરે પૂછ્યું.
‘શા માટે નહીં ? આ બધું કરવું. એમાં કંઈ ખોટું નથી. પરંતુ આટલેથી જ અટકી ન જવું. નહીં તો તમારો આત્મા તમને સુખે બેસવા નહીં દે. એ ઉઘરાણી કર્યા જ કરશે. કહેશે, તમે મારે માટે શું કર્યું ? અને માનવ જીવનની વિડંબના એ છે કે જુવાનીની ધમાલમાં એને એના આત્માનો મૃદુ સ્વર સંભળાતો નથી. જ્યારે ઘડપણ આવે છે ને બધી ધમાલ શાંત થઈ જાય છે, ત્યારે એ નીરવતામાં એને પેલો સ્વર સંભળાવા લાગે છે. પરંતુ ત્યારે એ પ્રમાણે આચરવાની શક્તિ એનામાં રહેતી નથી. જ્યારે આપણે જોમ ને તાકાતથી ધમધમતા હોઈએ છીએ, આપણામાં જ્ઞાન નથી હોતું; અને જ્યારે જ્ઞાન આવે છે ત્યારે કર્મ કરવાની તાકાત નથી હોતી.’

દિલીપ બોલ્યો : ‘પેલી કહેવત છે ને કે દાંત હતા ત્યારે ચણા ન હતા. ને ચણા છે ત્યારે દાંત નથી.’

‘સાવ સાચી વાત છે.’ કાકા બોલ્યા. ‘અનેક સાંસારિક સિદ્ધિઓ મેળવ્યા બાદ પણ જ્યારે માણસને સુખશાંતિ નથી મળતાં, ત્યારે એ એનું કારણ તપાસવા માંડે છે. તપાસ કરતાં એને ભાન થાય છે કે આ બધું મેળવ્યા છતાં અંદરથી તો હું દરિદ્ર જ રહ્યો. એને રહી રહીને થાય છે કે હું સફળ તો થયો, પણ મારું જીવન સાર્થક ન થયું. આ સાર્થકતાનો ભાવ જો એ આંતરિક સિદ્ધિ મેળવે, તો જ આવે.’

‘આંતરિક સિદ્ધિથી તમે શું કહેવા માંગો છો ?’
‘આપણું અંતર આપણને કહે છે એકલપેટા ન થાઓ. તમારી શક્તિસિદ્ધિનો લાભ સમાજનેય આપો. વિવેકથી કામ લો. સાચને રસ્તે ચાલો. ઈમાનદાર બનો. કાંઈક આવી હોય છે આપણી અંતરની માંગ. જો માણસ આમ કરે તો એનું અંતર પ્રસન્ન થાય ને એને આંતરિક સુખ મળે. પણ મે કહ્યું ને કે માણસને આ બહુ મોડું સમજાય છે. ત્યારે ભૂલ સુધરવાનો સમય નથી રહેતો. પણ જો માણસને સુખી થવું હોય, તો એને બાહ્ય સિદ્ધિની જોડે આંતરિક સિદ્ધિ પણ મેળવવી જોઈશે. બહારના ચણતરની સાથે સાથે ભીતરનું ઘડતર પણ કરવું પડશે. આ બે વચ્ચે જ્યારે માણસ સુમેળ સાધી શકશે, ત્યારે જ એ સુખી થઈ શકશે. ત્યારે એને પોતાનું જીવન કેવળ સફળ જ નહીં, સાર્થક પણ લાગશે. માટે ભાઈ, મેં જે આશિષ આપી, એને ભૂલ તો નહીં સમજે ને ?’

પેલા યુવકે કહ્યું : ‘તો તો કાકા, આટલા દિવસથી અમે તમારી પાસે જે સાંભળતા આવ્યા છીએ, એ બધું નિરર્થક જ ગયું ગણાય ને ? મને વિશ્વાસ છે કે તમે ચીંધેલ માર્ગે હું ચાલી શકીશ ને સાચા અર્થમાં સુખી થઈ શકીશ. પણ પછી હું ખરેખર સુખી છું કે નહીં, એ જોવા તમારે એક વાર મારે ત્યાં દિલ્હી આવવું પડશે, હોં કે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કંકોતરી પછીના કાગળો – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય
પૂર્ણવિરામ – વિશાલ દવે Next »   

18 પ્રતિભાવો : જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ

 1. Ritesh says:

  કરસન કાકાની વાત તદન સાચી….

 2. ashalata says:

  સાચી વાત ——-
  ભીતરનુ ઘડ્તર કરવા સમય કોની પાસે છે?

 3. Kamlesh says:

  Even, Today in society good activity for self retrspection, progracive & powerful thoughts around us – we have to just serch around us.

 4. Swati Dalal says:

  I totally agree with kaka’s thoughts. To become man we do have such good qualities of life, and then only we can called man. Honesty, Kindness, Love, Respect etc. are necessary for life as roti, kapda and makan.

 5. JAWAHARLAL NANDA says:

  બિલકુલ સાચુ, સનાતન સત્ય વચન ,દરેક યુગ મા સાચિ વાત

 6. Jayant Shah says:

  જ્યા લગી તવ આત્મા ચિન્તવ્યો નહી ત્યા લગી સર્વ
  સાધના જુઠી .આ લેખને આજ લાગુ પઙે . નહી ?
  જયન્ત શાહ

 7. અમૃતલાલ વેગડનાં- નર્મદા પરિક્રમા પરના પુસ્તકો ખરેખર વાચવાં જેવા છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.