હસે એનું ઘર વસે – બહાદુરશાહ પંડિત

ઈ.સ. 1918ના ઑગસ્ટ માસમાં ગાંધીજીની તબિયત ખૂબ બગડી ગઈ હતી. એક વખત તો એમ લાગ્યું કે ગાંધીજી ભાગ્યે જ બચશે. પણ પછી એમની તબિયતમાં સુધારો થવા લાગ્યો. એ સમયે એમણે એક સંબંધીને લખેલા પત્રમાં લખેલું : ‘મારી તબિયત ચંદ્રમાની કળા જેવી છે. વધે છે અને ઘટે છે. માત્ર અમાવાસ્યામાંથી છટકી જાય છે.’ પોતાના ભોગે હસવાની આ કળા દુનિયાના લગભગ બધા મહાપુરુષોએ સિદ્ધ કરી જણાય છે. એનું કારણ એ છે કે હાસ્ય નિર્મળ હૃદયમાંથી ફૂટી નીકળતું ઝરણું છે. નિખાલસ અને સરળ હૃદયનો માણસ જ ખડખડાટ હસી પડે છે. અંગ્રેજ લેખક થૅકરે કહે છે : People who do not know how to laugh are always pompous and conceited. જે લોકોને હસતાં આવડતું નથી એ લોકો દંભી અને મિથ્યાભિમાની હોય છે.

હાસ્ય જીવન જીવવાની જડીબુટ્ટી માત્ર નથી પણ જીવનનો સંગ્રામ જીતવાનું હથિયાર પણ છે. સાવ અજાણી જગ્યાએ તમે ગયા હો અને કોઈ તમારું પરિચિત ના હોય ત્યારે તમે હાસ્યના બદલામાં મોંઘી મૈત્રી પ્રાપ્ત કરી શકો છો. સ્વામી રામતીર્થ સ્ટીમરમાં અમેરિકા જતા હતા. સાન્ફ્રાન્સિસ્કો બંદરે પહોંચતાં ઉતારુઓ સરસામાન લઈ ઝડપભેર નીચે ઊતરવા લાગ્યા, પણ સ્વામીજી તો શાંતિથી બેસી રહ્યા. એમને આમ શાંતિથી બેસી રહેલા જોઈ એક અમેરિકન એમની પાસે આવ્યો ને બોલ્યો :
‘આપ ક્યાંથી આવો છો ? આપનો પરિચય ?’
‘હું હિન્દુસ્તાનનો ફકીર છું.’
પેલા અમેરિકને જોયું કે સ્વામીજી પાસે નહોતો કશો સરસામાન કે નહોતું પૈસાનું પાકીટ. એથી એણે પૂછ્યું : ‘અમેરિકામાં આપનો કોઈ મિત્ર છે કે ?’
સ્વામી રામતીર્થે પેલા અમેરિકનના ખભે હાથ મૂકી હસતાં હસતાં કહ્યું : ‘હા જી, હું માત્ર એક જ અમેરિકનને ઓળખું છું અને તે આપ છો !’ અને સ્વામીજીના મધુર હાસ્યની એ અમેરિકન પર એવી અસર થઈ કે એ એમને પોતાના ઘેર જ લઈ ગયો.

સ્વામીજીના મધુર હાસ્યના પ્રભાવનો એક બીજો દાખલો પણ અહીં યાદ કરવા જેવો છે. સ્વામીજી સાનફ્રાન્સિસ્કોથી ન્યૂયૉર્ક જવા ઈચ્છતા હતા ત્યારે મિલ ટેલર નામનાં એમનાં શિષ્ય ખ્રિસ્તી ધર્મગુરુઓને રેલવેમાં મળતો ઓછા દરનો લાભ સ્વામીજીને આપવાના ગ્રેઈટ પૅસિફિક રેલરોડ કંપનીના મૅનેજરને મળ્યાં. એમની વાત સાંભળી મૅનેજર તો આનંદવિભોર બની બોલ્યા : ‘શું એમને ઓછા દરની ટિકિટ અપાવું ? એમને તો હું પુલમેન કાર મફત આપીશ. એમનાં હાસ્ય રોક્યાં રોકાય તેમ નથી. એમના હાસ્યમાં એવું માધુર્ય અને મનમોહક આકર્ષણ છે કે ભલભલાને મુગ્ધ કરી નાખે છે.’ એમ કહીને તેમણે પોતાની રેલવેમાં એક સુંદર ડબો સ્વામી રામતીર્થ માટે કાઢી આપ્યો.

તમારા પરિચયમાં આવતી પ્રત્યેક વ્યક્તિ સાથે હસીને વાત કરો અને એનું પરિણામ શું આવે છે તે જુઓ. એલ્લા વ્હીલર વિલકોક્સ નામનો લેખક કહે છે કે ‘તમે જ્યારે હસો છો ત્યારે આખું જગત તમારી સાથે હસે છે, પણ જ્યારે તમે રડો છો ત્યારે એકલા જ હો છો.’ જગતમાં હસવાની શક્તિ એકલા માનવપ્રાણીને જ મળી છે કેમ કે એને વિચારવાની, તર્ક કરવાની શક્તિ મળી છે. આ અમૂલ્ય શક્તિનો ઉપયોગ કરીને માણસ ગમે તેવી વિકટ પળોમાં પણ હળવાશ અનુભવી શકે છે.

કોઈકે ગાંધીજીને પૂછ્યું હતું : ‘તમે એમ માનો છો કે વિનોદવૃત્તિ જીવનનું એક આવશ્યક અંગ છે ?’ જવાબમાં ગાંધીજીએ કહ્યું : ‘મારામાં જો વિનોદવૃત્તિ ન હોત તો મેં ક્યારનોય આપઘાત કર્યો હોત.’

સર જેઈમ્સ બેરીએ એના એક પુસ્તક ‘પીટર પાન’ માં લખ્યું છે કે જ્યારે પહેલું બાળક પહેલી વાર હસ્યું ત્યારે તે હાસ્યના હજારો ટુકડા થઈ છલાંગ મારી કૂદવા લાગ્યા. એ હતી પરીઓની શરૂઆત. દંભના ફુગ્ગાની હવા કાઢી નાખવા અને તંગ મનોદશામાંથી મુક્ત થવા હાસ્ય જેવું કોઈ ઉત્તમ ઔષધ નથી. દીર્ધ ને સુખી જીવન જીવવા માટે હાસ્ય જેવું અદ્દભુત કોઈ ટૉનિક નથી. રમૂજવૃત્તિ વિનાનો માણસ એ સ્પ્રિંગ વિનાની ગાડી જેવો છે. રસ્તા પરના ખાડાટેકરા એની ગાડીને હચમચાવી નાંખે છે.

વિલ રૉજર્સે એક સરસ સલાહ આપી છે. એ કહે છે કે હું દરેક માણસને મળતાં ચહેરા પર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખતો હતો. પરિણામે હું એવા એક પણ માણસને મળ્યો નથી જેને હું ચાહતો ના હોઉં. હાસ્ય એ નિર્મળ હૃદયમાંથી ફૂટતો નૈસર્ગિક ફુવારો છે. જે હસી શકે છે, એ ચાહી શકે છે અને સહી શકે છે. પણ હાસ્ય એટલે ઠઠ્ઠા નહિ, ક્રૂર મજાક નહિ. એક કવિએ કહ્યું છે એમ –

હસવું એવું હોય કે જેથી હાણ ના નીપજે;
હસવે માર્યા કોઈ એ હસવાથી ભસવું ભલું.

હાસ્ય સદા આનંદ નિષ્પન્ન કરે. એમાં ગ્લાનિ ના હોય. જેનાથી કોઈને દુ:ખ થાય, પીડા થાય એ હાસ્ય નથી, આગ છે. રમૂજ નથી કટાક્ષ છે. એવા હાસ્યમાં પ્રેમ નથી, ઈર્ષ્યા છે , દ્વેષ છે. હાસ્યનું મોતી પ્રેમની છીપમાં પાકે છે. દ્વેષની આગમાં તો એ ભસ્મ થઈ જાય.

હસો, ખૂબ હસો, હજીય વધુ હસી લો જરા;
પરંતુ હસવા સમી નવ બનાવશો જિંદગી.

આ પંક્તિઓમાં કવિએ એક સુંદર સલાહ આપી છે. ગંભીર જિંદગીના પહાડમાંથી હાસ્યનું ઝરણું પ્રકટ થાય છે. જિંદગી હાસ્યાસ્પદ બને તો હાસ્યનો આનંદ લૂંટી શકાતો નથી. જગતના બધા મોટા માણસોમાં હાસ્યની મૌલિક સૂઝ હોય છે. અબ્રાહમ લિંકન, ટૉલ્સ્ટૉય, ચર્ચિલ, બર્નાડ શૉ આદિએ હાસ્ય-રમૂજના અનેક મૌલિક દ્રષ્ટાંતો પૂરાં પાડ્યાં છે.

એમર્સને કહ્યું છે કે – The Perception of comic is a tie of sympathy with men a pledge of sanity. We must learn by laugh as well as by tears and terror.

જે દિવસમાં એકાદ વાર ખડખડાટ હસી શકે છે, એ આયુષ્યમાં વર્ષો ઉમેરી શકે છે, કારણકે હાસ્ય મનની તંગ દશાનો સેફટી વાલ્વ છે. ‘હસે એનું ઘર વસે’ એ કહેવતનો ગૂઢાર્થ સમજવા જેવો છે. ઉપલક રીતે એ કહેવતનો અર્થ એમ મનાય છે કે જે માણસ હસતો રહે, પ્રસન્ન રહે એનું ઘર એટલે લગ્નજીવન, કૌટુંબિક જીવન, ગૃહસ્થજીવન સ્થિર રહે છે પણ ગૂઢ રીતે એનો અર્થ એવો થાય છે કે જે માણસ હસતો રહે છે એ જ્યાં જાય ત્યાં ઘર જેવું પ્રસન્ન, નિખાલસ અને મુક્ત વાતાવરણ સર્જી શકે છે. એ જ્યાં જાય ત્યાં ઘરમાં બેઠો હોય એટલી સ્વસ્થતા ને સલામતી મેળવી શકે છે. આમ, ‘હસતો નર સદા સુખી’ એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. અંગ્રેજી કહેવત ‘One who laughs, lasts.’ એનો અર્થ પણ આવો જ થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૂર્ણવિરામ – વિશાલ દવે
સાહિત્ય-મંદિરનો ભક્ત – જયવંત દળવી Next »   

12 પ્રતિભાવો : હસે એનું ઘર વસે – બહાદુરશાહ પંડિત

 1. hitu pandya says:

  ઘણો સરસ લેખ..હસે છે બધાઁ પણ ઘણા ઓછા લોકો સાચા અર્થ મા હસતાઁ હોય છે.જે માણસો હસવુઁ જાણે છે તેમણે laughter club મા જવા ની જરુર રહેતી નથી.

 2. ashalata says:

  સુન્દેર લેખ—-

  કળિયુગમા સાચો રામબાણ ઈલાજ

 3. એ હસે ઇ ના ઘર વસે,
  પછે…
  વસે પછે કેટલા હસે… 🙂

 4. Swati Dalal says:

  I like it. I love to laugh on myself as well others. Who can on ownself have right to laugh on others also that is what I believe.

 5. YOGENDRA K.JANI. says:

  Really a nice artical. It is quite necessary to laugh during this crucial life. We hardly laugh.
  All should ask themselves when they laughed last? Most of you will unable to answer.
  y.k.jani/Newyork.

 6. Jayant Shah says:

  અમિત પિસાવાઙિયાની comment ગમી.
  વસે પ છી કેટલા હસે એ સૂચક છે .

  જયન્ત શાહ .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.