ઘેરાતી સાંજ – નીતિ દવે

મેં પેલા ઘટાદાર વૃક્ષ નીચે પગ મૂક્યો અને રોજની જેમ કોયલ ટહુકી. મને ખબર છે ડાળીઓની ઝાડીમાં છૂપાયેલી કોયલની જેમ એ પણ અહીં ક્યાંક આસપાસ હશે. બગીચામાં ઘેરાતી સાંજના ઝાંખા પડછાયાઓના અડાબીડ ઝુંડમાંથી અચાનક પ્રગટીને એ હંમેશની જેમ ઉત્સાહભેર મારી સામે દોડી આવશે ? કે પછી એક અજાણ્યો ખચકાટ એના પગ રોકી લેશે ? એને એવી સમજણ પડતી હશે કે આ બધું શું થઈ રહ્યું છે ! એ આવું કંઈ વિચારી પણ શક્તો હશે? આ સારું કહેવાય અને આ ખરાબ એવી કોઈ ભેદરેખા એના મગજમાં દોરાયેલી હશે કે નહીં ? આપણે જોઈ શકતા ચહેરાની પાછળ રહેલું અકળ મન સમજવું અઘરું હોય છે. પહેલી વાર જ્યારે મેં એને જોયો, ત્યારે આમ તો એનો ચહેરો ઘણું બધું કહી દેતો હતો, પણ એ માત્ર ઘણું હતું, બધું નહોતું.

એ સાંજે રોજની જેમ આ વિશાળ બગીચાને ફરતે બનાવેલા વૉક-વે પર હું ચાલી રહી હતી. ઈવનિંગ વૉક માટે હું રોજ બગીચામાંના રંગબેરંગી ફૂલો પરથી વહી આવતી સુગંધીદાર હવા, ઢળતા સૂરજની ઝાંખી રોશની, પક્ષીઓનો સમી સાંજનો કલરવ અને લૉનમાં રમતાં ભૂલકાંઓનો અલ્લડ અવાજ – આ બધી મારા ઈવનિંગ વૉક સાથે જોડાયેલી ઘટનાઓ હતી. આ ઘટનાઓના નશામાં ડૂબેલી હું ચાલી જતી હતી, ત્યાં અચાનક પાછળથી અવાજ આવ્યો, ‘આન્ટી !’ મેં પાછળ નજર કરી. ઢળી ચૂકેલી સાંજના ઝાંખા અજવાસમાં ઘેરો લાગતો પાછળનો રસ્તો સાવ ખાલી હતો. અવાજ ક્યાંથી આવ્યો મને સમજાયું નહીં. એ અવાજ તરફ ધ્યાન આપ્યા વગર હું પાછી ચાલવા લાગી. આમેય અહીં મને કોઈ ઓળખે એવું હતુંયે નહીં ! પણ જેવી પાછી ફરીને ચાલવા લાગી કે ફરી અવાજ આવ્યો, ‘આન્ટી, આવો !’ મારા પગ રોકાઈ ગયા. હું પાછળ ફરી પણ મને કોઈ દેખાયું નહીં. ફરી બૂમ પડી, ‘આન્ટી આવો ને !’ મેં તરત અવાજની દિશામાં જોયું. બગીચામાં મહેંદીની વાડ પાછળથી અવાજ આવ્યો હતો. હું આગળ કંઈ વિચારું એ પહેલાં જ વાડ કૂદીને એ બહાર રસ્તા પર આવ્યો. આશરે પંદરેક વર્ષનો કિશોર. શૉર્ટ અને ટીશર્ટમાં સજ્જ, પગમાં સ્પોર્ટ્સ શૂઝ. દોડીને મારી નજીક આવ્યો ત્યારે એનો ચહેરો ઝાંખા અજવાળામાં બરાબર દેખાયો. કંઈક અસ્વાભાવિક હતું એ ચહેરામાં. એક કિશોરનો હોય તેવો સામાન્ય ચહેરો નહોતો. કંઈક જુદું તત્વ હતું. એકદમ ભોળું ભોળું હસ્યો, મારી સામે. ‘આવો ને બેસો !’ એણે મારો હાથ પકડી મને નજીકના બાંકડા તરફ ખેંચી. થોડાં અસ્પષ્ટ ઉચ્ચાર સાથે આ શબ્દો બોલાયા હતા. અને બોલવામાં થોડી તકલીફ પડતી હતી.

‘આપણે થોડી વાર પછી બેસીએ તો ? હું મારી ચાલવાની કસરત પૂરી કરી લઉં પછી.’ એ કંઈ સમજ્યો ના હોય તેમ મારી સામે આંખો પટપટાવીને જોઈ રહ્યો. મને થયું આને બોલવાની જેમ કદાચ સાંભળવાની પણ તકલીફ હશે. હું એને ઈશારા વડે આ વાત સમજાવવા જતી હતી, ત્યાં જ મેં કહેલી વાત એને સમજાઈ હોય તેમ છાતી પર હાથ મૂકી પોતાની જાત સૂચવીને બોલ્યો, ‘હું…’ આટલું બોલીને હાથ વડે ચાલવાનો ઈશારો કર્યો ને મારી સામે જોયું. હું સમજી ગઈ. એ એમ કહી રહ્યો હતો, ‘તો હું તમારી સાથે ચાલું ?’ એ કદાચ આખાં વાક્યો નહોતો બોલી શકતો. એ મારી સાથે ચાલવા લાગ્યો. મેં મારી ઝડપ ઓછી કરી, કારણકે તે મારી ઝડપે ચાલી શકતો નહોતો.
‘શું નામ છે તારું ?’ મેં એને પૂછ્યું.
કંઈક અસ્પષ્ટ ઉચ્ચારો સંભળાયા.
‘શું ?’ મેં ફરી પૂછ્યું. ફરી એ જ અસ્પષ્ટ શબ્દ. મને કંઈ સમજાયું નહીં. મેં નામ પૂછવાનું માંડી વાળ્યું.
‘તું અહીં રોજ આવે છે ?’ એણે ગરદન હલાવી હા પાડી.
‘શું કરે છે રોજ ?’
બાગમાં રમતાં બાળકો તરફ જોઈ બોલ્યો, ‘રમું !’
‘શું રમે ?’
હાથ વડે એણે બેટ વીંઝવાનો અભિનય કર્યો.
‘ક્રિકેટ !’
‘હં’ પછી પગ વડે બોલ ઉછાળતો હોય તેવો અભિનય કર્યો.
‘ફૂટબૉલ !’
‘હાં’ એણે લૉનમાં રમતાં થોડાં બાળકો તરફ આંગળી ચીંધી.
‘આ બધાં સાથે રમે છે ?’
એણે માથું નમાવી ‘હા’ પાડી. મારી સાથે વૉક વે પર ચાલતા ચાલતા એના હાથ બાજુની મહેંદીની વાડ પર ફરતા હતા. વચ્ચે વચ્ચે એના લીલાં પાંદડાં તોડી જુસ્સાથી મસળીને કૂચો કરીને નીચે ફેંકતો જતો હતો. જ્યાં વાડ પૂરી થઈ ત્યાં ફૂલોનો ક્યારો હતો. ક્યારામાં સૂરજમુખીના પીળાં ફૂલો લહેરાઈ રહ્યાં હતા. મહેંદીના પાંદડાંની જેમ સૂરજમુખીનું ફૂલ જોરથી ખેંચીને તોડ્યું અને હાથમાં લઈને મસળી નાંખે એ પહેલાં મેં એનો હાથ પકડી લીધો. એની ક્રિયામાં ખલેલ પડ્યો, એ એને ગમ્યું નહીં. એણે જોરથી મારો હાથ ઝાટકી નાંખ્યો.
‘હાં….હાં… આવું નહીં કરવાનું ! પાંદડાં અને ફૂલો આમ તોડાય ? એ તો એના છોડ પર જ શોભે !’

ફરી પાછો કંઈ સમજાયું ના હોય તેમ મારી સામે તાકી રહ્યો. મને હવે એના અસ્વાભાવિક દેખાતા ચહેરાનું રહસ્ય સમજાવા લાગ્યું હતું. આ કિશોર કદાચ મંદબુદ્ધિનો હતો. મેં ધ્યાનપૂર્વક એનો ચહેરો જોયો. ચહેરાના પ્રમાણમાં માથું મોટું હતું. આંખો મોટી, નાક ઝીણું અને હોઠ વધુ પડતા જાડા. બોલતી વખતે જીભ પકડાતી હોય તેમ હોઠની બહાર આવી જતી હતી. જેને કારણે શબ્દોના ઉચ્ચાર સ્પષ્ટ નહોતા થતા. મને દુ:ખ થયું. એ હજી પણ ભાવવિહીન ચહેરે મારી સામે જોઈ રહ્યો હતો. મેં વહાલપૂર્વક એના માથે હાથ ફેરવ્યો. એ વહાલ એને સમજાયું હોય તેમ પોતાના હાથમાંનું સૂરજમુખીનું ફૂલ મારી સામે ધરી સ્મિત કર્યું. એ ફૂલ હાથમાં લઈને મેં એના ટી-શર્ટના બટન હૉલમાં ભરાવી દીધું. એ ઘડીકમાં એના ટીશર્ટમાં ભરાવેલા ફૂલ સામે અને ઘડીકમાં મારી સામે જોઈ રહ્યો. પછી હાથના અંગૂઠા અને પહેલી આંગળીને ગોળાકારમાં જોડી ખુશીથી છલકાતી આંખે મારી સામે જોઈને બોલ્યો :
‘સરસ !’ ઉચ્ચાર થોડો અસ્પષ્ટ હતો, પણ એણે હાથથી બનાવેલી મુદ્રા અને આંખમાંથી છલકતી ખુશીને કારણે હું અનુમાન કરી શકી.

‘આન્ટી….’ મારી સામે આંગળી દર્શાવી બોલ્યો, ‘સરસ !’
હું સારી છું એવું એ કહેવા માંગતો હતો. સાંજના ઝાંખા અજવાળામાં અમે ચાલતા રહ્યા. આખા બાગના હું રોજ પાંચ ચક્કર લગાવતી. એક ચક્કર પૂરું થયું, ત્યાં સુધી એ મારી સાથે ચાલ્યો. પછી એના મિત્રો પાસે દોડી ગયો. ધીરે ધીરે અંધકાર ઘેરાઈ ગયો અને બગીચાના દીવાઓ ટમટમી ઊઠે એ પહેલાં એના મિત્રો સાથે એ ઘરે ચાલી ગયો. મિત્રો એને સંભાળપૂર્વક હાથ પકડીને સાથે લઈ ગયા. આજની સાંજે મોકલેલો અંધકાર ઉદાસી લઈને આવ્યો હતો. ટમટમી ઊઠેલા દીવાઓ પણ એને હટાવી ના શક્યા.

પણ એના માટે તો ઉદાસી જેવો કોઈ શબ્દ જ નહોતો. બીજા દિવસે સાંજે મારી નજર બગીચામાં એને શોધતી હતી. એના મિત્રો રમતાં હતાં, પણ એ ક્યાંય દેખાયો નહીં. આજે નહીં આવ્યો હોય ? વિચારમાં મગ્ન હું વૉક વે પર ચાલી રહી હતી. અચાનક રસ્તાની બાજુની ફૂલોની ઝાડીમાંથી એક ઓળો મારી પર કૂદ્યો.
‘હાઉ….’
હું ડરીને પાછળ હટી ગઈ. એ ખડખડાટ હસ્યો. જોરજોરથી તાળી પાડી. આંખોમાં અજબ શરારત હતી. છે ક્યાંય ઉદાસીનું નામોનિશાન ! એ સાંજે એની સાથે બાંકડા પર બેઠા બેઠા મેં એને પૂછ્યું હતું,
‘તું સ્કૂલે જાય છે ?’
એણે હકારમાં માથું હલાવ્યું.
‘ત્યાં શું શીખે છે ?’
‘અન, તુ, થી….’ વારાફરતી એક, બે, ત્રણ આંગળીઓ ઊંચી કરીને એ બોલ્યો. મારી હથેળી પોતાના હાથમાં લઈ બીજા હાથની આંગળીથી એમાં ‘વન’નો આંકડો લખ્યો. એના હાથ સ્થિર નહોતા રહી શકતા એટલે લખવામાં તકલીફ પડતી હતી, છતાં લખ્યું ખરું ! એણે પહેરેલું શર્ટ બતાવી કહે,
‘નઉં’
‘નવું છે ? વાહ બહુ સરસ છે !’
એ ખુશ થઈ ગયો. જતા જતા મારા હાથ પર ટપલી મારતો ગયો. હવે એ રોજ સાંજે મળતો. ઉત્સાહભેર દોડી આવતો. ક્યારેક મારી સાથે થોડું ચાલતો, ક્યારેક હું એની સાથે થોડી વાર બાંકડા પર બેસતી.

એમજ એક સાંજે મારી સાથે બેઠો હતો. એના હાથમાં દીવાસળીની ખાલી પેટી લઈને રમતો હતો. એક યુવાન અમારી આગળથી મોબાઈલ ફોન પર વાત કરતો કરતો પસાર થયો. મારો નાનકડો દોસ્ત આ યુવાનને તાકી રહ્યો હતો. અચાનક એને શું સૂઝ્યું કે એણે હાથમાંની બાકસને અડધી ખોલી પોતાના કાન આગળ મૂકી અને બોલ્યો, ‘હેલો…ઓ….ઓ…..’ બાકસની પેટી જાણે મોબાઈલ હોય તેમ એણે અભિનય શરૂ કર્યો. એ હેલો બોલ્યો અને તરત જ ઉપરના વૃક્ષની ઘટામાંથી કોયલ ટહુકી. એ ચમક્યો. એણે મને ટહુકાની દિશા બતાવી અને ખુશ થઈને હસ્યો. એ ફરી એની અસ્પષ્ટ ભાષામાં એના મોબાઈલ ફોનમાં કંઈક બોલ્યો અને ફરી કોયલ ટહુકી. હવે એની સાથે મને પણ મજા પડી રહી હતી. કોયલ સાથેનો એનો મોબાઈલ ફોન લાંબો ચાલ્યો. વચ્ચે વચ્ચે હસતો હતો. જાણે ખરેખર કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરી રહ્યો હોય એવો જ અભિનય હતો. કોયલ સાથે વાત અને એ પણ મોબાઈલ ફોન પર ! કેટલી કલ્પનાશીલતા ! મને તો આવું કદી ના સૂઝે ! છતાંય હું સ્વસ્થ કહેવાઉં અને એ મંદબુદ્ધિ ! કોયલ સાથે વાત કરવાથી આજે એટલો ખુશ હતો કે જતાં જતાં મારા હાથ પર રોજની જેમ ટપલી મારવાને બદલે પંપાળીને દબાવ્યો. કંઈક વિચિત્ર સ્પર્શ હતો. મેં એની સામે જોયું. પણ ઘટાદાર વૃક્ષની ઝાડી નીચે ઘેરાતી સાંજના અંધકારમાં એની આંખોમાં ઊતરી આવેલાં ઘેરાં પડછાયાઓની ઓળખાણ ના પડી.

પણ ગઈ કાલે સાંજે એની આંખો બહુ સ્પષ્ટ બોલતી હતી. એની નજર મેં પહેરેલા જીન્સ પેન્ટ અને સ્લીવલેસ ટોપની આરપાર ફરતી હતી. અજબ લાલસા હતી આંખોમાં. એને સમજ પડતી હશે કે આ એને શું થઈ રહ્યું છે ? મારી સાથે ચાલતા ચાલતા એણે મારા ખભા પર પોતાનો હાથ મૂકી દીધો. શું કહું એને ? ‘તું તો હવે મોટો થઈ ગયો છે ને ! મારો ટેકો લીધા વિના એકલા ચાલવાનું હં ને !’ એને પટાવતી હોઉં તેમ મેં ધીરેથી એનો હાથ મારા ખભા પરથી હટાવી લીધો.
જિદ્દી બાળકની જેમ એણે જોરથી બરાડો પાડ્યો : ‘ના !’

બળપૂર્વક ફરી મારા ખભા પર હાથ મૂક્યો. એના હાથની ગરમી મારી ખુલ્લી ત્વચાને દઝાડતી હતી. એને કઈ રીતે સમજાવું ? અંદર જાગી ઊઠેલી આ કુદરતી વૃત્તિ દબાવી દેવી એના માટે શક્ય બનશે ? મન તો થયું કે એનો હાથ તરછોડી ઝડપથી ઘરે ચાલી જાઉં. મારે અને એને શું સંબંધ હતો ? પણ બીજી ક્ષણે અંદરથી અવાજ આવ્યો, ‘આ તો સ્વાર્થીવૃત્તિ અને પલાયનવાદ કહેવાય ! એક એવો કિશોર જેને પોતાની જાત સાથે શું થઈ રહ્યું છે એની સમજ નથી પડતી – એનો એમાં શું દોષ ? બુદ્ધિનો વિકાસ ના થયો પણ શરીરના વિકાસ સાથે એની જરૂરિયાતો પણ જાગે ને ? એનામાં જાગી ઊઠેલી વૃત્તિનું નિયમન કરતાં કઈ રીતે શીખવું ? આ વાત કઈ રીતે સમજાવવી ? શું કરું ?….’ રસ્તા પર અમારી આગળ એક ખિસકોલી દોડી રહી હતી.
‘જો, જો, પેલી ખિસકોલી કેવી રીતે દોડે છે ? ચાલ, આપણે ખિસકોલી સાથે પકડદાવ રમીએ ! આપણે બંને ખિસકોલીને પકડવા દોડીએ ?’
‘હાં હાં’ પ્રસ્તાવ એને રોમાંચિત કરી ગયો.

અમે બંને ખિસકોલી પાછળ દોડ્યા. ચંચળ ખિસકોલી આમ તેમ, વાંકી ચૂકી, આડી અવળી દોડી – ક્યારેક ક્યારામાં તો ક્યારેક ઝાડી વચ્ચે, ક્યારેક લોનમાં તો ક્યારેક વૉક વે પર ! દસ મિનિટની રમતને અંતે ખિસકોલી તો વૃક્ષની ડાળી પર ચડીને આરામથી પૂંછડી લહેરાવતી હતી. પણ અમે બંને હાંફતા હતા. શ્વાસ ચઢી ગયો હતો. એ લૉનમાં નીચે જ બેસી ગયો. હવે એની નજર ખિસકોલી તરફ હતી. ચહેરા પર સંતોષના સ્મિત સાથે હું ઘર તરફ વળી.

વૃક્ષની ઘટામાંથી કોયલ આજે પણ ટહુકી હતી. આજે પણ સાંજ ઘેરાવા લાગી છે. હરિયાળી લૉનમાં બાળકો ધમાચકડી કરી રહ્યા છે. એ બધાં સાથે ક્યાંક એ આજે પણ રમતો હશે. મને જોઈને કદાચ આજે પણ એ ઉત્સાહભેર દોડી આવશે અને કદાચ આજે પણ અમે ખિસકોલી સાથે પકડદાવ રમીશું ! એણે તો જિંદગીભર આ રમત રમવી પડશે ! કદાચ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રમેશ પારેખની બાળવાર્તાઓ – ઈશ્વર પરમાર
મોતીચારો – ડૉ. આઈ. કે. વિજળીવાળા Next »   

10 પ્રતિભાવો : ઘેરાતી સાંજ – નીતિ દવે

 1. સુરેશ જાની says:

  ‘લોહીની સગાઇ’ પછી વાંચેલી મંદ બુધ્ધિ બાળકની આ પહેલી જ વાર્તા છે. આ સિવાય આ બહુ જ સંવેદનશીલ વિષય ખાસ કોઇ લેખકે હાથમાં લીધાનું મારા જાણમાં નથી.

 2. gopal parekh says:

  સંવેદના જગાડે એવી ,સરસ વાર્તા

 3. Neeta kotecha says:

  aava bachcho mate bahu vichar aave k su chaltu hase aa loko na magaj ma. amari aaju baju aava 2 bachcho che pan aapne vadhare emni par dhyan aapiye to emna garnao ne khrab lage che. etle jo kai hakikat hoy to haji kaheva maherbani. aa varta e man ma halchal machavi didhi.

 4. ritesh says:

  The way inwhich writer has described the evening is truely amazing… good story

 5. ઋષિકેશ says:

  Touching story, makes us think for a while.. It truely changes our view-point towards Mentally retarded children (rather people)..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.